ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/નાઝીર મનસૂરી/બોકાહો

From Ekatra Wiki
Revision as of 11:59, 21 June 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search

બોકાહો


અષાઢના અંધારિયામાં વરસાદના ગોરંભાને કારણે વહેલી સાંજ પડી ગઈ હોય તેવું લાગતું હતું. ભાઠના તળમાં કોળીખારવા માછીમારોનાં છૂટાંછવાયાં ઘર. વાંસખપાટિયાંનાં બનેલાં ગારમાટીથી લીંપેલાંગૂંપેલાં વિલાયતી નળિયાં ચડાવેલાં. છૂટકતૂટક રાવણતાડિયા ને નારિયેળીઓ વચ્ચે ભાઠના સાવ છેવાડે ભેખડો તરફ પાનીનું ઘર. વાડા પાછળના સપાટ ભાગે રાવણતાડિયા ને નારિયેળીઓ. ખજૂરીઓનું ભાઠના રેતાળતળનું પાનીનું છએક વીઘાંનું ખેતર. કાંટાળા ભૂંગળા થોરિયાની વાડ લગોલગ લાગેલી ગડગડિયા પાણીની કોઠડી. ખેતરની આથમણા કોરની વાડ પાછળ ભાઠનાં કોતરોમાં મોજાં પછાડતાં રહેતાં. ચોમાસાના ટાણાના કારણે આખરાન જુવાળ પછી તો દરિયો વીફરી બેઠો હતો. ભાઠમાં પછડાતાં મેલાંઘેલાં મોજાંઓ ભખામ… ભળ… ભઉષ… છલાંગ… જેવો ઘોર રાતદિવસ ગાજતો. જુવાળના કારણે પછડાતાં મોજાંની વાછટ સતત ઊડતી ને બધું ધુમ્મસપડળ તળે ખોવાયેલું ખોવાયેલું લાગતું. આથમણી કોરની થોરિયાની વાડ ખારીઝેર જેવી વાછટના કારમે કાળી પડી ગઈ હતી… ચણોઠી ને ગળાના વેલાય બળીઝળી ગયેલા.

આખરે ડેગણ ડાકણાનાં પલીતાં ને દોરાધાગાય નકામાં ગયાં. વાડામાં ખાટલી પર બેઠેલી પાની ખેતરની આથમણી કોર નજર નાખતી વિચારતી બેઠી હતી. તોતિંગ સરગવા તળે. વાવડો સૂસવાતો હતો. ચાલીસેકની ઉંમરની પાની ઊંચી, કદાવર, પહોળા બાંધાની ગોરીઝાણ મછાક જેવી. ઘણા દા’ડાની તે કુઢામણમાં ધૂંધવાતી હતી. તેની સાસુ વાલુમોટી આખરે ના માની તે ના જ માની ને તેના દેર વિસરામ સાથે પાનીનું દેરવટું કરાવી નાખ્યું. ‘ઝેર પયરાવ આપણી વાતું માને સ કાંવ? ગોળાસપરાના કોઈ હમજતું’સલથ બાઈ, પસીં કાંવ કરવું?વાલુફુઈ પન રાંડ આવલાના બાસકેાવી ગીસ.’ છએક વીઘાંનાખેતરમાં પાની શાકબકાલું કરતી. અડખેપડખે વેળણ-માઢવાડ વગેરે જઈને વેચી આવતી. ક્યારેક વિસરામની પિલાણીમાં વધારે પરતલ હોય તો વેળણ જઈને માછલાં વેચી આવતી. કાંટી, બાંગડા, તુરા, ચાકસી, ખાત્રી-ખાગા વગેરે. ત્રણેક વીઘાંમાં બાજરો કરેલો, ભાઠની રેતાળ જમીનમાં…! બાકી બકાલાના નાના નાના ક્યારા હતા.કસાયેલા દેહની પડછંદ પાની ભારે કામઢી હતી. બેત્રણ ઢાંઢા ને રેંટિયો કૂવોવરહ આખું મચી રહેતી. ‘ભરવા ડાકણાનાં પલીતાં અવાઈ ગ્યાં કાંય…?’ પાનીને હજીયે ઊંડી આશા હતી વેલણના ડેગણડાકણા પર, તેનાં પલીતાં પર… વાલુમોટી આખી વાતજ પડતી મૂકે ને વિસરામ દેરવટાની ધરાર ના પાડી દે તે માટે થઈને પલીતાં બનાવેલાં. પણ ત્રણેક વરસથી પાનીનું દેરવટું કરાવવા વાલુડોશી તલવલથતી હતી તે હમણાં તો આવલાના બાચકે આવી ગઈ હતી ને વિસરામ પણ કોણ જાણે તેને ડોળા ફાડી ફાડીને તાકતો હોય તેવું પાનીને લાગવા માંડ્યું. વિસરામને પોતા તરફ તાકતો જોઈને પાનીને કઢાપો થઈ આવતો. ‘ફાટીપયરાનો ભરવો નીસ જીવો. પોરતુગીસના પેટનો મામો સિન્નાળ… ઇ પન કીવા ડોળા ફાડેસ…?’ હિંતાઈને જોયા કરતો રેહે કાંવ…? પાની પરણીને આવી ત્યારે વિસરામ માંડ દસેક વરસનો હશે. પાનીએ નાનકડા દેરનું ભારે જતન કર્યું હતું. દેરવટાનો કઢાપો તો હમણાં થયો. એ પહેલાં તો સાવ માંદલા જેવો… માંચડા જેવો હતો. કાઠું બંધાતા તેની મોરછા તેના મોટાભાઈ જેવા કળાવા માંડી. તેની સાથે દેરવટાની વાતમાત્રથી પાની ડઘાઈ ગયેલી. પણ… વાલુમોટી કે તેના કુટુંબના કોઈ કહેતાં કોઈએ માન્યું નહીં. વાલુડોશી પણ કાંઈ કાચી નહોતી. તેણે કોટડાના ભૂવા રામા ડાકણા પાસે પલીતાં કરાવ્યાં હતાં. કેટલાંક પલીતાં તેણે પાની ને વિસરામને પિવરાવી દીધાં હતાં. બાકીનાં પલીતાં પાનીના ઢોલિયાની પાંગતે બાંધી દીધાં હતાં. પણ તોય પાની નામુકર જતી હતી તેથી ડોશી કુઢાઈ ગઈ હતી. ભરચક દેહની ગોરીઝાણ પાનીનું દેરવટું વિસરામ સાથે થઈ જાય તો જીવ હેઠે બેસે તેમ હતો. પાની માટેનું મમત્વ આખરના જુવાળ જેવું ડોસીના મનપટ પર ચઢેલું. બીજે ઘરઘણું કરીને આવી રૂપાળી વહુ ચાલી જાય એ તો અગનબળતરા જેવું હતું… વાલુડોશીએ પોતાનાં લગ્નની સોનાની બંગડીઓય વેચી મારીને ડાકણા પાસે પલીતાં કરાવ્યાં હતાં. વહેલી સવારે વાલુડોશી કોટડા ચાલી નીકળી, વિસરામ ને પાનીને એકલાં મૂકીને. હમણાં જ દેરવટું કરાવેલું. જમાનાની ખાધેલી ડોશી દેરવટાની સતતના પાડતી પાની ને ડોકું ધુણાવ્યે જતા વિસરામને એકલાં છોડી ગઈ હતી ગણતરીપૂર્વક. પાનીને આખી વાત તેના ગયા પછી સમજાઈ ને ફાળ પડી. ‘ઝેરપયરાની મોટી મન પન કીવી સે… રાંડને અગનીયા વિર નંખાયવાસ તીસ તલવલ થાતી રેહે… ભગતે ડાકણો પન કાંવ કહલા પકરતો રેહે મામો નીસ ભરવો…! ખાવું પન કાંવ કરવું અવે…! આ મામો પન કીફા ગ્યો અહે? ભાઠ્ઠમાં ગ્યોસ કે સંચમાં ગુડાણો’સ કુન્ને ખબર સે બાઈ?’

અંધારું ઊતરી આવ્યું. કાળોડિબાંગ ગોરંભોને ગાજવીજનો ઘોર નાદ… માછીમારની વસાહત જેવું ભાઠ ગામ ગમગીનીના ઓળા તળે કાળુંધબ થઈ ગયું. ટાઢો વાવડો દરિયાની ખારાશ થઈને સુસવાટો મારતો હતો. વરસાદ ત્રાટકવાની વેતરણમાં હતો. મરઘાં-કૂકડાં ક્યારનાંય પૂરી દીધાં હતાં ને પાની રાંધણિયામાં ગઈ. તેણે બે મોટા, કાળા કૂકડા પાળેલા મરઘાઓ સાથે… તેમાંનો એક મોટો તોતિંગ કાળો કૂકડો સાંજે મળ્યો નહીં. રાત ઊતરી આવી તોય દખણાદીકોરની વાડ પાછળ ચરતો રહ્યો. વિસરામ દેરવટાની વાતે નામુકર જાય તે માટે જ પાનીએ ભૂતરાદાદાને ભોગ ચડાવવા કાળો કૂકડો રાખેલો…

સવારે વિસરામ ખાડીઓમાં ગયો હતો ત્યાંથી લેપટાં ને ડેબાળા કરચલા પકડી આવ્યો હતો. બપોરે તો ડેબાળા ને પાંખાળા કરચલાનું રસાદાર શાક બનાવેલું ને સાંજ માટે લેપટાં તળી નાખેલાં… બાજરાના રોટલા ઘડવાના હતા.

દીવાદાંડીના પાછળના ભાગે વિસરામ દૂર દૂર ઘા કરી તંગી પકડી બેઠો હતો. દીવાદાંડીની આથમણી કોર થોડેક છેટે છંટ શરૂ થતો. તાડિયાની ભરચક ઢીંકો. ત્યાં જ ‘ગોઝારો તાડ’ પણ હતો જ્યાં અવારનવાર ભૂત થતું… છરાતન થતું એવું બધા માનતા. વારેઘડીએ પાછળ ડોકાયાં કરતો વિસરામ… બીડી પર બીડી ફૂંક્યે જતો હતો. તેણે એકાદ ગોડી ખાગી ને એકાદ સરીંગ ખેંચી કાઢી હતી. એકાદ ધમીલ, ઢીમર કે આંદણ આવી જાય. ભાઠની આ માછલીઓ ભારે કસદાર ને હોંધી બનતી. માત્ર લંગોટીભેર ખારા પાણીની વાછટ ઝીલતો બેસી રહ્યો. સૂરજ આથમણી કોર નમવા આવ્યોત્યારનો તે આવેલો. કંઈ ઝાઝી તાણ નહોતી. વિસરામ પાની ભાભીના વિચારે ડહોળાતો હતો. ત્રણેક વરસથી તેના દેરવટાની વાત ચાલતી હતી. તે આખરે થઈ ગયું. પણ પાની ભાભી સાથે નજર મેળવવી આકરી હતી. આમેય તેનો ધાક નાનપણથી હતો ને વધુમાં વાલુડોશીએ તેને ચેતવી દીધેલો કે પાની પલીતાં કરીને તેને ચા કે પાણીમાં પિવરાવી ના દે. તેથી પાનીથી તે છેટે જ ભાગતો હતો. ‘હાહુનાવ પલીતાં કરાવી મેલહે કી સેરી’સ પરા…જાય બાપાના પગું દાખવા… ઇ હાહુનાં ડેગણ ડાકણાનાં પલીતાં મેલે કી…?’ ને પાછળ આવેલા ગોઝારા તાડ તરફ બેધ્યાન બની તે દરિયામાં તાકી રહ્યો. ‘હાહુનો આવીને બેઠો’થો તીઈયે સ બોલાયવો રેહે… દોરાધાગા ને પલીતાં કરાવવાં…!’ રોંઢાટાણે દોરવા માટેના પાંબીડા લેવાનેધાત લઈને ખાડીઓમાં ગયો હતો. સાંજે સૂરજ નમવાટાણે ઘરે આવ્યો ત્યારે થથરીગયો હતો. ડેગણડાકણો કાળી થેલી ને ચાંદીના ખોબલા મઢેલોડંગોરો ખૂણે મૂકી બેઠો હતો. ઝરખ જેવી આંખો, આખો કાળો વેશે… ભાઠ પર કોઈક રોંઢાટાણાનું ધૂણતું હતું તેથી તેઓ ડેગણ ડાકણાને સાંજે બોલાવી લાવેલા. ખાટલે બેસી ચૂંગી ફૂંકતો ડેગણ ડાકણો ને નીચે ગારમાટીમાં બેસેલી પાનીને જોઈને વિસરામ ડઘાઈ ગયેલો. વાલુમોટીની વાત યાદ આવી ગઈ. જેમતેમ ધાતને મૂકી પાંબીડાની ખોલી ને તંગી, પથ્થર, બીડી-બાકસ વગેરે લઈને નીકળી ગયો. પાની ને ભૂવો બેય જણાં વિસરામની હરકતો જોઈને સમસમી ગયાં. બેય વચાળેના મૌનને તોડતાં ડેગણ બોલ્યો ‘અવેઇમા કઈ થાય ઇમ મુંને નથ્ય લાગતું. વાલુડોહીએ મોટા વીર નંખાયવાસ…’ ‘ઉના તી તુને કીફાથી ખબીર પરી…?’ પાનીસે સાશંક મને કહ્યું. ‘અમીને બધી ખબર્ય પડે બાઈ… ડાકણાવ કીને કેય? કાળો કૂકડો ઓય તો મઝી કાંક કરું…! ઉતારો ઉં લેતો આયવોસ…’ ડેગણ ડાકણો મસાવાળી પાંપણ ઉલાળી બોલ્યો, ‘ઓલો કોટડાનો ભૂત તાડ સે ને ઇ તાડિયાને જીવે હાંયઘોસ ઇસ માણાએ આ કમઠાણ કયરુસ.’ પાની આકળવિકળ થઈ ગઈ. કાળી ચા પીને ડાકણો નીકળી ગયો… જતાં જતાં કહેતો ગયો. ‘મોડેથી ઉં કૂકડો લઈને ઇને ભોગ સડાયાવા… આંય તમારા વાહમાંબાઈ ધૂણેસ તી અમણાં યાં જાવ્સ… કૂકડો તીયાર રાખજો…’

દૂરદૂર તંગી ઘા કરીને બેઠેલો વિસરામ. ડાકણાને ઘરમાં જોઈને ફાડ પડી હતી એને. મનના ઊંડાણમાંથી ‘કરી મેલહે’નો ડર ગોરંભાઈ ગયો હતો ક્યારનો…! વચલા ઓરડામાં ફાનસની વાટ ઊંડી ચડાવી પાની રસોડામાં ગઈ. ચૂલો સળગાવ્યો પણ ભેજથી પલળેલાં અડાયાં છાણાં ને લાકડાંના કારણે ધુમાડો ગોરંભાઈને ઘરમાં ફરી વળ્યો. કરચલા ને પાંબીડા સાફ કરી વાડાના ભાગે મસાલાની પાટ પર મસાલો વાટવા બેઠી ઉભડક બેઠકે. ‘ઝેરપયરો ટોણીયું મઘરું… કીફા ગ્યો રેહે ભાઠમાં કે સંટમાં કીને ખબર સે…’ વરસીદ શરૂ થઈ ગયો હતો તેની વાછટથી પાનીની પીઠ ભીંજાતી હતી. ‘અવરો મે અંધરાઈ ગ્યોસને માસો દોરવા ગ્યોસ… ઘરમાં’સ રેવું લથ. હવારનો ખાડીયુંમાં ને રાતે ભાઠુંમાં ઘલાણો ગોળા સપરાનો…’ બપારનું ખાધું પન લથ… ટોણીયું મઘરું ઝોર કીવું કરેસ બાઈ…!’ મસાલાની પાટ પરથી ભીનો મસાલો આંગળી વડે લૂછી પાની મલકાઈ. કાંસિયો લઈને ઝટપટ રાંધણિયામાં ગઈ. કાળાડેબાળા કરચલા ને પાંબીડાનું શાક ચૂલે ચડાવી દીધું. બીજા ચૂલા પર તાવડી મૂકી. રસોડાની ખપાટિયાંની બારીમાંથી વાછંટ આવતી હતી. અંધરાધાર મે વરસવા માંડ્યો હતો બોકાહા પાડતો. ‘કાળો ડોકાકાપલો કૂકડો કીફા ગ્યો અહે…? અવરો મે પરેસ નેઈ કીફા મયરો રેહે…!’ ભૂતરાદાદાની માનતાનો રાખેલો કાળો ડોકાકાપલો મરઘો નમળતાં પાનીને વ્યાધિ થતી હતી. વાડામાં ભડડિયો દીવો લઈને ફરી વળી… બેચાર વખત આવ… આવ… કર્યું પર અંધારઘોર રાતે ઘોર વરસાદમાં તે નિરાશ થઈ ગઈ… પોતાના ઓરડામાં ગઈ.. ઘર ગળવા માંડ્યું હતું… ખૂણે જીવાની જૂની ટૂંક પડી હતી તેના પર ભીંતડાંનું પાણી ગળાતું હતું… જીવાનાં ઝૂનાં લૂગડાંલતાં પડેલાં… ભારેખમ ટૂંકમાં રહેવા દઈને રસોડામાં ગઈ.

