શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૬. આવ
Revision as of 09:49, 14 July 2022 by KhyatiJoshi (talk | contribs)
૪૬. આવ
આ સમય ખૂલ્યો ને અંતર ખૂલ્યું,
આવ, સખીરી! આવ;
આ ઊપડ્યો પડદો, દુનિયા ઊઘડી,
આવ, ખેલવા આવ. –
આ અક્ષર અક્ષર મોતી ચમકે,
છલકે નરી કવિતા,
આ ઝરમર ઝરમર મન-માટીમાં
લીલપ સ્રવે સવિતા;
આ ઊડતાં પંખી પંખ પસારી,
આવ, ટહુકતી આવ. –
આ મનથી ઊછળ્યાં, આભે ઊભર્યાં,
ઝળહળ ઝળહળ તેજે,
આ પગલે પગલે રણક્યાં ગુપચુપ,
ઊઘડ્યાં અઢળક હેજે;
આ નીકળ્યા લઈને એવી વસ કે
આવ, લૂંટવા આવ. –
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૬૪)