ગુજરાતી એકાંકીસંપદા/કડલાં
ઉમાશંકર જોશી
હેતી – ઠાકરડી બાઈ
દલુચંદ – શેઠ
શકરી – શેઠની બીજી વારની વહુ
સુખદેવ – ગામનો એક બ્રાહ્મણ
પખો – સોની
હરખો – સોનીનો દીકરો
દૃશ્ય પહેલું
સમયઃ ઉનાળાની એક સવાર
(ગામડાના એક વાણિયાના ઘરની–અને દુકાનની પણ–ખડકી. સામે ચોપાડમાંના બારણાની આરપાર જોતાં અંદર ત્રણેક ખંડ હોય એમ લાગે છે. ચોપાડને એક ખૂણે લાકડાની કમ્મરઊંચી પાટ છે. બારણા અને પાટની વચ્ચે શેઠને બેસવાના, શાહીના ડાઘાથી કાળા પડેલા કોથળાના એક આસન ઉપર ભીંતને અઢેલીને તકિયો પડેલો છે. એની આસપાસ પિત્તળનો, ઘસીને સોના જેવો ચકચકતો કરેલો ઘાટદાર મોટ ખડિયો, એની સાથે દોરીથી બાંધેલી કલમો રાખવાની વાંસની રંગીન ભૂંગળી, અને ચામડાનાં રાતાં પૂંઠાંવાળા ચોપડાનો થોકડો દેખાય છે. પડદો ઊઘડે છે એ વખતે દલુચંદ શેઠનાં બીજી વારનાં વહુ શકરીબાઈ આંગણામાં ઘઉં તડકે નાખતાં હોય છે. અંગે કાળું છાયલ ઓઢેલું છે; નહિ તો, પચીસેક વરસની ઉંમર હશે તો ય, વરતાઈ નહિ આવવાથી કોઈને પ્રથમ દૃષ્ટિએ તો શેઠની લડાવેલી દીકરી જેવાં લાગે. હાથે દાંતની પહોળી ચીપ પર સોનાની ખોલ મઢાવેલી છે, તે તડકામાં ચકચકે છે. પગે રમજોડ છે, તેવી ઘૂઘરીઓ તે હાલે છે ત્યારે વાગે છે. પાટ ઉપર પચાસેક વરસના સુખદેવ મહારાજ પંચિયાની ઝૂલતી આરામખુરશી કરી બેઠા છે. કપાળે ચંદનની આડ છે. ડીલ ઉઘાડું છે.)
{{ps | સુખદેવઃ | ત્યારે શકરીભાભી! તમે એક ગુમાસ્તો રખાવતાં હો તો? આ બધું કામ તમારે હોય? {{ps | શકરીઃ | તમે કહો છો, સુખાભાઈ, પણ એ તે કંઈ મારા હાથની વાત ઓછી છે? {{ps | સુખદેવઃ | એ તો આગલાં જમનાબાઈ પણ બિચારાં આ દુકાનના કામથી જ ભાંગેલ થઈ ગયાં! શહેરમાં આટલી પૂંજી હોય તો માણસ મોટર ફેરવો મોટર! {{ps | શકરીઃ | અરે! આ ઘોડાની લાદ તો મહેમાનોના કામમાં ત્રણ દિવસથી વાળ્યા વિનાની જ પડી છે એની વાત કરો ને! ઠીક સાંભરી આવ્યું! {{ps | સુખદેવઃ | મને તો થાય છે કે દલુ વાણિયો આ પચાસ હજાર ઉપર સાપ થશે! {{ps | શકરીઃ | (ઠપકાભર્યે મોટે) શું તમે યે? {{ps | સુખદેવઃ | તે તમને ય આ ઘરનો ઉંબર ઓળંગ્યે પૂરાં સાત વરસ થયાં, પણ ઘરમાં હજી દીવો થયો નહિ. એ તો ભાઈ, ઘર અમથાં ઊજળાં થતાં હશે? શેર માટી વિના આ દોલતને શું કરશે? છોકરા માટે તો લોક મોટા મોટા મહારુદ્ર રચે છે. આમનાથી તો ગામને બારણે નથી ધર્મશાળા બંધાવાતી, કે મંદિરનો જીર્ણોદ્ધાર સરખો ય થતો નથી! અલ્યા, બીજું તો કંઈ નહિ, પણ ઘરના માણસને તો જરા જંપીને બેસવા દે ને? {{ps | શકરીઃ | જે જેના કરમના લેખ! અત્યારે કામ કરીએ છીએ તો ઘૈડપણમાં નિરાંતે રોટલો પામશું. {{ps | સુખદેવઃ | એ તો આપણા ઠાકોરશા’બ કહે છે એ જ સાચું છેઃ ‘ડાહી માના દીકરા’ની જાત જ એવી! ધનવાન કે ભિખારી જણાય જ નહિ. આખો અવતાર વૈતરું કૂટ્યા કરે!…તે, મહેમાનને મૂકવા જવામાં આટલી વાર શેની? કેમ હજી ન આવ્યા? કાંઈ લાગ હશે! {{ps | શકરીઃ | રામ જાણે, સુરપુરમાં આંટોફેરો ખાવા ગયા હોય તો! (ખડકી ઉઘાડીને એક ઠાકરડી–હેતીબાઈ–પાંત્રીસેકની ઉંમરની, માથે ટોપલી મૂકીને પ્રવેશે છે. એણે કાળી ‘કેણશાઈ’ ઓઢેલી છે. ઘેરવાળો છીંટનો ઘાઘરો પગની ઘૂંટી લગણ ઝૂલે છે. એની પાછળ દેખાય ન દેખાય એમ રૂપાનાં કડલાં છે. હાથે કાચલીનાં બલૈયાં છે.) {{ps | શકરીઃ | આવો હેતીભાભી! {{ps | હેતીઃ | ઉતારજો! (શકરી ટોપલી ઉતારે છે. ઉપર ધોળું લૂગડું ઢાંકેલું છે.) {{ps | સુખદેવઃ | શું છે? {{ps | શકરીઃ | (સુખદેવને) હશે કંઈ ધનબાન! (હેતીને) તમારે ઘઉં હતા, ઓણ? {{ps | હેતીઃ | ઘઉં તો, બા! પૂરા સાત વીસો મણ ઉપર હતા; પણ હિમ ને ગેરૂ… {{ps | સુખદેવઃ | ઓણના જેવું લક્કડહિમ મારા અનુભવમાં નથી! {{ps | હેતીઃ | એ ઘઉં તો ગ્યા, પણ અત્તારે ઘરમાં મકાઈનો ય કણ સરખો નથી. પાછોતરો ચેણો હતો તે ય ખાઈ પરવાર્યા. આ ભાદરવાની મકાઈ પાકે ત્યાં લગી હવા ખાઈને જીવીએ તો દિવાળી દેખશું, બાપ! કે પછી (શકરી તરફ હાથ લંબાવી) આવાં સરખાંની મહેરબાનીથી! {{ps | સુખદેવઃ | ઘણું કાઠું વરસ છે! (વાણિયણ કપડું ખસેડી ટોપલામાં જુએ છે.) {{ps | શકરીઃ | (હરખ દબાવી) પણ ઓણસાલ આંબારાયણને ધરતીમાએ ઠીક કસ દીધો! {{ps | સુખદેવઃ | (પગે બાંધેલું આરામખુરશીનું પંચિયું ઢીલું કરી ઊઠવા કરતાં) કેરી છે? {{ps | હેતીઃ | આ તો અમારે ફક્ત એક પીંપળીવાળો આંબો જ આ વખત તો આયેલો. કાલે દલચન શેઠના સામાચાર આયા કે ઘેર પરોણા છે; એટલે એમણે મને કહ્યું કે, આપણી કેરીનાં ક્યાંથી ભાયગ કે શેઠના મે’માનને મોઢે જાય! છોકરાં તો ખાશે જ તો આખું આયખું! {{ps | શકરીઃ | ઠીક છે એ તો! {{ps | સુખદેવઃ | જોયું? અમારા જેવાને કેરીનું મોઢું ભાળવા મળતું નથી, ત્યારે તમને ભર્યા ટોપલાની તમા પણ છે?! ઠાકોરશા’ બરોબર જ કહે છે કે ‘મારે ઘેર તો આ એક ગામ છે, પણ દલુચંદ શેઠને ત્યાં આ ગામ ફરતાં બાર ગામ દૂઝે છે!’ તમે તો ઠાકોરના ય ઠાકોર! {{ps | શકરીઃ | (લજ્જાથી નીચું જોઈ) તે, ઠાકોરશા’ને અમારી-અમારા ઘરની જ વાત આખો દહાડો ઊકલે છે તો! {{ps | સુખદેવઃ | ઠાકોરશા’ને તમારી એટલી અદેખાઈ હશે! (હસે છે) {{ps | શકરીઃ | જાઓ, જાઓ! … … એમ તો મને પણ આખી દુનિયાની અદેખાઈ આવે છે, શું કરું? {{ps | હેતીઃ | એ તો બાપ, રામજી સૌ રૂડાં વાનાં કરશે! {{ps | સુખદેવઃ | આ હેતીબાઈની પણ તમને અદેખાઈ ખરી? … … હેતીબાઈ, તમારે કાંઈ છૈયાંછાબર? {{ps | હેતીઃ | રામજીના આલેલા ચાર દીકરાને પરણાવેલી એક દીકરી છે! પણ માબાપ, અમારા કરમની ઇરખા કેવી?! દૂધિયા દીકરા મારાને ધાન વના દિવાળી દેખવી પણ મશકેલ છે! બિચારાં ક્યાં મારે પેટ… {{ps | શકરીઃ | ઈશ્વરને ઘેર પણ ન્યાય છે કાંઈ? {{ps | સુખદેવઃ | આમને ખાવાના સાંસા ત્યાં ઘર ભર્યુંભર્યું. અને આ લખપૂંજીનો પાછળ કોઈ રણીધણી નહિ! {{ps | હેતીઃ | બાપ, નછોરવાં હોત તો પંડે વેચાઈને ય અવતાર કાઢત. આ જંજાળનું તો, પેટે પાણો બાંધીને તૂટી મરીએ છીએ તો ય, પુરૂં થતું નથી! {{ps | શકરીઃ | દુઃખ વનાનું દુનિયામાં કોઈ હશે?! {{ps | હેતીઃ | દખનો તો આરો નથી બા! … આ ટોપલી ખાલી કરી લ્યો, ને બે મણેક મકાઈ જોખી આલો, એટલે વેળાછતી ઘેર પોકી જાઉં. છોકરાં તો મૂઆં આખું ઘર ગજાવતા હશે! {{ps | સુખદેવઃ | (શકરી વિચારમાં પડે છે તેને) શકરી ભાભી! બિચારી હેતાબાઈ બહુ ભલું માણસ છે! એનાં છોકરાંનો જીવ ઠરશે તો તમને પુન્ય થશે. {{ps | શકરીઃ | છેવટે પારકાં છોકરાં જ રાજી કરવાનાં છે ને? {{ps | સુખદેવઃ | તમારે ક્યાં આને મફત ધાન આપવું છે? {{ps | હેતીઃ | બાપ, ભાદરવે મકાઈ કોઠીમાં ય નહિ માય; ખાધી ખૂટશે ય નહિ. અત્યારે કણે નથી! પળની વાત છે! {{ps | શકરીઃ | એ, પણ હેતીભાભી, મારાથી કોઈને પૂછ્યાગાછ્યા વના ધાન અપાય નહિ. સાંજે આવીને લઈ જજો! કે થોડી વાર બેસો; આવતા હશે. {{ps | હેતીઃ | ઈમાં કયો મોટો રકમનો આંકડો હતો તે વળી શેઠની વાટ જોવા રહેવું’તું? અમારે તો તમારૂં ખાતું ત્રણ ત્રણ પેઢીથી, વીરા ખાંટના વારાથી ચાલ્યું આવે છે. ક્યાં આજે નવાઈ છે? {{ps | સુખદેવઃ | હવે કોઠીમાં સડતું હશે, ત્યારે જોખી આપ્યું. {{ps | શકરીઃ | વધારે તો પછી લઈ જજો. મણેક ચાલતોડી કરી આપું વળી! અંદર ગુંજારમાંથી ભરી લાવો. (હેતીબાઈ અંદર જાય છે.)
