શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૭. દલો તરવાડી
Revision as of 07:54, 14 July 2022 by KhyatiJoshi (talk | contribs)
૧૭. દલો તરવાડી
દલા તરવાડી!
તેર હાથના બીવાળું બાર હાથનું ચીભડુંય ચાલશે…
ભૂખ તો ભોગળ તોડી નાખે એવી છે.
વળગણી પરનો સાલ્લો પહેર્યા વિના
મારું બૈરું હાલી નીકળ્યું મધરાત માથે લઈને.
ચૂલામાં
હડતાલ ચાલે છે હરિયાળી ક્રાંતિની.
ઉનાળાની ઝાળથી પાણિયારું કોરુંકટ થઈ ગયું
ને બેફામ બનતી ભૂખ
પીંખે છે પલંગને જંગલી રીતે.
દલા!
મારે એક વાડી હોત,
તારા સરખી લાડી હોત,
ઘેર ઘુઘરિયાળી ગાડી હોત…
દલા!
ગામ આખાને ટેં કરી દેત ચીભડાં ખવડાવી!
પણ દલા!
શું કરું?
ચીભડાં ગળનારી વાડની હારે પનારું પડ્યું છે મારે!
દલા!
હું બાવા આદમના વેલાનો;
હું જાતે થઈને ચીભડું માંગું છું,
તે કાંક હશે એવું ત્યારે ને!
(ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૩૬)