સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/બાળપણ ૧

From Ekatra Wiki
Revision as of 11:35, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મારો જન્મ થયો હતો જૂના કલકત્તામાં. તે વખતે શહેરમાં ટપ્પા છડ છડ કરતા ધૂળ ઉડાડતા દોડતા અને હાડપિંજર જેવા ઘોડાની પીઠ પર દોરીનો ચાબખો પડતો. તે વખતે નહોતી ટ્રામ, નહોતી બસ કે નહોતી મોટરગાડી. તે વખતે કામકાજની આવી બેદમ ધમાલ નહોતી. બાબુલોકો હૂકાનો બરાબર દમ લઈને પાન ચાવતા ચાવતા ઑફિસમાં જતા — કોઈ પાલખીમાં, તો કોઈ ભાગમાં ગાડી કરીને. સ્ત્રીઓને બહાર જવું— આવવું હોય તો બંધ બારણાંવાળી પાલખીના ગૂંગળામણ થાય તેવા અંધારામાં પુરાઈને જ તેમનાથી જઈ શકાતું. ગાડીમાં બેસવું એ બહુ શરમાવા જેવું ગણાતું. તાપમાં કે વરસાદમાં માથા પર છત્રી ઓઢી શકાતી નહિ, કોઈ સ્ત્રીના શરીર પર કબજો કે પગમાં જોડા દેખાય તો લોકો તેને ‘મેમસાહેબ’ કહેતા; એનો અર્થ એ કે એણે લાજશરમને નેવે મૂકી છે! શ્રીમંતોની વહુબેટીઓની બાજુમાં પિત્તળની કડિયાળી ડાંગ હાથમાં લઈને દરવાન ચાલતો. આ દરવાનોનું કામ દેવડી પર બેસીને ઘરની ચોકી કરવાનું, બૅન્કમાં રૂપિયા અને સગાંસંબંધીને ત્યાં સ્ત્રીઓને પહોંચાડવાનું અને વારતહેવારે ગૃહિણીને બંધ પાલખી સમેત ગંગાજીમાં ડૂબકી ખવડાવી આવવાનું હતું. તે વખતે શહેરમાં નહોતો ગૅસ કે નહોતા વીજળીના દીવા. સાંજે નોકર આવીને ઓરડે ઓરડે એરંડિયાના દીવા સળગાવી જતો. પાછળથી જ્યારે કેરોસીનના દીવા આવ્યા ત્યારે એનું અજવાળું જોઈને અમે આભા બની ગયેલા! બહારના બેઠકખંડમાંથી ઘરની અંદર જવાનો એક સાંકડો રસ્તો હતો. તેમાં એક ઝાંખું ફાનસ લટકતું હતું. ત્યાં થઈને જ્યારે હું જતો ત્યારે મારું મન મને કહ્યા કરતું કે કોઈ પાછળ પાછળ આવે છે! ભયથી હું ધ્રૂજી જતો. તે જમાનામાં ભૂતપ્રેત વાતોમાં આવતાં, અને માણસના મનના ખૂણાખોંચરામાં એનો વાસ હતો. ભયે પોતાની જાળ એટલી બધી ફેલાવેલી હતી કે મેજની નીચે પગ રાખતાં પણ પગમાં કંપારી છૂટતી હતી! (અનુ. રમણલાલ સોની)