વાસ્તુ/1

From Ekatra Wiki
Revision as of 04:51, 1 February 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
એક

વતનનું ઘર. એના ચૉકમાં બા મારો ચોકો કરી રહ્યાં છે. બરાબર, આ જ જગ્યાએ લગ્ન વખતે માંડવો રોપ્યો હતો. ને આજે? – ધીમા સાદે કાનોકાન બધે વાત પહોંચી ગઈ છે – ‘સંજયભૈ ગયા… હોં...’ બધાં જ પડોશીઓ ભેગાં થઈ ગયાં છે. કેટલાંક સ્વજનો ને અંગત મિત્રો તો હાજર જ હતાં. કોઈ ગોર મહારાજને બોલાવવા દોડી ગયું છે. કોઈ મારા મરણના સમાચાર આપવા ફોન પર લાગી ગયું છે. બાજુમાં ફોનનંબરની ડાયરી પડી છે. કોઈ સાજ-સામાન અને ફૂલો માટે ઊપડી ગયા છે. ધીમા અવાજે અંદર અંદર ગુસપુસ ચાલે છે – ‘શબવાહિની કેટલા વાગે બોલાવવી છે?’ ‘કયા સ્મશાનમાં લઈ જઈશું? ‘નદી શું કામ ઓળંગવી પડે?’ ‘ઇલેક્ટ્રિક સ્મશાન જ સારું.’ ‘શબવાહિની જેમ બને તેમ વહેલા બોલાવી લો એટલે અગ્નિદાહ દેવાઈ જાય પછી નોકરિયાતોને જવું હોય તો જઈ શકે. નકામી એકાદ કે અડધી સી.એલ. ન બગડે.’ બહાર ઊભેલી સ્ત્રીઓના ટોળામાંય ગુસપુસ ચાલે છે – ‘સંજય બાપડો બઉ રિબાતો'તો, હારું થ્યું છૂટી ગ્યો..’ ‘બચારાનોં બેય છોકરોં નેંનો નેંનો સ.. છોકરો થોડો મોટો થાય એટલું કાઢ્યું હોત તો હારું હતું…’ ‘અમરુતાય બાપડી કેટલી નેંની? ઇંનં ક્યોંક નોકરી-બોકરી મળી જાય તો હારું.’ ‘અમૃતા તો રૂપ રૂપનો અંબાર સ તે વખત સ નં ક્યોંક મેળ પડી ય જાય. કોઈ નોં કૅ ક બે છોકરોંની મા હશે.’ ઘરની અંદર કોઈ ધ્રુસકે ધ્રુસકે રડે છે… કોઈ અંદર ને અંદર મૂંગું મૂંગું રડે છે… કોઈ કોઈની આંખમાં ઝળઝળિયાં ચળકે છે. કોઈ કોઈ ફક્ત ઔપચારિકતા ખાતર ધીર-ગંભીર બનીને ઊભાં છે. શોક ઘેરાય છે, છલકાય છે. ઠાલાં આશ્વાસનો ઊભરાય છે. અમૃતા સાવ ભાંગી પડી છે. અર્ધપાગલ જેવી થઈ ગઈ છે. બા બિલકુલ સ્વસ્થ છે! ‘હવે સુવાડો સંજુને...’ ચૉકો કરી રહ્યા પછી બા ધીમા સાદે એવી રીતે બોલે છે જાણે હું નાનો કીકલો હોઉં ને હું નીચે ઊંઘતો હોઉં ને હું જાગી ન જઉં એનું ધ્યાન રાખીને મને જાળવીને ઘોડિયામાં સુવાડવાનો ન હોય! કોઈ લાંબા-પહોળા બે જણા સાચવીને સુવાડે છે મને ચૉકા પર. એ બે જણના ચહેરા પરિચિત લાગે છે. પણ નામ કેમેય યાદ આવતાં નથી. ચૉકાના ગાયના છાણના લીંપણની ગંધ મારા નાકમાં પ્રવેશે છે. નાકમાં અંદરથી ચળ આવે છે. ખંજવાળવા માટે હાથ ઊંચકાતો નથી. લીંપણની વધારે ગંધ નાકમાં પ્રવેશે છે… થાય છે, હમણાં