શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/સોના જેવી સવાર
Revision as of 12:00, 15 July 2022 by KhyatiJoshi (talk | contribs)
સોના જેવી સવાર
ભરી ભરીને સવાર પીધી,
સોના જેવી સવાર છે જી.
ફૂલ ફૂલને પીવા દીધી,
સોના જેવી સવાર છે જી.
પાન પાનમાં ટશરે ચમકી,
સોના જેવી સવાર છે જી.
ટહુકે ટહુકે ચોગમ રણકી,
સોના જેવી સવાર છે જી.
ક્યાંક કમળ-સરવરમાં ચમકી,
સોના જેવી સવાર છે જી.
પનઘટ પર બેડામાં ઝળકી,
સોના જેવી સવાર છે જી.
મોરપિચ્છમાં ફરફર ફરકી,
સોના જેવી સવાર છે જી.
રાતી હથેલીઓમાં છલકી,
સોના જેવી સવાર છે જી.
વાદળ વાદળ રંગે ઢળતી,
સોના જેવી સવાર છે જી.
પતંગિયાની પાંખે લળતી,
સોના જેવી સવાર છે જી.
માટીના કણ કણમાં ગ્હેકી,
સોના જેવી સવાર છે જી.
તડકામાં તાજપથી મ્હેકી,
સોના જેવી સવાર છે જી.
હસતાં હસતાં મનમાં ઊગી,
સોના જેવી સવાર છે જી.
રમતાં રમતાં ઘરમાં પૂગી,
સોના જેવી સવાર છે જી.