જીવો કોટિયો પાંચેક વરસ પહેલાં જ કમોતે ગયો હતો. પૂરા પાંચ હાથ ઊંચો… તોતીંગ પહોળા બાંધાનો. તેનો કોટિયો બસરા ઇરાન-મોઝામ્બીક મેગ્લોર ને કાલીકટ-કોચીન વચ્ચે આંટાફેરા મારતો. આખરના ટાણે ઘેર આવતો. બારામાં બે બે મોટી લોથારી નાખી લાંગરતો. જેઠ મહિનાના અંતગાળે આવી જતો. ક્યારેક મોડુંવહેલું થતું પણ તે વરસે અષાઢના અંધારિયામાં આવ્યો. મુંબઈથી તો નિરાંતે નીકળ્યો હતો… ચોખ્ખુંચટાક આભ હતું. પણ માઢવાડ ગમીના દરિયામાં આવતાં તોફાનમાં સપડાયો, દીવાદાંડીની આથમણી કોરના ભાગે. ખૂબ ઊંડાણમાં હતો ત્યારે કૂવાથંભ તૂટતાં તેની સાથે તોફાની વાવડામાં જીવો કાળી ગોઝારી રાતે ઘા થઈ ગયો. વહાલનું બગ મશીન જૂનું થઈ ગયું હતું તે કૂવાથંભ તૂટતાં વહાણ ચકરભમ્મર મોજાંમાં ઘૂમવામાંડ્યું. અષાઢનું અંધારિયું, તોફાની વાવડો ને અનરાધાર વરસાદ. ઊછળતાં મોજાંમાં તણાતો તલવલ થતો જીવો ભાઠના ખરાબા ગમી ચડ્યો. અંધારામાં કાંઠો ગાયબ હતો ને ખરા ટાણે દીવાદાંડીનો દીવો હોલવાઈ ગયો હતો. કાળઝાળ મોજાંની થપાટો ખાતો ભાઠનાં જીવલેણ કોતરોમાં ભોણમાં આવી પડ્યો. થોડાક આગળ છંટ હતો ત્યાં નીકળાયું હોત તો…! કાળમુખી ભેખડોમાં ભોણમાં આવી પડ્યો. થોડેક આગળ છંટ હતોત્યાં નીકળાયું હોત તો…! કાળમુખી ભેખડોમાં પાશવી બળથી મોજાં અથડાઈને વેરવિખેર થઈ જતાં હતાં. ભાઠના પોલાણમાં ડેબાળા કરચલા જેમ ચાર પગે શેેવાળ બાઝેલી ભાઠે ચોંટી ગયો. પીઠ પર થોડીથોડી વારે રાક્ષસી મોજાંની આવતી પછડાટ વેઠવી આકરી હતી. અચાનક ભેખડ પરથી છટકીને પાશવી મોજાં સાથે ફંગોળાયો… દરિયાઈ દૈત્ય જેવાં મોજાંમાં બળ કરીને પાછો કરચલાજેમ વળગ્યો. કોતરમાંથી બહાર નીકળવું શક્ય જ ન હતું. વળી, તોતીંગ મોજાંની પછડાટમાં કોતરનાં ઘૂમરી ખાતાં પાણીમાં પડછાયો… પગ ભાંગી ગયા મારથી. આખરે મરણચીસ જેવા કાળા બોકાહા પાડવા માંડ્યા. અનરાધાર મે, તોફાની વાવડો, નેપાશવીમોજાંના ઘોરમાં તેના બોકાહા ક્યાંય ખોવાઈ જતા હતા. રાતભર બોકાહા ઊઠતા રહ્યા. મધરાતે પાની બોકાહા સાંભળીને છળીને ઊઠી ગઈ હતી. વાલુડોશી પણ જાગી પડી હતી. વિસરામ ખાટલીમાં નોખો સૂતો હતો તે પાનીના ખાટલા પડખે પોતાની ખાટલી ઢસડી લાવ્યો. ‘ભૂતભાઠની કોર સરાતન બરાતન થ્યું અહે બાઈ. હુઈ જાવ ભગવાનનું નામ લી ને. બાપાય મયામયા… એ ભૂતરદાદા…’ને ડોશીએ કૂકડોને નારિયેળ ચડાવવાની બાધા રાખી લીધી હતી. પણ રાતભર પાની, વિસરામ ને ડોશી ભૂતભાઠ કોરથી ઊઠતા બોકાહા સાંભળતાં રહ્યાં. છરાતનના ઘોર ભણકારા…

કોટિયો છંટના ભાગે પછડાઈને તૂટી ગયો. તેનો ભંડારી રામો ડોસો ભાઠના ભોણમાં પછડાઈને મરી ગ્યો. બાકીના ખલાસી છંટના ભાગે તણાઈ ગયા તે બચી ગયા. જીવાએ આખી રાત બોકાહા પાડ્યા… પહેલા કૂકડાનું બોલવાટાણું થયું ત્યારે બોકાહા શમ્યા… ભરભાંખરું થયું ત્યારે ભાઠ ગામે બોકાહો મચી ગયો. તૂટેલા વહાણના ખલાસીઓ ભૂતડાં જેવા ગામમાં પાછા ફર્યા હતા પણ બેજણા લાપાતા હતા. ઠેઠ ત્રીજા દા’ડે રામા ડોસા અને જીવાતાં મડગાં ભૂતભાઠનાં કોતરમાંથી માછલીઓએ ટોચી નાખેલાં રાતાંબોળ મળ્યાં. એ ગોઝારી રાતના બોકાહા પાની ને વાલુડોશીનાં મનનાં ઊંડાં ભોણમાં ઘરબાઈ ગયા જાણે. પાંચપાંચ વરસ વહી ગયાં પણ અષાઢના અંધારિયામાં દરિયાનો ગાજતો ઘોર… બેયને આકળવિકલ ખરી નાખતો. જીવાને ભૂલવો કઠણ હતો સાસુ-વહુ માટે. આખરે આ અષાઢના અંધારિયામાં પાની ને વિસરામનું દેરવટું કરાવી કઢાપામાં ને કઢાપામાં વાલુડોશી જાણે આવલાના બાચકે આવી ગઈ હતી. તે ચાલી ગઈ કોટડા ગામે. તાંબાના કાંસિયામાં કરચલા-પાંબીડાનું રસાદારશાક ને બાજરાના રોટલા… પાની ઉભડક બેઠકે કઢાપામાં ને કઢાપામાં ખાતી રહી. ‘ખાંભીખંડાણા ઇ કોટડાના કયા ભૂવાએ પલીતા કયરા રેહે? પાની ડેગણ ડાકણાની વાતે વ્યાધિમાં પડી ગઈ હતી. આમેય કોટડાનો ભૂતતાડનો ભૂવોને ડેગણો બેય જણા ઓળખીતા હતા. વાલુમોટીની સોનાની બે બે બંગડી સાટે બેય જણાએ દોરાધાગાની વાત સમજી લીધી હતી. આ વાત વાલુડોશી જાણતી હતી પણ પાની…? ‘ઝાંખરામૂયકાનું મુનેસ કરાવે મેયલુ રેહે તીસ ઉંયે પન્નવાની હા પારી રેહે. પલીતાં કરાયવા રેય પસીં કાંવ થાઈ ભાઈ?’ રસોડાનાં નળિયાં ચૂવા લાગ્યાં હતાં. ગાજવીત સાથે મે વરસતો હતો. અંધારાનો મેલો વેશ પહેરી ઊતરી આવેલીરાત ચુડેલ ડાકણ જેવી બોકાહા પાડતી હતી જાણે. ‘અવરા મે માં કાવ લીવાજાવું જોયે બાઈ… ભાઠમાં જાવું હારું સે અમણાં…?’ પાનીને વિસરામની વ્યાધિ થવા લાગી.

