ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પરેશ નાયક/તાંદળજાની ભાજી

From Ekatra Wiki
Revision as of 06:14, 19 June 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search

રવિવારની મોડી સવારે તાંદળજાની તાજી તાજી ભાજી ખરીદીને માણેકચોકની મતલબી ભીડમાંથી માર્ગ કરતો કરતો ચાલ્યો જાય છે તે મહેશ મણિભાઈ શાહ આ કથાનો નાયક છે. નાયક એટલા માટે કે એને આજે વહેલી પરોઢે એક સપનું આવ્યું છે. સપનાં તો ઘણાંને ઘણી ઘણી વાર ઘણાં ઘણાં આવતાં હોય છે. પણ એથી કાંઈ એ બધા કથાનાયક નથી થઈ બેસતા.

મહેશ શાહ એટલા માટે કથાનાયક છે કે એનું સપનું એ કોઈ અલેલટપ્પનું, એલફેલ સપનું નથી. વહેલી પરોઢે આખા અમદાવાદમાં એકલા મહેશ શાહને જ આવી મળેલું આ એક એજ્યુસિવ સપનું છે.

ટપુની ચડીઓ સીવડાવવા ગયા માર્ચમાં મહેશે સસ્તા ભાવે સેનો ખરીદેલો. ચડ્ડીઓ સીવતાં વધેલા કાપડમાંથી રીટાએ થેલીઓ બનાવેલી. તે પૈકીની આ એક ઘેરા લીલા રંગની મજબૂત અને ટકાઉ થેલીમાં તાંદળજાની ભાજી ખરીદી મહેશ ઘ૨ ત૨ફ ચાલ્યો જાય છે ત્યારે એની ચાલ અસાધારણપણે તેજ છે, કેમ કે પરોઢના સપનાના સ્વાદથી એનું મિડિયોકર મગજ તમતમીને તેજીલું બની ગયું છે. એની ચાલમાં ખુમારી પ્રગટી છે, એની દષ્ટિમાં અદ્ભુત તેજ છે, એનું અભિમાન આજે ફૂંફાડો મારીને ઊભું થયું છે, અને એના શરદીવાળા નકોરાંની ઉઘાડ-બંધ એના મિજાજને મસ્ત બનાવી રહી છે. તે કહે છે કે વહેલી પરોઢે આવેલું સપનું સાકાર થતું હોય છે. વાતવાતમાં જ સવારે રીટાને પૂછીને મહેશે એ વાતની ખાતરી પણ કરી લીધેલી. રીટાએ કહેલું કે ટપુડાના જન્મની આગલી પરોઢે એને પણ સપનું આવેલું કે બાબો આવશે.

મહેશ હસેલો. એને સારા મૂડમાં જોઈ રીટાએ હુકમ ફટકારી દીધેલો; ‘જાઓ લઈ આવો.’ અને રીટાના આશ્ચર્ય વચ્ચે પળવારમાં તો મહેશ સ્લીપરમાં પગ નાખી પટપટ દાદરા ઊતરી ગયેલો. ન સાંભળી શકાય એવી ગાળ ન સાંભળી શકાય એ રીતે બોલતાં બોલતાં રીટાએ થેલીમાં પાંચની નોટ મૂકી થેલી બારીમાંથી નીચે ફેંકેલી. ને લીલા રંગની સેનાની એ થેલી હવામાં ઝૂલતી ઝૂલતી નીચે આવેલી ત્યારે એને ઝીલવા માટે મહેશ શાહ ઉપરાંત પોળના ઘણા બધા કિશોરો પણ હતા. સવિતામાસીની ઢબૂના વાળ ખેંચવાનું પડતું મૂકીને ચડી ચઢાવતો ટપુ પણ આવી પહોંચેલો થેલીનો કેચ કરવા. પણ કેચ તો મહેશે જ કરેલો. મહેશને થયેલું કે આજે લક ફેવર કરે છે. સવારના સપનાં સોલીડ રીતે સાચાં પડતાં હોય છે. નક્કી આપણાં ઊઘડી ગયા, નહીં તો આ રીતે સેકન્ડ ફ્લોર પરથી થેલીને કેચ…