છીંક આવશે… એ… છીંક આવી… હાથમાં હાથરૂમાલ નથી, શું થશે? ક્યાં સુધી રોકી શકાશે આ છીંક? હવે તો… આ… આવી… આ… આવી... પણ કશું જ થતું નથી. નાકની અંદરના વાળ કદાચ પવનથી કે એ ગંધથી જરીક હલ્યા હોય તો હલ્યા હોય… છેલ્લે તો ક્યાંકથી જરીસરખી ગંધ કે ધુમાડો આવે કે તરત છીંક પર છીંક શરૂ થઈ જાય ને ગૂંગળામણ થવા લાગે ને શ્વાસ ચઢે… છેક મારા ગળા સુધી ઓઢાડી છે સફેદ ચાદર. દર્શનાર્થે ચહેરો ખુલ્લો રાખ્યો છે તે સારું છે, નહીંતર ગભરામણ થાત. કેટલાક લોકો મારી આસપાસ પ્રદક્ષિણા ફરે છે ને પગ પાસે ફૂલો મૂકે છે… છાતી પર ફૂલ ન મૂકે તો સારું, નહિ તો એની ગંધથી ક્યાંક છીંક… કાળાભમ્મર વાળ ને વધારેલી દાઢી ફરફરે છે પવનમાં… વાળ તો બધાય સફેદ થઈને ખરી ગયેલા. તો આ વાળ ક્યાંથી? ને ક્યાંથી આ આ..ટલી લાંબી ફરફરતી દાઢી? મારા કાનના ભૂંગળામાં કેટલાક અવાજો પ્રવેશે છે ને કાનનો પરદો કંપન પણ અનુભવે છે. ‘ચહેરો હજી એવો ને એવો છે! જાણે હમણાં બોલી ઊઠશે!’ ‘સહેજ અધખૂલું મોં – જાણે હમણાં શરૂ કરશે કોઈ આલાપ ને પછી ગાશે –

‘એક બારી હોત જો આકાશને,
એને ખોલી ક્યાંક ઊડી જાત હું...’

આંગણામાં, એક નાની ઢોચકીમાં કોકે પ્રગટાવેલી ધૂણીને પવન લઈ આવે છે મારા ભણી… ચીસ જેવા અવાજે અમૃતા વાંસ ફૂટે એમ બરાડી ઊઠે છે – ‘કોણે કર્યો આ ધુમાડો? ધુમાડો અંદર આવે છે... એમના શ્વાસમાં જાય છે. ક્યાંક એમને શ્વાસ ચઢશે...!’ આ સાંભળીને બા એને છાતીસરસી ચાંપે છે. એના માથે, પીઠે હાથ પસવારી સાંત્વન આપે છે. પણ શબ્દનો કે સ્પર્શનો, કશાયનો કોઈ જ અર્થ નથી. ને ખોબામાં સાંત્વન લઈને ઊભેલો સમય મંદ મંદ મલક્યા કરે છે! બા કઈ રીતે રહી શક્યાં હશે આટલાં સ્વસ્થ?! એમનું અધ્યાત્મ આવ્યું હશે એમની વહારે?! ક્યારેક મારો બ્લડરિપોર્ટ વધુ ખરાબ આવતો એની દબાયેલા અવાજે થતી ચર્ચા, બારણા પછવાડે ઊભેલાં બાના સરવા કાને પડતી તોય એકદમ એ ભાંગી પડીને ધ્રુસકે ધ્રુસકે રડી પડતાં ને અમૃતા અકળાતી, ખિજાતી… એ જ બા આજે કેટલાં સ્વસ્થ છે! મને સુવાડવા માટે એમણે કેવી તો કાળજીથી ચૉકો કર્યો છે! અમૃતા પથારી કરે તો ઘણીયે વાર ચાદર પર કરચલી રહી જતી. પણ બાના હાથે ક્યારેય એકેય સળ રહી ન જાય. ચાદર પાથરીને પછી હથેળીથી ક્યાંક રહી ગયેલી સળ દૂર કરતી હોય એવા હાથે બાએ ચૉકો કરેલો. ગાયના છાણમાં પાણી ખૂબ નાખેલું ને કેવા તો હળવા હાથે એ કરતાં ચૉકો! ચૉકો