વિસરામ માટે ખાવાનું ઢાંકી… રસોડામાં ઢાંકોઠુંબો કરીને રસોડાની બારીનું વાછટિયું ઢાંક્યું. આગલા ઓરડામાં ગઈ, ચૂલાની પેઢલી તરફ વધારે ગળતર થતું હતું ને ત્યાં તેણે નાનું બાસિયું મૂક્યું. વચલા ઓરડામાં ફાનસમાં ઘાસલેટ પૂરવાનું બાકી હતું. તેની વાટ સંકોરીપાની ખાટલે બેઠી. કૂકડો ગોતવાની વ્યાધિમાં ઘાસલેટ પૂરવાનું રહી ગયું હતું. આગલું બારણું ઉઘાડું હતું. દૂર દૂર ભાઠની સામે છેડેનાં ઝૂંપડાંઓનાં ધૂલરામાંથી, કોધૂણતું હતું તેના બોકાહા ઊઠતા હતા. બારાના કાંઠેના ઝંપડામાં પાટિયાચારની રામી ધૂણતી હતી. તેના પનમાં ખવી હતો. ધૂણતી ત્યારે વળણથી અવારનવાર ડેગણ ડાકણો આવતો. ઇલાજ કરવા માટે, રામી સાથેડેણગો ય કાન ફાડી નાખે તેવા બરાડા પાડતો હતો. અંધારપડળમાંથી વહી આવતા કાળા બોકાહાથી પાની થથરી ગઈ. ઝટપટ તેણે બારણે આગળો ચડાવી દીધો. ‘બાપાય મયા મયા ઇ કુન્ન સીંહુ પારતું રેહે. કારી આંતરડીની સીહું પારેસતી ઈ કુન્ન અહે…?’ પાનીના ધબકારા વધી ગયા. બારાના કાંઠેના ઝૂંપડામાં રામીને ડેગણ ડાકણો ગાંઠાળા દોરડાના ફટાડા વડે ઢાબરવા માંડ્યો હતો. મરચાની ભૂકીની તીખી વાસ સાથે લોબાન ભભકતું હતું. ભૂવાના હાકલા-પડકારા ઊઠતા હતા. થરથરતા મને પાની ખાટલામાં આડે પડખે થઈ. ભાઠમાં પછડાતાં દરિયાઈ દૈત્ય જેવાં મોજાંઓ પાશવી બળથી ધકુમધુમ્મ ગાજતાં હતાં વરસાદના ઘોર સાથે. છંટપણ જાણે ઊકળવા માંડ્યો હોયતેવો છબકારા કરતો હતો. ‘મામો કાંવુસીંયો અઝી આયવો નીતી કીફા ગુડાણો અહે…? ઇ પન ભરવો ટોણીયું મઘરું ઓલા કાંઠાનો સે ઝાંખરામયૂકાનો…’ દૂરથી આવતાબોકાહોને અવગણતી પાની વિસરામના વિચારે ચડી ગઈ. ત્રણેક વરસથી તેજીવા જેવું કાઠું કાઢી ગયો હતો. પડછંદ થતો જતો હતો,શરમાળ ને સંકોચનશીલ વિસરામ. ‘ગોળાસપરાનો હાંઢામરઘા જીવો રેતો. ગાનઝુલ મામો. લડઘા જીવો થી ગ્સોય અમણાં’તો.’ જીવા ટંડેલની મોરછા સીધી ઊથરી હતી વિસરામમાં. જીવોસૌથીમોટો, પછી ઝગન ને ઉકો, બેય જણા માઢવાડ રહેતા હતા પોતાનો ઘરવાસ સંભાળીને. પિલાણીના ભાગિયા હતા. સૌથી નાનો વિસરામ વાલુડોશી સાથે હતો. પડછંદ કાઠું કાઢતા જતા વિસરામને જોઈને વાલુડોશીને જીવોટંડેલ યાદ આવીજતો. પાની તો ક્યારેક છળી જતી વિસરામની જીવા જેવી મોરછાથી. પછી મનને કોસતી રહેતી કે મનમાં બોકાહો ઊઠતો. દસેક વરસ પહેલાં એક વખતે પાની ને વિસરામ ઘરમાં એકલાં હતાં. વાસુમોટી કોટડા ગઈ હતી ને છગન, ઉકો લોધમાં. ત્યારે અચાનક રાતે વિસરામને ટાઢિયો તાવ ચડ્યો. ત્રણત્રણ ગોદડાંની સોડ કરી પણ ટાઢ ઊતરતી નહોતી. આખરે તેના પડખે પાની સૂતી ત્યારે વિસરામના બોકાહા શમ્યા હતા. એ અગાઉ તેને શીળી નીકળી ત્યારેય પેટના જણ્યા જેવું જતન કર્યું હતું. આમેય ઘણાં વરસથી પાનીનો ખોળો ભરાતો ન હતો. કંઈ કેટલાંય ઓહડિયાં ને દોરાધાગા-પલીતાં… પણ ખારાપાટ જેવી. પોતાની નજર તળે ઊછરેલા વિસરામ સાથે દેરવટાની વાત આવતી એટલેજ તો પાની કુઢાઈ જતી હતી. ઘરના’સ દુશ્મીન થ્યાં બાઈ પસીં કાંવ કરવું…? આ હાવરો લા રેતો તવારનો ઇને… વડો ઢીમ ક્યરો ને ઇની હીકે પન્નવાનું રેયકે? વિસરામમાં જીવાની મોરછા આવતી જતી હતી તેનાથી પાનીને લોહીઉકાળો થઈ ગયો. શીળીમોઢાળો, ઊંચી કાઠી, ઘાતકી જેવો કરડો ચહેરો. બોલછા ને મીંઢાપણું પણ એ જ. પિલાણીમાં લોધ થવા માંડ્યો કે વિસરામે પણ જીવા જેવા જ ટીપા વધાર્યા ને માથે રૂમાલીનું ચીથરું બાંધ્યું…! જીવો પણ અદ્દલ આમ જ બંધાતો.

રાત ઘેરાતી જતી હતી અને વરસાદ વધવા માંડ્યો હતો. ભાઠનાં મોજાં ને છંટના ઘોર સાથે વરસાદનો પુરાતન નાદ… બોકાહો છૂટતો હતો. દૂરની કાળી આંતયડીની રાડ આવતી વરસાદી વાવડા સાથે ને પાનીને ફાળ પડતી હતી. ‘ઝેરપયરાનું છ કુન્ન સીહું પારતું રેહે બાપાય મયા…’ મનનો ભરમ સમજી તે પોતાને પટાવતી હતી. જીવાના કમોત વખતની ચીસો… તેને સાંભરી આવી કે આંખમાં ખારાં પાણી ઊભરાઈ વળ્યાં…

