રંગ છે, બારોટ/8. જનમના જોગી
[1]
ઉજેણ તો નગરીનાં રાજા બેસણાં,
ધારાનગરીનાં રાજ જી;
તેડાવો જોશી ને જોવરાવો ટીપણાં,
જોવરાવો બાળુડાના જોશ જી;
કિયા રે નખતરમાં રાજા જલમિયા?
ચાંદા પૂનમ રાત જી.
ઉજેણી નગરીનાં બેસણાં છે ને ધારાનગરીનાં રાજ છે. રાણીને બાળ જન્મ્યું છે. અરે ભાઈ, ઝટ જોશી તેડાવો, ટીપણાં જોવરાવો, કે મારા બાળકનાં કરમમાં કેવાક આંક માંડ્યા છે વિધાતાએ?
પોથી તો વાંચીને પંડિત બોલિયા,
ભાગ્યમાં માંડ્યા છે ભેખ જી;
જલમના જોગી છે બાળા ભરથરી,
લેખનવાળા જુગનાથજી;
નામ તો કે’જો બે રાજા ભરથરી.
ટીપણું વાંચીને વિદ્વાન જોશી શું બોલ્યા છે? બોલ્યા કે હે માઈ! તમારા કુંવરને તો ભાગ્યમાં ભેખ માંડેલ છે, ભેખના લેખ લખનારા જગના નાથ હરિ પોતે છે, ને હે મૈયા! બાળનાં નામ ભરથરી પાડજો. સાંભળીને રાણી તો ઝંખવાઈ ગયાં. ઓશિયાળું મોં કરીને એણે જોશીને કહ્યું :
સોને તો મઢાવું મા’રાજ! ટીપણાં,
રૂપલે જનોયુંના ત્રાગ જી;
ફરીને સંભળાવો મા’રાજ ટીપણાં
આલું ઉજેણીનાં રાજ જી.
ફરીને વાંચો રે મા’રાજ! ટીપણાં.