પણ એમને ખબર પડશે તો મને ધરતી પર ઊભી નહિ રહેવા દે!
{{ps | સુખદેવઃ | એ તો નામ એમનું ને … … (ખડકી ખૂલે છે ને દલુચંદ શેઠ પ્રવેશે છે. બેઠી દડી, ટૂંકી ગરદન ને ઊંડી આંખ, નાની-શી ફાંદના ગોળાવ ઉપર લાંબો ગળા સુધી બટનવાળો કોટ ઝૂલે છે. ખભે ઉપરણો છે. માથે પાઘડી, કપાળમાં અંગ્રેજી ‘યુ’ આકારનું તિલક અને પગલમાં જૂના દેશી જોડા છે.) {{ps |દલુચંદઃ | શેનાં નામ ને શેનાં કામ આદર્યાં છે? (શકરીબાઈ સાળુ સંકોરે છે. જોડા ઉતારી દલુચંદ તકિયાને અઢેલીને બેસે છે. પછી પાઘડી કોરે મૂકી હાથ વડે કપાળ લૂછે છે ને મોઢેથી સ્ચશ્યૂહૂહૂ… એવા અવાજથી હવા બહાર ફેંકે છે.) {{ps | સુખદેવઃ | (પંચિયાની આરામખુરશી તંગ કરી ઝૂલતાં ઝૂલતાં) એ તો હું જોઉં છું, કે શેઠ કરતાં શેઠાણી વળી વધારે પહોંચેલાં છે! {{ps |દલુચંદઃ | (બાજુએ જોતાં) છે શું તે? {{ps | સુખદેવઃ | એ તો શકરીભાભી પેલી બિચારી હેતીબાઈ મકાઈ લેવા આવી છે એને તમારો દમ ભિડાવે છે એની વાત! {{ps |દલુચંદઃ | (શકરી તરફ) મકાઈ જોખી આપી? (ટોપલી નજરે પડતાં) શેની છે ટોપલી? (મકાઈનું તગારું ભરી હેતીબાઈ અંદરથી આવે છે અને ઓસરીમાં બારણાં આગળ જમીન પર ઠાલવે છે. છેલ્લું વાક્ય સાંભળી જતાં) {{ps | હેતીઃ | (વહાલી થવા) એ તો કાલે ઈંયાંણે (એમણે) કહ્યું કે દલચન શેઠને ત્યાં મે’માન આયા છે તે આટલી કેરી લેતી જા! સખદેવઃ મે’માનને નામે તમારે પંદર દનની કેરી આવી, શેઠ! ઠાકોરશા’ને કથનેઃ ‘રજપૂતને ઘેર એક દહાડો મે’માન રહે તો દસ દની ખોરાકી ખુટાડતો જાય, ને વાણિયાને ત્યાં આવે તો દસ દનની ખોરાકી વધારતો જાય!’ {{ps | શકરીઃ | (હસીને) હવે વારેઘડી વચ્ચે ઠાકોરશા’ને લાવવા છોડો ને! {{ps | હેતીઃ | એ શું બોલ્યા? શેઠનાસ મે’માન તે અમારે તો માથાના મૉડ બરાબર છે તો! {{ps |દલુચંદઃ | એ ભા, પણ તમારી કેરી પાછાં લેતાં જજો! મેમાન ઘેર પોકવા થયા ત્યારે કેરી લઈને આવ્યાં! એમના પેટમાં ક્યાં પાછળ દોડીને ઘાલવા જાઉં? … સુખદેવભાઈ, તમે કહો છો પણ આ વખતે મે’માનગીરીમાં મારી શી લોલણી લૂંટાણી છે?! ગામનાં ઢોર છૂટે ત્યાં સુધીમાં પણ ચા જેટલું દૂધ કોઈ કનેથી ન મળે! આ બાપદાદાની દોલત વેરીપાથરીને બેઠા છીએ તે ઘરની આબરૂ ખોવા? {{ps | હેતીઃ | તમારા સમાચાર જ કાલ મળ્યા! પ’મદા’ડે હું મકાઈ લેવા આબ્બાની હતી, તે આવી હોત તો ખબર પડત, ને સાંજરે ને સાંજરે તમારે જેવી હોત એવી કરી પોકતી કરત! {{ps |દલુચંદઃ | લેવા આવવામાં તો સૌ શૂરાપૂરાં છે. {{ps | હેતીઃ | (ઓછું આવતાં) દલચંદ શેઠ, કોઠીમાં કણે ન હોય ત્યારે તમારે આંગણે ઊભા રહીએ છીએ. આજ ત્રણ પેઢીથી વીરા ખાંટના હાથનું માંડેલું અમારૂં ખાતું ચાલે છે! આ હમણાંના કળજગનાં વરસ કાઠાં નીકળે છે, નકર અમારે ખેતરે એક મીઠા સિવાય બધું પાકતું! {{ps |દલુચંદઃ | (બે હાથથી નકારનો અભિનય કરતાં) ના ભાઈ, આપણે હવે તમારૂં ખાતું પાલવે એમ નથી. તમારા નામની કોઠીઓ ભાંગી નાખશું. ઉપાડ કર્યો છે ત્યારે, સખાભાઈ, ડુંગર જેવડો, અને ભરવાને નામે મીંડું! {{ps | હેતીઃ | શેઠ, મારે પેટ તો આ દીકરીનો પહેલો અવસર જ ને? ઘઉં પાર ઊતર્યા હોત તો ઈંના લગનનો ઉપાડ તો વાળી દેત પલકમાં! {{ps |દલુચંદઃ | એ, હિમ પડ્યું એમાં હું શું કરૂં? {{ps | હેતીઃ | અમારા આયખામાં