રંગ છે, બારોટ/6. દરિયાપીરની દીકરી

From Ekatra Wiki
Revision as of 09:57, 12 May 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
6. દરિયાપીરની દીકરી


રતનાગર સાગરને કાંઠે સિંગળદીપના રાજાની રાણી મીણલદેનો મો’લ છે. આઠેય પહોર એ રાજગઢની રાંગે રતનાગરનાં પાણી આટકી રહ્યાં છે. સાંજનો સમો છે. અટારીએ ઊભાં ઊભાં રાણી મીણલદે સુગંધી પદારથનાં મર્દન અને નાવણ કરીને પોતાના માથાના મોવાળા સૂકવી રહ્યાં છે —

મારૂ નાહી ગંગાજળ, ઊભી વેણ્ય સુકાય,
ચંદન કેરે રૂખડે, (જાણે) નાગ ઝપેટા ખાય.

અને આ રાણી મીણલદેનું રૂપ, નીચે પોળમાં એક થાનકમાંથી એક જતિ મહારાજ તાકીને જોઈ રહેલ છે —

લંબવેણી, લજ્જા ઘણી, પોંચે પાતળિયાં,
આછે સાંયે નિપાવિયાં કો કો કામણિયાં.

ઓહોહો! લાંબી વેણ્યવાળી, આવી લજ્જાળુ અને હાથને પોંચે આવી પાતળી સ્ત્રી તો ભલા ભગવાને મલકમાં કોઈક કોઈક જ નિપજાવી છે. મોહીને પાણી પાણી થઈ જતો જતિ આમ ઊંચી અટારીએ રાણીને જોઈ રહેલ છે, તે જ વખતે રાજગઢની એક દાસી બજારેથી પાછી હાલી આવે છે અને એના હાથમાં એક તેલનું કચોળું છે. જતીએ પૂછ્યું કે “હેં બાઈ! આ શું લઈ આવ્યાં?” કે’, “એ તો મારાં રાણી મીણલબાને માથામાં નાખવાનું તેલ છે.” કે’, “કેમ આટલું જ?” “આઠે દા’ડે બસ તાજેતાજું આટલું જ વેચાતું લઈ આવું છું.” કે’, “કેમ આઠે દા’ડે?” “આજ રાજાજીને મારાં રાણીને મોલે સૂવા આવવાનો વારો છે. રાજાને સાત રાણી છે. રોજ અક્કેકને મોલે રાત ગાળે છે.” “તે આ તેલ કેટલાકનું લાવ છ?” “પચાસનું.” “જોઉં તેલ?” તેલ જોઈને પછી જતિએ ડોકું ધુણાવ્યું : “અરે બાઈ, આ તેલના કરતાંય ચડિયાતાં તેલ તો આંહીં હું રાખું છું. તારાં રાણીને માથે એવી તો ટાઢક વળે, એવી તો સોડમ આવે, કે તને રાજી થઈને મોજ આપે; ને પછી બીજે તેલ લેવા જવાનું મન જ ન રહે. કહે તો હું આ તેલ બદલી આપું.” જતિના બોલ લોભામણા હતા. જતિના વેશમાં અને દેખાવમાં ભલભલાને પાડી દ્યે એવી છટા હતી. રાણી મીણલદેની દાસી તો વિચાર કરતી રહી ત્યાં જતિએ એના હાથનું કચોળું અંદર લઈ જઈ એ તેલને માથે કાંઈક મંત્ર બોલીને એણે કચોળું પાછું લાવીને દાસીને દીધું. ચોટલો કોરો કરીને રાણી મીણલદે અરીસા સામે બેઠાં છે. એમાં દાસીએ તેલનું કચોળું લાવીને પાસે મૂક્યું. કહ્યું કે “બા, આજ તો આ તેલ કાંઈક જુદી જ ભાતનું છે. માથામાં નાખી તો જુઓ. કાંઈ ફોરે છ! કાંઈ ફોરે છ, માડી!” રાણીને પણ, કચોળું ઓરડામાં આવ્યા ભેળી કોઈ નોખી જ ભાતની લહેરો આવવા લાગી. મોટા કોડથી મીણલદે માથામાં તેલ નાખવા બેઠાં. પણ તેલમાં નજર નાખ્યા ભેળું તો એણે કૌતક દીઠું. કચોળામાં તેલ ચક્કર ચક્કર ઘૂમરીઓ ખાય છે! અરે જીવ! આ શો ગજબ! કોઈ દિ’ નહીં ને આ તેલ ઘૂમરિયું કં ખાય? રાણી મીણલદે ચતુર હતાં. ચેતી ગયાં. નક્કી આ તેલમાં કાંઈક કામણ છે! તેલનું ટીપુંય માથાને અડાડ્યા વગર પોતે ઊઠી ગયાં અને બાનડીને બોલાવીને કહ્યું, “આ લે બાઈ, આ તેલ તો તું જ આજ નાખ તારા માથામાં, ને મારા માટે જે તેલ લાવતી તે જ તેલ લઈ આવ, બેટા! મને તો ઈ જૂનું તેલ જ ફાવે છે.” ઘડીક તો બાનડી ગુલતાનમાં આવી ગઈ. પચાસ રૂપૈયાનું તેલ માથે નાખવા મળ્યું! આજ તો ઘરનો ધણી પીટ્યો મોહી જ પડશે! વળી ઘડી પછી વિચાર ઊપડ્યો : ના રે જીતવા! જતિનું તેલ છે. કાંઈક કરામત કરી હશે. નીકર રાણી આવા અણમૂલ તેલનું કચોળું કયે હેતે મને આપી દ્યે? બહાર નીકળી, ગઢના ચોગાનમાં એક મોટી છીપર પડી હતી તેને માથે આખું કચોળું ઢોળી નાખીને દાસી મીણલદેને માટે રોજ જે લાવતી તે તેલ લેતી આવી. મીણલદેએ પૂછ્યું : “ઓલ્યું તેલ ક્યાં નાખ્યું?” “મારા માથામાં જ તો માડી!” બાનડીનું માથું સૂંઘીને રાણીએ ડારો દીધો : “ખોટું બોલ છ? સાચું કહી દે, ક્યાં નાખ્યું?” દાસીએ બીને કબૂલ કરી દીધું કે તેલ તો છીપર માથે રેડ્યું છે. “ત્યારે હવે સાચું કહી દે, ઈ તેલ તું ક્યાંથી લાવી હતી?” ઘડીક તો બાનડીએ ગળચવાં ગળ્યાં. રાણીએ ઝરડકી દીધી કે “ચીથરાં ફાડ્ય મા, સાચું કહીશ તો વાળ પણ વાંકો નહીં કરું, ને ખોટું બોલીશ તો રાજગઢમાં જ ગળકી પીસી દઈને ભોંમાં ભંડારીશ.” પછી જ્યારે બાનડીએ જતિવાળી વાત કહી ત્યારે તો રાણી મીણલદેના દેહને માથે છાસઠ હજાર રૂંવાડાં સમ! સમ! સમ! બેઠાં થઈ ગયાં. “અરે રાંડ! મારું મોત કરાવત ને! ઠીક, પણ હવે તો આ તેલનો પૂરો તાલ જોવો છે. માટે છોડી! જા, રાતે ઈ છીપર પાસે જ જઈને ચોકી રાખ, કે રાતમાં શી લીલા થાય છે.” રાતે બાનડી રાજગઢના ચોકની એ છીપરની થોડેક છેટે જઈને પહેરો દેતી બેઠી છે. અંધારું ઘોર છે. અધરાતે તમરાંના લહેકાર બંધાઈ ગયા છે. માણસ કોઈ જાગતું નથી. દરવાણી દરવાજે ટલ્લા મારી રહ્યો છે. એવે ટાણે જમીનમાં ખૂંતેલી છીપર, કોઈ જીવતું માનવી હલબલે એમ હલબલવા લાગી. અને થરથરતી બાનડી જોઈ રહી કે —

