સોરઠી બહારવટિયા ભાગ-1/1. ચાંપરાજ વાળો

From Ekatra Wiki
Revision as of 11:50, 19 May 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
ચાંપરાજ વાળો

[સન 1835ની આસપાસ]


ચલાળા ગામમાં એક કાઠીને ઘેર કારજનો અવસર છે. ભેળા થયેલા મહેમાનોમાં ચરખેથી ચાંપરાજ વાળો આવેલ છે અને ટીંબલેથી હાથિયો વાળો અને જેઠસૂર વાળો નામે બેય ભાઈ હાજર થયા છે. ચારસો-પાંચસો બીજા કાઠીઓ પણ વાળાકમાંથી, પાંચાળમાંથી ને ખુમાણ પંથકમાંથી આવ્યા છે. એવો અડાબીડ ડાયરો ડેલીએ બેઠો છે, તે વખતે જુવાન ચાંપરાજ વાળાએ વાત કાઢી : “આપા હાથિયા વાળા! ઠીક થયું, તમે આંહીં જ મળી ગયા. મારે ટીંબલાનો આંટો મટ્યો.” “ભલેં, ભલેં, બા ચાંપરાજ! બોલ્ય. શું કહેવું છે?” “કહેવું તો એટલું જ, કે અમારી રૂપદેબાઈ બેનને રોટલા-પાણીનું દુઃખ શીદ દ્યો છો? એની જિવાઈ કાં ચૂકવતા નથી? બાઈ ચરખે આવીને રાતે પાણીએ રોતી’તી.” આટલા બધા નાતીલાઓની વચ્ચે ચાંપરાજ વાળાએ પોતાની ફુઈની દીકરીને ટીંબલાના પિત્રાઈઓ તરફથી મળતા દુઃખની વાત ઉચ્ચારતાં ટીંબલાના બંને ગલઢેરાને પોતાની ફજેતી થઈ લાગી. જેઠસૂરે અરણા પાડા જેવો કાંધરોટો દઈને જવાબ દીધો : “આપા ચાંપરાજ વાળા, તું તે આંઈ તારી ફુઈની દીકરીને જિવાઈ અપાવવા આવ્યો છો, કે કારજે આવ્યો છો?” “બેય કરવા, આપા જેઠસૂર! એના ચોરાસી ગામના વારસદાર ધણી માત્રા વાળાને મોજડિયુંમાં ઊંટિયું ઝેર દઈને એક તો મારી નાખવો, અને પછી આ રંડવાળ કાઠિયાણીને રોટલાનું બટકુંય ખાવા ન દેવું, એ કાંઈ કાઠીની રીત કહેવાય? જિવાઈ તો કાઢી આપવી જોશે, બા!” ચાંપરાજ ટાઢે કોઠે બોલતો ગયો. “તારે કહ્યેથી જ કાંઈ જિવાઈ નીકળી જાય છે, ચાંપા?” “તો પછી મારે ચાઈને ટીંબલાનો આંટો ખાવો જોશે.” “તો ભલે, બા! ખુશીથી આવવું.” “તો આજથી સાતમે જમણ તમે સાબદાઈમાં રે’જો.” “એમ ફકીરા કુશકીનો સોરડો [છોકરો] ગરાશ કઢાવી દેશે!” એમ સામસામી વચનની બરછીઓ વછૂટતાં જ સહુને ફાળ પડી કે મામલો હાથ બહાર વહ્યો જાશે. એટલે ઘરનો ધણી ઊઠીને પાઘડી ઉતારી બેય પક્ષ વચ્ચે ઊભો રહ્યો. બેયને ઠાર્યા. પણ પછી કારજમાં ચાંપરાજ વાળાને કાંઈ સ્વાદ ન રહ્યો. રોંઢો થયો ને તડકા નમ્યા, એટલે ઘોડે ખડિયા નાખી ચાંપરાજ વાળાએ રાંગ વાળી. રવાના થતાં થતાં કહ્યું કે “આપા હાથિયા વાળા ને જેઠસૂર વાળા! સાબદાઈમાં