સફરમાંથી આખરની સીઝનમાં જીવો આવતો ત્યારે ભાતભાતનાં લૂગડાં, અખરોટ ને ખજૂર ને કાજુનાં ગુણિયાં ભરી લાવતો. વલસાડ થઈને કેકોચીનથી આવતો ત્યારે ખજૂરનો સરકો નીલ રંગની કાચની મોટી બરણીમાં ભરી લાવતો… જાળથી ગૂંથેલી બરણી ભારે રૂપાળી લાગતી. હરખ માતો નહીં. આવી મેઘલી રાતોમાં આખરના જુવાળ જેવાં બેય હેલે ચડતાં. ધોધમાર વરસાદમાં ઘર આખું પલળે તેમ પલળતાં ને ઘર આખું ચૂવે તેમ… હરખથી ગળતાં…! ખપાટિયાંની બારીમાંથી વરસાદી વાવડો અચાનક ધસી આવ્યો. ગારમાટી પલળી ગઈ. દૂરથી વરસાદી વાવડામાં કાળો બોકાહોય વહી આવ્યો. પાની સફાળી ફાનસ લઈને ઊઠી. વાવડામાં માંડમાંડ બારણાનો આગળો ખોલ્યો. બહાર આવી ઊભી. ઘોર અંધારપડળ… દીવાદાંડીના રાક્ષસી શેરડા… વીજનો બોકાહા જેવો ગડગડાટ ને ઝબકારા… ચોમેર દીવાદાંડીના શેરડામાં ને વીજના ચમકારામાં ચોખ્ખું ભળાતું. ભાઠના કાંઠે બારા પડખે ભડકિયા દીવા ને ફાનસ ભડભડતાં હતાં. નેવાની વાછંટથી પાની ભીંજાઈ ગઈ. બારા પડખેથી ભડકિયા દીવા ને ફાનસની દિશામાંથી બોકાહો વહી આવ્યો. પાનીનું ધ્યાન ત્યાં ન હતું. ખાલી બોકાહો જ સંભળાયો. તરત જ તે ઘરમાં આવી ગઈ. ‘બાપાય મયામયા… રામો પીર… આ ફાટીપયરાનો કીફા ગ્યો અહે…? આવે એટલી વાર સે ખાંભીમંડાણાની. ઢીબી સ લાખુ ની તી કેય મુંને…’ અમંગળ શંકાથી તે નિમાણી થઈ ગઈ. ગળતાં ઘરને, ભીંતડાઓને છડામાં… વળીઓ ને મોભારાને તાકી રહી ‘મોભીયાં કેટલાં ગળે સે…?’ વિસરામને કેટલું કીયું લાઆ મોભીયાં લીપાવ… નળિયા લીપાવ… પન્ન આપણું હાંભરેસ કુન્ન…? ધૂળ ને પાલી રાખ!’ ગળતાં ઘરમાં ઠેકઠેકાણે તેણે વાસણ જવા આવ્યો હતો… ભરચક દેહ પાથરી આડે પડખે થઈ. ‘ભૂતતાડીયાનો તો ઓલો રામો ડાકણો સે. ઇસ રેહે ઝેરપયરો… મારા કાકા ભીખાએ ઇને તવાર કીવો ઢાબરી લાયખો રેતો. અમારી હીકે તો ઇને આડવેર’સ સે…’ ધુમાડાથી કાળા પડેલામોભનું પાણી તેના પર ટપકવા માંડ્યું. પાનીએ ખાટલો ખસેડ્યો. ઉઘાડા બારણામાંથી વાછટ વહી આવતી હતી. નેવાનો ખળખળ નાદ એકધારો સંભળાતો હતો. પાની ઝોકે ચડી ગઈ. અનરાધાર મેનો નાદ સાંભળતી જીવાના કમોતને સંભારતી ગત કરીને પાની પડી રહી. મધરાત થવા આવી હતી. અચાનક જોરદાર વાવડામાં બારણાં અથડાયાં… ને દૂરથી કાળી ચીસ વહી આવી. પાની સફાળી જાગી ગઈ. ‘બાપાય મયામયા…’ કરતી તે રડમસ થઈ ગઈ. થરથરવા માંડી. તેને થયું કે ભાઠમાં ક્યાંક વિસરામ પડી ગયો હશે ને બોકાહા પાડતો નહીં હોય…? છાતી ધમણ જેમ હાંફવા માંડી. ‘બાપાય મયામયા… તે ભૂતરાદાદાદા… એ ડરિયાપીર… વિસરામ હાજોહમો ઘેર આવી જાય બાપા… ઉ કૂકડો સરાવા તમીંને… માઢવાડઆઈ ને મેઘારદાદા ને જનશાપીરની તે માનતા પર માનતા માનવા લાગી. છરાતન થયું હોય તેવા બોકાહા વધ્યા હતા. બળજબરીથી આંખ મીંચીપાની ફફડતી થરથરતી પડી રહી લાધી ગયેલામોટા કોટિયા જેવી. ભારે ખાલીપો લાગી આવ્યો. ઊંચો… કદાવર… શીળીમોઢાળો… જીવો ટંડેલ આંખ સામે ખડો થયો. વિસરામ ને જીવાની સેળભેળ થઈ ગઈ. આકળવિકળ થતી પાની બબડતી હતી. ‘બાપાય મયા મારો વિસરામ હાજોહમો ઘેર આવીજાય… જનશાપીર… ઉં બકરો સરાવા… મારો વિસરામ હાજોહમો ઘેર આવી જાય તો…!’ ગભરાટમાં તેણે ભડકિયો દીવો સળગાવ્યો. ફૂંકાતા વાવડામાં માંડમાંડ બહાર આવી. ચોમેર કાળુંધબ્બ અંધારપડળ…દીવાદાંડીના શેરડાઓ ભયાવહ લાગતા હતા. તેને થયું કે સાદ પાડીને વિસરામને બોલાવે. તે ઝડપથી વાડાના બારણે ગઈ. વાવડામાં ભડકિયો દીવો ઝડડડ થતો હતો. ભાઠ ગમી મોઢું રાખી પાની બોકાહા પાડવા માંડી. ‘એ વિસ…રામ… મ… હે…ઈ… એલા વિસરામ… હે…’ વાડાના થોરિયાંની વાડની ઝાંપલી ઉઘાડી… ધોધમાર વરસાદમાં પાની સાદ પાડતી હતી. થોરિયાની વાડ તળે કાળો ડોકાકાપલો કૂકડો પલળતો ઊભો હતો આંખો મીંચીને… તેણે પાંખો ખંખેરીને પાછું ડોકું નીચે ઘાલી દીધું. ભાઠમાં પછડાતાં મોજાંના કાતિલ ઘોરમાં તેના બોકાહા ક્યાંય ઊડીને વેરાઈ જવા લાગ્યા. ગળે ડૂમો બાઝી ગયો. ‘માબાપ મયામયા ઉં કીફાજામ… ને કાંવ કરું… કીફા ગોતવા જાવો ઇને…’

ચોમાસાના ટાણે તો વિસરામ પાનીને ખેતરમાં નેંદણું કરાવવા લાગતો. ખાડીઓમાંથી શાકના ધાંધિયાં ટાણે કરચલા, પાંબીડા લાવી આપતો. ઉનાળામાં અમાસ ને અગિયારસ જેવા બંધના દહાડે બકાલાના ક્યારામાં રેંટ ફેરવી આપતો. કૂવો ઊંડે ઊતરી જતો ત્યારે ચામડાની બોખે બોખે સુકાતા બકાલાના ક્યારામાં પાણી નાખતો. ભારે કામઢો હતો વિસરામ તો. રસબોળ પાની ઘરમાં ગઈ લથડાતાં ડગલે. પલળેલું પેરણું કાઢી નિચોવ્યું. પાછું પહેર્યું… ચોળીય રસતરબોળ હતી તે નિચોવી, પાછી પહેરી.પલળેલા પેરણામાં તે ઝડપથી ચાલી નહોતી શકતી. રડમસ જેવીખાટલે આવી બેઠી. બેય બારણાં ફટાક ખુલ્લાં હતાં. થોડાક દા’ડા પહેલાં જ જીવો સપનામાં આવ્યો હતો… જીવામાંથી ધીમે ધીમે વિસરામ બની જતો ભાળીને તે જાગી પડી હતી. વિસરામની આંખોમાં આખર જુવાળ જેવું કશુંક પાની પામી ગઈ હતી. ‘ઇનાવના જીવો’સ સે. મોરસા પન કીવી સે બાપાય… હગો ભાય હતો તી પસીં… હરખો’સ લાગેસ… ગોળાસપરાનો જીવો ટંડેલ સે જાણે.’ પાની ફરી જીવો, વિસરામ એમ ભ્રાંતિમાં પડી ગઈ. વિસરામની ધખના જાણે પાતાળપડ ફોડીને ખારાપાટમાં નીકળી પડતી સોનેરી ગોજી ખાગીઓ જેવી તરફડ તરફડ થવા લાગી. વિસરામઆવે તો હવે ઘર માંડી દેવું જ છે… જીવા ટંડેલમાં ને વિસરામમાં ક્યાં ફેર હતો…! ભાઠમાં પછડાતાં મોજાં જેવી ધખના… દુનિયાના પટમાં તે સાવ એકલી પડી ગઈ હોય તેવી ખાલીપણાના ભાવથી ખાલીખમ ખાટલામાં આકળવિકળ થતી રહી.