કરતાં, લીંપણમાં દેખાઈ જતું તણખલુંય એ હઠાવી દેતાં – ક્યાંક મને ખૂંચે તો? કેટલાક પુરુષોએ મને ચૉકામાં સુવાડ્યો એ વેળા એક ચાંદરણું મારી જમણી આંખ પર પડતું હતું… તરત બાએ એમની હથેળી આડી ધરી દીધી ને મને જરી બાજુમાં સુવાડવા કહ્યું. બા આટલાં સ્વસ્થ રહી શકશે એની તો મેં કલ્પના પણ નહોતી કરી. અમૃતા કંઈક અંશે સ્વસ્થ રહી શકશે એવું ધારેલું. પણ… જિંદગીમાં ક્યારેય ન જોયા હોય એવા માણસોનાં ટોળેટોળાં ઊભાં છે સફેદ વસ્ત્રોમાં – ઘરમાં, આંગણમાં, શેરીમાં, શેરીઓમાં ને ગામ આખામાં. કીડીઓની જેમ ઊભરાતાં જાય છે સફેદ વસ્ત્રો પહેરેલાં ટોળેટોળાં, નાના નાના સમૂહમાં ઊભીને કશીક વાતો કરતા, ગપાટા મારતા, એકમેકને ક્યારેક તાળી દેતા… હવે તો, ઘર ને આંગણ સફેદ સાલ્લા પહેરેલી સ્ત્રીઓથી ખીચોખીચ. બધાંયનાં કપાળ સાવ કોરાંકટ્ટ! ક્યાં ગયાં મારાં બા? મારી પત્ની?! બાળકો?!! આ બધી સ્ત્રીઓને શરીર કેમ નથી?!! છે માત્ર ચહેરા – ખાલીખમ નાક-કાનવાળા, કોરાધાકોર કપાળવાળા… અરે! આ શું?! બધાની પાસે પૂરો ચહેરોય નથી?! છે માત્ર કોરુંધાકોર કપાળ! ઘર, આંગણ, શેરી – બધું… બધું માત્ર અસંખ્ય કોરાંધાકોર કપાળોથી ખીચોખીચ! એકાદ કપાળ પર તો કોક ચાંલ્લાની જેમ ચોંટાડો ઊગતો સૂરજ! ક્યાં છે મારાં બાળકો? રુદન ખોઈ બેઠેલી પત્ની?! ક્યાં છે મારાં બા? કેમ નથી પાડી શકાતી બૂમ મારાથી? ક્યાં ગયા ડૉક્ટર? નર્સ? કેમ નથી નીકળતો અવાજ મારા ગળામાંથી? કેમ નથી હલાવી શકાતી પાંપણો મારાથી?! કેમ નથી લઈ શકાતો એક આચમની ગંગાજળ જેટલોયે શ્વાસ મારાથી?! કેમ છે ચારે તરફ ધોળે દહાડેય અંધારુંધબ? ક્યાં ગયું ગામ, શેરી, ઘર? ક્યાં છે મારાં બા?! આ કોણ, મને પહેરાવે-ઓઢાડે અંધારું?! કેમ, ક્યાં, દટાતો જાઉં છું હું ક્ષણે ક્ષણે?! મારી ઉપર, આ ઢગલેઢગલા ગીધ ક્યાંથી?! ગીધના ઢગલા નીચે દટાતો જઉ છું... દબાતો-ચગદાતો જઉં છું… દટાતો જઉં છું… ના… ઢગલેઢગલા ગીધ નથી, છે, એક જ ગીધ – મસમોટું, આભ જેવડું, ક્યારેય પૂરી નહિ થનારી અમાસની રાત જેવું! કદાચ, સેવે છે એ મને ઈંડું સમજીને?! પણ ક્યાં થાય છે જરીકે સંચાર મારામાં?' હા…શ! ગીધ હટી ગયું મારી ઉપરથી… ગીધ પાસેય કેમ નથી એનું કદરૂપું-કઢંગુ શરીર?! છે માત્ર ચાંચ… પહોળી કરેલી ચાંચ… પૃથ્વી આખીયે સમાઈ જાય એવડી મોટી, પહોળી કરેલી ચાંચ... મંડાયેલી મારા ભણી… ક્યાં છે મારાં બા?! ‘ઓ મા..’ – મારાથી ચીસ પડાઈ ગઈ.

