સંજુ વાળાનાં કાવ્યો

From Ekatra Wiki
Revision as of 05:34, 28 March 2022 by KhyatiJoshi (talk | contribs) ()
Jump to navigation Jump to search


સંજુ વાળાનાં કાવ્યો

સંપાદક: મિલિન્દ ગઢવી




અણીએ ઊભા

ઝીણું જો ને!
જો, જડવાની અણીએ ઊભાં!

મણ આખામાં કયા કણ સાચા, પડશે કેમ પતીજ?
બીજ વચાળે ક્યાં છુપાયાં બોલો હે ઉદ્ભીજ!
ઓરું જો ને!
જો, અડવાની અણીએ ઊભાં!

થડ વિનાની ઝૂરે ડાળી, ડાળ વિનાનું પાન;
મરમ જાણવા મરમી બેઠાં ધરી વૃક્ષનું ધ્યાન!
ઊંચું જો ને!
જો, ઊડવાની અણીએ ઊભાં!

અનભે ગતિ

પાંખમાં પવન આંખમાં લીધું આભલું મથોમથ
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.

પહેલું જ્યાં આકાશ વળોટ્યું
ખરવા લાગ્યો ભાર,
પિચ્છ ખર્યાં ને કલગી ખરી
ઓગળ્યા રે આકાર.

ત્યાં જ લગોલગ આવવા લાગ્યો સાત ઘોડા’ળો રથ
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.

કેટલી વખત? ભેદવાં હજુ
કેટલાં દિગ્દિગંત?
પૂછીએ તો પડઘાઈને પાછો
ક્યાંય ઠેલાતો અંત.

ભીંસતી ઠાંસોઠાંસ આ ખુલ્લાશ થઈ ઇતિ ને અથ,
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.

નિમ્નસ્તર વાત

વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી
સામેના ઘરનંબર સત્તરનાં અંધારે રોજ નવું ઊતરતું પક્ષી

આખ્ખી સોસાયટીને અત્તરના ફાયામાં ફેરવી દે એવા કૈં ઠાઠ,
બાજુના ફળિયામાં દેસાઈ દંપતીની આંખો થઈ રહી જાતી આઠ
શેઈમ શેઈમ બબડીને ઘરમાં પુરાઈ જતા પાડોશી ભદ્રકાન્ત બક્ષી
વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી

પક્ષી પણ એવાં ચબરાક, બધી ઝળાંહળાં છોડીને અંધારાં તાકે,
કેમ જાણે એને સહુ જાણ હોય : કઈ ડાળે ઋતુ વિના ય ફળ પાકે.
ઉપરાન્ત સમજે કે, જાત કેમ છુટ્ટી મુકાય કેમ રહેવાની રક્ષી
વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી

કંઈ

જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.
બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ.

વનમાં ઝાઝા વાંસ, વાયરા શિષ ધુણાવી વાતા,
લળક ઢળક સહુ ડાળ, ઘાસને ચડે હિલોળા રાતા,
બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહીં કંઈ.
જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.

શુષ્ક સરોવર, સાંજ; નહીં કોઈ ગલ, હંસો રઢિયાળા,
રડવાનું એક સુખ લેવા ત્યાં પહોંચ્યા સંજુ વાળા,
આંખ, હૃદય ને કર જોડ્યા પણ રડ્યું નહી કંઈ,
જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.

ઘરમાં

બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
ઘરમાં તો એવું પણ હોય.
તું ધારે ચકલીની લોહીઝાણ ચાંચ વિશે, કાચ વિશે હું ધારું :
ઘરમાં તો એવું પણ હોય.

મોભાદાર પહેરવેશ પહેરીને બેઠેલા દીવાનું સ્થાન હોય નક્કી,
અજવાળું ઓરડામાં આમતેમ ફર્યા કરે જાણે કોઈ વૃદ્ધા હોય જક્કી.
સૌ સૌને પોતાનાં ગીત હોય તેમ છતાં ગણગણવું સૌનું સહિયારુ :

ઘરમાં તો એવું પણ હોય
બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
ઘરમાં તો એવું પણ હોય.

ચપટીભર ઘટના ને ખોબોએક સપનાં લઈ વહી જાશે પાંચસાત દાયકા,
સગપણના સરવાળા દંતકથા કહેવાશે, વાંધા પડે તો ઊડે વાયકા.
તું કહેતી સામેની બારી તે આપણું આકાશ છે, હું કહેતો વારુઃ

ઘરમાં તો એવું પણ હોય
બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
ઘરમાં તો એવું પણ હોય.

આપણે

એક ઊંચી દીવાલ અને આપણે
ઓ બાજુ નિરાંતે ઢોળાતા છાંયડા
આ બાજુ લ્હાય લ્હાય ડંખ્યા રે સાપણે....

ટેકરીની ટોચ પરે બાંધ્યા મુકામ એમાં રોજ રોજ કારમા દુકાળ,
ટીપું હયાતીને સાચવવી કેમ, અહીં ખીણ બાજુ ખેંચે છે ઢાળ
સધિયારો આપો તો શિખર પર પહોંચીએ
પંપાળો, તો જઈને વસીએ રે પાંપણે...
એક ઊંચી દીવાલ અને આપણે

થડને વળગેલ કોઈ વેલીની જેમ અમે વીંટાયા પોતાની જાતને
પાંગરવું પીમળવું ખરવું ખોવાઈ જવું અર્પણ આ લીલી ઠકરાતને
એવા ઉથાપો કે જન્માન્તર ઊખડે
થાપો, તો છેક કોઈ તળિયાની થાપણે...
એક ઊંચી દીવાલ અને આપણે

તું નહીં તો

તું નહીં તો શું? તું નહીં તો શું?
એવા સવાલ સાંજ પડતાં સુધીમાં તો થઈ જાતા વૈશાખી લૂ.

માથા પર સણસણતા તોરભર્યા રઘવાટે
         નીકળું હું છાંયડાની શોધમાં.
પાનીમાં ખૂંપેલી રસ્તાની કાંકરીઓ
         કહેતી કે જીવતર અવરોધમાં.

સુક્કું કોઈ ઝાડ ખર્યાં પાંદડાંમાં ખખડીને પાછા વળવાનું મને કહેતું.
તું નહીં તો શું? તું નહીં તો શું?

છાતી તો ઠીક છેક જીવ સુધી પહોંચીને
         ભીંસે આ પહાડોનો ડૂમો.
સાંભળશે કોણ મારા કંઠમાં ને કંઠમાં જ
         સામટી સુક્કાઈ જતી બૂમો
આંગળી વઢાય એને ભૂલી શકાય પણ ભૂલ્યો ભુલાય નહીં તું

આજીજી

અરજ વિનવણી આજીજી
શું કરીએ, કઈ રીતે રહેશો રાજી જી?

તમે કહો તે ઓઢું, પહેરું, તમે કહો તે સાચું,
મધ-કાજળને લઢી, સુરમો આંખે આંજી નાચું.
તમ કાજે લ્યો વસંત વેડું તાજી જી,
શું કરીએ, કઈ રીતે રહેશો રાજી જી?

ઝાકળનાં પાથરણે પાડું સુગંધની ખાજલિયું,
વ્હાલપથી નીતરતી રસબસ બંધાવું છાજલિયું.
હરખે હરખે હારું રે ભવબાજી જી,
શું કરીએ, કઈ રીતે રહેશો રાજી?

આંબલો


ઉંબરા મોઝાર મ્હોર્યો આંબલો
છાતીની મોઝાર મ્હોરી શાખ રે ...

અવળા તે હાથની આડશ્યું કરીને કાંઈ
સવળે પેટાવ્યા દીવા ગોખમાં
નમતાં નેવાંથી ઢળી જાય અંજવાસ
એને કેમ ભર્યો જાય ફૂટી બોખમાં?

ફળિયું ધીખે ‘ને ધીખે ઓરડો
એને આકરો ધીખે છે વૈશાખ રે...
છાતીની મોઝાર મ્હોરી શાખ છે...

હોય જો કપાસ એને ખાંતેખાંતે કાંતીએ
ને કમખો વણીને કાંઈ પહેરીએ.
માથાબૂડ આપદાનાં ઝળૂબ્યાં રે ઝાડ
ઝીણા નખ થકી કેટલાંક વહેરીએ

મોભ રે મૂકીને ઊડ્યો મોરલો
ભેળી ઊડી હાલી બેઉં આંખ રે...
છાતીની મોઝાર મ્હોરી શાખ રે....

પડછાયા ઓઢીએ

લીલી લીંબુડી ઝીણી પાંદડી રે
પાંદડીના પડછાયા ઓઢીએ.
સખીરી, અમે પાંદડીના પડછાયા ઓઢીએ.
સાળુ ખેંચીને કહે વગડાઉ હાથ
સ્હેજ પડખામાં આવીને પોઢીએ.
સખીરી, કહે પડખામાં આવીને પોઢીએ.

પડતર પરસાળમાં ઊગે અસુખ
સાવ ખુલ્લું તડાક મારું છાપરું.
હળવી બોલાશ કોઈ સાંભળે, ન સાંભળે
ત્યાં, ચૌટે વેરાઈ જતી આબરૂ
સૌંસરવી રાત ઝીલું અંધારાં
તોય રહું ખાલીની ખાલી પરોઢિયે.
સખીરી રહું ખાલીની ખાલી પરોઢિયે.

ઓચિંતા ઉભારે ચડતાં ખેંચાણ
જાય વીખરાતી ચારેકોર જાત,
એક એક અંગતતા એકઠી કરું
ને વળી માંડું હું ઓટલે ખેરાત.
અખ્ખાયે ગામના ઉતાર જેવા રસ્તાઓ
ડોકાતા છેક મારી ડોઢીએ.
સખીરી, રહે ડોકાતા છેક મારી ડોઢીએ.

અડધાં કમાડ

અડધાં કમાડ અમે વાખ્યાં
ઉંબરથી મોભ લગી અડવડતાં અંધારાં
ઝાઝાં ઢોળ્યાં ને થોડાં ચાખ્યાં...

તાંબાની તાસકમાં ઠાર્યો કંસાર
રાત ઠારી કેમેય નથી ઠરતી,
આઠે પહોર જેના ઊડતી વરાળ
એવી હું કહેતાં ધગધગતી ધરતી.

કારણમાં એવાયે દિવસો પણ હોય
જેને સોણલે સાજણ નથી રાખ્યા..
અડધાં કમાડ અમે વાખ્યાં

હું રે ચબૂતરાની ઝીણેરી જાર્ય
કોઈ પારેવું આવે નહિ ચણવા
મુઠ્ઠીયે હોઉં અને માણુયે હોઉં
કોણ બેઠું છે દાણાઓ ગણવા.