જ હિમ પડેલું છે! તમે શું કરો? {{ps |દલુચંદઃ | મેં તો ઘઉંના ખળાને વાયદે ધીરધાર કરી’તી. તમારાથી દોકડાનું ય ભરાયું નથી. હવે તમને ધીર ધીર કરીને મારે ડૂબવું નથી. {{ps | હેતીઃ | ઓણની સાલ રહેમ નજર રાખો! {{ps |દલુચંદઃ | મેં તો કહ્યું’તું કે શેરડીનો વાવલો કરજો. પણ ઘઉંની કોઠીઓ ભરવી’તી. તે કણે પામ્યાં? હજી ય ચેતજો તો કાંઈ વ્યાજબાજે દેખવા મળે! {{ps | હેતીઃ | (અંદર તગારું લઈને જતાં) હવે કાંઈ વગર ખાધે જીવવાનાં હતાં? (ફિક્કું હસવા કરે છે.) {{ps |દલુચંદઃ | (શકરીને) એક કણે હવે આપ્યો છે તો એ ધણીને બારણેથી ગયો એમ સમજજે! એમાં કશો માલ નથી. (હેતી તરફ) વાણિયાના ઘરમાં અનાજ ઉપરથી ઊતરી આવતું નથી! {{ps | સુખદેવઃ | આ વરસ જ સૌને એવું છે! શનિની દૃષ્ટિ વક્ર છે, મંગળ … … … {{ps |દલુચંદઃ | (વચ્ચે) અરે આ વેપારમાં જ કાંઈ કસ નથી! ખાવી ધૂળ ને મહીં કાંટા! આ અમારે મે’માન નાનચંદ શેઠ આવ્યા’તા એ ઘેર બેઠાં કાપડની દુકાનમાંથી ખાસ્સો રોટલો કાઢે છે. આ તો ભીલ-મલકમાં આવી પડ્યા, ને … … … {{ps | હેતીઃ | (અમળાતી) શેઠ, મને મકાઈ આલ્યા વના ચાલે તેમ નથી. મારા ઘરની દશાની તમને ગમ નથી! {{ps |દલુચંદઃ | અમારે કોઠીઓ ઊભરાઈ જતી નથી તો! {{ps | હેતીઃ | દલચન શેઠ, મારે કાલ રાતના મે’માન આયેલા છે એટલે આટલું કહું છું. દીકરીને આણે વેવાઈ આયા છે. (લાચારીથી) અત્યારે કાંઈ લઈ જઈશ તો લાજ રહેશે. આ તમારી આગળ ઘરના ગણીને ભરમ છોડીને હતી તે વાત કહી! (દયામણે મોઢે જવાબની રાહ જુએ છે.) {{ps |દલુચંદઃ | (વધારે ખેંચતાં) જુઓ, હેતીભાભી, દીકરીનાં લગન વખતે રૂપા ખાંટે મોઢું બતાવ્યું છે એ બતાવ્યું. પછી વળતા દેખાયા નથી. આ… કોઠીઓના બુધાં દેખાયાં એટલે પાછાં વળી ચાર કેરીઓ સમ ખાવા લેતાં આવ્યાં. બાકી ગરજ મટી એટલે ઘાંચીના બળદને ધાડ પડજો વાળી વાત છે! {{ps | હેતીઃ | આજકાલ તો કૂવા પર જંકસન કામ ચાલે છે. આદમી તો કોઈ ઘડી યે નવરા પડતા નથી! {{ps |દલુચંદઃ | (કૃત્રિમ આવેશથી) એ, ત્યારે અમે ય નવરા નથી. શું જોઈને રૂપા ખાંટ જેવડો પિસ્તાળીસ વરસનો આદમી કાંઈ ભરવા કરવાની દાનત વગર બૈરાને વાણિયાને ઘેર ધાન લેવા મોકલતો હશે? {{ps | હેતીઃ | આજ તો શેઠ, વેવાઈ ને એ ય આયેલા છે, એટલે ઈમની સંગાથે ઘડી બેસઊઠમાં ય … … {{ps |દલુચંદઃ | આ આમને મોટા મે’માન ઊતરી આવ્યા છે તે!… … શું મોઢું લઈને મારી આગળ આવે? અખાત્રીજ ક્યારની ય ગઈ, પણ હજી તો હિસાબ કરાવ્યો નથી. (શકરી તરફ) મકાઈ પાછી નાખી આવ. (શખરી મકાઈ ભરી લેવા બેસે છે. હેતીભાઈ છોભીલાં પડી બારણા પાસે બેસે છે.) {{ps | હેતીઃ | આટલો વખત મને બે મણ કરી આપો ચાલતોડી. પારકા માટે ભીખ માગું છું, ઈંમ ગણજો. હવેની વખત ઈંયાંને મોકલીશ, ને પછી તમે જાણો ને એ જાણે! {{ps |દલુચંદઃ | (બિલકુલ ઠંડી રીતે) એક કણે ક્યાં છે? (માથાની તાલ પર હાથ ફેરવે છે.) {{ps | હેતીઃ | (દુઃખથી) દલચન શેઠ, તદ્દન આમ શું ઘરબારણું પારખ્યા વના એક નન્નો જ પકડી રાખો છો? (સ્વમાનના આવેશમાં) પેલા તખતા ખાંટને માથે અમારા કરતાં દોઢું દેવું હશે તો ય કાલે આવીને સૂજીબાઈ મકાઈની ગાંસડી બાંધી ગ્યાં! અમે તે શું સાવ … … {{ps |દલુચંદઃ | એ, તમારે કોઈની વાત કરવાની નથી. એને તો ચાર છોકરા છે! કાલે … … {{ps | હેતીઃ | મારે ય ચાર છોકરા છે; કાલ ઊઠીને… … {{ps |દલુચંદઃ | (વચ્ચેથી હસી પડીને) જુઓ સખાભાઈ, કહો છો ને, માણસ પડ્યાં નથી? (હેતી તરફ) તખતાનો મોટો દીકરો તો ભણે છે, તે કોક દા’ડો મામલતદાર થાય તો બધું વળતર એકી આંકડે વાળી આપે! અલ્યા, પોલિસમાં જાય તો ય, ઊઘરાણીમાં કેવો કામ લાગે? {{ps | હેતીઃ | શેઠ, મારા દીકરા ય, રામજી સાજા રાખશે તો ધરતી ફોડીને તમારૂં ભરી આપશે! આજનો દન ઉગારી લો! વીરા ખાંટના ઘરની લાજ જશે, એમાં તમારૂં ય ભલું નહિ બોલાય! {{ps | સુખદેવઃ | (દુઃખી અવાજે) શેઠ, કાંઈ નહિ. તમારે તો સહેજ મન મોકળું મૂકીને ભગવાન ભરોસે આપવું. આવે ટાણે બિચારાં ક્યાં જાય? {{ps |દલુચંદઃ | તો બિચારો વાણિયો ય શું કરે? {{ps | સુખદેવઃ | શકરીભાભી લડશે, પણ ઠાકોરશા’ વારેઘડીએ કહે છે કેઃ ‘દરેક કટમમાં વાણિયો કટમનાં માણસો ભેગો કટમ્બી છે. સૌની જવાબદારી એને શિર. પણ ખોટું એટલું છે કે બધાં મહેનત કૂટી મરે, ને ખાય એ એકલે પંડે!’ {{ps | શકરીઃ | (સુખદેવને) તમારે લોકોને તે કાંઈ બીજો ધંધો છે કે નહિ? {{ps | હેતીઃ | (દલુચંદને) તમે ડૂબતું ન તારો, ત્યારે અમારૂં કોણ ધણી? {{ps |દલુચંદઃ | તે અમે ય એમ ને એમ ઘસાઈ મરીએ, ખરૂં? {{ps | હેતીઃ | ના બાપુ, મારે ક્યાં મફતનું કશું ખાવું છે? મારો નાનિયો તમારે ત્યાં ગુમાસ્તી કરશે, મહિનો માસ! લો, જોખી આપો, ઘેર ઊંચો જીવ થતો હશે! ઊઠો, મારા સમ! {{ps |દલુચંદઃ | (કળેકળે) જુઓ, હેતીબાઈ, તમે સમજુ છો. મારે ગુમાસ્તા વગર તો આખી જિંદગી ચાલ્યું છે. (સુખદેવ તરફ ફરીને) કેમ સખાભાઈ, બોલાતા નથી? (સુખદેવ સંકોચ અનુભવે છે ને મર્મમાં શકરી ભણી જુએ છે.) ઠાલો હાથ કંઈ મોઢામાં પેસતો નથી. કેમ ખરૂં ને? (હેતીને) આ … … તમને ખાનગીમાં કહું છું. કાલ સૂજીબાઈ ગાંસડી બાંધી ગયાં પણ શું મૂકી ગયા એ માલૂમ છે? સાંજે રૂપા ખાંટને મોકલજો. ડાહ્યા થઈને આવશે તો ખાલી હાથે પાછા નહિ જાય. આમ બૈરાને મોકલ્યે કાંઈ ન વળે! {{ps | હેતીઃ | હું ધાન વના જઈશ તો બધાંનો જીવ કપાઈ જશે! શકરીભાભી! ઊઠો, મારા સમ છે તમને. (ખોળો પાથરે છે.) આ મારાં છાકરાં છે તે તમારાં ગણજો. પારકાં છોકરાંની આંતરડી ઠારશો, તો ભગવાન તમને ય… …! દાન કરતાં’તાં જાણે! લાજ રાખો! {{ps |દલુચંદઃ | એક દિવસમાં છોકરાં મરી નહિ જાય! {{ps | હેતીઃ | (સાંભળ્યું ન સાંભળ્યું કરી શકરીને પગે અડે છે.) ઊઠો, તમને માતાજીના સમ છે! (એનાથી રડી શકાતું નથી, અવાજ થથરે છે. હેતીભાઈ પગને સ્પર્શતાં, શકરી મૂંઝાઈને પાછે પગલે ખસી જાય છે, એથી પગની રમજોડનો ઝમ્ઝમ્ રણકાર થાય છે. એ સાંભળી સૌના મન ઉપર કાંઈ ગૂઢ અસર થઈ હોય એમ સૌ ડઘાયેલાની માફક જોઈ જ રહે છે. હેતીબાઈ, શકરી ખસતાં શૂન્ય મને એના પગની રમજોડ સામે તાકી રહે છે. એ વખતે શકરી પણ અચાનક જ હેતીબાઈના પગ તરફ જોવા પ્રેરાય છે. એની બારીક નજરે કડલાં પડે છે.) {{ps | શકરીઃ | (એનાથી બોલી જવાય છે) ત્યારે હેતીભાભી, કડલાં ગિરવે મૂકીને મકાઈ લઈ જાઓ! {{ps | સુખદેવઃ | વાહ રે! તમને ય કાંઈ પ્રભુના ઘરનો…? {{ps |દલુચંદઃ | (પળ સાચવી લેતાં) તે કાંઈ હેતીબાઈની નવાઈ છે? મેં કહ્યું શું, હમણાં? કાલે પેલી – (શકરી તરફ જોઈ) કયા ખાંટની વહુ એ? – હાંસડી મૂકીને મીઠું