શાક માર્કેટમાં તાંદળજાની ભાજી જોતાં જ મહેશના મગજમાં ઘંટડી વાગેલી. મનોમન એ બબડેલો સુદામાએ તાંદુલ ખવડાવેલા, તો આપણે વળી તાંદળજો. પછી તરત જ પોતાને એણે સુધારી લીધેલો ઃ હું જ વળી, હું જ એ તો સુદામા. ફરક માત્ર નામનો. ફરક માત્ર ટાઉનનો. એ દ્વારકા તો આ અમદાવાદ. એ વખતનું નામ સુદામા તો આજીફેરાનું મહેશ શાહ. પોળવાળાઓએ હરામીઓએ નાનપણથી નામ બગાડી મૂક્યું છે. મહીલો માંદલો..એ તે કંઈ રીત છે! સુવ્વરોને જ્યારે ખબર પડશેને કે મહીલો માંદલો એ સુદામા હીમસેલ્ફ છે, ત્યારે મોંમાં આંગળાં ઘાલી જશે બધા. ને રીટા પણ રોજ ટી.વી.ટી.વી. કરે છે, તે ટીવી તો શું વી.સી.આર.નાં વી.સી.આર. ખડકી દઈશ એના થોબડા સામે.

મને હતું જ કે હું સાલો ગમે તેમ તોય એટલો બધો ઓર્ડીનરી માણસ નહીં હોઉં, જેટલો આ પોળવાળાઓ મને ધારે છે. અને સાલું, પોળવાળાઓ મને ઓર્ડીનરી માને એટલે પછી રીટાડી પણ મને એવો ગણવા લાગી, અને એને લીધે પછી મને પણ એવું લાગવા માંડેલું મારી જાત માટે. પણ એવામાં વળી આજે પરોઢિયે સપનું આવ્યું…

આ ફૂવારા પહોંચ્યો ત્યાં તો સામેથી ટપુડો દોડતો આવતો દેખાયો. મહેશને ટપુડાની દોડ અને એનો ગણવેશ જોઈને ગુસ્સો આવ્યો. સાલું કોઈ કહે નહીં કે આપણો છોકરો હશે. સાલો લેંટાળો, આટલો મોટો થયો તોય, સરખી ચડ્ડી પહેરતાં પણ નથી શીખ્યો. સાવ ઓર્ડીનરી…કોઈ કહે કે બાપ પાંચમા ધોરણમાં અંગ્રેજી ગ્રામર ભણાવે એટલો ભણેલો છે!

‘પપ્પા! પપ્પા! એક દાઢીવાળા કાકા મળવા આયા છે. મમ્મી તમને બોલાવે છે.’ મહેશને પહેલાં તો કંટાળો આવ્યો, પછી તરત મગજમાં ટંકાર થયો. ‘નક્કી એ જ.’

‘કોણ પપ્પા?’ થેલી ઉપર ટીંગાતો ટપુ બોલ્યો.

‘સરખો રહે ને દીયોર!’ મહેશે એના હાથમાંથી થેલી ઝપાટાભેર ઝૂંટવી લઈ હળવેકથી થેલીની સપાટી પર હાથ ફેરવી જોઈ ખાતરી કરી લીધી કે ભાજી ચગદાઈ તો નથી ગઈ ને!

મહેશ શાહ ચગદાઈ જાત જો ટપુડાએ અણીને વખતે એના ઓર્ડીનરી પપ્પાને પાછળ ન ખેંચી લીધા હોત. એક નંબરની બસનો ડ્રાઈવ૨ મહેશ માંદલાને ઓળખતો હતો એટલે હસીને માસ્તરના નામની ગાળો બોલતો બોલતો હંકારી ગયો. મહેશ ગાળ બોલ્યા વગર હસ્યો. પછી ફરી હસ્યો. આ વખતે જાત સાથે હસ્યો. મનમાં ગડ બેસતી જતી હતી ઃ ‘શામળિયો જ. બીજું કોઈ નહીં! નહીં તો આ રીતે બચાવે કોણ?’

‘કોણ શામળિયો પપ્પા?’

આ ‘તને ના ખબર પડે, તું રમવા જા, જા!’ કહીને મહેશે ટપુડાને બ૨ડા ઉપર લગાવી દીધી. ટપુડો લંગડા કૂતરાની જેમ ખીખીખીખી કરતો એક હાથે લીલા સેનાની ચડ્ડી બચાવતો દોડી ગયો.