સવળાં બોલાવીએ તો અવળાં સમજાય
એવાં કવળાં તે વેણ કોણે દાખ્યાં?
અડધાં કમાડ અમે વાખ્યાં

ઘાસની સળી

ઉતાવળી ઉંબર પર આવી ઊભી રહી
સખીરી, કોઈ પવનના સુસવાટામાં
ફંગોળાતી સુક્કા ઘાસની સળી.

મન સાબુનું ફીણ અમસ્તું મુઠ્ઠી ભરતાં પાણી થઈ રહી જાતું,
અમે જનમથી અંધમતિ કે, પરપોટાને માની બેઠા ધાતુ
સખીરી, પજવે અપરંપાર મને
ફળિયામાં ફળતી દાડમડી.
ઉતાવળી ઉંબર પર આવી ઊભી રહી.

ડહોળાતા દિવસોને વળગી પડું ઘડીમાં ટશિયે ટશિયે તૂટું,
કહો, કહો જી કેમ કરીને લોહીવગી આ લેણદેણથી છૂટું?
સખીરી, આંસુથી ઉજાળ્યા માજમ ઓરડા
ઓસિરયું ઉજાળતાં ના આવડી
ઉતાવળી ઉંબર પર આવી ઊભી રહી

મરણોન્મુખ

કાને બહેરાશ અને આંખોમાં હરે ફરે મોતિયો
ઓલવાતાં અંગોને જાળવવા ઝૂઝે રે
ઝાકળના ખેતરે રખોપિયો...

ચોપનમા વરસે છેક ગોઠવાતા ઘરઘરણે
કુંડળીમાં પાડ્યું તેં વાંકડું
વાત-વાતે નડતાં કમૂરતાં ને પંચક તે
ગાડે ઘલાય નહીં લાકડું
કહ્યામાં રહ્યા નહીં એક્કે ઇશારા
‘ને હોઠ પર થીજી સિસોટિયો...
કાને બહેરાશ અને આંખોમાં હરે ફરે મોતિયો...

મુઠ્ઠી તણખલાંની કાયાને ચરી જાય
વગડાઉં લ્હેરખીનું ટોળું,
આથમતી વેળાએ ઝાંખુ ઝબૂકે તું
ફૂટેલા ભાગ્યનું કચોળું.

અડધેરું વય વહ્યું પાણીને મૂલ
અને અડધાનું ગવડાવે જિયો.. જિયો..
કાને બહેરાશ અને આંખોમાં હરે ફરે મોતિયો...

હજુ

હજુ પ્રભાતી સ્વર ઊઘડતા તુલસીક્યારો સીંચી
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી

હજુ પવનમાં ભેજ વહે છે, હજુ ઢાળ છે લીલા,
હજુ ઋતુઓ વળાંક લઈને છેડે કંઠ સૂરીલા.
હજુ કોઈ માળામાં પ્રગટે પહેલવહેલું ચીં..ચીં..
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી

હજુ ક્યાંક આથમતી વેળે બેસી બે-ત્રણ વૃદ્ધા
હજુ વિગતના સ્વાદ ચગળતી ખખડધજ સમૃદ્ધા
હજુ વયસ્કા પુત્રી ઉત્તર વાળે નજરે નીચી
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી.

હજુ નદીના કાંઠે કોઈ કૂબામાં ગાતી મુનિયા.
હજુ ય ચાંદામામા કહીને મા દેખાડે દુનિયા.
હજુ ય નવતર રંગ પકડવા તું પકડે છે પીંછી
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી

એક ઝાલું ત્યાં

એક ઝાલું ત્યાં તેર વછૂટે......
અણધાર્યું કોઈ ગીત વીંધીને
લોહી વીંધીને જાય ઘસાતું પગ અંગૂઠે

રાસબરીના નીતર્યા છાંયે
બેસતાં લાધે જાંબલી અભિજ્ઞાન
જ્ઞાન કબૂતર—જ્ઞાન કવિતા
જ્ઞાન ચોર્યાસી માળનું હો મકાન
જ્ઞાન પડીકું ખૂલશે પછી
જાંબલી ટશર ફૂટશે રે કાંઈ કાનની બૂટે

ઘૂંટડો ભરી શું ય પીધું કે
રાગરાગિણી થઈને લીલી નદીઓ વહે
રાગ લપેટું – રાગ વછોડું
ઝાટકી ઝીણો વળ ચઢાવું, સદીઓ વહે
કેટલી ઝીણું ઝીંક! ઝિલ્લારે
આંખ સલામત રહી જતી ને દેખવું ફૂટે

પ્રથમ વરસાદ

સખિયન ! મેઘાડમ્બર
સખિયન ! રે નિલામ્બર

સખિયન ! ફાટ ફાટ ગોરમ્ભો તૂટે
સખિયન ! અંતઃકરણથી ધોધ વછૂટે
સખિયન ! થડકારા ઝિલાય વખમ્ભર

સખિયન ! ધણણણ ધણણણ ગર્જત બાજત ઢોલ મૃદંગો
સખિયન ! હડૂડૂડૂ હડૂડૂડૂ લેવત હય ગજરાજ અઠિંગો
સખિયન ! અરવ અંકોડે ઝળક ઝળક ઝળકાતાં ઝુમ્મર

સખિયન ! કંઠ કૂંપળવત્ ઝિલમિલ છેડત મધ્ધિમ સ્વરમાં રાગ કેદારો
સખિયન ! તળાવ તિરાડો હરખદૂડી ધિનધિન નાચત હઈ ઓવારો
સખિયન ! મુઠ્ઠીભર મન પર પથરાતી (લ્હેર લ્હેર લહેરાતી) મર્મર

છેલબટાઉ કુંજમનનું ગીત

         કુંજડીની આંખોમાં ફૂટી રે પાંખો કે
ઝીણું ઝબ્બાક કાંઈક જોયુંં...
         જોયું રે... જોયું રે... એવું તે જોયું કે
આખ્ખુંયે આભ એણે ખોયું...
ઝીણું ઝબ્બાક કાંઈક જોયું...

સાવ ઉજ્જડ ડાંગરનાં ખેતરમાં ખડકાતા પિચ્છાંનો ગઢ
હે...ઈ પિચ્છાંનો ખડકાતો ગઢ
ગેરુડી માટીમાં બર્ફિલી પાંખોના ફગફગતા સઢ
હે...ઈ ફગફગતા પાંખોના સઢ
માંડ માંડ ઉકલતા ચીંથરાંના ચાડિયામાં
છેલ્લબટાઉ કુંજમન મોહ્યું...
ઝીણું ઝબ્બાક કાંઈક જોયું...

છોળ છોળ છલકાતો શેઢાના મહુડાનો ખટમીઠ્ઠો કેફ
હે...ઈ ખટમીઠ્ઠો મહુડાનો કેફ
ટહુકાના હેલ્લારે ઊછળતો આવી ચડે પાદરમાં છેક
હે...ઈ પાદરમાં આવી ચડે છેક
લૂંબ—ઝૂંબ કેફખોર મહુડાનાં પાન ચાખી
ઉડાડી કલરવની છોળ્યું...
ઝીણું ઝબ્બાક કાંઈક જોયું...

મિલમજૂરોનું સહગાન

હો... રે હેતાળ હાથ ઓળઘોળ વાણામાં
તાણામાં સાટકા–સબાકા....ઓ...હો...રે
કાંજીમાં રેબઝેબ નીતરવું ગૂંથીને
બંધાવ્યા મલમલના તાકા...ઓ....હો...રે
હો...૨ે ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્..હો...રે

જીવતર ઝરડાતું રે સાંચાના તાલમાં
વાંચીએ તો વંચાતા વામણા...જર્રાક જટ્
ઉકેલો જેમ, એમ ગૂંચવાતું જાય જાણે
કાચા સૂતરના હો તાંતણા...તડાક તટ્
રેશમિયા ધુમ્મસમાં કેમ કરી ઢંકાશે
ઉઘાડે છોગના ઈલાકા..ઓ...હો...રે
હો...રે...હો તાણામાં સાટકા...સબાકા...ઓ...હો...૨ે
હો...૨ે ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્..હો...રે

ટપકી પડે રે ઝાંખ સોંસરવું દેખવું
‘ને તાર સાથે સંધાતી સૂરતા...સટ્ટાક સટ્
વ્હીસલમાં કેદ રહે ઝાંખું પરોઢિયું ’ને
ભણકારે આંચકા વછૂટતા...ફટ્ટાક ફટ્
રજમાં રજોટાઈ રહેવું વેંઢારીને
જીવમાં પડ્યા છે હવે આંકા...ઓ...હો..રે
હો...રે...હો તાણામાં સાટકા–સબાકા...ઓ...હો...રે
હો...૨ે ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્..હો...રે

સખીરી-૭

આપું ઋત દિશા ’ને નક્ષત્રોનાં નામ.......
સખીરી, તમે અમારા કલમજાયા શબ્દ અડોઅડ પથરાયેલું ધામ

મેં કહ્યું : તું આરસ અથવા
ઝીણી જળવત્ ઘટનાઓની છબી
તેં પવનમાં આળેખીને
ચીંધી પળવત ઘટનાઓની છબી
સખીરી, ભૂરા—તૂરા—આછેરા ઝબકારા વચ્ચે અનુભવેલું ગામ

ચાર પ્રહરનું જળ ડ્હોળીને
નીલમિણ શી આંખ બની ગઈ કોડી
અલ્લપ ઝલ્લપ અણસારાવત્
તેજ લકીરે અધમણ મૂર્છા તોડી
સખીરી, ચેતનવંતી તમે પંક્તિ અમે કૌંસમાં આવી ઊભા આમ
આપું ઋત દિશાને નક્ષત્રોનાં નામ.......

મિરાત...

વૃક્ષની મિરાત એના છાંયડા હો...જી....રે...
મનની મિરાત મનસૂબા રે...
આંખની મિરાત ઊંડાં દેખવાં હો...જી...રે...
તે વિના તો ખાલીખમ કૂબા રે...
મનની મિરાત મનસૂબા રે...

રાઈના દાણેથી રંગ કથ્થાઈ ઊડે તે
કોઈ કામિનીમાં દૃષ્ટિ થઈને ઠરે
એમાં સ્હેજ પીળાંનો સ્વભાવ ભળે
તોએ વળી અડાબીડ અંધકાર ચરે
અહો! રૂડાંરૂપ! રૂડી રમણા હો...જી...રે...
એકમાં અનેકના અજૂબા રે...
મનની મિરાત મનસૂબા રે...