રે’જો, હો! સાત જમણે અમે નક્કી આવશું.” પોતાના કુટુંબની એક નિરાધાર કાઠિયાણીનો પક્ષ લેવા માટે એટલા ચકમક ઝેરવીને ચાંપરાજ વાળો ચરખે આવ્યો. બે દિવસ વીતી ગયા. પછી એના ચિત્તમાં વિચાર ઊપડ્યો કે “બોલતાં બોલાઈ તો ગયું, પણ હવે ચડવું શી રીતે? ટીંબલાના જણ છે જાડા. એને કેમ કરીને પહોંચાશે?” “બાપુ! વિચારમાં કેમ પડી ગયા છો?” ચાંપરાજના મકરાણી જમાદારે વાત પૂછી. “જમાદાર, ટીંબલા માથે ચડવાની જીભ કચરાઈ ગઈ છે.” “તે એમાં શું, બાપુ? આંટો ખાઈ આવશું. કયે જમણે?” “દીતવારે.” “ઠીક. પણ મને લાગે છે, બાપુ, કે કદાચ ટીંબલાવાળાએ માન્યું હશે કે ચાંપરાજ વાળો થૂંક ઉડાડી ગયો. બોલ્યું પળશે નહિ; એમ સમજીને હાંસીમાં કાઢી નાખશે અને તૈયારીમાં નહિ રહે. માટે પ્રથમથી ખબર દઈ મોકલીએ.” એ રીતે પ્રથમથી સમાચાર મોકલ્યા કે ‘દીતવારે આવીએ છીએ’. પણ ટીંબલાના દાયરામાં સામત વાળો નામનો એક ગલઢેરો હતો. ચાંપરાજ વાળાને અને સામત વાળાને જળ-મીન જેવી પ્રીત. આની તરવાર આ બાંધે અને આની આ બાંધે, એવા મીઠા મનમેળ. ચાંપરાજે એ ભાઈબંધને કહેરાવ્યું કે “સામતભાઈ, તું ભલો થઈને દીતવારે ઘરે રહીશ મા.” માંડવડેથી કાંધો વાળો વગેરે પોતાના વળના જે મોટામોટા કાઠી હતા તેને ટીંબલાવાળાએ શનિવારે સાંજથી જ બોલાવીને ભેળા કર્યા. રવિવારે સવારે આખા દાયરાએ હથિયાર-પડિયાર બાંધીને ચોરે બેઠક કરી. બરાબર આ બાજુ કસુંબાની ખરલો છલોછલ ભરાઈ ને પ્યાલીઓમાં રેડી પીવાની તૈયારી થઈ, ગઢમાં ઊના રોટલા, ગોરસ અને ખાંડેલ સાકરના ત્રાંસ ભાતલાં પીરસવા સારુ તૈયાર ટપકે થઈ ગયાં અને બીજી બાજુ ગામને પાદર ચાંપરાજ વાળાના મકરાણીઓની બંદૂકોના ભડાકા સંભળાયા. સબોસબ કસુંબા પડતા મેલીને કાઠીઓ ચોરેથી કૂદ્યા. તરવારોની તાળી પડી અને ધાણી ફૂટે તેમ બંદૂકોમાંથી ગોળીઓ વછૂટી; માંડવડાનો કાંધો વાળો અને વરસડાનો બીજો કાંધો વાળો ટીંબલાની બજારમાં ઠામ રહ્યા, અને બાકીના કંઈક કાઠીઓ પાછલી બારીએથી પલાયન થઈ ગયા. ચાંપરાજ વાળાનો દાયરો ચોરા માથે ચડે ત્યાં તો કસુંબલ અમૃતની છલોછલ ખરલો ભરેલી દીઠી. માણસોએ પૂછ્યું : “બાપુ, લેશું કસુંબો?” “હા, બા, એમાં શું? બાપના દીકરાનો કસુંબો છે ને?” સહુ શત્રુના ઘરનો કસુંબો લઈને પછી દરબારગઢ ઉપર ગયા. “ખબરદાર!” ચાંપરાજે પોતાના સંગાથીઓને ચેતવ્યા : “આપણે ગામ લૂંટવા નથી આવ્યા, બહેનને જિવાઈ કઢાવી દેવા આવ્યા છીએ, એટલું ભૂલશો મા કોઈ.” એટલું બોલીને ચાંપરાજ ડેલીએ દાખલ થાય ત્યાં તો તેણે બુઢ્ઢિયા કાઠી ચોકીદારોને ઉઘાડી તરવારે ઊભેલા દીઠા. “ડોસલ્યાવ! ખસી જાવ,” ચાંપરાજે શિખામણ દીધી. રૂપાનાં પતરાં જેવી ધોળી દાઢી, મૂછ ને પાંપણોવાળા કાઠીઓ બોલ્યા : “ખસી ગયે તો સાત જન્મારાની ખોટ બેસે, આપા ચાંપરાજ વાળા! અને ચાંપરાજ વાળો ઊઠીને આ ટાણે અમને ખસવાનું કહે છે?” “અરે ડોસલા! આંહીં દીકરાના વિવા નથી કે તાણ્ય કરવા બેસીએ. માટે ખસો. નીકર ધોળામાં ધૂળ ભરાણી સમજજો!” ધોળાં ધોળાં નેણ ઊંચાં ચડાવી, ધોળી પાંપણોને અરધીક ઉઘાડી, પાણીદાર અને પલળેલી આંખો તગમગાવી બંને બુઢ્ઢાએ બુઢાપાની ધ્રૂજતી ગરદનો ટટ્ટાર કરતાં કરતાં જવાબ વાળ્યો કે “ચાંપરાજ! ધોળામાં ધૂળ તો આજ ખસી ગયેથી ભરાઈ જાય, ને ડોકાં ધરતી માથે રડ્યે તો અટાણે અમારે સરગાપરની વાટ ઊઘડી જાય. માટે તું તારે જે કરતો હો ઈ કર, ને અમનેય અમારું મનધાર્યું કરવા દે. અમારા ઘડપણની ઠાલી દયા ખાઈશ મા, મલકના ચોલટા!” એમ કહીને બેય બુઢ્ઢા ઘાએ આવ્યા. બેય સોનાનાં ઢીમ સરખા નોકરોને ઢાળી દઈને ચાંપરાજ વાળો દરબારગઢની અંદર ચાલ્યો. ઓરડે જાય ત્યાં ઊંચીઊંચી ઓસરીને કાંઠે ઊભેલાં રૂપદેબાઈએ વીરનાં વારણાં લીધાં. ચાંપરાજ બોલ્યો કે “બહેન, તમારે જે કાંઈ લૂગડાંલત્તા, દરદાગીનો અને ઘરવખરી લેવી હોય તે નોખી તારવી લ્યો.” ગાડાં આવી હાજર થયાં એમાં રૂપદેબાઈનો માલ ભરાયો. અને એક માફામાં રૂપદેબાઈને બેસાર્યાં. ત્રણ કાઠી અસવારોને ચાંપરાજ વાળે હુકમ કર્યો : “બેનની સાથે જાવ. જો રસ્તે ક્યાંય ટીંબલાવાળા આડા ફરે તો ત્યાં ને ત્યાં કટકા થઈ જજો. વાવડ દેવાય પાછા વળશો મા.” “બાઈયું, બોન્યું,” ગઢની કાઠિયાણીઓને ચાંપરાજે હાથ જોડીને કહ્યું : “તમે કોરે ખસી જાવ, અને તમારા દાગીના કાઢી દ્યો. રૂપદેબાઈની ચડત જિવાઈ પણ ચૂકવવી જોશે.” હાકલ પડતાં જ કાઠિયાણીઓ પોતાની કાયા માથેથી એકેક દાગીના ઉતારી ઢગલો કરવા મંડી. એકે ચાંપરાજ વાળાના અસવારને કહ્યું : “ભાઈ, કડલાં સજ્જડ ભિડાઈ ગયાં છે, નીકળતા નથી.” “તો કાપવો પડશે પગ!” ત્યાં તો ગઢની પછીત પાછળથી “હેં…! પગ કાપવો છે!” એવી ત્રાડ સંભળાણી અને ઉઘાડી તરવારે એક પડછંદ આદમી છલંગ મારીને દોડતો આવ્યો. “કોણ, સામત!” ચાંપરાજ વાળે ચકિત થઈને પૂછ્યું. “હા બાપ, હું સામત! મને તેં ઓળખ્યો, ભેરુ? ના ના, સાચી ઓળખાણ નો’તી પડી!” “અરે સામત! તું હજી આંહીં?” એમ કહી ચાંપરાજ વાળો આડો ફર્યો. “હું આંહીં ન હોત તો મારે કપાળે કાળી ટીલી ચોંટત. પણ હું વખતસર ચેત્યો. ચાંપરાજ! લે, હવે ઝટ તરવાર લે.” “સામત! સામત!” પણ સામત વાળો ન માન્યો. તરવાર લઈને હનુમાન જેવો છલંગ દેતો આવ્યો, ત્યાં તો ચાંપરાજનું આખું કટક એને વીંટાઈ વળ્યું. ફડોફડ ઝાટકા પડ્યા. “અરે હાં! હાં! રે’વા દ્યો.” એમ ચાંપરાજ બોલતો રહ્યો ત્યાં તો સામત વાળાના રામ રમી ગયા. “કોપ કર્યો. સામતને મારવો પડ્યો!” એમ બોલતાંબોલતાં ચાંપરાજ વાળાના અંતરમાં બહુ વસમું લાગ્યું. પણ ત્યાં તો ટાણું સારી રીતે થઈ ગયું, એટલે આખું કટક અમરેલીની ફોજની બીકે ચાલી નીકળ્યું. ત્યાંથી જ પરબારો ચાંપરાજ વાળો બા’રવટે નીકળી ગયો.

ઘોડાના પગમાં ઘૂઘરા, સાવ સોનેરી સાજ,
લાલ કસુંબલ લૂગડાં, ચરખાનો ચાંપરાજ.

ગીરમાં ડેડાણ અને ખાંભાની પડખે, ડુંગરિયાળી પ્રદેશમાં એક નાનો પણ વંકો ડુંગર છે, જેનું નામ છે ભાણિયાનો ડુંગર. એ ડુંગરની એક બાજુ કેડો છે, અને ત્રણ બાજુ ઘટાટોપ ઝાંખરાં-ઝાડવાં જામી પડ્યાં છે. ભાગતાં ભાગતાં ચાંપરાજ વાળાએ આ ભાણિયાના ડુંગર માથે ઓથ લીધી. એક પોતે અને નવ પોતાના પગારદાર મકરાણી, એટલા જણે ડુંગર માથે ચડીને મોરચા ગોઠવ્યા. થોડી વારમાં તો ધારી-અમરેલીની ગાયકવાડી ગિસ્તે આવીને ડુંગરને ઘેરી લીધો. મકરાણીનો જમાદાર બોલ્યો : “બાપુ, આ ઘાસિયો પાથરી દઉં છું. તેના પર તમે તમારે બેસી રહો, અને અમને બંધૂકું ભરી ભરીને દેતા જાવ. ભડાકા તો અમે જ કરશું.” દસેય બંદૂકો એક પછી એક ભરી ભરીને ચાંપરાજ વાળો આપતો જાય છે અને મકરાણીનો જમાદાર “બાપુ, બિવારું છું, હો” એમ કહીને, ડુંગર ઉપર ચડવા આવનારાઓને ફૂંકતો જાય છે. એમ થતાં થતાં તો બે જુવાન મરણિયા અંગ્રેજ અમલદારોને હાથમાં બંદૂકો લઈને ડુંગર ઉપર ચડતા જોયા. “બાપુ!” જમાદાર બોલ્યો : “હાથના આંકડા ભીડીને બે ગોરા ચડ્યા આવે છે. ઉડાડું?” “ના, ભાઈ, ગોરાને માથે ઘા રે’વા દેજે.” “પણ, બાપુ, ઈ તો આ પોગ્યા. અને હમણાં આપણને ધરબી નાખશે.” “ઠીક ત્યારે, ઉડાડ! થાવી હોય તે થાશે!” મકરાણીની બંદૂક છૂટી. એની ગોળી બેમાંથી એક અંગ્રેજના માથાની કાચલી તોડતી ગઈ.