લઈ ગઈ! આવા કાઠા વરસમાં એમ ને એમ ધીરીએ તો તો પછી … … {{ps | હેતીઃ | (આંખમાંનાં આંસુ છુપાવવા મથતી કડલાની ખીલી છોડવા મથે છે.) ઓ રામજી! (ખીલી જોર કરવા છતાં ઊઘડતી નથી. લગભગ સ્વગત) કેટલાં વરસ થયાં? (મથે છે.) ઓ રામ! એક કડલું નીકળતાં છુટકારાનો દમ ખેંચે છે. બીજાની ખીલી હલતી નથી.) {{ps | સુખદેવઃ | (સહાનુભૂતિથી) એને કરમે નીકળવાનું નહિ લખ્યું હોય; રહેવા દો! (પણ દલુચંદ કે શકરીની લૂલી હાલતી નથી. હેતીબાઈ મથે છે, પણ ખીલી ઢીલી પડતી નથી. અચાનક કાંઈ સૂઝી આવ્યું હોય તેમ.) {{ps | હેતીઃ | પખો સોની દુકાને હશે? {{ps |દલુચંદઃ | (જાણે ઊંઘમાંથી જાગતો હોય તેમ ઝબકીને ઊંચું જોઈ) કોણ? {{ps | સુખદેવઃ | હવે શેના સોની, ને શેની વાત! (શાંતિ પથરાઈ રહે છે. હેતી ચૂપચાપ નીકળેલું કડલું ફરી પહેરી લે છે ને ઊઠીને ચાલતી થાય છે.) {{ps | શકરીઃ | (અત્યાર લગી મૂઢની માફક ઊભી રહી હતી તે) રહેવા દો હેતીભાભી! એ તો સહેજ કહેતી’તી; એમાં … …? (અદૃશ્ય થાય છે.) {{ps |દલુચંદઃ | છો ને જતાં! ક્યાં આપણે હરામનાં ખાઈ જવાં છે! લઈ જઈને આપશે એમાં કાંઈ હરાય છે?! {{ps | સુખદેવઃ | કેટલાંના ઘરેણાં ઓણ પડાવ્યા? ઠાકોરશા’ની વાત જ બરોબર છેઃ ખેડુને કરમે તો કુસકા, ને વાણિયાને ઘેર કણ! {{ps | શકરીઃ | (છણકો કરીને) તમે જાઓ ને અહીંથી! થાકતા ય નથી?! {{ps |દલુચંદઃ | (તકિયાને અઢેલીને સહેજ લાંબા થતા, નીચું જોઈ) એ તો સાળાં ફટકાર્યાં જ કામ દે! (વિજયનું સ્મિત હોઠના ખૂણા પર અરધું દબાવી, અરધું ફરકતું રાખી શકરી તરફ) અરે કાંઈ પાણીબાણી ગરમ હોય તો નાહી લઉં! {{ps | શકરીઃ | પાણી તો છે; પણ પેલો પખલો વળી વચ્ચે ઘાવટો કાઢી લે! {{ps | સુખદેવઃ | (શકરી તરફ) વાહ રે! {{ps |દલુચંદઃ | પાણી તૈયાર કર. (સુખદેવ તરફ) એ પખલાનો ભરોસો નહિ, હો! (કપડાં ઉતારે છે. નીચું મોઢું રાખી) સાંભળે છે કે? આ સુખાભાઈને પેલી કાલવાળીમાંથઈ ચાર કેરી આપ ને? {{ps | શકરીઃ | (અંદરથી) વારુ!
(સમયઃ દૃશ્ય પહેલાના અંત વખતનો, સોનીની દુકાન, ભઠ્ઠીમાં કંઈ તપાવવા મૂકેલું છે. અંગારા લાલચોળ ઝગે છે. સોનાના માલિકો બીજા છે અને પોતે તો માત્ર ઘડનારો જ છે એવા પ્રત્યેક સોનીના મનમાં સહજ વસતા અસંતોષનો રોષ ભઠ્ઠીના તાપથી સંકોડાતી પખા સોનીની ભમ્મરો પર ફરકે છે. ભીંતે ઓજારો લટકે છે, હેતીબાઈ પ્રવેશે છે એ વખતે, તે એરણ ઉપર કંઈ ટીપતો હોય છે.) {{ps સોનીઃ |આવો … … … (ઝટ નામ ન સૂઝતાં એની જીભ થથરે છે.) {{ps | હેતીઃ | ઓળખ નહિ પડતી હોય? વીરા ખાંટનું ઘર! આ માગશરમાં મારી દીકરી કાજે ઘરેણાં તમારી પાસે જ કરાવી ગ્યા’તા ને? {{ps સોનીઃ |(મન સાથે) રૂપા ખાંટના ઘરવાળાં! (હેતીબાઈને) આવો! શું નામ? {{ps | હેતીઃ | હેતી! આ લગરીક કામ પડ્યું! (જીભ લથડે છે.) {{ps સોનીઃ |શું છે? બેલાશક કહો! રૂપા ખાંટને ને અમારે તો ઘરોબો છે. એવો ખાનદાન માણસ છે ક્યાં બીજો? {{ps | હેતીઃ | પણ આ સમાના વાણિયા અમારી સાતે પેઢી બોળી નાખવા બેઠા છે! {{ps સોનીઃ |વાણિયાનું નામ બાળો ને! ને તેમાં તમારો ઘરાક તો પેલો દલ્લુ હશે! (‘દલ્લુ’ બોલતાં એનું મોઢું મરકે છે.) {{ps | હેતીઃ | મણ મકાઈને ગજારે તે, આ … … … નાકલીંટી ખેંચાવે છે. {{ps સોનીઃ |(સહાનુભૂતિથી) કેમ? {{ps | હેતીઃ | ઘેર વેવાઈ દીકરીને આણે આયેલા છે. કોઠીઓ લૂછીને ઝાટકી પરવાર્યાં! બશેરેક બંટી-કોદરા ભેગાવડા છે, છેલછેલ્લા. પણ વેવાઈ આગળ એ તે શેં મુકાય? ચાર છૈયાં છે તે ઈંયાંની ચાંચમાં ય કાંઈ ઘાલવું જો’યે ને? દીકરી તો જશે ઈંનું કરમ સંગાથે લઈને! {{ps સોનીઃ |દીકરીના લગન પેટે કાંઈ ભર્યું નહિ હોય, એટલે વાણિયો કાઠું પકડતો હશે! {{ps | હેતીઃ | ઘઉંના ખળાને વાયદે ઉપાડ કરેલો. ઘઉં તો શુમાર વનાના હતા, પણ ભગવાને ખાવા નો દીધા! હવે દિવાળી પર કાંક ભરશું. પણ ઘંટીને તો આજથી તાવ આયો છે! {{ps સોનીઃ |દલ્લુ તો હમણાંનો ફાટ્યા ખાતે છે. એ સીધો નો ઊતરવાનો! {{ps | હેતીઃ | તેથી તો એમણે મને કેરીનો ટપલો ચડાવીને મોકલી’તી. મે’માનને એકલી કેરી ખવડાવાય? ઢેબરાને બદલે કેરી –સોનાની હોય તો ય કેરી એકલી– ભાણા આગળ ઓછી મુકાય છે? {{ps સોનીઃ |પણ ટોપલી કેરી તો ક્યાંક વેચી હોત તો ય મકાઈ તો સહેજે મળત! {{ps | હેતીઃ | ઘરાક મૂકીને બીજે ક્યાં જવું? શેઠે કેવરાવ્યું’તું કે ઈંયાંને મે’માન આયા છે. ઈંમના મે’માન તો ગ્યા; પણ મારે ઘેર મે’માન આયા છે, તે ભૂખે મરતા હશે! કેરી પાછી લઈ જવાવાની નથી. છોકરાં તો કેરી કેરી કરતાં ટટળવાનાં જ છે! માથે ટોપલી મૂકીને કૂવે જાઉં છું એમ ફોસલાવીને આવી છું. {{ps સોનીઃ |આ ખાનદાન ઘર સામું ય લોભિયો જોતો નથી! આખા ગામમાંથી જેટલા નિવારસી મરી ગયા એ બધાના મોટા મોટા આંકડા કાઢી ઘર ને જમીન એણે કબજે કર્યા છે. પણ પરમેશ્વરે એને માથાનો મળ્યો છે! આ શકરી આવી છે, પણ એને ય વાંઝિયામે’ણું લાગ્યું તે લાગ્યું! {{ps | હેતીઃ | અરે ભાઈ, શેઠ તો દુનિયામાં બધે એવા કાઠા જીવના હોય; પણ બાઈમાણસ તે ય? મને કહે કે કલ્લાં કાઢીને આલી જાય તો મકાઈ દઈએ! પોતાને તો પગમાં રમજોડ રૂમઝુમ કરે છે. {{ps સોનીઃ |(હેતીના પગ તરફ નજર કરતો, ઉતાવળે) તે તમે કાઢી આપ્યાં? {{ps | હેતીઃ | ના! તો અહીં શીદ આવત? આ એકની ખીલી નીકળતી નથી! કાઢી આપો એટલે એને ડાચે વાળું, ને ઝટ ઘરભેગી થાઉં, કાંઈ ધાન આપે તો! {{ps સોનીઃ |(ચોંકીને) માર્યાં જશો! ફરી કડલાં દેખવા નહિ મળે ને આની ખરી કિંમત તેની અરધી ય ખાતે નહિ માંડે. તમને બાઈમાણસને એમાં સૂઝ ન પડે. રૂપા ખાંટને મોકલજો. {{ps | હેતીઃ | (અસહ્ય દુઃખથી) પણ હું વગર ધાને ઘેર જાઉં, ને એ પાછા આવે ને લાવે, એટલામાં તો વેવાઈ આગળ નાક કપાઈ જ જાય ને? (ક્ષોભથી) તમે તમારે મને કાઢી આપો! ગમે તેમ થાય; મકાઈ વના પાછા નથી જવું. પંડે વેચાઈને પણ મકાઈ લઈ જવી છે. {{ps સોનીઃ |તમારી મરજી! (પગમાંથી કડલું કાઢવા કરે છે.) {{ps | હેતીઃ | (પોતાના મનને – કે પછી આખી દુનિયાને – કહેતી હોય તેમ) તો એ શકરી જ આ કડલાં પહેરે ના! … કાલે ટિટલી બાપડી આ મોટી જોડ માગતી’તી! (કડલું બહાર નીકળે છે. બીજા પગનું પોતે જાતે જ બહાર કાઢે છે. હાથમાં કડલાંની જોડ રાખી તેની સામું ટગરટગર જુએ છે. ભીની આંખે લગભગ પોતાને જ.) ગામમાં કયે પગલે ચાલીને ઘર લગણ જઈશ? વેવાઈએ પગમાં કલ્લાં નહિ દીઠા હોય? વાટમાં પગ ભાંગી પડે તો હાશ થાય! ઓ રામ! મોતે વેરી થયું?! {{ps સોનીઃ |(કંઈ ન સૂઝતાં) કંઈ નહિ હેતીબાઈ, મોતનો ભરોસો કર્યો સારો, પણ આ વાણિયાનો…! {{ps | હેતીઃ | (વચ્ચે) આ તો કાલ ઊઠીને, પગમાં