શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૮. આનંદનો અમીર ગરીબ નંદ

From Ekatra Wiki
Revision as of 10:47, 15 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૮. આનંદનો અમીર ગરીબ નંદ


નંદ મનથી અને શરીરથી પૂરો થાકી ગયેલો છે. નંદની પાસે હવે એક જ ઝભ્ભો છે ને તે પણ ફાટી ગયેલો. નવો ખરીદવાના પૈસા નથી. નંદ રોજ જે એક જ ઝભ્ભો તેની પાસે છે તે રાતે ધોઈને બીજે દહાડે પહેરે છે. નંદ જાણે છે કે આ દેશમાં એક સાજો ઝભ્ભો પણ પાસે હોવો એ સમૃદ્ધિ છે. લારી ખેંચનાર પેલા જીવાનું પહેરણ જોયું છે. એનું પહેરણ પહેરણ નથી, પણ ચીંથરાં છે. આ પહેરણ કરતાં તો ઉઘાડા રહેવું બહેતર. નંદે એક વાર જીવાને કહ્યું: ‘તું શા માટે પહેરણને સાંધતો નથી?’ એનો જવાબ હતો: ‘સોય-દોરો જોઈએ ને?’ આ દેશની સ્થિતિ વરસોથી ફાટેલા પહેરણ જેવી છે, પણ કોઈ એ સાંધતું નથી. સોય-દોરો પણ કદાચ છે; પણ સોય-દોરાવાળાને એ સાંધવાની પડી નથી. આ આળસ, આ ઉપેક્ષા, આ બેજવાબદારી — આ બધું કોઠે પડી ગયું છે અને તેથી જ ફાટેલું પહેરણ જોવાથી કોઈનું કાળજું મૂળમાંથી હાલી જાય એવું બનતું નથી.

નંદ ઘણા એવા સમાજધુરીણોને ઓળખે છે; જેઓ આ દેશની કંગાલિયત વિશે સુંદર રીતે ભાષણ આપે છે: ‘આ કરવું જોઈએ અને તે કરવું જોઈએ’ એમ કહે છે; પરંતુ આ ‘જોઈએ’-વર્ગવાળાઓ કર્તૃત્વથી પોતે ન ખરડાય એ માટે પૂરા સાવધ છે! બિચારા ભોળા લોકો આ સમાજધુરીણોને અડધા અડધા થઈ આવકારે છે. એમની આંખો એમના શબ્દો સાંભળીને આશાથી ચમકી ઊઠે છે; પરંતુ એમને અનુભવે સમજાય છે કે પેલા મહાનુભાવોના શબ્દો ઘરમાં દીવો પેટાવી શકતા નથી. ખાટલામાં દવાને અભાવે મરવા પડેલી બાળકીને એક દવાની ગોળી પણ અપાવી શકતા નથી. કૂકડાઓનો અવાજ વારે વારે કાને અથડાય છે, પણ કોણ જાણે કેમ, સૂરજ એનું મોઢું બતાવતો નથી. કદાચ સૂરજની પણ આ નિસ્તેજ ચહેરાઓ જોવાની હિંમત નથી!

નંદના ખિસ્સામાં થોડું પરચૂરણ પડ્યું હતું. ગણી જોયું. પૂરા ત્રીસ પૈસા… એ હોટલમાં જાય છે. ચાનો ઑર્ડર મૂકે છે. આઠ વર્ષનો બાળક, સ્વતંત્ર ભારતના ભાવિ નાગરિક ચા લઈને આવે છે…એક સૂટબૂટમાં સજ્જ માણસના હાથનો હડસેલો વાગે છે, ખણખણ..રકાબી-પ્યાલો તૂટી જાય છે…પેલા ભાઈને તો પાછું વળીને જોવાનો પણ સમય નથી…પેલા છોકરાનું મોઢું સાવ હોલવાઈ જાય છે…શેઠ એની સામે સળગતી નજરે જુએ છે…એ નીચો વળી ફૂટેલાં રકાબી-પ્યાલાના કાચ વિણે છે…નંદે પૂછ્યું: ‘આના પૈસા તારા પગારમાંથી કપાશે?’ પેલો હકારમાં માથું ધુણાવે છે. ‘તારો પગાર કેટલો?’ ‘મહિને દસ.’ નંદને થાય છે કે આ રકાબી-પ્યાલાના પૈસા હું આપી દઉં.. પણ ખિસ્સામાં કોડીયે નથી.. નંદ ક્ષણવાર તો લાચારી અનુભવે છે…પછીથી કંઈક સૂઝતાં ઊઠે છે. એક મિત્ર પાસેથી રૂપિયો ઉછીનો લાવી ચૂકવે છે. પેલાની આંખોની અહેશાનભરી ચમક હૈયામાં ભરીને એ વિદાય થાય છે.

નંદ પાસે ભિખારી આવે છે. એની સાથે એક આંધળી, ફાટેલા ફરાકવાળી છોકરી છે. નરી ઉજ્જડતા ભિખારીના ચહેરા પર દેખાય છે… નંદ પેલી છોકરીના શબ્દ સાંભળે છે…પેલા બુઢ્ઢાએ આ નાનકડી મેનાને ભીખના શબ્દો બરાબર ગોખાવ્યા છે… તે દિવસે નંદનું ખિસ્સું સમૃદ્ધ હતું… નંદ આઠ-આની કાઢી ભિખારીની પેલી છોકરીના હાથમાં મૂકે છે… હું નંદને વારું છું… ‘શા માટે ભીખને ઉત્તેજન આપે છે? આ બધાં તો બરોબર બનેલાં હોય છે?’