ગણણણ શિલા વે ચલી, મંત્રે કીધેલ માગ,
આવી કમાડે આટકી, વ્રતિયા સૂતો જાગ.

ગણણણ… અવાજે અધ્ધર હવામાં ઘોરતી ઘોરતી છીપર ઊપડી. બાનડી એ છીપરની પાછળ પાછળ દોટ કાઢતી ચાલી. છીપર રાજગઢને દરવાજે આવી. દરવાજા રાણી મીણલદેના હુકમથી ઉઘાડા હતા. છીપર દરવાજા બહાર નીકળી. બાનડી વાંસે ચાલી. બાનડી વિના છીપરને કોઈ જોઈ શકતું નહોતું. ગણણણ! ગણણણ! ગણણણ! છીપર આવી જતિને થાનકે, અને “આવી કમાડે આટકી.” થાનકના કમાડ માથે ધડીંગ ધડીંગ ધડીંગ એવા ધડાકા કરવા લાગી. “કોણ, મીણલદે કે!” બંધ કમાડની અંદરથી જતિનો મીઠો સાદ આવ્યો. “ધીરાં રો’, રાણી! ધીરાં! હાં ધીરાં! આ ઉઘાડું છું કમાડ.” સાંભળીને બાનડી તો અંધારે છુપાઈને ઊભી ઊભી થીજી ગઈ. હાય હાય! જતિએ તો તેલમાં કામણ કર્યાં હતાં. રાણી મીણલદેને પોતાની પાસે તેડાવવાં હતાં! પણ મંત્રેલી શિલાએ ધીરજ માની નહીં. ઉપરાઉપરી ધડાકા કરવા લાગી. બારણાં તોડ્યાં અને ગણણણ થાનકમાં દાખલ થઈ. જતિ તો શણગાર સજીને, ફૂલેલ તેલ અને અત્તર લગાવીને, ફૂલભરી પથારીમાં વાટ જોતો બેઠો હતો. તેણે જોયું : “હાય હાય! આ તો મીણલદે નહીં, કાળી ભેકુંડ શિલા!” શિલા આવી જતિની પથારી માથે. જતિ કૂદકો મારીને ભાગ્યો. શિલા વાંસે આવી, જતિ પટારા માથે આવ્યો. શિલા પટારા ઉપર પહોંચી; થાનકમાં દોટાદોટ થઈ, જતિ આગળ ને શિલા વાંસે! ઘમસાણ બોલી રહ્યું છે. શિલા બાપડી શું કરે? શિલાનો અપરાધ નહોતો. તેલમાં જતિએ એવો મંત્ર મૂક્યો હતો કે એનું એક ટીપું પણ જેને માથે પડે તે જતિની છાતીને માથે આવ્યા વિના રહી શકે નહીં, જતિના હૈયા પર ચડ્યા વગર જંપે નહીં. આખા ઘરમાં બઘડાટી બોલી રહી છે. જતિ દોડાદોડ કરે છે, ને શિલા જતિની પાછળ હડિયાપાટી કાઢે છે. જતિની તુંબલી તોડવાને વાર નથી. જતિની છાતીને છૂંદી નાખવાનો શિલાને વિકાર થયો છે. આ વિકારને જતિ કેમ કરીને ટાઢો કરે? પણ ભગવાનને વાત રાખવી છે ના, તે જતિના હાથમાં એ દોડધામમાં અડદના દાણા આવી ગયા. અડદના દાણા લઈ જતિએ નવો મંત્ર ભણ્યો, અડદ છીપરને માતે છાંટીને જતિએ કહ્યું :

જા જા શલ્યા જા પરી, જ્યાં હોય થારો વાસ,
એમ વરતિયો આખવે, (મારી) એકે ન પૂરી આશ.