આભને મેદાન રમે ખોબોએક તેજ
એનું વહાલ આખી અવનિમાં ઊગે
અદેહી આસવ કોઈ ઝીલે, કોઈ ઘૂંટ ભરી
પીવે, કોઈ ટીપેટીપે ચૂગે
કોઈ ઊંચા હાથ કરી ચીખતા હો...જી... રે...
આકંઠ મેં તો ડૂબા-ડૂબા રે...
મનની મિરાત મનસૂબા રે...

સંકેલી લીધા

જળ જીવાડયાં, પરપોટા સંકેલી લીધા
નર્યાં સાચની પડખે બેઠા
ને ફોટા સંકેલી લીધા

આંખોમાંથી કરડાકી નિતારી લીધી
કર્યો મૂછનો રુવાબ નીચો
ભદ્દી ભડકાબોળ વિફરતી વૃતિ માથે
ધરપતનો ફેરવીએ પીંછો
સ્મિતવતીના સ્મિતે એવું મોહ્યા કે
સૌ હાંકોટા સંકેલી લીધા
જળ જીવાડ્યાં પરપોટા સંકેલી લીધા

ક્લિનશેવથી સૌમ્યરંગ ચીપકાવ્યા ચહેરે
ભાલે તાણ્યાં કુમકુમ તિલ્લક
વાત વિગતે બહુ વિવેકી, વાણી જાણે
મધરાતે ગાતું હો પીળક
લય લ્હેરખડી વહો હવે લ્યો! લીટા...
લચકા....લિસોટા સંકેલી લીધા
જળ જીવાડ્યાં પરપોટા સંકેલી લીધા

બીજ ગીતો

કવિ!

કવિ!
તમે થિરકતા લયમાં ઝીલી અજવાળાની છવિ

કાગળ જેનું સ્થાપન એને અક્ષર સ્વયં દીવો
અનુભૂતિનું ભાથું બાંધી લાવે, એ મરજીવો
એના તાપે જાય આથમી કૃતક કોટિક રવિ
હોય થિરકતા લયમાં ઝીલી અજવાળાની છવિ

નર્યા તેલનું ટીપું નહિ પણ સૂતર બળતું સાથે
પડે પરખ એ પ્રમાણ દેવા ચડે ગંધના પાથે
વિકલ્પ તારી સામે ઊભો હવન થવું કે હવિ?
ભલે થિરકતા લયમાં ઝીલી અજવાળાની છવિ?

અજવાળાં આરાધે એને કઈ ખોટ શું તમા?
શું અદકેરું એનાથી જ્યાં આભૂષણ હો ક્ષમા?
બસ એજ સધિયારો જેનું હૃદય રહેતું દ્રવિ
અરે થિરકતા લયમાં ઝીલી અજવાળાની છવિ

સાધો!

સાધો!
ખેસખલીતા લપછપ છોડી અજવાળાં આરાધો!
ચાર પરોવી ચોકી બાંધી આપોઆપ સમાણી ચાર
નવમી નિજમાં બીજ સ્વરૂપા દસમી તું દાખ્યાથી બ્હાર
કસ્તુરી પેટાવી કેડા આળેખો.. ને વાંધો
સાધો, અજવાળાં આરાધો!

હું-માંથી હડસેલ્યો હું-ને તું માંથી-કાંઈ તાણ્યો હ્રસ્વ ઉ
એકમના થઈ આસન વાળ્યાં જેમ જ્યોતમાં પલટાયા રૂ
ભાવ કર્યો ત્યાં ભળ્યા ધુમાડે સંચિત સૌ અપરાધો
સાધો અજવાળાં આરાધો!

ઝળમળતા અંજવાસે બેઠા રવિ-ભાણ નિજારી શૂરા
તાર મેળવી જીવણ બોલ્યા સંભાળો ધખના’ળી ધૂરા
રસ વાણીમાં તમને લાધ્યો, એવો સૌને લાધો
સાધો, અજવાળાં આરાધો!

વ્હાલાપંચક

....મ્હેણું !

વ્હાલે, માર્યું જબરું મ્હેણું!
મને કહે : તું ખમતીધર હું તારા પગની રેણું

ચંદ્રકિરણની લૂમ કહી ઉજમાળી અરધી કાળપ
અરધી રહી તે નઝરટીલડી થઈ ચોંટી ગઈ ચપ
પામી કાંચનયોગ હરખતું હું માટીનું ગ્હેણું
વ્હાલે, માર્યું જબરું મ્હેણું!

અદેખાઈથી બળી-ઝળીને થઈ સખીઓ અધમૂઈ
સમૂહમાંથી જ્યારે ચૂંટી મને કહીને જૂઈ
જીવતરની ચુંદડીએ ટાંક્યું રતન મહા લાખેણું
વ્હાલે, માર્યું જબરું મ્હેણું

જી

કડવી કાચી લીંબોળી,
તીખાશ રાઈના દાણે જી!
મધનું ટીપું મળે જીભને
એમ મને તું જાણે જી!

ઝાકળવરણા દિ’ ઊગતા
ને મહેકવરણી રાતો જી!
હડી કાઢવા હોઠ વચાળે
હરફ વિહવળ થાતો જી!
આલિંગે તે અનહદપદનાં
મૂલ અમૂલા નાણે જી
મધનું ટીપું મળે જીભને
એમ મને તું જાણે જી!

ફૂલકજર કાયામાં મબલખ
મ્હોર્યા મોઘમ મરવા જી
મચી મહેકની હેલીમાં કાંઈ
આભ ઊતરતા તરવા જી!
અમે જ અમને ઉકેલવાને
દોડ્યા પગ અડવાણે જી
કડવી કાચી લીંબોળી,
તીખાશ રાઈના દાણે જી!

ઘા

બહુ ગમતા આ ઘા!
તમે કહ્યું : કાજળમાં અગણિત
રંગ ભાળ અથવા તો ઊઠી જા
બાવાજી, અમને બહુ ગમતા આ ઘા!

હતું નઝરથી નજીક એને વનવગડે જઈ શોધ્યું
નાહકનું નતમસ્તક થઈને અધકચરાને પોષ્યું
કયા કારણસર નર્યા બતાલા
સામે હો કરવાનું તા થૈ તા
બાવાજી, અમને બહુ ગમતાં આ ઘા!

ભળી કુતૂહલ ભેળી ભ્રમણાના ભાળે કે ચોખ્ખું
જ્ઞાનગૂંચના આટે-પાટેતળ ઉલેચ્યાં, લોચ્યું
ઊંડળમાં લીધા અડસટ્ટા
જેમ ફૂંકાતા વેરાનોમાં વા
બાવાજી, અમને બહુ ગમતા આ ઘા!

નીંદરનાં સૌ પડળ ખોલવા કરી વિનવણી એવી
નરી ફૂંકથી કરી ઇશારો વાત કરી નહીં જેવી
શું કરવું, ક્યાં જઇ નાખવી?
અડાબીડમાં સમજણ નામે ઘા
બાવાજી, અમને બહુ ગમતા આ ઘા!

શબ્દચિત્ર

સૂરદાસ

         શું ખોલું? શું મુંદુ નેણાં?
પલકવાર નવ અળગો જાણું નિશદિન વાજત હિરદે વેણા!

         કનક-જવાહીર લગીર ન ચાહું
         મનસા મુકિત વિષય નિરીચ્છ
         બહુ બડભાગી મળે મુકૂટમાં,
         સ્થાન જરા થઈ રહેવા પિચ્છ
હુંને હરિવર, મિત પરસ્પર, એક બીજાં પર ઝરીએ ઝેણાં!
પલકવાર નવ અળગો જાણું નિશદિન વાજત હિરદે વેણા!

         હરિ ચરણોની રજ હું મુઠ્ઠી
         વલ્લભ પરસ ભયો હિતકારી
         સૂર : કહાં પાઉં, ક્યા ગાઉં?
         જનમ જનમ જાઉં બલિહારી

રઢ લાગી એક નામ સુમિરન, ભેદ નહિ કોઈ દિન વા રેણાં!
પલકવાર નવ અણગો જાણું નિશદિન વાજત હિરદે વેણા!

ગઝલ

સવા ગજ ઊંચું છળે છે તો એમાં શું અચંબો છે? કવિના શબ્દનાં પરમાણવાળું ગાડું છે સાહેબ

એક અ-નિયંત્રિત ગઝલ

ઓગળે દૃશ્યો બધાં ધુમ્મસ બની
શ્વાસ મધ્યેની તિરાડો વિસ્તરો હજી...

ક્યાં હશે તું? ત્યાં? અહીં?
ચોતરફ ઘૂમી–ઘૂમી–ઘૂમી નજર પાછી વળી

આ અચાનક શિલ્પના ઉચ્ચાર
-થી દ્રવી ભાષા નવી

કે તરસને લશ્કરી પડાવ
જળ વિહોણી ફક્ત એક જ વાતથી ઊઠ્યો છળી

સાવ ખુલ્લે હાથ આવ્યો, નીકળ્યો ભરપૂર
કોણ જાણે આપ-લે શેની કરી

શું ખબર? ઘટના હશે—અફવા હશે!
સૌ કહે છે : છેડતી સુગંધની પણ થઈ હતી

વણજારા...રે

ઉપડ્યા લઈને ક્ષિતિજની પાર એવા સ્થળ વિશેની શોધ ઓ વણજારા....રે
ક્હેણરી બચકી ઉપર લાદી નવસ્ત્રી વ્યંજનાવત્ પોઠ ઓ વણજારા...રે

રાવટી સાથે ઉખેડયાં ઋણની મુઠ્ઠી ભરી મેં છાતીએ ચાંપી લીધી
તું ખીલે વળગી રહેલી ધૂળ લઈને જીવમાં સંગોપ વણજારા...રે

તરકટી તંબૂરથી વરસી પડેલું ભાન સવ્વાલાખનું પહેરી અને
દૂ...રના એંધાણમાં આવેશમય ગળતું હતું આ કોણ? આ વણજારા...રે

કઈ દિશાનું આજ ખુલ્યું બારણું કે આ મતિભ્રમ દેશમાં ભૂલાં પડ્યાં
જો; જરા પાછું વળીને સામટા વેરાય અણઘડ કોડ ઓ વણજારા...રે

પિંડીએ શતશત જનમનો થાક લવકે કેટલાં જોજન રહ્યાં બાકી હજી...
ના, ચરણ બેબાકળાં તત્કાળ પોકારી ઊઠે વિદ્રોહ ઓ વણજારા...રે

પરિત્રાણ મૂકી

સોળવલ્લી ચૂપકીદીની અમસ્તી આણ મૂકી
હોઠ ઉપર આસમાની રંગની રસલ્હાણ મૂકી

અબઘડી એ નિસર્યા આવાગમનની જાણ મૂકી
ખુશ્બૂઓ રમણે ચડી હો એવું કચ્ચરઘાણ મૂકી

છો હીરા-માણેકનું હો, કિન્તુ એ બાજાર હૈ ના?
મૂલ્ય અંકાતાં અહીં સૌ સામે પલ્લે પહાણ મૂકી

કૈં યુગોથી આ તુસાદી અશ્વ હણહણતા નથી, ને–
કૈં યુગોથી વિનવું છું નિત નવાં જોગાણ મૂકી

તેં તઝ્ઝુલમાં જરા પરફ્યુમની મસ્તી ઉડાડી
તો તરન્નુમમાં અમે લોબાન જેવી ઘ્રાણ મૂકી

એવું તે શું વૃક્ષના આ છાંયડાઓ પાથરે છે?
કેમ ખેંચે છે મને બેસી જવા પરિત્રાણ મૂકી?