‘ઘરમાં કોય જાગેસ કે…?’ ઘોઘરો સાદ ઘરમાં ઝરખમીંદડા જેવો ફરી વળ્યો. પાની ઝબકીને ઊઠી. ભડકિયા દીવાના અજવાળામાં ડેગણ ડાકણાને જોયો… ‘કાળો કૂકડો તિયાર સે…? હાલ્ય ઝપટ લાવ્ય… ભાઠકોર થાનક ગમી સડાયાવું… પસીં જી થાય ઈ… મારો ભૂતરો દાદો સે… કૂકડાની રાઝી થાહે… ને તુંને વલોપાટ મટે…’ ડેગણ ઉતાવળમાં હતો. બારના કાંઠે પાટિયાચારની ‘રામી’નો વળગાડ હજી ગયો ન હતો. ગાંઠાળા દોરડાનો માર ને ઢીંકાપાટુ ખાઈને બાઈ લોથ થઈ ગઈ તોય… ધૂણાતી હતી. આખરે ભઠો સળગાવી લોઢાની જાડી સાંકળ તપાવા મૂકી હતી. તે લાલબમ થાય ત્યાં સુધીમાં વાર લાગે તેવું હતું તેથી ડેગણ કૂકડો ચડાવવાનું કામ પતાવવા આવી ગયો. ‘લા આટલીવાર હુધી કીફા રેતો મોટા…?’ રસબોળ ડાકણાને જોતાં પાની બોલી. ‘આંય બારાના કાંઠે બાઈ ધૂણેસ તી… ઇલાજ કરવાનો સે. મોટો ખવી સે ગોઝારા તાડીયાનો…! વાર બાગહે… અઝી જાતા!…’ ડેગણ બોલતો રહ્યો, પાની વાડાના ઘોલકામાંથી પાઠરો કાળો કૂકડો પાંખો પકડી લઈ આવી’તી પણ સીહું ઇફા પારતા રેતા કાંવ? પાની કૂકડો આપતાં બોલી. મધરાતે ઊંઘમાંથી જાગેલો કૂકડો કકળવા માંડ્યો હતો. ‘ગોઝારા તાડીયાનો ખવી સે તી પસીં બાઈના પનમાંથી બોકાહાં તો પાડે’સ ને… માડી…’ ને ડેગણ ઝટપટ વાડાના બારણેથી જ નીકળી ગયો ભાઠ ગમી.

ઉચ્ચક જીવે પાની ખાટલે બેઠી ફાનસને ભડકિયો સામે રાખીને. ડોકાકાપલો કાળો કૂકડો તો ખોવાઈ ગયો હતો. ને આ પાઠરો મરઘો આપવાની તેની જરાય ઇચ્છા ન હતી. કમને તેણે ડાકલાને આપ્યો હતો. દીવાદાંડીના ચકરાતા શેરડામાં અંધારું ઓઢેલું ગામ અલપઝલપ કળાતું ઝબકારામાં. ગામ કોર તાકતો વિસરામ બીડી ફૂંકતો બેઠો હતો. અંધારામાં તેણે દીવાદાંડીના શેરડામાં ઓળો જોયો… ત્યાં તાકી રહ્યો. થોડીક જ પળોમાં કૂકડાની કાળી આંતરડીય ચીસ અંધારું ચીરતી વહી આવી. વિસરામ ભડકી ગયો. ‘હાહુનું ઇ કાંવ રેહે…? સરાતન બરાતન રેહે કી… ગોઝારો તાડીયો તો આફા સે…!’ અકળવકળ ડોળા ઘુમાવતો સ્તબ્ધ થઈને વિસરામ તાકી રહ્યો. ઝટપટ તંગી ને દોરવાનો સરંજામ ભેગો કરવા માંડ્યો. ભાઠ પર હમણાં તેને દૂરથી પોતાના નામની ચીસો સંભળાઈ હતી… ને પાછી કૂકડાની કળેળાટી…? તે ગભરાઈ ગયો. અંધારપડળમાં ઠેબાં ખાતો… અથડાતો ઘરે આવી ગયો.

ભડકિયા દીવા પડખે ડેગણ ડાકણો ચૂંગી સળગાવી બેઠો હતો. થેલામાં કૂકડો નાખ્યો હતો. ‘પલીતાં સે અટલે અવે વાંધો નંઈ આવે… ભૂતરાદાદાને ભોગ જોવે માડી. ગમે ઇવાં પલીતાં…’ ત્યાં જ બારણે વિસરામ આવી ઊભો. ‘પલીતાં’ શબ્દ તેના કાન ફાડીને અતલ ઊંડાણમાં આખરના જુવાળનાં મોજાં જેવો પડછાયો. ડેગણ પણ અચાનક આવેલા વિસરામને જોઈને છોભીલો પડી ગયો. પછી ખોંખારો ખાઈને… ‘હાલો અવે ઉં જાંવ… કંઈ વ્યાધિ કરી મા… હુઉ હારાં વાનાં થાયે…’ કરીને ડેગણ ડોળા ઘુમાવતો પલળતો બારાના કાંઠા ગમી નીકળી ગયો. ‘લા ઝેરપયરા ભરવા પોરતુગીસ મામા…કટલી રાત થી ગી…? કી રાંડ પાંહણ તું હુવા ગ્યોથો મામા નીસ ભરવા…’ પાની એકી શ્વાસે બોલી ગઈ. વાડાના બારણે પડેલી નાંદમાંથી પાણી લઈને વિસરામ હાથપગ ધોવા માંડ્યો જીકરી ચઢાવીને. ‘તુને કાંવ સે.. ભરવા નાગા કુલાળાને… રાતમજરાત ભાઠુમાં ને ખાડીયુંમાં જાય તધરતા… સરાતન થા’સ…? રેશમનો ખોલો ખાગીઓ, વેખલાં આંદણ… કાંકરા… ને એક મોટી ગુલબા બાઝેલી ઝમીલથી ભરચક હતો. સતત સબડાટ કરતી પાની રસોડામાં ખાવાનું કાઢવા મથવા લાગી.