અરે હે શિલા! પાછી તારો વાસ હોય ત્યાં ચાલી જા. વ્રતિયાએ કહ્યું કે અરે અભાગણી! મારી એકેય આશ તેં પૂરી નહીં. જા, હવે પાછી ચાલી જા. મંત્રેલ દાણા પોતાને માથે પડતાં જ છીપર જતિનો પીછો લેતી બંધ પડી, અને પટ દેતી પાછી વળી, બહાર નીકળી ને પાછી રાજગઢમાં ગઈ. અને દાસી પાછી રાજગઢમાં આવીને જુએ તો છીપર પોતાને અસલ ઠેકાણે જ પાછી જેમ હતી તેમ ગોઠવાઈ ગઈ છે! બાનડી પાછી રાજગઢમાં આવી. પણ ઊંઘ તો શેની આવે? મટકુંય માર્યા વગર રાત પૂરી કરી, અને પ્રભાતને પહોરે રાણી મીણલદેને રાતવાળી રજેરજ વાત કરતી કરતી પગમાં આળોટી પડી : “અરેરે માડી! તમારે માથે ઈ તેલ પડ્યું હોત તો તો નખ્ખોદ નીકળી જાતને!” રાણી મીણલદેએ કહ્યું કે “છોડી! તું હવે કલ્પાંત કર મા —

હર કહ્યા ને વિધિએ રખ્યા, છઠી રેનરા અંક,
રજ ઘટે ને કાંઈ તલ વધે, રે’ રે’ જીવ નશંક.

