કિન્નરી ૧૯૫૦
સોણલું
મારી પાંપણને પલકારે
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
મારા અંતરને અણસારે
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
ઝીણી ઝબૂકતી વીજલ શી પાંખે,
આઘેરા આભલાના વાદળ શી ઝાંખે,
નીંદરમાં પોઢેલી અધખૂલી આંખે,
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
પાંપણને પરદેથી આછેરું પલકે,
મનનું કો માનવી રે મધમીઠું મલકે,
મટકું મારું ત્યાં આભ અંધારાં છલકે!
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
સપનોના સોબતી, તું ર્હેજે મનમ્હેલમાં!
અંતર, તું આંખોમાં આવીને ખેલ માં!
ઓ સોણલા, તું વેદનાને પાછી તે ઠેલ માં!
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
મારા અંતરને અણસારે
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
મારી પાંપણને પલકારે
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
ગૂંથી ગૂંથી
ગૂંથી ગૂંથી ગીતફૂલની માલા,
કંઠ ધરે છે કોણ અરે સૂરબાલા?
મંદ એણે સૂર ગૂંથ્યો મંદાર,
પારિજાતક જેવો જાણે ગૂંથ્યો રે ગંધાર;
ઊગતી જાણે હોય ન ઉષા મેરુની ઓ પાર
એમ ઝરે છે બોલ રે કાલા કાલા!
સ્વર્ધુનીનો લય લઈ, લૈ તાલ,
સૂરસુગંધની લહરીઓમાં બાંધ્યો એણે કાલ;
વસવું જાણે વૈકુંઠને હો વ્રજની રે અંતરાલ
એમ ધરે છે ગીત રે વ્હાલાં વ્હાલાં!
રે ઓ બુલબુલ-મન
રે ઓ બુલબુલ-મન!
મધુર તારા સૂરની સુધા વહી જાને વન વન!
ફાગણનાં સૌ ફૂલ ઝૂરે
ને કલિઓને શો શોષ!
ઉદાસ તારા અલસ ઉરે
આવડો તોયે રોષ?
ઝૂરતું નિખિલ નીરવતામાં, ઝૂરતું કોઈ જન!
‘બધિર જગ, ન અધીર ગાને,
સ્વરગે મારાં મૂલ!’
મનમાં તું જો એમ માને
તો એટલી તારી ભૂલ!
અંતે તો આ ધરતીને છે ધરવું સકલ ધન!
રે ઓ બુલબુલ-મન!
હે બુલબુલ
હે બુલબુલ!
ડાળે ડાળે ઝુલાવજે ના તારા ગીતની ઝૂલ!
પાનખરે પાવક પ્રજળે
ને વન વન લાગે ઝાળ,
કુંજ કુંજ શી કજળે
ને શી રાખ ઊડે સૌ ડાળ!
સૂરની મંદા ધરતીની આ ધૂળમાં થાશે ડૂલ!
ભીતર કોલાહલ કોરે
ને બંધ બ્હારના કાન,
માટીમાં જે મન મોરે
તે કરશે અમૃત પાન?
સ્વર્ગમયી સૂરધારાનાં તે પાર્થિવને શું મૂલ?
ઊડી જા તું મલયવિહારે
વસંતને વનદેશ!
પલ પલ તારો પંથ નિહાળે
વ્યાકુલ વિહ્વલ વેશ,
તારું ચિરચુંબન ચાહે, જ્યાં ફાગણનું કો ફૂલ!
હે બુલબુલ!
ગાઈ લે તારું ગાણું
ગાઈ લે તારું ગાણું!
શૂન્ય વિજન પથે તારી પૂરવીનો સૂર માણું!
આજ ધરાના પ્રાણ અધીરા,
આભ આખું આતુર,
ઝીલવા તારી સૂરમદિરા
ઝૂરતું મારું ઉર,
નીરવતામાં સમસમીને ટટળે સાંજનું ટાણું!
આજ પછીથી આજની વેળા
મળવી નથી સ્હેલ,
ક્ષણ તો ભલે ક્ષણના મેળા,
વેણ ન પાછું ઠેલ!
આજની ઘડી, સ્મરણે જડી, જુગના જુગો
તને જોઈ વાર વાર
તને જોઈ વાર વાર,
દૂર કોઈ સપનની પાર!
કોણ છો તું? અણજાણ, ક્યહીં વસે?
એ તો નહીં જાણું!
સુણી રહું સ્વપનમાં તું જે હસે,
એટલું હું જાણું;
તવ ઘૂંઘટ ન તાણું
પછી તારે ઉરદ્વાર,
ક્યાંથી છેડું સૂર, છેડું તાર?