‘હાહુનાવ ઇમાં સીહું કાંવ પારોસ તમીં…?’ વિસરામ વચલા ઓરડામાં દેહ લૂછતાં બબડ્યો. ‘ઉંનાઆં… તુંને જરીક કીયું ઇમાં કાંવ બોકાહા મારવા મંયડો…? પૂતકે પારી મરસા લાયગાં મામાને. સીહું કાંવ ધારેસ… કેવા નહર્યા ભરવો ટોણીયું મઘરું…!’ પાનીએ લાકડાના મોટા સપાટ પાટિયામાં માછલાં કાઢ્યાં. ખોલો વાડાના ખૂંટા પર ટીંગાડી દીધો. લંગોટીભેર દેહને લૂછતા વિસરામને જોઈને પાનીના ચહેરા પર મલકાટ પથરાયો. બાજરાના રોટલા ને પાટિયો ચૂલા પરથી ઉતાર્યા. ખાખી ટંગિયો ચડાવી વિસરામ ઉભડક બેઠકે ખાવા બેસી ગયો. ભડકિયા દીવાના રાતાચોળ ઉજાસમાં કાળાડીબાંગ દેહના વિસરામને ત્રાંસી આંખે જોતી પાનીએ ચૂલામાં પાલવાની આથેલી કલેજી શેકી નાખી. વિસરામની મોરછા અદલ જીવા જેવીજ લાગતાં પાની અસ્વસ્થ થઈ ગઈ. જીવોય આખરમાં ઘરે આવતો ત્યારે ભાઠે ને છંટમાં દોરવા જતો. મોડી રાતે દોરીને રેશમનો ખોલો માછલાંથી ભરી લાવતો. ને રાતે ચૂલા પડખે લંગોટીભેર આમ જ તાપવા બેસતો ને ખાતો. કોણ જાણે વિસરામે લંગોટીના બદલે ખાખી ચડો ચડાવ્યો હતો. વિસરામ પાટિયામાંના કરચલા પાંબીડાંના શાક સાથે રસો ઝાપટતો હતો. બપોરના તળેલાં લેપટાંય તાંબાના તાસકમાં હતાં. પાની તેને ભૂખાળવા જેમ ખાતો જોઈ રહી હેતથી. વિસરામને મૂંઝવણ થવાલાગી. કોઈ દિવસ નહીં ને આજે પાનીભાભી તેની સામે બેઠી હતી. વાલુમોટીની સલાહ યાદ આવી ગઈ. ‘ઇ વેળણનાં ડેગણા ડાકણા પાંહે પલીતાં કરાવેસ. જીવું તીવું ખાવા આપે કી તી ધાન રાખઝે… કાળાં લૂગડાંમાં પલીતાં…’ પાનીએ કાળાં લૂગડાંમાં પાલવાની કલેજી શેકી હતી તે જોઈને વિસરામને ગભરાટ થવા માંડ્યો. બેય વચાળે પથરાયેલી નિરવતા તોડતાં પાની બોલી ‘બાપાય મયા મે કીનો અંધારાધાર પરેસ…!’ તું કીફા દોરવા ગ્યો થો લા…? મે ટાણે ભાઠુમાં ને સંટમાં સરાતન કીવા થાસ! તુંને ખબીર સે કી…? ભૂતથી તો પાદી પરેસ ને ભાડુંમાં દોરવા ગ્યો થો બિસાકરો… પાનીએ વિસરામ તરફજોયું ને કામણગારું મલકી ઊઠી ગઈ. વચલા ઓરડામાં ખાટલે જઈ બેઠી. વિસરામ ગારમાટીમાં બેસીને ખાવા લાગ્યો. પીઠ ફેરવતાં તેની નજર ચૂલાના ખૂણે ગઈ. ત્યાં કાળી તાવડીમાં લીંબું, બે-ત્રણ ઇંડાં, સૂકાં મરચાં ને કાળો દોરો પડેલો જોયો. વિસરામના પેટમાં ધ્રાસકો પડ્યો. ભાઠે કૂકડો ચડાવવા પાનીએ પલીતાં તૈયાર કર્યાં હતાં પણ ભૂવો ઘરેથી જ લાવ્યો હતો પલીતાં. તેથી નકામાં જેવાં કાળી તાવડીમાં પલીતાં પડી રહ્યાં હતાં. સગેવગે કરવાનું જ પાલી ભૂલી ગઈ હતી અચાનક વિસરામ આવી પડ્યો તેમાં. ‘ભાઠુમાં નેસંટમાં દોરવાનો હવાદ બવ્સ સે… પન કોક દી… સરાતન થીતો પાદેસ… ને અમીં ભાઠુંમાં જાહું… કેસ બિસાકરો…’ પાનીમાં રહેલી માતા ગહેંકતી હતી જાણે. આ વિસરામને પાનીના બોલ ખટક્યા. તે વળ ખાઈ ગયો ખાટલે બેઠી વાંકો હોઠ કરીને હસતી પાનીને જોઈને, વચલા ઓરડાના ખાટલે બેઠી પાની વિસરામને એકધારી તાકતી હતી. નવા વેશે જીવો આવ્યો હોય તેવો ભ્રમ થયો હતો એને…? વિસરામ વળ ખાઈને બોલ્યો ‘અમીં જાલમની ખાડુમાં જાહું… પન તમીં આંય ઘરમાં ડાકણાવને કાંવ લીવા ઘાલોસ…? સરમ પખનનાવ…’ અચાનક પાની સ્તબ્ધ થઈ ગઈ. તેના ચહેરા પરથી હરખના દોડતા ભાવો ગાયબ થઈ ગયા. ‘લા કીના પલીતાં કરાયવાસ ઊંયે તી તું કેસ…? તું ને કટલાં પલીતાં પિરાવી દીધાં તે કેઝે મુને…? પલીતાં તો તારી ડોહીએ’સ કરાયવાસ કોટડાના ડાકણા પાંહે. આયવોમામો ડાકણાનું કેવા… ટોણીયું મઘરું…!’ પાનીનો ચહેરો તમતમી ગયો હતો. ‘તી ડાકણાવને કાંવ લીવા તું ઘરમાં ઘાલેસ? ઇ ડાકણો તારો હાંઢ થાસ કાંવ? હાહુની સરમપખનની…’ વિસરામના ગળામાંથી અણધારી ખીજની મારી ચીસ નીકળી ગઈ. ખીજનો માર્યો વિસરામ બોલતાં તો બોલી ગયો… પણ… તે થરથર ધ્રૂજતો હતો. ‘મારો હાંઢ તો ભાઠુંમાં ગયો બિસાકરો, ડરિયાપીરના ખોળે… ઇ ડાકણો કાંવમારો હાંઢ થાહે? મારા એકસ ડાબા આથનો દુસ્તો મેલા કી તી રુંગા આવી જાહે… મારો હાંઢ તુંને નડી ગ્યો…’પાનીના ગળે ડચૂરો ભરાઈ ગયો. વિસરામ સમસમીને પાટિયો છોડી ઊઠી ગયો જમવાનું અધૂરું મૂકીને.વાડામાં જેમતેમ હાથ-મોં ધોઈને પાણીય પીધા વગર ધમધમ કરતો ઘરમાં આવ્યો. ‘માં ડીકરો થીને પલીતાં કરાયવાસ… ને મુંને કેવા આયવાસ…’ પાની રસોડામાં ઢાંકોઢુંબો કરતી બબડતી હતી. ‘ઉં ઓડીએ હુંવા જાંવ્સ…’ ધૂંધવાટમાં બબડીને વિસરામ વચલા ઓરડામાંથી નીકળ્યો. પાની ભડકિયા દીવાના ઉજાસમાં વિસરામની પીઠ તાકી રહી. ઝળઝળિયાં આવીગયાં હતાં આંખોમાં. ‘લા અવરો મે પરેસ ને તું કીફા જાસ’ તે બોલ્યા ગઈ. પણ ગળે ડચૂરો ભરાઈ ગયો. વિસરામ પગ પછાડતો નીકળી ગયો.

થરકતા હાથે પાનીએ વાડાનાં બારણાંનો આગળો ચડાવ્યો ને આગલા બારણે આવી ઊભી. જોરથી બારણાં ભીડી દીધાં… ગડગડાટી સાથે આગળો ચડ્યો. ‘ગોળાસપરાવને અટલા હારુ ભાઈબાપા કરીને, ગાનુ ધોઈને મોટા કયરા…?’ કેસ કીવું હાઢું કરવાડાકલાવને ઘરમાં ઘાલેસ…’ આકરી અવહેલનાખારા જળ વાટે આંખોમાંથી દદડવા માંડી.

ભડકિયો દીવો હોલવી નાખ્યો. રાંધણિયામાં પાણી ખૂબ ગળતું હતું. પેઢલી પરનું નાનું તગારું પાણીથી ભરાઈ જવા આવ્યું હતું. વચલા ઓરડામાં તો ભીંતડા-છાપરામાંથી ગળતું પાણી વળીઓ વાટે ભીંતડાં પર ઊતરતું હતું. ક્યાંય વાસણ મૂકી શકાય એમ હતું નહીં. ‘મોભીયાં ગળેસ કાંવ…’ પાની મનોમન બબડી ફાનસ લઈને એકલીઘરમાં ફરી વળી.