“હે દાસી! હરિએ લખવેલ વિધાતા-લેખ નથી રજ ઘટતા કે નથી તલ વધતા. આ મુંડકી માથે માંડેલાં પ્રારબ્ધ મિથ્યા થાતાં નથી. પણ હવે એક કામ કરો. ઈ જતિને તો હવે કટકેય છોડવો નથી. જીવતો રે’શે તો કૈંકનાં નખોદ વાળી નાખશે. માટે એને પટાવીને આંહીં બોલાવી લાવ.” બાનડીએ પ્રભાતે આવીને મલકાતે મોંયે જતિને કહ્યું કે “બાપજી! આજ તો તમને મારી બાઈ યાદ કરે છે.” હેં! મને મીણલદે યાદ કરે છે! તયેં તો નક્કી એના માથામાં મારા મંતરેલ તેલનું એકાદું ટીપું પહોંચ્યું લાગે છે! વાહવા! મારા કામણના ઘા ખાલી જાય નહીં. “ઊભી રે’ બાનડી! આ હું આવ્યો,” કહીને જતિએ તો ફૂલેલ તેલ અને અત્તર લગાવ્યાં, માથું ઓળ્યું, મહેકતા શણગાર સજ્યા, અને છટાળી ચાલ્યે રાજગઢની મેડીએ ચડ્યો. જેવો જતિ ઓરડાનાં બારણાંમાં પેસે તેવા તો આઠ ધોકા એને માથે ત્રાટક્યા. રાણી મીણલદેએ બારણાંની બેય કોરે ચાર ચાર છોકરીઓને ધોકા લઈને ઊભી રાખેલી, અને જતિને ધમરોળી નાખવો હતો. પણ જતિનાં ભાગ્ય જબરાં તે ધોકા સામસામા અફળાણા, જતિ પડી ગયો પણ એને વાગ્યું નહીં. ફરી ધોકા ઊપડ્યા ત્યાં તો જતિએ હાથ જોડીને ધા નાખી કે “એ રાણી, હે માતાજી, મને જીવતો રાખો તો એક વાત કરું.” કે’, “બોલ, શી વાત છે?” કે’, “તું મારી મા ને હું તારો દીકરો. પણ તું જીવતો રાખ તો તને એવા મંતર કરી દઉં કે તારો રાજા સાતેયમાંથી એકલી એક તારી જ મેડીએ રોજ આવતો થાય.” સાંભળીને રાણીને લોભ લાગ્યો. ગમે તેમ તોય સ્ત્રી છે ને! અંજવાળી તોય રાત છે ને! લાલચ બૂરી વાત છે. રાણી કબૂલ થઈ. જતિએ કહ્યું કે “અડદનો થોડો લોટ લાવો.” અડદના લોટનું જતિએ એક પૂતળું બનાવી દઈને મંતરી આપ્યું. કહ્યું કે, “આ લ્યો, રાજા જ્યારે આઠે દિવસે ફરી વાર આ મોલે આવે ને ઊંઘતા હોય ત્યારે આ પૂતળું એને માથે સાત વાર ફેરવજો.” રાજી થઈને રાણીએ પૂતળું પેટીમાં મૂક્યું. આઠે દિવસે રાજા ફરી વાર આવ્યા ને ઊંઘી ગયા, રાણી મીણલદે પૂતળું લઈને રાજાને ઢોલિયે લાવી તો ખરી, પણ શાણી છે ખરી ના, એટલે એણે વિચાર કર્યો કે “અરે જીવ! બીજી છ પણ મારા જેવી જ છે, એનેય મારા જેવા કોડ હશે. એના તકદીરમાંથી રાજાને ખેડવી નાખીને હું એકલી શું સંસારમાં સુખ ભોગવીશ? ના, જીતવા! ના. સૌ ભાગે પડતું ભોગવે એમાં જ સુખ છે. મારે આઠ દા’ડે એક રાત આવે છે તે જ ઘણું બધું છે.” વિચાર કરીને પૂતળાવાળી પેટી સંતાડી દીધી. પણ રાણીને ફાળ પડી : અરે, ઓલ્યા તેલના જેવું જો આકરું કામણ આ જતિએ આ પૂતળામાં પણ કર્યું હોય, અને કાંઈક અણધાર્યો ઉલ્કાપાત કદીક થઈ બેસે તો? આ પૂતળું તો મહા આફતનું પડીકું બન્યું! હવે એને ઠેકાણે કેમ પાડવું? સૂઝકો કાંઈ પડતો નથી. એવામાં એ નગરીના સોદાગરો રાણીને મળવા આવ્યા. કહ્યું કે “માતાજી, અમે જાયેં છીએ જાવાની સફરે. જાવેથી કાંઈ લાવવું કરવું હોય તો પૂછવા આવેલ છીએ.” જે કાંઈ મંગાવવું કરવું હતું તેની રાણીએ શેઠિયાને નોંધ કરાવી. અને પછી એને ઓચિંતું ઓલ્યું અડદનું પૂતળું યાદ આવ્યું. પૂતળાને કોઈ પણ ઉપાયે કાઢ્યે જ છૂટકો હતો. આ નગરીની ધરતીથી પણ છેટે એને પહોંચાડવું હતું. ઠીક છે કે આ સોદાગરો મળી ગયા. “ભાઈઓ! આ એક મારા પૂજાપાની પેટી છે. ને એ પેટી રતનાગર સાગરમાં પધરાવવાનું મારે વ્રત છે. માટે તમે આ લેતા જાવ, અને ઠેઠ મોટે દરિયે પહોંચીને તમે એને પાણીમાં પધરાવી દેજો.” સોદાગરોએ તો વહાણ હંકાર્યાં છે. બરાબર મધદરિયે પહોંચતાં એમણે રાણીના પૂજાપાની પેટી દરિયામાં પધરાવવા બહાર કાઢી છે. તે વખતે એક આળવીતરા જુવાનિયાનું મન રહ્યું નહીં, એટલે એણે કહ્યું કે “એલા, પેટી ઉઘાડીને જોઈએ તો ખરા, કે માલીપા પૂજાપો કેવોક છે!” પેટી ઉઘાડ્યા ભેગું તો અંદરથી એક નાનું ગુલાબી છોકરું કૂદકો મારીને ઊંડા પાણીમાં ખાબકી પડ્યું અને સોદાગરો હેબત ખાઈને જોઈ રહ્યા કે છોકરું દરિયામાં ઊંડાં પાણીને કાપતું કાપતું કાપતું અંદર ને અંદર ઊતરી ગયું. સોદાગરો તો પેટી પણ પાણીમાં પધરાવી દઈને ઝટ ઝટ વહાણ હંકારી ગયા. કોઈએ કોઈને પૂછગાછ પણ કરી નહીં. વાતને જ દરિયામાં દફનાવી દીધી. આંહીં પૂતળું તો જીવતું છોકરું બનીને ઝપાટાબંધ ઊંડાં પાણી કાપતું ગયું અને રત્નાકરને તળિયે જઈને મોટા દેવતાઈ મહોલને બારણે ખડું થયું. અંદર ગયું. રૂપરૂપના અવતાર એવા એક નર ત્યાં હીંડોળા ખાટે