સંજુ વાળાનાં કાવ્યો
ગીતઃ
‘રાગાધીનમ’
અણીએ ઊભા
ઝીણું જો ને!
જો, જડવાની અણીએ ઊભાં!
મણ આખામાં કયા કણ સાચા, પડશે કેમ પતીજ?
બીજ વચાળે ક્યાં છુપાયાં બોલો હે ઉદ્ભીજ!
ઓરું જો ને!
જો, અડવાની અણીએ ઊભાં!
થડ વિનાની ઝૂરે ડાળી, ડાળ વિનાનું પાન;
મરમ જાણવા મરમી બેઠાં ધરી વૃક્ષનું ધ્યાન!
ઊંચું જો ને!
જો, ઊડવાની અણીએ ઊભાં!
અનભે ગતિ
પાંખમાં પવન આંખમાં લીધું આભલું મથોમથ
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.
પહેલું જ્યાં આકાશ વળોટ્યું
ખરવા લાગ્યો ભાર,
પિચ્છ ખર્યાં ને કલગી ખરી
ઓગળ્યા રે આકાર.
ત્યાં જ લગોલગ આવવા લાગ્યો સાત ઘોડા’ળો રથ
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.
કેટલી વખત? ભેદવાં હજુ
કેટલાં દિગ્દિગંત?
પૂછીએ તો પડઘાઈને પાછો
ક્યાંય ઠેલાતો અંત.
ભીંસતી ઠાંસોઠાંસ આ ખુલ્લાશ થઈ ઇતિ ને અથ,
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.
નિમ્નસ્તર વાત
વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી
સામેના ઘરનંબર સત્તરનાં અંધારે રોજ નવું ઊતરતું પક્ષી
આખ્ખી સોસાયટીને અત્તરના ફાયામાં ફેરવી દે એવા કૈં ઠાઠ,
બાજુના ફળિયામાં દેસાઈ દંપતીની આંખો થઈ રહી જાતી આઠ
શેઈમ શેઈમ બબડીને ઘરમાં પુરાઈ જતા પાડોશી ભદ્રકાન્ત બક્ષી
વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી
પક્ષી પણ એવાં ચબરાક, બધી ઝળાંહળાં છોડીને અંધારાં તાકે,
કેમ જાણે એને સહુ જાણ હોય : કઈ ડાળે ઋતુ વિના ય ફળ પાકે.
ઉપરાન્ત સમજે કે, જાત કેમ છુટ્ટી મુકાય કેમ રહેવાની રક્ષી
વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી
કંઈ
જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.
બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ.
વનમાં ઝાઝા વાંસ, વાયરા શિષ ધુણાવી વાતા,
લળક ઢળક સહુ ડાળ, ઘાસને ચડે હિલોળા રાતા,
બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહીં કંઈ.
જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.
શુષ્ક સરોવર, સાંજ; નહીં કોઈ ગલ, હંસો રઢિયાળા,
રડવાનું એક સુખ લેવા ત્યાં પહોંચ્યા સંજુ વાળા,
આંખ, હૃદય ને કર જોડ્યા પણ રડ્યું નહી કંઈ,
જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.
ઘરમાં
બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
ઘરમાં તો એવું પણ હોય.
તું ધારે ચકલીની લોહીઝાણ ચાંચ વિશે, કાચ વિશે હું ધારું :
ઘરમાં તો એવું પણ હોય.
મોભાદાર પહેરવેશ પહેરીને બેઠેલા દીવાનું સ્થાન હોય નક્કી,
અજવાળું ઓરડામાં આમતેમ ફર્યા કરે જાણે કોઈ વૃદ્ધા હોય જક્કી.
સૌ સૌને પોતાનાં ગીત હોય તેમ છતાં ગણગણવું સૌનું સહિયારુ :
ઘરમાં તો એવું પણ હોય
બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
ઘરમાં તો એવું પણ હોય.
ચપટીભર ઘટના ને ખોબોએક સપનાં લઈ વહી જાશે પાંચસાત દાયકા,
સગપણના સરવાળા દંતકથા કહેવાશે, વાંધા પડે તો ઊડે વાયકા.
તું કહેતી સામેની બારી તે આપણું આકાશ છે, હું કહેતો વારુઃ
ઘરમાં તો એવું પણ હોય
બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
ઘરમાં તો એવું પણ હોય.