સોરઠી સંતવાણી/સ્વયંભૂ

From Ekatra Wiki
Revision as of 06:34, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
સ્વયંભૂ

પંડ્ય ને વરમંડમાં જ્યારે વાણી નો’તી ત્યારે
નભમેં બુંદ નવ ઝરતા રે જી
બ્રહ્મા ને વિષ્ણુ મહેશ્વર નો’તા રે
ત્યારે આપોઆપ અકરતાજી રે જી
સાચો સાચો મહાધ્રમ છે હાં
બા’ર ને ભીતર એક બ્રહ્મ છે જી.
મનમથી માયા રે મે’લ રચાયો,
ત્યારે નાદ ને બુંદ પરકાશ્યા રે જી
પાંચ રે તતવ લઈને પરગટ કીધાં રે જી
ત્યારે ચૌદ લોક રચાવ્યા જી
સાચો સાચો મહાધ્રમ છે હાં.
મૂળ મહામંત્ર લૈને પંથ પરકાશ્યો,
ત્યારે ઘાટે ને પાટે પૂજા કીધી રે જી;
પાંચે ય મળીને મહાવ્રત સાધ્યાં રે
ત્યારે નામ તો ધરાવ્યાં નીમાધારી રે જી — સાચો.
મેરુ શિખરથી ગંગાજી મંગાવ્યાં જી
વાચે ને કાછે તરવેણી જી
ભગત જગતને લૈને એંધાણી રે
શબદુંમાં રે’ણી ને કે’ણી રે જી — સાચો.
ધ્યાન ને ધરમ લૈ પરમારથ પેખો રે
આપો પણ નવ લેખો રે જી,
ગુરુને વચને તમે હુઈ કરી હાલો રે,
સરવામાં નિરંજન દેખો રે જી — સાચો.
ગુરુજી ભેદે ને ચાર વેદે જી,
ત્યારે ભગતી લૈ શિવજીને દીધી રે,
શિવ ને શક્તિ મળી ધરમ ચલાવ્યો રે જી
ત્યારે ઉમિયાજી પાટ પધાર્યાં રે જી — સાચો.
શબદ નિત હોઈ અને ઉનમૂન રેનાં જી,
ત્યારે જાત વરણ નવ ભાસો રે જી.
મૂળદાસ કે’ જે નર ભીતર જાગ્યા રે જી,
તમે મહા રે ધરમને પાળો રે જી — સાચો.

[મૂળદાસ]

અર્થ : પિંડ ને બ્રહ્માંડમાં જ્યારે વાણી નહોતી, નભમાંથી બિંદુ નહોતું ઝરતું, બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ પણ નહોતા, ત્યારે ધણી કર્તા વગર સ્વયંભૂ પ્રગટ થયા. સાચો એક મહાધર્મ છે. બહાર ને ભીતર એક જ બ્રહ્મ છે. મન્મથ (કામદેવ)થી પ્રેરિત માયાએ આ સર્જન-મહેલ રચાવ્યો, ત્યારે નાદ ને બિન્દુ પ્રગટ થયાં. ચૌદ લોક રચ્યા. મૂળ મહામંત્ર વડે પંથ પ્રકાશમાન કીધો. ઘાટે ને પાટે પૂજા કરી. પાંચેય મહાવ્રત સાધ્યાં. નામ ધરાવ્યાં નીમાધારી. મેરુશિખરથી ગંગાજીને તેડાવ્યાં. વાચ ને કાછ વડે (વાણી ને બ્રહ્મચર્ય વડે) ત્રિકોણી રચી. સર્વેમાં તમે નિરંજનનું દર્શન કરો. ગુરુના વચન મુજબ ચાલો. આ ધર્મ તો શિવે ને શક્તિએ મળીને ચલાવ્યો છે. શબ્દ પર સ્થિર બનીને ઉન્મના (સંસારથી પર ચિત્ત રાખીને) રહેશો ત્યાર પછી જાતિ કે વર્ણનું જુદાપણું નહીં ભાસે. મૂળદાસ કહે છે કે જે નર ભીતરથી જાગી ગયા હોય તેઓ આ મહાધર્મને પાળે છે.