હીંચકી રહ્યા છે. એની સામે હાથ જોડીને પૂતળું બોલ્યું : “હે મહારાજ! હે દરિયાપીર! મારી બાઈ, સિંગળદીપની રાણી મીણલદે તમને બોલાવે છે.” દેવતા તો મંતરને આધીન છે! જળનાં જાંબુડિયાં ને નીલાં વસ્તર પહેરી, કાને રત્નનાં કુંડળ લટકાવી, મોતી અને પરવાળાંની માળા કંઠમાં ઝુલાવતા ઝુલાવતા, દરિયાદેવ સિંગળદીપ ભણી ચાલી નીકળ્યા. પોતાને ખંભે ઓલ્યું પૂતળું બેઠું છે. રૂપાળો સંધ્યાકાળ છે. ઓરડાની ઓસરીમાં રાણી મીણલદે બેઠેલાં છે. એમાં સામેથી કોઈક અજાણ્યો માનવી રાણીવાસમાં હાલ્યો આવતો દેખાય છે. ન મળે ફાળ, ન મળે ફડકો, કેમ જાણે પોતાનું જ ઘર હોય એમ હાલ્યો આવે છે. અંગને માથે દરિયાઈ જળનાં આસમાની વસ્ત્રો ઝળેળ ઝળેળ થાય છે. મોવાળામાંથી મોતી જેવાં ટીપાં ટપકે છે. આ કોણ? આ પરપુરુષ નિર્લજ્જ બનીને કાં આંહીં ચાલ્યો આવે છે? રજા વિના એક પંખી પણ આંહીં પ્રવેશ ન કરી શકે, તો પછી આ પુરુષને કોણે આવવા દીધો હશે? આવું આવું વિચારતી રાણી તો ઊઠીને જવા લાગી. ત્યાં તો પરોણલો રાણીની સામે આવીને ઊભો રહ્યો. મૂંગો મૂંગો એ તો મરક મરક હસી રહ્યો છે. રાણી બોલી, “અરે તમે કોણ છો? આંહીં કેમ આવ્યા છો?” પરદેશી બોલ્યો, “હું દરિયાનો દેવ છું. તમારો બોલાવ્યો આવું છું, હે રાણી મીણલદે!” રાણી ચમકીને પૂછે છે, “મેં બોલાવ્યા?” તુરત જ એ દેવતાના ખંભા માથે બેઠેલું પૂતળું નીચે ઊતર્યું ને બોલ્યું, “હે રાણીજી! જાવે જાનારા સોદાગરોની સાથે તમે જ મને મોકલેલો એ ભૂલી ગયાં?” રાણીની છાતી ધડકવા લાગી. એની વાચા ઊઘડી નહીં. દરિયાપીર બોલ્યા, “હે રાણી! હું દેવતા. હું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તો યે પામરમાં પામર! કારણ કે હું મંત્રાધીન. હું પાછો વળી શકું નહીં. તું મને પાછો વાળી શકીશ નહીં.” દિવ્ય તેજ અને મંત્રોના પ્રભાવની સામે રાણીથી થઈ શકાયું નહીં. દેવતા ત્યાં રાત રહ્યા. પરંતુ એક રાત બસ નહોતી, પછી તો રોજ રાતે દેવ-માનવના વિલાસ ચાલે, ને પ્રભાતે દેવ દરિયે પધારે. સાતમો દિવસ આવ્યો. આજે રાણીને સાંભર્યું કે હાય હાય! સાંજરે તો રાજાજી પધારશે, દેવતા પણ આવશે. હું શું કરીશ? સાંજ પડી. રાજાજી પધાર્યા. થોડી વાર થઈ. રાજા જુએ છે તો કોઈ અજાણ્યા પુરુષને અંત:પુરમાં આવતો જોયો. ચકિત થઈને રાજા પૂછે છે કે “અરે રાણીજી, આ કોણ આવે છે?” “હું નથી ઓળખતી!” “રાણી! નથી ઓળખતાં? આટલે નિર્ભય પગલે પુરુષ ચાલ્યો આવે છે. એની મુખમુદ્રા બતાવી આપે છે કે આ અંતઃપુરનો અજાણ્યો તો નથી. જુઓ, જુઓ, એ હસે છે. ચોગરદમ કેવો જુએ છે?” કે’, “હું નથી ઓળખતી.” દેવ આવી પહોંચ્યા. એનું મોં રાણીજીની સામે મલકે છે. રાજા પૂછે છે, “તું કોણ છો?” દેવ પૂછે છે, “તું કોણ છો?” રાજા કહે, “હું આ ભુવનનો અધિકારી છું.” દેવ બોલ્યા, “રાજા, એ અધિકાર તમે ખોયો છે.” રાજાએ તલવાર ખેંચી. પ્રહાર કરવા જાય ત્યાં તો જળ-દેવે ઝટકો માર્યો, તલવાર પડી ગઈ. જોતજોતામાં તો કોઈ માયાવી પાશમાં રાજાના બાહુ બંધાઈ ગયા. દેવે રાણીની તરફ ડગલાં માંડ્યાં. થર થર કંપતી રાણી પલંગને ઓલ્યે પડખે જઈને ઊભી રહી. કોપાયમાન કંઠે બોલી : “હે દરિયાપીર! તમને તેત્રીશ કોટિ દેવતાની દુહાઈ છે. ત્યાં જ થંભી જજો…” તેત્રીસ કોટિ દેવતાની આણ દેવાતાં જ દરિયાપીર થંભી ગયા. વિકરાળ ચહેરે રાણી બોલી, “નિર્દય દેવતા! તમે સાગરના સ્વામી! મારી આંખોની સામે, મારા પતિદેવની તમે આ દુર્દશા કરી રહ્યા છો? ધિક્કાર છે, દેવ!” દરિયાપીરે નીચું જોયું. લજવાતા લજવાતા એ બોલ્યા, “હે મીણલદે! પંદર દિ’ પૂરા થયા હોત તો તારે પેટે ચક્રવર્તી અવતાર લેત. પણ આજે સાત જ દિવસ થયા. દીકરી જન્મશે. એનું નામ પાડજો ઉમા. હું આજે આ ભુવન છોડી જાઉં છું.” રાજા સમજ્યા કે આ તો દરિયાપીર છે. રાજાએ પગે લાગીને કહ્યું, “હે દેવ! તમે આ સ્થાનને તમારું કર્યું છે તે મેં આજે જાણ્યું. આ ભુવન ઉપરનો મારો અધિકાર હું ઉઠાવી લઉં છું. તમે સુખેથી નિવાસ કરો.” દરિયાપીર બોલ્યા, “ના રાજા, મને આણ મળી ગઈ. હવે તો જાતાં જાતાં બે જ વાતો કહેવાની છે. એક તો, રાણીની ઉપર મારે કારણે કદી યે ત્રાસ ગુજારીશ મા. નહીં તો હું નિકંદન કાઢીશ. બીજું, દીકરી ઉમાના વિવાહ કરો ત્યારે મને કંકોતરી લખવાનું વીસરશો મા.” એટલું કહીને દરિયાપીર અંતર્ધાન થયા.