જલપરીઓની કથા જેવાં હતાં જે ભાવવિશ્વો–
એમાં ઉમેરણ કર્યું લ્યો! વ્યાપ ’ને ઊંડાણ મૂકી

ચંદ્રનું સત ઓગળ્યું, જળ ચાંદી-ચાંદી થઈ ઊઠ્યાં, તો–
મેં ય મરજીવાઓ પાછળ ઝંપલાવ્યું વહાણ મૂકી

જોગાણ = અશ્વોને તાકાત વધારવા ખવરાવાતા અનાજ-કઠોળ.

ક્યાંથી લાવીએ? –

તાપસને તપનું હોય એવું ભાન ક્યાંથી લાવીએ?
ગપછપની વચ્ચે ગૂઢતા કે જ્ઞાન ક્યાંથી લાવીએ?

ભીતરથી આરંભાઈ ’ને પહોંચાડે પાછાં ભીતરે
અનહદ, અલૌકિક, આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ?

પોતે જ આવીએ, ’ને પોતે આવકારીએ વળી –
હરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ?

સંવેદનાઓ સઘળી થઈ ગઈ છે ઠરીને ઠીકરું
ત્સુનામી જેવું લોહીમાં તોફાન ક્યાંથી લાવીએ?

ના, કોઈપણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા
એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ?

ખીલા તો શું? એકેય સાચું વેણ સહેવાતું નથી
સમતા જ આભૂષણ બને એ કાન ક્યાંથી લાવીએ?

પરભાતિયાં તો આપણે પણ આજ લગ ગાયાં કર્યા
કિન્તુ એ નમણાં નામનું સંધાન ક્યાંથી લાવીએ?

નક્કર ખાતરી

આંખ છે, ક્યારેક ભીની થાય ચૂવે પણ ખરી
હા, પરંતુ જીવતાં હોવાની નક્કર ખાતરી

જીવની પડખોપડખ જે બેસવા લાયક ઠરી
વ્યક્તિ એવી કેમ એકાએક આવી સાંભરી?

જે ૨.પા.ના ગીતસંગ્રહમાં મૂકી’તી કાપલી
પાનું ખોલીને સવારે જોયું તો થઈ ગઈ પરી

રાત તો હમણાં જ પૂરી થઈ જશે એ બીકમાં
મન અવાચક ’ને પ્રતીક્ષા થઈ બિચારી બ્હાવરી

તું જૂનાં સૌ કાટલાં લઈ એ જ રસ્તા માપ્યા કર
હું તો ક્યાંનો ક્યાંય નીકળી જઈશ ચીલો ચાતરી

ડાઘ પહેરણ પર જે લાગ્યા’તા છુપાવી ના શક્યા
કેવા કેવા ઘાટે જઈ અજમાવ્યા નુસખા આખરી

કાળ! હે મોંઘા અતિથિ! તારો દરજ્જો જાણું છું.
આવ સત્કારું તને હું, કાળી જાજમ પાથરી

મૂર્તિ કોતરાવી

કારણ વગરના સુખની નિત-નિત નરી ખુશાલી
મેં આ તરફથી ઝીલી ’ને આ તરફ ઉછાળી

અંદરના ઊભરાની અંગત કરી ઉજાણી
લંબાવી હાથ જાતે, જાતે જ દીધી તાળી

બે પંક્તિઓની વચ્ચેના સ્થાયી ભાવ જેવું
ધબકે છે ઝીણું ઝીણું કોઈ કસક અજાણી

હું છેક એની સામે પહોંચ્યો હતો, પરંતુ–
ભગવાને સ્હેજ અડક્યો ત્યાં થઈ ગયો બદામી

ના કોઈ કૈં જ જીતે, હારે ન કોઈ કંઈપણ
ભરપૂર જીવવાનું થઈને નર્યા જુગારી

જ્યારે ’ને જેવું ઇચ્છો એ હાજરાહજૂર હો –
મનમાં જ એવી સુંદર એક મૂર્તિ કોતરાવી

છું એ જ હું; સફરજન પણ એનું એ હજુ છે
તું પણ હજુય એવું નિરખે છે ધારી ધારી

જિવાડશે

કોઈને સુખ કોઈને ન્યોછાવરી જિવાડશે
અમને કવિતા નામની સંજીવની જિવાડશે

અણસમજ ભમરાની યજમાની કરી જિવાડશે
જાત ઓઢાડી કમળદળ-પાંખડી જિવાડશે

શું વધારે જોઈએ? એક કાળજી જિવાડશે
લખ અછોવાનાં બરાબર લાગણી જિવાડશે

હાથમાં હિંમત નથી ’ને પગ તો પાણીપાણી છે
તો હવે શ્રદ્ધાની ટેકણલાકડી જિવાડશે

સાચાં-ખોટાંના બધાયે ભેદ તો સાપેક્ષ છે
શિર સલામત નહિ રહે તો પાઘડી જીવાડશે

શું લખું? કયા શબ્દની આરાધના કેવી કરું?
ક્યાં ખબર છે! કઈ રીતે બારાખડી જીવાડશે

ચાલ, થોડી લીલી-સૂકી સાચવીને રાખીએ
કૈં નહીં તો એ સ્મરણ, એ દાબડી જીવાડશે

ચત-બઠ

એમાં શું કરવી ચત-બઠ
તું પણ શઠ ’ને હું પણ શઠ

ગાંઠ વળી ગઈ છે નિંગઠ
થાય નહિ પાંચમની છઠ

છૂટક – છૂટક કે લાગઠ
ફેરા ફરવાના અડસઠ

ફતવા, ડંકા, તાબોટા
સૌને સૌના નિજી મઠ

તારા સિંહાસન સામે
અમેય લે ઢાળ્યો બાજઠ

તારે શું તડકો? શું ટાઢ?
ઓ... રે! પૂતળી સુક્કીભઠ

અહીંથી હવે ઊડો ગઝલ!
બહુ જામી છે હકડેઠઠ

અક્ષરનેય ભાંગ્યા, તોડ્યા
બાળક જેવી લઈને હઠ

અવળે હાથે પીધો અર્ઘ્ય
અકોણાઈ ઊગી લાગઠ

‘અહાલેક’ –ની સામે બીજો
નાદ કોઈ માંડે ના બઠ

તારે કારણ કે નરસિંહ!
વૈષ્ણવજન આખું સોરઠ

અકોણાઈ : અવળચંડાઈ

ગુણીજન

સહજ સાંભરે એક બાળા ગુણીજન,
ગઝલ ગીતની પાઠશાળા ગુણીજન.

પ્રણયની પઢી પાંચ માળા ગુણીજન,
ખુલ્યાં બંધ દ્વારોનાં તાળાં ગુણીજન.

નહીં છત મળે તો ગમે ત્યાં રહીશું,
ભરો કિન્તુ અહીંથી ઉચાળા ગુણીજન.

કદી પદ-પ્રભાતી કદી હાંક, ડણકાં
ગજવતા રહે ગીરગાળા ગુણીજન

પડ્યો બોલ ઝીલે, ઢળે ઢાળ માફક
નીરખમાં ય નમણાં, નિરાળાં ગુણીજન

ધવલ રાત્રી જાણે ધુમાડો ધુમાડો
અને અંગ દિવસોનાં કાળાં ગુણીજન

આ મત્લાથી મક્તા સુધી પહોંચતા તો
રચાઈ જતી રાગમાળા ગુણીજન

રંગીન માછલી છે

ઝાંખા ઉજાસ વચ્ચે તેં જે કથા કહી છે
સાંભળજે કાન દઈને એની જ આ કડી છે

પંખી યુગલને વડલાની ડાળ સાંપડી છે
’ને ક્રોંચવધની ઘટના જીવમાં ઝમી રહી છે

પળને બનાવે પથ્થર, પથ્થરને પારદર્શક
તાકી રહી છે કોને આ કોની આંગળી છે?

નખ હોય તો કપાવું, દખ હોય તો નિવારું
ભીતરને ભેદતી આ મારી જ પાંસળી છે

કાજળ બનીને આવો કે જળ બની પધારો,
પાંપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે?

ઇચ્છાના કાચઘરમાં એ કેદ થાય અંતે,
માણસનું નામ બીજું રંગીન માછલી છે

છપ્પા-ગઝલ

ભેદે ભાષાનું વર્તુળ!

સામે ચાલી માગ્યાં શૂળ,
પહેર્યાં જાણીને પટકૂળ

વ્હાલું જેને મુંબઈધામ,
એને શું મથુરા-ગોકુળ?

એ શું સ્વાદનો જાણે મર્મ?
બહુ બોલકા ચાખે ગૂળ!

નક્કી પામે એ નિર્વાણ
ભેદે ભાષાનું વર્તુળ!

ભીંતો હારી બેઠી હામ,
અને ઈમલો પણ વ્યાકુળ

ભાગી છૂટ્યાં થઈ એકજૂથ
ઘરડી ઇમારતનાં મૂળ!

તર્યા-ડૂબ્યાની મળે ના ભાળ
અડસટ્ટે ઈકોતેર કુળ

ઝાલીને માળાનો મે’ર
નર્યા સૂક્ષ્મને કીધું સ્થૂળ!!

ગૂળ = ગોળ; ઈમલો = કાટમાળ

બોલે ઝીણા મોર

રાધે તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર...
કિન્તુ ના સમજાય અમે તો જન્મજાત નઠ્ઠોર

બધું ઓગળ્યું પણ નથી ઓગળતો અડિયલ તોર
આરપાર જો તું નીકળે તો રહીએ શું નક્કોર?

ક્ષણિક આગિયા જેવું ઝબકો તો પણ ધનધન ભાગ્ય!
એ રીતે પણ ભલે ચીરાતું અંધારું ઘનઘોર

છો ને અકબંધ રહે સમજની પાર રહેલા વિશ્વ
અથવા તેં શા કાજે આપી દૃષ્ટિ આ કમજોર?

લઈ અજાણ્યા ઝબકારાને ઓળખવાનું બ્હાનું
સમી સાંજથી બેઠા’તા ’ને પ્રગટી ચૂકી ભોર

શા માટે આ કવિતામાં એક અર્થ... અર્થ...ની બૂમ
કોને ના સમજાતાં જુદા ચીસ અને કલશોર!