કલ્લાંકાંબી કાંઈ ન હોય તો બલૈયાંની ખોલો ય ઊતરાવી લે! (મથીમથીને આંસુ ખાળે છે.) {{ps સોનીઃ |આનો તોલ તો કરાવી રાખો! પછી થાય તે ખરૂં. (કાંટે ચડાવે છે.) (ત્યાં દલુચંદ શેઠ પંચિયા જેવું ધોતિયું, અંગરખું અને પાઘડી ચડાવી હાંફળાફાંફળા આવે છે. કડલાં કાંટે ચઢ્યાં જોઈ એમની આંખ ઠરડાય છે; પણ તરત ગળી જઈ) {{ps |દલુચંદઃ | ઠીક કર્યું! … મારા મનમાં કે કેમ વાર લાગી? જુઓ હેતીબાઈ, આ પખોભાઈ સાક્ષી, ને એમને હાથે તોલ, એટલે વહેમ ન રહે પાછો! {{ps | હેતીઃ | એ શેરનાં હજો કે મણનાં હજો! મારા અંગ પરથી તો સો મણ આબરૂનો ભાર હતો તે ગયો. હવે હળવી ફૂલ, તરણાને તોલે છું. લગરીક કોઈ ઠિઠિયા કાઢે, તો ય વાયરે ઊડી જાઉં એવી થઈ છું. (સોની તોળી રહે છે.) {{ps સોનીઃ |સત્ત્યાશી ભાર! આ કંઈ જેવાતેવા ઠાકરડાના ઘરની પાતળી ચીપો નથી; ખાનદાન ઘરનાં છે. (દલુચંદ તરફ જુએ છે.) {{ps |દલુચંદઃ | (હેતીને) તોલ યાદ રાખજો! {{ps | હેતીઃ | મને શું કામ બોલાવો છો, બાપ! મને ઈંમાં ગમ નો પડે. મારૂં તો સત્યાનાશ વળતું રોક્યું એટલા ભારનાં છે મારે મન તો! દુનિયામાં નાકવઢાણું થઈ જાત! … … ઊઠો શેઠ, જોખી આપો, કાંક માબાપ! {{ps |દલુચંદઃ | (સોની કડલાં આપે છે તે લેતાં) જાઓ તમારી ભાભી કરી આપશે; મેં કહ્યું છે. એ તો તમે હીંડ્યાં આવ્યાં ઉતાવળ કરીને, નહિ તો એ તરત અંદરથી મકાઈ લેવા જ જતી’તી! (હેતીબાઈ જમીન પર હાથ ટેકવીને ઊઠે છે ને પગ નીચે ધરતી જાણે હલતી હોય એમ ધ્રૂજતે પગે બારણા તરફ વળે છે.) {{ps |દલુચંદઃ | હેતીબાઈ, ખોટું ન લગાડતાં. રૂપો ખાંટ મળી જશે ને હિસાબ કરી જશે એટલે આ કડલાં તમારાં જ છે. પગમાં હતાં તેવા મારી પાસે સમજજો! (સોની તરફ) આ વરસ જ સૌને ભીખ માંગતાં કરે એવું છે! {{ps | હેતીઃ | (કોઈ સાંભળે ન સાંભળે એની પરવા કર્યા વિના) મારા પગ વાઢી લીધા હોત તો આ દશામાં ઘેર જવું તો નો પડત! (અદૃશ્ય થાય છે.) {{ps |દલુચંદઃ | અમારે ને રૂપા ખાંટને બિલકુલ ઘરનો સંબંધ, હોંકે પખાભાઈ!… (હેતી દૂર ગઈ હશે એમ માની ધીરેથી) પખાભાઈ! તમારાથી સિત્તેર ભાર ન કહેવાયું? એ ક્યાં ભણેલી હતી તે તમારો કાન પકડત! અરધો નફો તમને આપત, ભલા માણસ! {{ps સોનીઃ |આવાં ગરીબગુરબાંની આંતરડી કકળાવીને તમે જ ફાયદો ખાટતા રહો એટલે બસ! કમાય છે એટલાનો તો તમારે ત્યાં ઢગલો વાળે છે, બાપડાં! તો ય ધરાતા નથી? ભૂત થશો ભૂત! (બહાર ચીસ સંભળાય છે, પણ તે કોઈનું ધ્યાન ખેંચતી નથી. સોની લગરીક ઊંચેકાન થાય છે.) {{ps |દલુચંદઃ | આ … ત્યારે તો મફત બધાંને ધીરૂં ને રૂપિયા વહેંચતો ફરૂં, કહો તો! લોક શા ઝેરીલા છે?! (બહારથી અવાજ આવે છે.) {{ps અવાજઃ | ઓ બાપા! આ આ … … …! {{ps સોનીઃ |શું છે ’લ્યા? {{ps અવાજઃ | આ બાઈ પડી ગ્યાં! ખડકી આગળ લપસી ગ્યાં! માથું … … …! (બંને ચોંકે છે.) {{ps સોનીઃ |ચાલો ચાલો, શેઠ! તમારી લીલા! (ઉતાવળો ઉતાવળો બહાર જાય છે.) {{ps |દલુચંદઃ | (કડલાં આંગળામાં રમાડતો એના સામી નજર રાખી) કહેવાય નહિ! સાળી મરી યે જાય! કાયટાનો જોગ થઈ રહેશે, આટલામાંથી? (બારણા તરફ વળે છે.) {{ps સોનીઃ |(બહારથી અવાજ) જા ’લ્યા હરખા! તારી બા કનેથી કલ્લાં લઈ આવ! દોડ જો! {{ps |દલુચંદઃ | (એનાથી બૂમ પડાઈ જવાય છે) હરખા! … લે આ…
(સાપના ભારા)