[2]

નવમે માસે તો મીણલદેના ખોળામાં એક દીકરી રમે છે. દરિયાપીરની દીધેલ એ દીકરીનું નામ પાડેલ છે ઉમા. દેવતાનું સંતાન! એનાં રૂપ શે વર્ણવ્યાં જાય! રાજાનો એક માનીતો ચારણ હતો. એને ઘેર પણ એક દીકરી આવી. એનું નામ પાડવામાં આવ્યું જુમા. ઉમા અને જુમાની જોડી જગતમાં બીજે ક્યાંય ન જડે. ઉમા પંદર વરસની થઈ. એક રાજકુંવર જોડે એનું વેવિશાળ થયું. રાજકુંવર અંચળો ખીશી પોતે જ માયરે પરણવા આવનાર હતો. ઉમાનાં લગનની કંકોતરી દેશદેશાવરે ગઈ છે. ઢોલનગારાં ગગડે છે, શરણાઈઓના સેંસાટ થાય છે. આખો સિંગળદીપ આનંદ ઓછવમાં ગરકાવ છે, નગરીના કસબી કારીગરો કુંવરી ઉમાદેનાં વસ્ત્રાભૂષણોની સજાવટ કરી રહેલ છે, — એમાં એકાએક — “હ ડૂ ડૂ ડૂ! હ ડૂ ડૂ ડૂ! હ ડૂ ડૂ ડૂ!” એવા ગેબી નાદ ઊઠ્યા. માણસોએ દોડતા આવીને ખબર દીધા કે દરિયો આજ મોસમ વિના પણ ઉછાળા મારતો મારતો હડૂડી રહ્યો છે. નાવિકોનાં સફરી જહાજો ડૂબતાં માંડ માંડ બચીને કાંઠે પહોંચ્યાં છે. નથી વાવડો, નથી વરસાદ, પણ અત્યારે આ રત્નાકરે તાંડવ શેનાં માંડ્યાં છે! અરે રોજરોજ ચડવા લાગેલાં પાણી આ નગરીને દરવાજે કાં ટલ્લા દેવા લાગ્યાં! એકાએક રાણી મીણલદેને યાદ આવ્યું અને એણે હાક દીધી “અરે કોઈ કંકોતરી મોકલો, દરિયાપીરને કંકોતરી મોકલો! કોલ કીધા છે દેવતાને.” કોઈને સમજ પડી નહીં, પણ રાણીને પડી ગઈ, કે આ તો મારી ઉમાદેનું માવતર આજ અંતરના તલસાટ વરતાવી રહ્યું છે, બાપનું હૈયું ફાટી રહ્યું છે, આ હડૂડાટ અમથા નથી, આ તો ઉમાદેના સાચા પિતાના કાળજાના વલવલાટ ગરજે છે. દરિયાનો દેવ માથાં આટકી રહ્યો છે. આજ જેનું પેટ પરણે છે તે જ એકલા કંકોતરીમાંથી રહ્યા! એટલે જ બાપનો પ્રાણ પછાડા મારી રહ્યો છે. રાણી મીણલદેએ જુમાના બાપ ચારણને તેડાવ્યા અને કંકોતરી દઈ કહ્યું કે “જાવ બાપ! દરિયાપીરને કંકોતરી પહોંચાડી આવો.” ચારણ તો આભો બન્યો. “અરે મારી મા! આ શું ચાળો ઊપડ્યો! દરિયાપીરને કંકોતરી!” “હા ગઢવી! દરિયાપીરને. મારે એવી માનતા છે.” “પણ હું ક્યાં ગોતું દરિયાપીરને? એની ડેલિયું અને એના ડાયરા કયે ઠેકાણે આવ્યા તે તો ખબર નથી.” કે’ “ગઢવા! તમે ચારણ છો. ગોતી કાઢજો. વધુ વાર કરો મા. નહીંતર રતનાગર શહેરને બોળી દેશે.” એક તો હસવું ને બીજું હાણ્ય! ચારણ તો કંકોતરી લઈને દરિયાને કાંઠે કાંઠે ચાલતો થયો! હ ડૂ ડૂ ડૂ હ ડૂ ડૂ ડૂ! રત્નાકરનાં આભે ટલ્લા દેતાં પાણી જેમ જેમ ચારણ ચાલ્યો આવે છે, તેમ તેમ મોળાં પડવા માંડ્યાં. પણ ચારણ કંકોતરી આપે કોના હાથમાં? આ દરિયાપીર પણ ખરો દુશ્મન જાગ્યો! એમ કરતાં કરતાં ચારણ આઘે આઘે નીકળી ગયો ત્યારે દરિયાકાંઠે એક સરોવર દીઠું. સરોવરમાં કોઈક સુંદરીઓ સ્નાન કરી રહી છે, ને કાંઠે એનાં હીર ને ચીર પડ્યાં છે. ચોગરદમ ભમરાના ગુંજારવ થઈ રહ્યા છે. મરતલોકનાં કોઈ ફૂલમાં ન હોય એવી સુગંધ સરોવર દીમથી આવી રહી છે. પવિત્ર વરણ છે ના! એટલે સરોવર ઢાળો વાંસો કરીને ચારણ ઊભો રહ્યો. અરે મહામાયા! આ શું કૌતુક! આંહીં તો કોઈ દિ’ સરોવર નહોતું. ને આ ક્યાંથી? નક્કી આંહીં કોઈ દેવતાઈ ભોમકા લાગે છે. ચારણે તો હાથની કંકોતરી દરિયા દીમની લાંબી કરીને કર્યો લલકાર, કે “લેજો દરિયાપીર, આ કંકોતરી”. કહ્યા ભેળો તો દરિયાનાં પાણીમાંથી એક હાથ કોણી સુધી ઊંચે આવ્યો. એનો પંજો કાંઈક લેવું હોય તેમ ઉઘાડો હતો. ચારણે કર્યો કંકોતરીનો ઘા, કંકોતરી ઓલ્યા દરિયામાંથી નીકળેલા હાથે ઝીલી લીધી! અને રત્નાગરનાં જળ સમથળ થઈ ગયાં. પાણીમાંથી સાદ આવ્યો : “ગઢવા! કહેજો કે કંકોતરી પોગી, પણ હું તો તેત્રીશ ક્રોડ દેવતાની દુહાઈનો બાંધેલ છું. દીકરી ઉમાનાં લગનમાં પગ દઈ શકીશ નહીં. મન મારીને જળમાં બેઠો રહીશ. પણ ઊભા રો’, ગઢવા! દીકરીને મારે પે’રામણી દેવી જોયેં. શું દઉં! હાં, હાં, ગઢવા! જો, ઓલ્યા સરોવરમાં અપ્સરાઉં સ્નાન કરે છે. ને કાંઠે એનાં વસ્ત્રાભૂષણો પડ્યાં છે. તેમાંથી તમને ઠીક લાગે તે એક ઉપાડી લ્યો. જાવ, ઝપટ કરો.” ઓય મારા બાપ! આ ડીંડવાણું તો જો, ડીંડવાણું! કોકની દીકરીનાં લગન, એમાં દરિયાને ઘેર ઓછવ! ને આ દરિયાપીર પણ પારકે પાદર માવજીભાઈ કાંધાળા! કોકનાં ઘરાણાં ચોરીને પે’રામણી દેવી! એમાં વચ્ચે કાંધ મારવો છે ગઢવાને. પારકી બલા ગઢવાને વોરવી! સૌને એક ગઢવો ઠીક હાથમાં આવ્યો છે. ગઢવા! જાવ કંકોતરી લઈને! ગઢવા! ગોતી કાઢો દરિયાપીરને! ગઢવા! લૂંટી આવો કોકનાં ઘરાણાં! બબડતો બબડતો ચારણ સરોવરની પાળે પહોંચ્યો. મારે વા’લે કરી છે ને કાંઈ! નાતી બાયડિયુંનાં લૂગડાં ચૂંથવાનાં? કાંઈ કામો! કાંઈ રૂડો કામો ગઢવાને ભળાવ્યો છે! રતનાગરને તળિયે નંગના ભારા ને ભારા પડ્યા છે. એમાંથી દોથોક દેતાં શું ભાલાં વાગતાં’તાં? જાત છે ને દેવદેવલાંની! આફતનાં પડીકાં છે બાપ! ત્રૂઠ્યા ય વસમા ને રૂઠ્યા ય વસમા! એમ બબડતે બબડતે એણે તો ઝપટ કરી બાઈયુંનાં લૂગડાં–ઘરાણાંને માથે. પણ ગોતવાની જરૂર ન રહી. આભામંડળનું કોઈ એક નખતર હોય ને જાણે, એવો એક રતન-હાર ઝળેળતો હતો. એકે તો હજારાં! એકે તો દાળદરના ભુક્કા! એ એક હાર ઉપાડીને ગઢવાએ દરિયાપીર દીમની હડી મૂકી. દેવ કાંઠે આવીને ઊભા છે. સરોવરમાં કિલકિલાટ કરતી અપ્સરાઓએ ગઢવાને ભાગતો દીઠો. દેખતાંની વાર તો રંગમાં ભંગ પડ્યો. જેનો હાર ઊપડ્યો તે અપ્સરાએ ગઢવાની પાછળ દોટ દીધી. પણ એ આંબે તે પૂર્વે ગઢવાએ પાણીની બહાર ઊભેલ દરિયાપીરના પગ પકડી લીધા. આઘી ઊભી થઈ રહીને અપ્સરાએ દરિયાપીરને ઠપકો દીધો : “અરે મોટા દેવતા! માથે રહીને આવી લૂંટ કરાવો છો? તમારે ઘેર રત્નોનો તોટો પડ્યો તે અમ ગરીબ અબળાઓનાં આભૂષણો ઉપડાવો છો?” અપ્સરાઓ તો દેવતાઓની રોનકનાં ઠેકાણાં : જેમ જમીનને માથે ગણિકા બજારનું સુખડું ગણાય, તેમ અમરાપુરીમાં અપ્સરાઓ ગણાય. સામે નવસ્તરી ઊભી ઊભી કરગરી રહેલી અપ્સરાને દેવ હસીને કહેવા લાગ્યા : “દેવાંગના! તમને ખબર નથી. આજ તો મરતલોકમાં પેટની દીકરીના વિવા છે. મારે એને પે’રામણી તો મોકલવી જોવે ના! મારો ભંડાર ભર્યો છે, પણ એ તો બધાં અણઘડ્યાં મોતી છે. અટાણે હું ઘડાવવા ક્યારે બેસું, ને મોકલું ક્યારે? અને આજ દીકરીના વિવાટાણે ચોરીલૂંટ ન કરાવું તો કરાવું ક્યારે? તમને તો પાછાં અમરાપુરીમાં પહોંચ્યા ભેળા કોક દેવતા હાર દેવા દોડ્યા આવશે, સમજ્યા ને અપ્સરા?” એમ કહેતા કહેતા જળદેવ બસ હસવા જ મંડી પડ્યા. એટલે ભોંઠી પડેલી અપ્સરાને કાળજે ચીરો પડી ગયો. એણે કકળતી આંતરડીએ કહ્યું : “મારો હાર ઉપાડી તો જાવ છો. પણ એ હાર કોઈ સુવાગણ નાર પેરી રહી. પેરશે દુવાગણ.” હરખના કેફમાં દરિયાપીરને અપ્સરાના આ શરાપનું કાંઈ ભાન રહ્યું નહીં. અપ્સરાઓ પાછી વાર ગઈ, ને ત્યાં ચારણે હાર લઈને સિંગળદીપ શહેરની વાટ લીધી.