(પ્રથમ પંક્તિ-સંતકવયિત્રી મીરાંબાઈ)

મોતી કૈસા રંગા?

દેખ્યા હો તો કહી બતલાવો મોતી કૈસા રંગા?
જાણે કોઈ સુજ્ઞ કવિજન યા કો’ ફકીર મલંગા

મનમાં ને મનમાં જ રહે લયલીન મહા મનચંગા
સ્વયં કાંકરી, સ્વયં જળમાં ઊઠતા સહજ તરંગા

જ્યાં લાગે પોતાનું ત્યાં નાખીને રહેતા ડંગા
મોજ પડે તો મુક્તકંઠથી ગાવે ભજન-અભંગા

એ વ્યષ્ટિને એ જ સમષ્ટિ એ ‘આ’ને એ ‘તે’ જ
એ આકાશી તખ્ત શોધવા ભમતા ભગ્ન પતંગા

ધૂસર વહેતી તમસામાં એક દીપ-સ્મરણના ટેકે
રોજ ઉતરીએ પાર લઈને કોરાકટ્ટ સૌ અંગા

મનવાસી જન્મે મનમધ્યે જાત – રહિતા જાતક
રંગ રૂપ આકાર વિનાયે અતિ સુન્દર સરવંગા

(પ્રથમ પંક્તિ - ભક્તકવિ અરજણદાસ) સ્મરણ - શ્રી નરોત્તમ પલાણ સાહેબ

શું કરું?

પ્રપંચનો પહાડ પાર થાય તો પ્રગટ કરું
ઝીણું અમસ્તું રેતકણ હું કોની સામે વટ કરું?

ન રાખું કૈં જ ગુપ્ત, ન કશીય ચોખવટ કરું
રહસ્ય એ જ ઘેન હો, તો ઘૂંટી-ઘૂંટી ઘટ કરું

બહુ જ ગોળ ગોળ લાંબુલચ કથ્યા કરે છે તું
કરું હું સાવ અરધી વાત, કિન્તુ ચોખ્ખીચટ કરું

લે, ચાલ સાથે ચાલીએ મુકામ શોધીએ નવા
નિભાવ સાથ તું, તો તારા સાથનું શકટ કરું

અમેય થોડા ભીતરે અજંપ ધરબી રાખ્યા છે –
ચડ્યો છે કાટ કેવો જોઉં, કે ઊલટપૂલટ કરું?

હું એ જ કારણે રહું સ્મરણની હદથી દૂર... દૂર...
છે ઠંડી ઠંડી આગ એ, વધારે શું નિકટ કરું?

છે ભાવમય, તું શબ્દની સપાટીએ ના સાંપડે
હો પથ્થરોનું શિલ્પ તો હું શું કરું? કપટ કરું?

પ્રમાણિત છે સાહેબ

લયથી ઉપર ગયા તે લયાન્વિત છે સાહેબ
બાકી પ્રવાહમાં જ પ્રવાહિત છે સાહેબ

વાણીની ચોથી વશથી વિભૂષિત છે સાહેબ
સમજાય તો સરળ રીતે સાબિત છે સાહેબ

બારાખડીની બહાર જે મંડિત છે સાહેબ
તે સૌ સ્વરોમાં તું જ સમાહિત છે સાહેબ

કોણે નદીનાં વ્હેણ વહાવ્યાં કવન વિશે?
’ને કોણ બુન્દ બુન્દુ તિરોહિત છે સાહેબ

વૃક્ષોના કાનમાં જે પવન મંત્ર ફૂંકતો
તેના વિશે અજ્ઞાત સૌ પંડિત છે સાહેબ

અંગત હકીકતો જ અભિવ્યક્ત થઈ કિન્તુ
તારા પ્રમાણથી ય પ્રમાણિત છે સાહેબ

સઘળી સમજનો છેવટે નિષ્કર્ષ એ મળ્યો
છું ક્યાંક હું, તો ક્યાંક તું ચર્ચિત છે સાહેબ

સાધુ છે સાહેબ

તમસ ’ને તેજ તો સિક્કાની બેઉ બાજુ છે સાહેબ
સમજ હો એવી એ જન આશિખાનખ સાધુ છે સાહેબ

ખરેખર વ્યક્ત થાવું એ જ તો અજવાળું છે સાહેબ
મઝા પડવી ના પડવી તો રૂપાળા જાદુ છે સાહેબ

દિશાઓ ચારે ખુલ્લી હો અને નભ કોરુંકટ તો પણ
હૃદયરસના છલકવાની ઋતુઃ ચોમાસું છે સાહેબ

જુદા સંજોગવશ ના આપણે આવી શક્યા નજદીક
વસો છો આપ જ્યાં એ મારું પણ ઠેકાણું છે સાહેબ

સવા ગજ ઊંચું ચાલે છે તો એમાં શું અચંબો છે?
કવિના શબ્દનાં પરમાણવાળું ગાડું છે સાહેબ

વારી વારી... જઈશું !

ધલવલાટ ધરશું ‘ને વારી... વારી... જઈશું!
જાતથી ઝઘડશું ‘ને વારી... વારી... જઈશું!

ભેળાં ભેળાં રમશું ‘ને વારી... વારી... જઈશું!
નથણી જેમ જડશું ‘ને વારી... વારી... જઈશું!

ઓળઘોળ કરશું ‘ને વારી... વારી... જઈશું!
આંખથી ઊભરશું ‘ને વારી... વારી... જઈશું!

વેણે વેણે ઠરવા, સુગંધ જેવું તરવાં!
ઝીણું-ઝીણું ઝરશું ‘ને વારી... વારી... જઈશું!

તંત-તંત જેનાથી છે સભર, સમર્પિત–
વારી-વારી વરશું ‘ને વારી... વારી... જઈશું!

સ્પર્શ ઊપસી આવ્યા પટોળાભાત થઈ ત્યાં
રંગ થઈ ઊઘડશું’ને વારી... વારી... જઈશું!

મોરપિચ્છ વીંઝીને વેર વાળવાના
મનસૂબાઓ ઘડશું ‘ને વારી... વારી... જઈશું!

શ્રી! તમારી સાથે સ્વનામ સાંકળી લઈ
હક કરી હરખશું ’ને વારી... વારી... જઈશું!

પળ-પ્રહરના અવસર ઘડી-ઘડીના ઓચ્છવ
નિત નવા ઊજવશું ‘ને વારી... વારી... જઈશું!

(સ્મરણ : પ્રેમલક્ષણાના આરાધકો નરસિંહથી મોરાર સાહેબ)

ગઝલ ત્રિપદી

કવિ

ધરબી શકે જો પાછો
બંદૂકમાં ભડાકો
ત્યારે કવિ તું પાકો

વીંધે, પરોવે, પ્હેરે
નિઃશબ્દનો ઇલાકો
ત્યારે કવિ તું પાકો

નેવાંનાં પાણી મોભે
વાળીને પાડે હાંકો
ત્યારે કવિ તું પાકો

હો ફાટ્યું થાકી, હારી
એ વસ્ત્રને લે ટાંકો
ત્યારે કવિ તું પાકો

ઉઝરવા હો ઉત્સુક
નિત દૂઝતો સબાકો
ત્યારે કવિ તું પાકો

તરકીબ ’ને તરીકા
છાંડી જમાવે છાકો
ત્યારે કવિ તું પાકો

અંતઃરસમાં ઊતરી...

તાર સાથે આંગળીઓ સંતલસમાં ઊતરી
લ્યો! ગઝલ છેડી નવેનવ અંતઃરસમાં ઊતરી

સતઘડીએ લાગણી મૂલવતાં રસમાં ઊતરી
ઝીણી ઝીણી કાળજી લીધી તો કસમાં ઊતરી

દુઃખતા રઘવાટ તો સૌ ભીતરે ધરબી દીધા
તો શરી૨ી સૌ સમસ્યા ઉધરસમાં ઊતરી

આઠ-દસ પીડા, વ્યથાઓએ નગર માથે લીધું
આપદા બાકી હતી તે છેલ્લી બસમાં ઊતરી

સાંજની કોઈ વિલંબિત રાગિણીની લય-છટા
સમ ઉપર આવી અને સીધી જ નસમાં ઊતરી

સામસામે બેઉંને જો હેડકી ઊપડી છતાં
જોખમી અંટસ જરા પણ ના જણસમાં ઊતરી

આખું ઘર છે સ્તબ્ધ ’ને વ્યાકુળ શેરી, ચોક પણ -
‘તું નથી’ની વાત વકરી, તો તમસમાં ઊતરી

સાંભળ્યા ગુલઝારને, ગઝલો ય વાંચી શ્યામની -
છેવટે સાચી ‘હકીકત’ સોમરસમાં ઊતરી

જો ગઝલના ગામમાં દુષ્કાળ લીલા ત્રાટક્યાં
ગીત-આનાવારી પણ માઠા વરસમાં ઊતરી

એવાય દિવસો આવશે

દૃષ્ટિમાં અંધારા દ્રવે એવાય દિવસો આવશે
સંધાય, તૂટે અનુક્રમે એવાય દિવસો આવશે

બુઠ્ઠા પ્રયત્નોની અણી બટકે છતાં છેદાય ના –
’ને અર્થ તળમાં ત્રમત્રમે એવાય દિવસો આવશે


વિસ્ફોટ પેલી પાર થાશે ’ને અહીં હારાકીરી –
– મચવી જશે સૌનાં દ્રગે એવાય દિવસો આવશે

સૈકાઓના કોલાહલોને ભેદતા મારા સ્વરો
હું સાંભળું આ સાંપ્રતે એવાય દિવસો આવશે

ભાગું શરીરી સખ્ય છોડી બહાર તે પહેલાં મને
કો’ અન્ય આવીને ગ્રસે એવાય દિવસો આવશે

ક્ષણ-ક્ષણના ફૂંકાતા પ્રલય વચ્ચે નર્યા નિરાંતવાં
બેસાય જેના આશ્રયે એવાય દિવસો આવશે

ચાલો સુગંધી સૃષ્ટિમાં મળશું ફરી સુગંધ થઈ
તું કાનમાં એવું સ્રવે એવાય દિવસો આવશે

હારાકીરી : સામુહિક આત્મહત્યાથી ફેલાતા ત્રાસનું વાતાવરણ

લે લાગી છે

અડગ અડીખમ, ઓછરવું જાણે ના તલભર લે લાગી છે
કચકચાવી ભેટી પડીએ એવી ભીતર લે લાગી છે

નામ-ઠામ કે સરનામા વિનાની સધ્ધર લે લાગી છે
કળી રહી છે થઈને ઝીણું ઝીણું કળતર લે લાગી છે

