અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /જૂનું પિયેરઘર

From Ekatra Wiki
Revision as of 17:50, 21 June 2021 by HardikSoni (talk | contribs)
Jump to navigation Jump to search

બેઠી ખાટે ફરીવળી બધે મેડીઓ ઓરડામાં,
દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં.
માડી મીઠી, સ્મિત મધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી,
દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી;
સૂનાં સ્થાનો સજીવન થયાં, સાંભળું કંઠ જૂના,
આચારો કૈં વિવિધ ઢબના નેત્ર ઠારે સહુનાં :
ભાંડું નાનાં; શિશુસમયનાં ખટમીઠાં સોબતીઓ
જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પરીઓ.
તોયે એ સૌ સ્મૃતિછબિ વિશે વ્યાપી લે ચક્ષુ ઘેરી,
નાની મોટી બહુરૂપી થતી એક મૂર્તિ અનેરી :
ચૉરીથી આ દિવસ સુધીમાં એવી જામી કલેજે
કે કૌમારે પણ મુજ સરે બાળવેશે સહેજે!

બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી,
ત્યારે જાણી અનહદ ગતિ, નાથ મારા, તમારી.

(ભણકાર, પૃ. ૨૦૭-૨૦૮)