[3]

રાજકુંવર અચળો ખીચી હથેવાળે ઉમાને પરણવા આવ્યો છે. ચૉરીએ ચડી ઊતર્યાં છે. ચારેય મંગળ વરતી રહ્યાં છે. અધરાતનો ગજર ભાંગ્યો છે. ઉમાએ પગથી માથા લગી શણગાર સજ્યા છે. અને ગળામાં નાખ્યો છે ઓલ્યો, અપ્સરાવાળો, દરિયાપીરે દેવરાવેલો રતન-હાર. દેવની દીકરી, એમાં પછી રૂપની કમીના શી હોય? ભોજનનો થાળ હથેળીમાં ઉપાડીને કટ, કટ, કટ, ઉમાદેવડી મેડીએ ચડ્યાં છે. મેડીને માથે કુંવર અચળો ખીચી એક પગ ધરતી માથે રાખીને ધીરે ધીરે હીંડોળાખાટે હીંચકી રહ્યો છે —

થાંભા થડકે, ઘર હસે, ખેલણ લાગી ખાટ,
સાજન આયા હે સખિ! જેની જોતાં વાટ.

અને બેયની મીટડીયું મળી છે —

નેણ પદારથ, નેણ રસ, નેણે નેણ મળન્ત,
અણજાણ્યાંસું પ્રીતડી; નેણે નેણ કરન્ત.

બેય એકમેકથી અજાણ્યાં, પણ નેણે નેણ મળ્યાં છે, અને પ્રીત પ્રકટાવી દીધી છે. પછી તો —

મોં મન લાગી તોં મના, તોં મન લાગી મું;
લૂણ વળુંભ્યાં પાણીએ, પાણી લૂણ વળુંભ.

મારું મન તારા મનસું લાગ્યું, તારું મન મારા મનસું. એ તો જાણે કે લૂણ ને પાણી પરસ્પર મળી ગયાં. બેમાંથી એકેયની વાચા ઊઘડતી નથી. મનથી મન ગોઠડિયું કરે ત્યાં જીભ બાપડી ઊપડે શેણે? છેવટે ઉમાએ વાચા ખોલી : “પધારો રાજ! થાળ તૈયાર છે.” રાજકુંવર અચળો મરક મરક મુખડે જોઈ રહ્યો. કાંઈ જવાબ દીધો નહીં. ઉમાએ ફરી કહ્યું : “રાજ! ભોજન ઠરે છે.” ત્યારે પછી અચળાએ કહ્યું : “ઠકરાણાંજી! ચૌદે વિદ્યાનાં જાણણહારાં, ને એક રાજરીત કેમ ભૂલી ગયાં?” કે’, “હે ઠાકોર! ભૂલી હોઉં તો બતાવોને!”

ગોખે તે બેઠી રાણી રાજવણ બોલે,
મને મારગડો દેખાડો રાજ બંદલા!
હું તો મારગડાની ભૂલી રાજ બંદલા!

કે’, “હે ઉમાદે!” —

ખાતે ખીચી બોલિયો, સાંભળ સાંખલી નાર!
મારા પગની મોજડી, ઉમાદે ઉતાર!

“હે સાંખલાની રાજકુમારી! મારા પગની મોજડી તમે ઉતારો.” ઉમાએ માન્યું કે ઠાકોર હાંસી કરે છે. એણે પૂછ્યું : “હે ઠાકોર, મોજડી ઉતારું? શા માટે ઉતારું?” કે’, “એવી રીત છે.” કે’, “હેં? એવી રીત છે? ક્યાંની રીત છે?” કહેતાં તો ઉમાદેનું મોં ગ્રહણે ગ્રહાયા ચાંદા જેવું બન્યું. “રીત છે અમારા કુળની, કે પરણ્યાની પ્રથમ રાતે ઠકરાણાં ઠાકોરના પગની મોજડી ઉતારે.” કે’, “સાચું કહો છો, રાજ?” કે’, “સાચું જ કહું છું. હસવાની વાત નથી.” ત્યારે પછી —

મરકી ઉમા બોલિયાં, ગોરી ભીને ગાત્ર;
તારા પગની મોજડી, (કાં) દાસી ઉતારે કાં પાત્ર.

