કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૮. ઝીણા ઝીણા મેહ

From Ekatra Wiki
Revision as of 05:06, 20 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૮. ઝીણા ઝીણા મેહ

ન્હાનાલાલ


ઝીણા ઝરમર વરસે મેહ,
          ભીંજે મ્હારી ચૂંદડલી:
એવો નીતરે કૌમારનો નેહ,
          ભીંજે મ્હારી ચૂંદડલી. ધ્રુવ.

આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,
          ભીંજે રસિક કોઈ બાલા રે:
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
          ભીંજે મ્હારા હૈયાની માલા:
          હો ! ભીંજે મ્હારી ચૂંદડલી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
          ટહુકે મયૂર કેરી વેણાં રે:
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
          ટમકે મ્હારા નાથનાં નેણાં:
          હો ! ભીંજે મ્હારી ચૂંદડલી.

આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ ને
          મીઠા મૃદંગ પડછન્દા રે:
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
          હેરો મ્હારા મધુરસચન્દા !
          હો ! ભીંજે મ્હારી ચૂંદડલી.
(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૨૨)