ઘરની છત-દીવાલ ફૂંકવે થઈ ફણીધર લે લાગી છે
લઈ નિમંત્રણ દરવાજે ઊભો માણીગર લે લાગી છે

ઝીલી લે સૌ સ્થાનકના સત્કાર અરે ઓ મહામારગી!
નીકળી જા કુંડાળું છોડી ઠીક સમયસર લે લાગી છે

આ તે કયું કૌતુક ભેદ ના ભાસે બિલકુલ લય, પ્રલયમાં
વ્હાલ ઊગ્યું છે એની સાવ લગોલગ જબ્બર લે લાગી છે

સ્વાદ ધ્રાણ રસ રૂપ બધુંયે ખરી પડે એક ખોંખારામાં
ઝીલે ના કોઈ જરા સરીખી ઝીંક વખંભર લે લાગી છે

કોને ક્યાં ક્યાં કેવી લાગી એ પૂછીને પંડિત ન થા
પ્રેમીજન શી દૃષ્ટિ કેળવ જો સરાસર લે લાગી છે

ક્યાંક કળાશે તંબૂરરવમાં, ક્યાંક કથામાં કથાઈ રહી છે
ક્યાંક અજાચક, અણજાણી, અણકથ ઘરોઘર લે લાગી છે

લે-માંને લે-માં જ હવે તો ઝળી રહી છે જાત સદંતર
ઝાલો તો ઝાલો હળવેથી બાંય હરિવર! લે લાગી છે

લ્હાવો લે છે

રસ ઘૂંટી રસપ્રદ બનાવી લ્હાવો લે છે
સાચ-જૂઠને ચાવીચાવી લ્હાવો લે છે

દંતકથામાંથી એક દોરો ખેંચી કાઢી
અફવાઓ આભે ચગાવી લ્હાવો લે છે

ભલે સત્યના સ્વામી એ કહેવડાવે કિંતુ
હકીકતોને હચમચાવી લ્હાવો લે છે

પરમ પ્રકૃતિપ્રેમીના હક્કદાવા માટે
ઝરણાનું ટેટૂં ચીપકાવી લ્હાવો લે છે

ઊડી ગયેલા પોપટ સાથે વેર વાળવા
બાઈ સીતાપિંજર પઢાવી લ્હાવો લે છે

સમજીને પોતાને સમકક્ષ મીર-ગાલિબના
વાતેવાતે નામ વટાવી લ્હાવો લે છે

સો ટચનો કોઈ શબ્દ પારખી તું પણ લઈ જો
જ્યમ તાળું ખુલ્યાનો ચાવી લ્હાવો લે છે

રાજા!

અંગો બિછાવી વ્હાલથી વરશું તને રાજા!
ઓવારણે ને આંસુડે ફળશું તને રાજા!

તારી ક્ષણેક્ષણમાં સતત ઊગીને આથમશું
આઠે પ્રહર આકંઠ સાંભરશું તને રાજા!

અરધી કળાથી પ્રગટે તો અરધા જ ઊંઘડશું
આઠમના અરધા ચંદ્ર, જીરવશું તને રાજા!

કંકાવટી કેસરની લઈને વાટ નીરખશું
તું આવ તો, પહેલું તિલક કરશું તને રાજા!

વનવેલ થઈને મહોરશું, ને ફાલશું, ફળશું
નમતી પરોઢે છેક પરહરશું તને રાજા!

મોસમનાં નવલાં ધાન્ય જેવી ખેવના કરશું
ઝીણાં જતનથી નિત્ય જાળવશું તને રાજા!

થઈને અષાઢી સાંજ તારા રસ્તે ઘેરાશું
કલહાસ ને કેકાથી કરગરશું તને રાજા!

તને રાણી!

વરસાદી સ્વપ્નો વચ્ચેથી હરશું તને રાણી!
નિત નિત નવું વરસીને ભીંજવશું તને રાણી!

હૈયે ઠરી હળશું અને મળશું તને રાણી!
ખોવાઈ જઈશું ને ફરી જડશું તને રાણી!

સૌ ટાઢ-તડકા, વાયરાને ખાળશું, ખમશું
સૌહાર્દના છાંયાથી છાવરશું તને રાણી!

એકાંત, અંગતતા બધું અર્પણ કરી દઈશું
મેળા, મહોત્સવ જેમ ઊજવશું તને રાણી!

પંડિત પુરાણીએ કહ્યું : છે પાણીનો તું પિંડ
તો પાણી-પાણી થઈને વિનવશું તેને રાણી!

વહેલી પરોઢે થઈ નવું નક્ષત્ર ઊગે છે તું
ત્યાં જાગરણ જેવું જ સાંપડશું તને રાણી!

ચંપા-ચમેલી જેમ તારી વેણીએ મહેકી–
કરમાઈ જાશું તે છતાં ગમશું તને રાણી!

સમજાતાં નથી

ભીતરી પીડાનાં શરસંધાન સમજાતાં નથી
ત્યાં કદીયે ભેંસ કે ભગવાન સમજાતાં નથી.

વૃક્ષને થડ, મૂળ, ડાળી, પાન સમજાતાં નથી
ત્યારે પંખીને સ્વયંના ગાન સમજાતાં નથી

છેક જ્ઞાનેન્દ્રિય દ્વારા જ્ઞાત હોવું જોઈએ
વર્ણનોથી ધૂપ કે લોબાન સમજાતાં નથી

હાથમાં એના દિશાસૂચન મૂક્યુંં છે વહાણનું
જેમને નૈઋત્ય ને ઈશાન સમજાતા નથી

શ્વાસ ઊંડા લો કે આસન વાળીને બેસી રહો
વ્યર્થ છે સૌ જ્યાં સુધી સ્વસ્તાન સમજાતાં નથી

એ ખરું કે સ્પર્શની ભીનપ સુધી પહોંચાય છે
પણ ત્વચા ઉપર થતાં તોફાન સમજાતાં નથી

આપને હું કઈ રીતે વૈષ્ણવ કહું? હે ભક્તજન
રાસ સમજાતા નથી, રસખાન સમજાતા નથી

અછાંદસ - ગદ્યકાવ્ય

આડી અવળી પરંતુ લયબદ્ધ નાની મોટી કબરો જે નથી તેની રાહ જોતી અને છે તેની પ્રતીતિ વિનાની

છરી

એ લોકો
મરેલા ઢોરનું ચામડું ઉતારે
તે લોકો
કેન્સરની ગાંઠ સુધી પહોંચવા
કરુણાસભર નિર્દયતાથી જીવતા માણસનું અંગ ચીરે

કોઈક સ્ટેબિંગ માટે મારી આનાકાનીને ગાંઠે નહીં
ઘડીના છઠ્ઠા ભાગમાં મારો રંગ બદલી દે.
કોઈ ગૃહિણી મને પંપાળતી હોય તેમ
સવારના નાસ્તાની પ્લેટ માટે તાજાં ફળની છાલ ઉતારે

બધુ સ્થિર અને સંપન્ન રીતે મારા સાક્ષીભાવમાં ઉમેરાતું રહે

કોઈ મને ઘડવામાં આવી હોય તે લોઢાનાં મૂળ-કુળ વિશે વિચારતું નથી.
જેમ પોતાના આદિસ્ત્રી-પુરૂષ માટે પાછળ જોવાની ટેવ નથી એને.
એનાં કામની નિપુણતા
વર્તમાનને ચાવ્યે રાખતાં અને ભવિષ્યનાં ટૂકડેટૂકડે એકઠું કરતા વધે છે.
તેમ તેઓ સમજી ચૂક્યા છે.

મને કાટ ના લાગે કે ધાર તેજ રહે એની કાળજી એ લોકો લે છે
પરંતુ, પોતાની સ્મૃતિઓ કે સંવેદનાઓને માંઝતા નથી.
વસ્તુસાપેક્ષ હોવાના વરદાનની એ જાહેરાત નથી આપતા
અને ભૂલતા પણ નથી

ધર્મની મહાપાઠશાળા હું
આ બધું જ જાણું
અને એ ય જાણું કે, મારી પાસેથી જ એ લોકો સ્થિતપ્રજ્ઞતાના પાઠ શીખે છે

મારી જેમ જ આ લોકો સુખ-દુઃખથી પર છે.

કબ્રસ્તાનમાં આંબલી

શહેરની વચ્ચોવચ્ચ
કહોને કે છાતી ઉપર જ લગભગ
કબ્રસ્તાન
ધબકે
માત્ર ડાઘુઓની નીરવ, ધીમી
છતાં ચોક્કસ લક્ષ્ય તરફની મક્કમ આવ-જાથી.

આમ તો, કોઈપણ શહેરમાં હોય છે એવું જ,
એક અર્થમાં રળિયામણું પણ કહી શકો.

મોટો કટાયેલો દરવાજો
કદીક હશે ઝેરી લીલા રંગનો
પણ આજે તો ભૂખરો
એટલે કે કબ્રસ્તાનને હોય છે એવો.
આડી અવળી પરંતુ લયબદ્ધ
નાની મોટી કબરો
જે નથી તેની રાહ જોતી
અને છે તેની પ્રતીતિ વિનાની.
આપણે મોટાભાગે ઓળખતાં જ હોઈએ
તેવાં વૃક્ષો
બાગ-બગીચામાં હોય છે એવાં
છતાં વિધાનના જોખમે કહી શકાય કે,
એક રાગ એવો જે અહીં વધુ વિલંબિત
આ બધાં સાથે ભળી ગયેલી
આંબલીઓ
ઘણી જ; લીલીછમ્મ અને હમણાં તો–
કાતરાથી ભરીભાદરી
ઝૂકેલી લથબથ ડાળો
આંટીએ ચડે એકબીજાની.

મને
અમારા ગોંદરાની આંબલીઓ યાદ આવી
કહેવાતું
ત્યાં તો ચુડેલનો વાસ
આછું અંધારું ઊતરે
પછી તો કોઈ ફરકે નહીં આસપાસ
પણ–
આ તો શહેરનાં નીતિ-નિયમથી ઝળાંહળાં
અજવાળાંનાં શાસનમાં ખડે પગે કતારબદ્ધ
એના કાતરાનો સ્વાદ પણ શરતી
સાવધાનીને અનુસરતો
ખાટ્ટો, મીઠ્ઠો, કડવો, તૂરો.

લાગે છે,
ઊંડાણે જઈ લંબાયાં હશે મૂળ
ચૂસાઈને ઊંચે ચડ્યો હશે,
અસ્થિઓમાં જીવતો સ્વભાવ
જે આવી બેઠો જીભના ટેરવે.