મહેશને થયું કે આ રીતે મનમાં ચાલતા વિચારો આમ બહાર એકલા એકલા બોલી જવાય છે એ સારી ટેવ નથી. આ તો ઠીક છે ટપુડો હતો. બીજું કોઈ હોય તો એમ જ ધારે ને કે મહેશિયાનું…

મહેશને થયું કે લાવ ઘેર પહોંચતા સુધીમાં ફરી એકવાર પરોઢનું સપનું મનોમન યાદ કરી લઉં. કેવો તરવરાટ હતો શામળિયાના ચહેરા પર! શી છટા! રાજા શ્રીકૃષ્ણ પોતે જ, પછી પૂછવાનું હોય જ નહીં ને! એવી સ્ટાઇલ તો કૃષ્ણ ભગવાન બનતો’તો એ ફિલ્મ સ્ટારની પણ નહોતી! પણ એ તો સ્વાભાવિક છે ને, આ તો પોતે જ રીઅલ કેરેક્ટર એટલે ફેર તો પડે જ ને! કેવો સરસ અવાજ હતો? આ તો સારું થયું કે શામળિયાએ સપનામાં આવીને કીધું, નહીં તો આપણને તો બાપુ ખબર જ ના પડતને કે આપણે પોતે જ હજારો વર્ષ પહેલાં સુદામા હીમસેલ્ફ હતા. ને જન્મ જન્મે ફેરફાર થતા ગયા તે આજે મહેશ મણિભાઈ શાહ થઈને દેડકાની પોળમાં આવ્યા. ગ્રામર ટીચર મહેશ શાહને ડાઉટ ગયો, સુદામા તો બ્રાહ્મણ ને હું વાણીઓ, એમ કેમ?

હશે. વચમાં એકાદ અવતારમાં મધરે ફાધર ચેઇન્જ કર્યા હશે…

જો બૉલ સ્ટેજ વધુ વાંકો આવ્યો હોત તો સીધો થેલીમાં જઈને પડત, અને તાંદળજાની ભાજી છૂંદી નાખત. આખી બાજી બગડી જાત. સારું થયું કે બૉલ પેટની નીચે વાગ્યો. ભલે વાગ્યો ભાજી તો તાજી રહીને!

પપ્પાને બૉલ વાગ્યો છે એ જોતાં ટપુડો ભાગ્યો. જતાં જતાં સવિતામાસીની ગટુની રિબન ખેંચતો ગયો.

પેટ પંપાળતાં, મહેશ શાહ ફરી વિચારે ચડ્યો. આમ જ ચાલતા ચાલતા નીકળ્યા હઈશું એક દિવસ દ્વારકા તરફ આપડે, ને રાજા કૃષ્ણના મહેલમાં આપડા તાંદુલની પોટલીની ગાંઠો છોડતાં છોડતાં કૃષ્ણ ભગવાને ઝૂંપડીમાંથી મહેલ બનાવી દીધો હશે. એ વખતે જેમ ૨કમાંથી રાય બની ગયા’તા એવી રીતે આ ફેરા ટીચરમાંથી પ્રિન્સિપાલ બનાવી દેશે શામળિયો. પોળવાળાઓને બરાબરની ખબર પડશે. ચાલ ઝડપથી ઘરે પહોંચું, શામળિયો મારી રાહ જોતો હશે…રીટાનું કંઈ ઠેકાણું નહીં. ઓળખે ન ઓળખે…!

સુદામા તો ચાલતા ગયેલા શામળિયાને મળવા. આ તો શામળિયો જાતે. ઝડપથી ચાલતાં ચાલતાં મહેશ ધીમું મલકાતો હતો. સુદામાને ઘે૨, આઈ મીન મારે ઘેર. મહીલાના મનમાં ગલગલી થઈ. એકવાર વિદૂરને ઘેર અને હવે આટલા વર્ષે મારે ઘેર તાંદળજો ખાશે શામળિયો…

ભારે રમૂજ પડવા લાગી. બે સ્ટોરી કેવી ભેગી થઈ ગઈ! વિદૂરને બદલે સુદામા, ને તાંદુલને બદલે તાંદળજો!

ચાલતાં ચાલતાં હાંફી ગયો મહેશ. ઘર આવી પહોંચ્યું ત્યાં સુધીમાં તો પગ લથડિયાં ખાવા લાગ્યા. પોળના નાકેથી છોકરાઓએ બૂમ મારી ‘મહીલો માંદલો!’ દાદરા ચડતાં ચડતાં મહેશ શાહ અટકી ગયો. કઠેડા ઉપર હથેળી દબાવી. બીજા હાથે આંખો દાબવાનો પ્રયત્ન કર્યો. તેનોની લીલી થેલી પેન્ડડ્યુલમની માફક ચહેરા પાસેથી બે વાર પસાર થઈ ગઈ.

તાંદળજાની તાજી તાજી સુવાસ એના નાકમાં ભરાઈ. સારું લાગ્યું. સપનામાં શામળિયાએ આપેલું વચન સાંભર્યું:

‘મહીલા! ભલે આપડે ભગવાન ૨હ્યા. પણ ભાઈબંધી ના ભૂલીએ, શું? તું ભલે ભૂલી ગયો હોય કે તું સુદામા હતો ત્યારે આપણે સાંદીપની સરને ત્યાં શી શી મિશ્ચિઝ કરેલી. પણ આપણને યાદ છે. તું તારે જોયા કરને, આપડે તને ટીચરમાંથી પ્રિન્સિપાલ ના બનાવી દઈએ તો આપડું નામ ગૉડ નહીં બસ! કાલે જ તારે ઘેર ના આવું તો કહેજે! દાઢી જોઈને ગભરાઈશ ના. એ તો વેશપલ્ટો કરવો પડે. બધાંને ઘેર થોડું જવું છે મારે!’

દરવાજા સુધી પહોંચતાં પહોંચતા મહેશ હાંફી ગયો. જાણે હમણાં શ્વાસ તૂટી જશે. માથાની નસો ફાટી પડશે જાણે. હાથમાં વીંટાળેલી થેલીમાં જાણે સીસું ભર્યું હોય એવો ભાર લાગવા માંડ્યો. માંડ માંડ હાથ ઊંચો કરીને બેલ માર્યો. બારણું ખુલે ત્યાં સુધી આંખ મીંચી શામળિયાનું નામસ્મરણ કરવા લાગ્યો. પછી તરત આંખો ખોલી થેલીમાં ડોકિયું કરી લીધું. તાજી તાજી તાંદળજાની ભાજીનાં તુલસી જેવાં પાન ને લાલ ચટક દાંડીઓ જોઈ મન ખીલી ઊઠ્યું. હરખનો માર્યો મહીલો હસી પડ્યો.

બારણું ખોલતાં જ રીટા તાડૂકી.

‘એમ બારણે ઊભા ઊભા હસો છો શું? સારા નથી લાગતા, કેટલી વાર કરી? ક્યાં રખડતા’તા અત્યાર સુધી? નળ પણ જતા રહ્યા. છોકરા ભણાવવા ય નથી જવું?’

દરવાજા પાસે જડાઈ ગયેલા મહેશે ચકળવકળ આંખે ઓરડામાં જોયું, તો ટપુડો એક ખૂણામાં બેઠો બેઠો રાતની વધેલી ભાખરી ખાતો ચોરની માફક એની સામે તાકતો હતો.

રીટાનો બબડાટ ચાલુ જ હતો.

‘તમારો કોઈ સગલો આવીને બેઠો’તો ક્યારનો. કંટાળીને ચાલતો થયો.’

‘માંડ હિંમત એકઠી કરી મહેશે પૂછ્યું: ‘કોણ હતો?’

‘તે મને શું ખબર? મેં કોઈ દાડો જોયો હોય તો ઓળખું ને!’

નામ બામ ન કહ્યું?’

ના, હતો કોઈ લાંબી દાઢીવાળો, બાવા જેવો. તે હું તમે આવા બામટાઓની ભાઈબંદી ક્યારથી કરવા માંડી છે?’

‘એ તો…’

શું એ તો એ તો કરો છો? લાવો જોઉં શું શાક લાવ્યા છો?’—કહેતાંક ને રીટાએ મહેશના હાથમાંથી થેલી ઝૂંટવી લીધી. થેલીનું મોં ફાડતાં જ એનો પીત્તો ગયો. ૧ રોજ, રોજ તાંદળજાની ભાજી! આખા માણેકચોકમાં બીજું શાક ન દેખાયું તમને?’ પરસેવો લૂછતો મહેશ બેસી પડ્યો. ભાજીની ઝૂડીનો ઘા બચાવતો ટપુડો ખુલ્લા બારણામાંથી બહાર નાઠો. ટપુડાની પાછળ ઘાંટો પાડતી રીટા દોડી.

ખૂણામાં પડેલી તાંદળજાની ભાજીનાં ચકચકિત લીલાં પાન અને એની નીચે ઝૂલતી કમળદંડ સમી સુકોમળ દાંડીની રતાશ. ગ્રામર ટીચર મહેશ મણિભાઈ શાહ એ તરફ લોભી નજરે જોઈ રહ્યો… (૧૯૮૭)
(‘ખેવના’)