‘શું થયું? કેમ ચીસ પાડી આ…મ?’ અમૃતા ઊંઘરેટા અવાજે બોલી… ‘હેં? હેં?!’ સંજય હેબતાઈ ગયેલા અવાજે બોલ્યો. ‘કેમ ચીસ પાડી? શું થાય છે?’ અમૃતાએ પૂછ્યું. સંજયને થયું – ક્યાંથી આવ્યો આ અમૃતાનો અવાજ? અનેક પહાડો જાણે પડઘાય-પછડાય મારા શરીરમાં… બેય હાથે ફંફોસું અંધારું, અવકાશ… હાથ પછડાય પથારીમાં ભોંઠા… હા...શ! પથારીમાં જ છું. બેય જડબાં બીકથી ચોંટી ગયાં છે એકમેક સાથે સજ્જડ, જડબેસલાક. તો… તો એ સ્વપ્ન હતું?! હા…શ… સ્વપ્ન હતું… આભ ભરીને શ્વાસ અંદર લઉં છું… ફરી ફરી બેય હથેળીઓથી પથારીને સ્પર્શ છું… વધી ગયેલા ધબકારા કેમ હજીય નથી થતા ધીમા?!

અમૃતાએ પરસેવાથી રેબઝેબ સંજયને હચમચાવ્યો. પાલવથી સંજયના ચહેરા પરનો પરસેવો લૂછતાં ફરી પૂછ્યું – ‘કંઈ થાય છે? કેમ હાંફે છે આટલું બધું?’ ‘હં? હં?!’ ‘આવી ઠંડીમાંય કેમ વળી ગયો આટલો બધો પરસેવો? કંઈ થાય છે? ડૉક્ટરને બોલાવું?’ ‘ના… ના… હવે બધું બરાબર છે.’ ‘હા…શ… મારો તો જીવ અધ્ધર થઈ ગયેલો… તો, કેમ આવી ભયંકર ચીસ પાડેલી? સારું છે, બા અહીં નથી.’ ‘મેં ચીસ પાડેલી?’ ‘તો શું મેં પાડેલી?’ ‘હં.. હં?’ ‘શું હં હં?’ ‘એ તો ખરાબ સપનું આવેલું?’ ‘શાનું?’ ‘સારું સપનું આવ્યું હોત તો કહેત.’ ‘સારું… ચાલ, હવે સૂઈ જા…’ અમૃતાની આંગળીઓ રેશમી હાલરડાની જેમ સંજયના વાળમાં ફરતી રહી… પણ સંજયની આંખોમાં ઊંઘ ક્યાં? સંજયની આંખો તો તાકી રહી છે છત પર ચામાચીડિયાની જેમ ઊંધા માથે લટકી રહેલા ભૂખરા ભૂખરા બરછટ બરછટ અંધકારને…