‘એને આ ન આપું તો શું આપું?’ ‘કામ.’

‘એ મારા હાથમાં નથી ને આની શક્તિયે છે કામની? એની ઉંમર તો જો.’

‘પણ સામાજિક દૂષણોને આમ પોષવાં…’

નંદ તુરત મને કહે છે: ‘ભિખારીઓનો વર્ગ પેદા થાય એવાં દૂષણોવાળી સામાજિક વ્યવસ્થા કરનાર આપણે… આપણાં દૂષણોના પ્રાયશ્ચિત્ત રૂપે આપણે કંઈક કરવાનું કે નહિ?’

‘પણ તે આ!’

‘મારી જાડી બુદ્ધિને ઝાઝું સૂઝતું નથી. મને તો આઠ-આની આપતાં એના ચહેરા પર જે આનંદ ખીલી ઊઠ્યો એનું મૂલ્ય છે…મેં આઠઆની આપીને તો એનો એ આનંદ ખરીદ્યો છે!…’

‘પાગલ નહિ તો…’ હું બબડ્યો. નંદ હસતો હતો…પેલો ભિખારી છોકરીને લઈ પાછો ફરતો હતો. ત્યાં નંદે બૂમ પાડી: ‘એય બચુડી, લે આ ચૉકલેટ… પેલી છોકરી દોડતી આવી..એના નાનકડા હાથે ક્યારે ચોકલેટ લીધી ને ક્યારે નાનકડા ગલોફામાં ગોઠવી દીધી એની ખબરેય ન પડી! પેલો બુઢ્ઢો આ જોતો રહ્યો…નંદે બીજી ચૉકલેટ કાઢી બુઢ્ઢાને કહ્યું: ‘દાદા, આ તમારા માટે.’ બુઢ્ઢાના બોખા મોઢામાં ચોકલેટ! નંદ એની મોજ માણતો હતો. એ મને કહે: ‘હું મારા આનંદ માટે – મારા સ્વાર્થ માટે એને આપું છું. એની મારી પાસે લેવાની ગરજ કરતાં એને આપવાની મારી ગરજ વધારે છે, સમજ્યો?’

નંદને ક્યાં ખબર છે? અમે બધાં બારીબારણાં બંધ કરી, સલામતીના પોલાદી ચોકઠામાં પુરાઈને હાશકારો અનુભવીએ છીએ. અમને ખુલ્લા આકાશની બીક છે, મુઠ્ઠી ખૂલી જાય એની બીક છે… મુસાફરીએ નીકળીએ છીએ ત્યારે ખિસ્સાનો ભાર કોઈ હળવો કરી જાય એની બીક છે…અમારી પાસે કપડાંને ઇસ્ત્રી કરાવવાના પૈસા નથી હોતા ત્યારે અમે અમારી એ ‘ગરીબી’થી કંપી ઊઠીએ છીએ. અમે ગરીબીના પ્રશ્નોનો અભ્યાસ કરીએ છીએ…સામ્યવાદ ને સમાજવાદ–એવાં એવાં કંઈ કંઈ વાદાવાદીનાં જળ ડહોળીએ છીએ… આમાં અમને આનંદ આવે છે… અમે ગાઈએ છીએ ને એવામાં જો કોઈનો ‘બટકું આલજો બા…’ એવો અવાજ સાંભળીએ છીએ ત્યારે ગુસ્સે થઈએ છીએ… અમે કવિતા લખતા હોઈએ ને કોઈ નોકરીની શોધ માટે ઓળખાણ લઈને આવેલા જુવાનિયો બારણું ઠકઠકાવે છે ત્યારે ‘ડિસ્ટર્બ’ થયાના ભાવથી મોટું બગાડીએ છીએ… અમે નંદને ચાહીએ છીએ પણ એની વિચિત્રતાઓને મર્મમાં હસીએ છીએ. આ બિચારો નંદ…આમ ને આમ જિંદગી પૂરી કરશે…સારું છે એને આગળ ઉલાળ ને પાછળ ધરાળ નથી…એને બૈરી હોત તો પોશ પોશ આંસુએ… રોતી હોત… અમે નંદને પણ આ કહીએ છીએ…ને નંદ મીઠી નજરે અમને જોતો હસે છે.

નંદ થાકે છે, ઉદાસ થાય છે; પરંતુ કોઈ પણ માણસને જુએ છે ત્યારે એની નજરમાં કોણ જાણે કઈ રીતે અઢળક મીઠાશ ઊભરાઈ આવે છે…નંદ ગુસ્સે થાય છે પણ એ નંદ જેની સામે ગુસ્સે થાય છે એને ચાહ્યા વગર રહી શકતો નથી. એ એનું જીવન છે… જીવનમાં નંદને પ્રેમ જોઈએ છે અને નંદ બરોબર જાણે છે કે કોઈને ભૂખ્યા કે તરસ્યા રાખીને નથી પ્રેમ આપી શકાતો, નથી લઈ શકાતો. નંદની પાસે સોય છે, થોડો દોરો પણ છે; પણ ફાટેલાં પહેરણ એટલાં છે કે અનેક સહસ્ર બાહુઓએ – કરોડો હાથોએ સાંધતાંય પાર ન આવે; પણ નંદને તો બે હાથના પ્રામાણિક પ્રયત્નનો જ આનંદ છે.

(નંદ સામવેદી, પૃ. ૫૧-૫૩)