ખનન

પ્રશ્નો
અથડાય આડેધડ
ક્યારેક ગોફણમાંથી છટકી
વીંઝાય
તે પડે છેક સમુદ્રધુનિઓ ભેદતા,
કરાલ ભેખડો ભાંગી,
આવી ચડે છીછરાં જળમાં,
માઈક્રોબ્સમાં ઊછરે;

ક્યારેક વ્હાલછોયા થઈ આળોટી પડે પગમાં
ઘૂમરાય ભમરડા થઈ
ઘેઘૂર સાદે રાગડા તાણી રજૂ થાય
ચાટે, ચપ્ ચપ્ લબકારા લેતા
સૂંઘે
સજાતીય સાથે હાથ મેળવી હરખાય, અને
વિજાતીયથી આકર્ષાઈને એકમાંથી થાય અનેક
બેવડાય, બદલાય, ધારણા મુજબના રંગ ધારણ કરે
તાણો તો તણાય
લાંબાલચ્ચ થઈ પહોળા પટે પડ્યા રહે
દાબો તો દબાતી સ્પ્રિંગ
પ્રશ્નો- પથ્થર, પ્રાણી, ભીડ, નટબજાણીઆ, કાચની આંખો
જે હોય પણ ભાળે નહીં કાંઈ
કાચંડા
પ્રશ્નો–
Not to be loose shunted
જોયાં કરવાની હારમાળાંઓ...
લાંબી અકળામણો
કીકીઓને છારી બાઝે
હાથ ખરડાય,
ગોઠણ-ઘૂંટીઓ વચ્ચે વિસ્તરે કળતર
આગ આગ પ્રસરે આદેશ આપતી આંટીઘૂંટીઓમાં
તારણો
નિષ્કર્ષો પછી
ઊઠે અસ્ત્ર
બોરના ઠળિયામાં છુપાઈ રહેલું
ખણી કાઢવા, થાય બ્રહ્માસ્ત્ર કે અગ્ન્યસ્ત્ર
છૂટે તેવો
પ્રહાર
ને માત્ર છરકો પડે ટચલી આંગળી પર
થડકો, ઊંહકાર
કોઈ સાંભળે ન સાંભળે ત્યાં તો
પ્રગટે ઊગતા સૂરજનો પણ
વહે અટકી અટકીને
પ્રસરે
ભીની આંખે લાલ લિસોટા વળગે
રાખ ઉડાડતા પંખી થઈ
રક્તકણો ફોડી, ફેદી
હુહુકારા
ખિખિયાટા કરતી, ઘેરી વળે
બોંતેર પેઢીઓ
નાગ, વૃષભ, વરાહ આવે
આવે મચ્છ, કચ્છપ ને કલ્કિ
લાઈનો લાગે
અચરજને આંબવાનાં હવાતિયાં
ડ્હોળાય
જુએ મૂંગામંતર બની
ધીમે ધીમે ઘટતું
ખૂટે
ધક્કે ચડે, અથડાય
સ્પર્શે, ચાખે, ચાવે, ઉતરડે
ચામડીનાં પડળ ચૂંથે
છેક તળમાંથી બોર્નમેરોના મુઠ્ઠા ભરાય
રંગબેરંગી દ્રાવણોમાં ભેળવાય, ઝબોળાય
નિરીક્ષણો નોંધાય
કણકણ તપાસાય
તોળાય...

બધાં ક્રિયાપદો ખૂટે પછી
અકર્મણ્યભાવથી ભોળવાઈને તાકી રહે,
’ને શરૂ થાય
શબ્દવિહીન માત્ર ઘુરકિયાં...

એકબીજા સાથે ઝઘડતા હે મારા પૂર્વજો
તમારી તીક્ષ્ણ વિલક્ષણતાઓ
શતરંજની ચાલની રીતે અજમાવતાં
પરિણામ તો મળશે
પણ ફંટાઈ જશો અણધાર્યા જ.
પછી
પેઢી દરપેઢી
શતરંજો ગોઠવાશે
ચાલો ચલાશે
નિર્ણયો
ગૂંચવણો
તાત્પર્યોની તીણી પિપૂડીઓ
ગજવશે ઐરાવતોનાં કુંભસ્થળો
મદઝરતાં વ્હેણો વહેશે
તણાશે
તરશે ટીપું થયેલો સૂરજ.

જાતિ-પ્રજાતિ, સરિસૃપ અને સ્તનધારી
જળચર-ખેચર-ભૂચર વિશે,
બોલતાં-બબડતાં-વિચારતાં વિશે વિગતો મેળવાશે
હિમોગ્લૉબિનના આંક
અને શુગરના ટકા નોંધાશે
ગૌત્ર અને ગૃપ નક્કી થશે
પરંતુ
અધ્ધરતાલ લટકતા જ રહેશે
પ્રશ્નો
ખીંટીએ ભેરવાઈને જુગપુરાણા ઘરની ભીંતે
તોરણોમાં, આવતાં-જતાં અથડાતા, માથું ફોડતા
ટોડલીઆં-ભીંતેલીઆંમાં ઝગારા મારતા
ઝીણું ઝબૂકતા
ચાકળાઓમાં વર્ષો જૂના.
પ્રશ્નો - ભોંકાતા,
ભસતા, ધાવણ ધાવતા, ગૂંચવાયેલા, ગતકડાં
પ્રશ્નો - સલામછાપ,
બેડરૂમના,
અંગતતા ઓઢી ગોઠણ ઘસડતા,
મુખવટો પહેરેલ સ્મિતસભર બેઠકખંડના
ફેરફુદરડી ફરતા ફળિયાના,
ચર્ચાની તાણખેંચે ચડેલ
શ્વાન-શિયાળની લડાઈમાં, છેવટે
શેરી બાજુ ઢસડાતા,
વંઠેલ,
ગામને મોઢે ગળણું બાંધતા, ચૌટાના
ચર્ચાતા, ચૂંથાતા
સમરાંગણ સર્જતા
અગણિત
અણઉકેલ
હારમાળાંઓ...

આવવું છે તારણ પર?
ચાલો, થોડી ચાવીઓ આપું.
આ આંખો જુઓ,
તેમાં ઊંડા ઊતરો
તપાસો
પૂર્ણ થતાં પહેલાં કોઈ હલકટ મનોવૃત્તિથી
ખૂલી ગયેલા વ્યૂહની
તૂટી પડેલ દૃશ્યાવલિઓમાં સ્થિર
યુદ્ધમુદ્રાઓ,
કીકીઓ પર ઝાંખા ધુમાડિયા રંગના ફરફરતા પરદા
માનું છું વહેલી સવારે જોએલું ધુમ્મસ છે, અથવા
વાતાવરણમાં ઓગળેલ કાર્બનડાયોક્સાઈડ.
આગળ વધો.
ઘ્રાણેન્દ્રિયમાં પ્રસરેલ ગંધનાં પડળ ખોલો.
સાચાં છો તમે
આ એ જ અપ્સરાઓ અને યક્ષિણીઓની
કર્ણબૂટો, બાજુબંધો અને વૈજયન્તીમાળાઓમાં સ્થિત
કલ્પલત્તાઓનો પમરાટ, અને
દાવાનળોમાં સળગેલાં આલાલીલાં વૃક્ષોના ઝરતા રસની
ગંધ,
છેલ્લા અણુધડાકા વખતે ફેલાએલી
બળેલા દારૂગોળાની અને આ માટીની

જીભમાંથી એકાદ ટુકડો લો,
આ સ્વાદ,
જેમાં ભળ્યો અશ્વપાલના હાથનો ગરમાવો
વૃત્તિનો થોડો કડવો,
સ્વાદેન્દ્રિયને મૃત કરતો
કારખાનામાંથી વહી આવતાં લાલપાણીનો
એસિડિક,
ન ઓળખાયેલો પણ નોંધો.
આમ જ બધી ઇન્દ્રિયો, ગ્રંથિઓ
અરે! વાત્-પિત્ત-કફ સુધીનું તપાસો
પરંતુ આમ,
યાદીઓ આપવાથી કશું ક્યાં નક્કી થાય છે?

પામવું જ હોય કેન્દ્ર, તો
ભેદવા પડશે પરિઘ,
સંમત.
ક્યારેક વિકલ્પના બધા દરવાજા બંધ થાય
ત્યારે, સંકટસમયની બારી જેમ બચે છે.
માત્ર હકાર
એવી જ કોઈક પળે
તેં આપ્યો નવો વળાંક
પરિઘબદ્ધતાની આસપાસ ઘૂમરાતી મારી શાશ્વતીને.
હવે આવીશ સમ્મુખ
અકાળે ખરી પડેલ કોઈ ઉલ્કાને મુઠ્ઠીમાં લઈ
રહસ્યલિપિ ઉકેલવા,
નિહારિકાઓને વાળશું મરજી મુજબના પ્રદેશોમાં
રાશિઓ, નક્ષત્રો રમશે
રમમાણ થશે ભાખમાં
નવજાત આકાશ,
સૂર્ય, ચંદ્ર, તારા અને ગ્રહો
આપણા તાલે નાચશે, ઠેક લઈ લઈ તાતાધિન
ધિનતા ધિનતા ઓદિરધિન્ના ધિન્ ધિન્ ધિન્
સદીઓ, સહસ્રાબ્દીઓ પાછા હટી
નિહાળશું નરવી આંખે
લુપ્ત નદીઓ,
પીગળેલા પહાડો
ઊધઈ ખવાયેલ બારી–
બારણાઓમાં આવી ચડેલાં જંગલો
ફેકટરીઓમાં દળાતા,
દાળ-શાકને સ્વાદિષ્ટ કરતા સમુદ્રો
લીસ્સાલપ્પટ થયેલા
જૈ શિવશંકરના શોરબકોરથી ત્રાસી ગયેલા પથ્થરો
દટાઈ-દબાઈ ભોં ભીતર થયેલાં
અવશેષરૂપ,
કાચી ઈંટમાટીનાં
અસ્તિનાં ઓવારે ઊભેલાં, નકશાવિહીન
ઇમારતો - મહેલો - અટ્ટાલિકાઓ અને બૂરજોમાં સ્થિત
કસબા અને નગરીઓ
કાળજીપૂર્વકનાં કોતરકામ, ચિતરામણો, શિલ્પો
અધતૂટેલાં, અધબળેલાં, આકારબદ્ધ
નિરાકારી, નામી-અનામીને
આપશું આંકડાઓની પરિભાષા, ઉકેલશું
પ્રથમ દૃષ્ટિથી ઊઠતા ભાવની ભાષા, ઘડશું
નવા અર્થ
નિષ્કરણો તા૨વશું
તો પણ,
કશું નક્કી તો થાય જ નહીં...