“હે ઠાકોર! તમારા પગની મોજડી તો કાં દાસી ઉતારે ને કાં પાતર (ગુણિકા) ઉતારે, પરણેતર તો નહીં ઉતારે. લ્યો, મારી વડારણને બોલાવું. અમારા કુળની તો આવી રીત છે.” કે’, “ઠકરાણાં! આ તો રિવાજ છે. તમારે તો જરાક મારી મોજડીને અડી જ લેવાનું છે.” કે’, “મેં કહ્યું ને? આ કામ અમારા કુળમાં વડારણનું છે. મારું નહીં.” કે’, “રાણી, મમત કરો મા; માઠું થશે.” કે’, “મર જે થાવી હોય તે થાવ. પગરખાંને હું હાથ નહીં અડાડું.” “ઠીક ત્યારે.” એવું કહીને અચળો હીંડોળાખાટેથી ઊઠી ગયો. થાળ થાળને ઠેકાણે રહ્યો. સોહાગની રાત બગડી ગઈ. સિંગળદીપની હવા પણ કડવી ઝેર બની ગઈ. અચળાએ પોતાની બરાતના રસાલાને હુકમ દીધો કે “સાબદા થાવ, અટાણે જ ઊપડી જાવું છે.” સૈયર જુમાને, રાજાને, રાણીને, સૌને જાણ થઈ કે બાજી બગડી ગઈ છે. બધાંએ ઉમાને ઠપકો આપ્યો : “બહુ ભૂલ કરી. હજી માની જા — તું ઊજળી તો પણ રાત છો, તું અસ્તરી છો. જીવતર લાંબું હોય ટૂંકું હોય કોને ખબર છે? ઊગ્યો એને આથમતાં વાર લાગશે.” પણ કોઈનું કહ્યું ઉમાદેએ માન્યું નહીં. ત્યાં અચળો વિદાય થઈ ગયો, અને આંહીં ઉમાએ જોબનને કબજામાં લીધું. વસ્ત્રાભૂષણો કાઢીને અળગાં કર્યાં અને જ્ઞાનવૈરાગ્યને માર્ગે ચડી. ચારણની દીકરી જુમાને પોતાની પાસે રાખી. જુમા બીન બજાવે, ગીતો–ભજનો ગાય, વાર્તાઓ કરે, ને જોગણવેશી ઉમા બેઠી બેઠી સાંભળ્યા કરે. લાગવા માંડ્યું કે જોબન કબજે થઈ ગયું છે, વિકાર ઓગળી ગયા લાગ્યા. જુમાને પોતે એક દિ’યે જુદી પડવા દેતી નથી; જુમા પણ સહિયરને સારુ કુમારી અવસ્થા ખેંચી રહી છે. એમ કરતાં કરતાં —

દિન ગણન્તાં માસ ગયા
(અને) વરસે આંતરિયાં.

એવે એક દિ’, જુમા ઉમાની રજા લઈને પોતાના બાપને ગામ ગઈ છે. ઉમા એકલી પડી છે. વૈશાખી પૂનમની રાત છે. પોતે બેઠી બેઠી માળા ફેરવે છે, પણ આજ એકલી પડી છે. જુમાનાં ગીતો ને ભજનની આડશ ચાલી ગઈ છે. બહારના વાયરા ફૂલની સોડમ લાવે છે અને ચોક-ચૌટામાં ગાતી નારીઓના ગીતના બોલ લાવે છે —

કોઈ મુને કૃષ્ણ બતાવો રે મધુવનમાં;
વ્યાકુળ થઈ છું મારા મનમાં રે શ્રી ગોકુળમાં.
હાર જ તૂટ્યો, ચીર જ ફાટ્યાં,
નીર વહે છે લોચનમાં. — કોઈ મને.

માળાના પારા ધીમા પડ્યા, અને મોડી રાતનો કોઈ બપૈયો ‘પિયુ-ઉ : પિયુ-ઉ : પિયુ-ઉ :’ પોકારવા મંડ્યો. આમાં કાંઈ સારાવાટ નહોતી.

બાપૈયા થાને મારશું, તું લે ના પિયુરો નામ;
આધી રેનરો પુકાર મા! તું છોડ હમારા ગામ.

અરે દાસીયું! આ બાપૈયાને ઉડાડો. પથરા માર્યે ઝાડ માથેથી બાપૈયો ઊડી ગયો. પણ મનડાના મધુવનના બાપૈયા એમ થોડા ઊડી શકે છે!

માંય અનુપમ લીંબડા, તાડ રિયા હલબલ્લ;
નેણે અમર નાગરી, વનસેં હુઈ વિકલ્લ.
ચંપો ડોલર કેવડો, રોગી દાડમ ધ્રાખ;
થોકે થોકે લડ રહી આંબા કેરી શાખ.
આંબા હિલોળે આવિયા, સાખ રસ ન સમાય;
કે’જો ઓધા કાનને, જેઠ વસમ્મો જાય.

અંતરના બંધ માંડ્યા તૂટવા : અરે કોઈ જુમાને તેડવા મેલો. હૈયું થર રહેતું નથી. આ તો બધા ઉપલા વૈરાગ્ય. માયલું મન તો મુવું કોરું ને કોરું પડ્યું છે!

ઉમા કાગળ લખી મોકલે, જુમા ઓરેરી આવ!
થારો ગુણ મેં જાણશાં, મારો રૂઠો નાવ મનાવ!

હે જુમા! વહેલી મારી પાસે આવ ને મારા રિસાયેલા નાહોલિયાને મનાવ. હું તારો ગુણ નહીં ભૂલું. જુમા દોડતી આવી. કહ્યું, “બસ? દળી દળીને ઢાંકણીમાં ઉધરાવ્યું?” કે’, “બેન, હવે તો નથી રે’વાતું.” કે’, “બધાં માન મેલીને સાસરે જાવા તૈયાર છો?” કે’, “હા.”