ખીજ ને કુઢામણમાં વિસરામ બારાના કાંઠા ઉપર ચડાવેલી હોડી પર જવા નીકળી ગયો. ચોમેર અંધારું ઘોર… વરસાદ બોકાહા પાડતો વરસતો હતો. બારાના કાંઠે હોડી પડખે તાડપત્રીનું છાપરું ને તાડિયાનાં પાનાંની આડશ કરીને વચમાં નાનકડી ખાટલી રાખી હતી જાળના ઢગલા પર. વિસરામનું મન ખીજ ને કાળના કારણે બહેર મારી ગયું હતું તે આડે રસ્તે ચડી ગયો. ‘હાહુનાને ડાકણાને હાંજે પન ઉંચે જોયો ને… રાતે પન કાંવ લીવા…’ બોરડીનાં જાળાંઝાંખરાંથી બચતો વિસરામ મનોમન બબડતો હતો. બારાના કાંઠા કોર ગોઝારા તાડ ગમીથી પણ જવાતું. ત્યાં કાંઠે રેતાળ ભાગે હોડી ચડાવી હતી ચોપડથી રંગીને. બોરડીનાં જાળાંઝાંખરાંથી બચતો વિસરામ મનોમન બબડતો હતો. બારાના કાંઠા કોર ગોઝારા તાડ ગમીથી પણ જવાતું. ત્યાં કાંઠે રેતાળ ભાગે હોડી ચડાવી હતી ચોપડથી રંગીને. બોરડીનાં જાળાંથી હટીને તે બીડી સળગાવવા ફાંફાં મારવાલાગ્યો, કાંઠા કોર નજર ગઈ ને તે ધ્રૂજી ઊઠ્યો. પાંચ સાત ભડકિયા દીવાદોડતાં આવતા હતા તેની તરફ! મધરાતના અઘોર પ્રહરે દોડતાં ભડકિયા સાથે ઓળા બોકાહા પાડતા આવતા લાગ્યા. આગળ દોડતો ઓળોકાળી ચીસો પાડતો હતો તેની પાછળ પાંચસાત દીવા… કિકિયારીઓ કરતાં જોયા કે વિસરામને ફાળ પડી. ડોળા ફાટી ગયા. ‘બાપાય મયામયા સરાતન’સ રેહે… ડાકણીયું નિહરીસ કાંવ…’ ને અંધારઘોર રાતમાં દિશા ભૂલીને ભાઠના કોતર કોર હડી કાઢી.

પાટિયાચારની રામીને ગોઝારા તાડનો ખવી વળગ્યો હતો. લોઢાની તપાવેલી સાંકળનો માર ખાઈને બેવળ વળી ગઈ ને ‘ઉં જાવ્સ… ઉં થાનકે જાંવ્સ…’ કરતી દોડી. તેની પાછળ ડેગણ ડાકણો હતો તેની પાછળ માછીમારો. ગોઝારા તાડ પડખે બાઈ આવીને કાળીચીસ પાડી ફસડાઈ પડી. પાંચસાત ભડકિયા દીવા ઝડઝડ ભડડભડડ થતા ત્યાં ટોળે વળી ગયા. ડેગણે રાડ નાંખીઃ ‘કતી કોર્ય થાનક સે… હાલ્યદેખાડ… ને તેણે ગાંઠાળાદોરડાનો ફટકો ઝીંક્યો. બાઈ કણસીને ઊઠી. દખણાદી કોરના મૂળ તાડિયે દોડી.’

વિસરામે આંધળાભીંત થઈને હડી કાઢી હતી તે ભાઠના કોતર પડખે આવતાં જોરદાર ઠેબો ખાઈને મોંભેર પડ્યો હતો. પગ ઊતરી ગયો. હાંફના કારણે તે આળોટી પડ્યો. પાછળ જોયું. ભડકિયા દીવાતેની તરફ આવતા લાગ્યા. ને ‘અંઅં… બાપાય’ કણસીને ઊઠ્યો. દુઃખતા પગે દોડવામાંડ્યો. દીવાદાંડીનો દીવોય હોલવાઈ ગયો હતો ને વીજ પણ ઝબૂકતી અટકીગઈ હતી. ચારેકોર કાળું ડિબાંગ અંધારપડળ હતું. પાછળ જોયું ભડકિયા દીવાનું ટોળું તેની તરફ જ આવતું હતું. પાછળ જોવામાં અચાનક ઠેબો લાગ્યો. તે લથડિયું ખાતાં… જીવલેણ કોતરમાં ગબડી પડ્યો. પાશવી બળથી ભાઠના ભોંણમાં વીફરેલાં દરિયાનાં મોજાં ‘ધડુમ્ ધુમ્… ભસંગ્ ભખ્’ કરીને ફૂટતાં હતાં, અથડાતાં હતાં. તેમાં વિસરામનો પડવાનો અવાજ ક્યાંય ખોવાઈ ગયો.

ભાઠના ઢોળાવના ભાગે આગળ ઢીંહા જેવો રેતાળ ભાગ હતો. ત્યાં રાવણતાડિયા તળે બાઈ બેભાન થઈને પડી હતી. ભૂવાએ તાડના મૂળમાં લોઢાનો જાડો ખીલો ધરબી દીધો. બેભાન બાઈને માછીમારોએ ઉપાડી ને ચુપચુપ બારાના કાંઠા ગમી નીકળ્યા. ‘અવે પાસળ જોઈ ઇને ભૂતરાદાદાની આણ સે. પસીં મુને કેતા ની પાસો મુને વળગ્યો…!’ ડેગણ ડાકણો ઝરખમીંદડા જેવો ઘૂરક્યો. ગોઝારા તાડથી ફફડતા… ધ્રૂજતા પાછળ જોયા વગર પાંચસાત ભડકિયા દીવાનું ટોળું બાઈને ઉપાડી ડાફા ભરવા માંડ્યું… થોડેક આગળ ગયા હશે ત્યાં…

કાળી ચીસ… ભાઠ ગમીથી હવા ચીરતી વહી આવી. માછીમારોના પગની ગતિ વધી. ‘ઇ તો અવે બોકાહા પાડહે’સ. ખીલે માંડ બંધાયો સ તી… હાલો ઝપાટપ કરો… પાસળ જોતા ની…’ ને ભડકિયા દીવા ભાઠનો ઢોળાવ ઊતરી બારાના કાંઠા ગમી બોરડીનાં ઝાડીઝાંખરાંમાં અટવાતા, અંધારામાં ગરક થઈ ગયા.

વાવડો ધીમો થઈ ગયો હતો. હેલી બંધાણી હોય એમ મે અનરાધાર વરસવા માંડ્યો. પાનીના ખેતર પાછળ થોડેક આગળ ભૂતરદાદાનું થાનક બોરડીનાં જાળાંમાં કાંટાળા ભૂંગળા થોરિયાના ઝુંડમાં હતું. ત્યાંથી ઝરખમીંદડો નીકળીને પાનીના વાડાની થોરિયાની વાડમાં ક્યારનો બેઠો હતો. થોરિયાની વાડ તળે ભીંજાતો કાળો ડોકાકાપલો કૂકડો થોડીથોડી વારે ભીંજાતી પાંખો વીંઝતો સંકોડાઈને ઊભો હતો. ઝરખમીંદડાની આંખો અંધારામાં તગતગવા માંડી. રાની પગલે આગળ આવ્યો ને છલાંગભેર કૂકડાની ગરદન પકડી થોરિયાની વાડના છીંડામાંથી ભરચક દેહ ફંગોળતો ભૂતરદાદાના થાનક કોર થોરિયાનાં ઝુંડમાં ભરાઈ ગયો.

ભાઠના ભોણમાં પાશવી મોજાંની પછાડમાં આમથી તેમ ફંગોળાતો વિસરામ કાળી ચીસો પાડવા માંડ્યો. તીક્ષ્ણ ભાઠમાં પછડાતાં કારમી વેદના ઝણઝણી ઊઠતી હતી. પાની ફાનસનીવાટ ચડાવી ખાટલા પર ગોદડું ઓઢીને ગત કરીને પડી રહી. ‘ડાકણો બાઈનો ઇલાજ કરવા આયવો સ તી બાઈ અઝી ધૂણતી અહે કાંવ?’ ઘર આખું ચૂા લાગ્યું હતું ને દૂરથી બોકાહા વહી આવતા હતા. ‘અવરા મેમાં ઓડિયે કાંવ હુવા ગ્યો અહે?’ વિસરામ હોડી પર સૂવા ગયો હતો. એનો વિચાર આવતાંપાની ખાલીપાથી ભરાઈ ગઈ. બોકાહા તરફ બેધ્યાન થઈને આંખ મીંચી ગત કરી ગઈ. પણ બોકાહાના લીધે ખળભળી ગઈ. અચાનક જીવો કોટિયો યાદ આવી ગયો. ‘ઝેરપયરાનો વિસરામ કંઈ હમજોત’સ લથ બાઈ…’ મનમાં આખરના જુવાળ જેવો ખળભળાટ મચી ગયો… અવગણનાથી મનોમન ભોંઠી પડી ગઈ… જુવાળથી ધમધમતા દરિયાના ગોરંભા સાથે અષાઢની કાળી મેઘલી રાતે બોકાહા અનરાધાર મેમાં ઊઠતા રહ્યા. ભાઠના જીવલેણ ભોણમાંથી…! (‘પરબ’, ૧૯૯૮માંથી)