ઊંડે ઊતરવું પડશે
શાંત જ્વાળામુખીઓ ભેદી
અશ્મિઓ ખોળી-ફંફોળી લઈ જવાં પડશે.
રેડિયોએક્ટીવ કાર્બન-૧૪ તળે લૅબૉરેટરીઝમાં
કોષો, કરચલીઓ ઝીણવટથી ઉકેલી
લૂણો લાગેલ કંકાલો, કટકીઓ, કરચો જોડી,
સાંધેસાંધા મેળવી સારવવાનો સમય, અને
તારવવાના એક એક ખંડ, સમયાન્તરો.
ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ-ને અભ્યાસવાના
રંગસૂત્રો, હિરેડિટરિ હૉર્મોન્સ એકઠા કરી
તપાસી, તાવી શોધાય મૂળ
ઓળખાય આદિપુરુષ
હૉમોઈરેક્ટ્સ કે હૉમોસેપિયનના
ગોટાળે ચડાવતી ગડમથલો ઉકેલાય
પછીથી હૉમિનોઈડ તરીકે સ્થાપી
ગોઠવી દઈશું અદ્યતન મૉડેલમાં
એના મુખમાંથી પ્રગટતો અગ્નિ
અને નાભિસ્થાનેથી પ્રસ્ફૂટતાં તેજવલયો
આકારશું આબેહૂબ

સલામતી અને સુખસુવિધાઓની ચીવટ
મૂળભૂત જરૂરિયાતો, મનોરંજનની ઉચ્ચ સગવડો
એકાન્ત તેમજ ઉપસ્થિતિઓની ઝીણી ઝીણી જવાબદારી
બરાબર જાળવશું,
ચોવીસ કલાકના સહવાસ માટે
ફિલ્મ પોસ્ટરોમાંની અધખુલ્લી છબીઓ લટકશે આસપાસ
વારે-તહેવારે
પૉપ અને જૅઝ મ્યુઝિક ચેનલ્સની વ્યવસ્થા
ઝળાંહળાં નિઓન-સોડિઅમનાં છત્રોય આપશું
પીતામ્બર અને જરકશી જામા
હીરભરત પાઘડી અને રાઠોડી મોજડીમાં
ઓપશે અફલાતૂન, અદ્દલ
અબીલ-ગુલાલ અને અગરુ-ચંદનના અભિષેક રોજેરોજ
અને રોજેરોજ તપાસ,
તાવણી
વંશીય અને નૃવંશીય બાબતોનાં
થોથાંઓ ઉપરની ધૂળ ખંખેરી
અભિગમો અને આવિર્ભાવોના તાળા મેળવાશે;
તો કદીક,
બૂટ-શૂટ ટાઈથી સજ્જ જેન્ટલ્મૅન સ્ટાઈલ
મોગરો, હિના કે જૂઈ-ચમેલીનાં
અત્તરનાં પૂમડાંથી મહેક મહેક થતા કાન, વાળમાં તેલ-ફુલેલ
અથવા
હાફ્ફૅડ કૉટજિન્સ અને સ્ટૉનવૉશ શર્ટ-ટિશર્ટમાં
ચાર્લિ-ઈન્ટીમેટના આછા સ્પ્રેથી મઘમઘતો
ઉડઉડ થતા વાળ,
સ્પૉટ્ર્સશૂઝથી સજાવી-ધજાવી
સેપરેટ કે સંલગ્ન ફોટોફોલિઓમાંથી બહાર કાઢી
ઝબોળશું જુદાં જુદાં રસાયણોમાં
પછી નિરાંતવી પ્રોસેસ
એક્સ-રે અને સોનોગ્રાફી સુધીના નુસખાઓ
વાઢકાપ અને લેસર ટ્રીટ્મૅન્ટ
આયુર્વેદથી હોમિઑપથિ સુધી ફરી વળી
છેવટે
પાથરશું માતાનો પટ્ટ
દાણા જોવડાવશું, અરણી ગવડાવશું
સૌથી છેલ્લે મરેલાની રાખ ઢગલીમાંથી
ભસ્મ મેળવી, જમણા બાવડે બાંધશું પોટલી
લીલ પરણાવશું
સ્થાપશું શિકોતર, શૂરાપુરા કે સુરધન તરીકે
જરૂર પડ્યે જાતર આદરશું
કોઈ વાના બાકી નહીં રાખવાના
તે છતાંય તું
હા, તું
ક્યાં કશું નક્કી થવા દે છે.
તલભાર તું
અફીણની કાંકરી
તોળાય રાઈ-મીઠાના તોલે
ઘૂંટાય વંશપરંપરાગત વપરાતા
દાદા પરદાદાએ સાચવેલ લાકડાના ખરલમાં
પછીથી
સાતે કોઠે થતા દીવાનું અજવાળું તું
તું વિવસ્વાન
તું આદિત્ય, મિત્ર
પૂષા તું
સાવરકુંડલાની સંઘેડિયા બજારમાં
સાગ-સીસમ-સંખેડાનું છોડિયું તું
ભટકે
છોલાય, છેદાય, પરોવાય
ઘડાય ઘાટેઘાટે
રેષારેષામાંં રંગના લપેડા મરી
વેપારી સંઘેડિયા
ગોઠવી દે તને રમકડાંમાં
ઊંટ, હાથી અને ઢીંગલાઢીગલીનાં પારણામાં તું
અને તું જ આનંદક્રીડા કરે,
મ્હાલે.
આના-બેઆના-ના ભાવફેરે
પહોંચે મહાનગરોની ભીડમાં,
ત્યારે
પારખુ, ચાલબાજ નજરો શોધી કાઢે મૂળ
‘આના તે હોતા હશે આટલા’
કહી, કાઢી નાખે ‘ઘી’માંથી માખી-ની સિફતથી.
તનેય વયના સળ પડે
સર્વજ્ઞ, અમર્ત્ય કાળનો પામે પરચો
પંપાળે તારી જ મૃદુ આંગળીઓથી, પોપડીઓમાં બેઠેલ,
પ્રસરવું જ જેની નિયતિ છે તેવા કાળને
પણ
કાળી બકરી ધોળી ગાય
કે
ધોળી બકરી કાળી ગાય–ની
ભાંજગડમાં પડવાં કરતાં તો
કોઈ ચૂલાનું લાકડું થવાં
તત્પર થાય, ત્યારે મળે તારો ઉદ્ધારક
સવાયાં કે બમણાં આપીને લઈ જાય
પાંચ-પચ્ચીસને બતાવે
પછી ગોઠવી દે
ઍરકન્ડીશન્ડ ઓરડાનાં મહામૂલાં સૉ-કેઈસમાં
ને ત્યાં જ અટકી પડે બધી તપાસો અને તારવણીઓ.
ત્યારે,
આ કરતાં દીવાદાંડી થયા હોત તો સારું હતું
કોઈ ખરાબે ચડેલ વહાણને
કાંઠો તો બતાવી શકત
એવું બબડતા સાંભળ્યો છે તને,

કોઈક રૂપકડી શહેરી લલનાને
જરાક અમસ્તો સ્પર્શ કરવા, લટ્ટુ થતો
અસંખ્ય યોનિઓના ફેરા ફરતો
સાવ નિઃસહાય જોયો છે તને,
પાઈનની ટોચ ઉપર લટકતો
સુકાઈને લાકડું થયેલો ગર્ભ
અને કોઈપણ સ્વાદ વગરના મીંજમાં
ચાખ્યો છે તને.

સૂંઘ્યો છે,
સહજમૃત્યુ, આત્મહત્યા કે ખૂનની તપાસમાં
ઘોરમાંથી બહાર કઢાતો
કોહવાયેલો.

કેટકેટલાં રૂપે
તારા પ્રકટીકરણ અને સમાપ્તિઓ, સાથે
હરવખત રાખ્યું છે અનુસંધાન
સિક્કાની બીજીબાજુએ રહીને.

વળી,
ક્યારેક ધાતુરૂપ,
ક્યારેક ભૂર્જપત્રના કાણા–
કૂબડા કોતરાયેલ અક્ષરમાં
પૂર્ણરૂપ વિરાજમાન વામનવિરાટ તું.
જેની પ્રતિષ્ઠા માટે
ભણવા પડતા નથી મંત્રો
કે, આપવી પડતી નથી આહુતિઓ,
કે, ચડાવવા પડતા નથી બલિ,
એવાં સ્વરૂપે
વ્યથા-વ્યાધિની અસરરહિત
સંજવારી વાળતો,
શ્વાસોચ્છ્વાસ ચલાવતા જાણ્યો, પ્રમાણ્યો.
શોધાયો તો
સદીઓના કાટમાળ તળેથી
દટાયેલા ખંડેરોમાં
માટી સાથે માટી થયેલો
ધૂળમાંથી પ્રગટ્યો ધૂળધોયો.
તો કદીક
સ્પેશ-શટલમાંથી શહેરના છેવાડે
ઊતરે અનુઆધુનિક કહ્યાગરો.
રોજબરોજના વ્યવહારમાં
ખભેખભો મેળવી ચાલે
લથડતાને ટેકો દે, અણદીઠ
ને એ જ પાછો ફંગોળે
એક ફૂંકે સાતમાં આસમાને
બનાવી દે ધૂમકેતુ
ઉડાડે ક્ષણેકમાં છેક સૌરમંડળીમાં
ને બીજી ક્ષણે
પછાડે આ ધરાતલ પર પાછા.

પછીથી,
આરંભાય નવેસરથી, નવી રીતભાતે
ફરી ફરી આ પૃથ્વીગાથા.

તેથી તો –
હે આદિમ ચાહું છું તને,
ટચલી આંગળીએ પડેલા છરકાની
આસપાસ વીંટળાતા આખાય
ચેતનાતંત્રની
ત્વરાથી.

દોહા-૧

સખ્ય

દદડે દશ દશ ધારથી રસ નીતરતું વ્હેણ
ઝીલો તો જલધાર બને લખીએ તો લાખેણ

ચૌદ કળાએ ચંદ્ર, તો સોળ કળાએ આંખ
વ્હાલપ ફૂટે વૃક્ષને શરીરે ફૂટે શાખ

તારામાં તું ઓતપ્રોત હું મારામાં લીન
ઘરની જર્જર ભીંત પર મૂક લટકતું બીન

તું ચૈતરની ચાંદની તું મંત્રોના જાપ
સ્પર્શું ચાખું સાંભળું સઘળે તારો વ્યાપ

મારા મદીલ ‘સા’ ઉપર તું પંચમની ટીપ
લય સંધાયો જોગનો ઝળહળ પ્રગટ્યા દીપ

ઝળઝળિયાંની જોડ તું, તું ઘનઘેરી સાંજ
નેહે તનમન કોળતાં વ્રેહે હૈયે દાઝ

ગહન ગુફાના ગોખમાં તે પ્રગટાવી જ્યોત
અંધારું લઈ પાંખમાં ઊડ્યાં અંધ કપોત