હુંયે તવ સ્વપનમાં કદી, ક્યારે,
કોઈ દિન આવું;
આજનું આ અણગાયું ગીત ત્યારે
નિજ સંગ લાવું,
ત્યારે મનભરી ગાવું!
ત્યારે આંખડીઓ ચાર,
હશે તોયે એક અણસાર!
સાંજને સૂરે
સાંજને સૂરે,
અજાણ કોઈના મધુર ઉરે,
શાને પડે સાદ?
ધરતીની મમતાને છાંડી,
દૂરને સોણે નજરું માંડી,
તોય અદીઠી
કાજળકાળી આંખની મીઠી
શાને નડે યાદ?
કાલને વ્હાણે સોનલ વેળા,
આજ તો મેઘલી રાતના મેળા;
તોય આકાશે,
મલકી રૂપાવરણે હાસે,
શાને ચડે ચાંદ?
મન કો મૂંગી વેદના ખોલે,
સોણલે મારી દુનિયા ડોલે;
દૂર અદૂરે,
અજાણ કોઈના મધુર ઉરે,
શાને પડે સાદ?
મેઘલી રાતે
મેઘલી રાતે,
વિરહની કોઈ વ્યાકુલ વાતે,
કોણ ઝરે છે ગીત?
નથી સોણલાં સોનલરંગી,
મારે મારગ ના કોઈ સંગી;
તોય અજાણે,
પૂરવીને સૂર પાગલ પ્રાણે,
કોણ ધરે છે પ્રીત?
છલકે આભે અંધારધારા,
મલકે છે બે નેનના તારા
પોપચાં ઓઠે;
હેતભર્યા બે તેજલ હોઠે
કોણ કરે છે સ્મિત?
અવર એનું રૂપ ન ન્યાળું,
સીમ તો સકલ સૂની ભાળું;
નીરવ રાતે,
વિરહની કોઈ વ્યાકુલ વાતે,
કોણ ઝરે છે ગીત?
પાંપણને પારણે
કોણ પાંપણને પારણે ઝૂલી જતું?
કોને તે કારણે મારું ફાગણફૂલ
કંપીને કાનમાં ડૂલી જતું?
સપનોને સંગ મારાં નયનોમાં હીંચતું
કોનું તે હૈયું હેલાય?
પ્રીતે લચેલ મારાં પોપચાંને મીંચતું
કોનું તે આંસુ રેલાય?
આવે ને જાય તોય હૈયાનું હેત
કોણ મારે તે બારણે ભૂલી જતું?
પાછલી તે રાતમાં પોઢું ત્યાં પ્રીતની
જાગે શી ઝીણી ઝકોર?
કાનનાં કમાડપે કોનાં તે ગીતની
વાગે રે આછી ટકોર?
હૈયાની બાવરીને હાથે એ બંધ દ્વાર
કોને ઓવારણે ખૂલી જતું?
કોણ પાંપણને પારણે ઝૂલી જતું?
ઉરનાં દ્વાર
મારાં ઊઘડ્યાં ઉરનાં દ્વાર!
મહીં મળ્યો માનવનો મેળો, હું જ રહ્યો રે બ્હાર!
લખ આવે, લખ જાય,
થાય શી ભીડમાં ઠેલંઠેલ!
નવ ‘આવ’ મને ક્હેવાય,
અવરને રસની રેલંછેલ
ખાલી ખોબે બ્હાર ઊભો છું, અંદર રસની ધાર!
જગને દીધું ઠામ,
અરે, ત્યાં મારો તે શો ભાર?
આ તે કેવો ડામ?
દીધો તેં પોતાને જાકાર!
હળવે પૂછું : હૈયા, તારો હું જ ન પામું પાર?
મારાં ઊઘડ્યાં ઉરનાં દ્વાર!
મનમાં
કોણ રે મારા મનમાં આવી ર્હેતું,
બ્હારથી એના સૂરનો બાંધી સેતુ?
જાણું ના તોયે કોઈની આશે
મીટ માંડી મેં નીરવતાને આરે,
કોણે રે ત્યાં મિલનપ્યાસે
ગીત ગાયું આ શૂન્ય સાગરપારે?
અબૂઝ મારું અંતર આવરી લેતું,
કોણ રે આવી અકળ કથા ક્હેતું?
ભીતર આજ તો સભર ભર્યું,
અંતરઆસન આજ નથી રે ખાલી;
ભાલ સોહાગનું તિલક ધર્યું,
અધરે ધરી મિલાપની રે લાલી!
સંગીત જેનું સારાયે વિશ્વમાં વ્હેતું,
એની વેદના મારું મન હસીને સ્હેતું!
કોઈ બ્હાને
કોઈ બ્હાને
હવે મારું મન નહીં માને!
હવે એને ચહો કે ન ચહો,
વાત કોઈ કહો કે ન કહો;
હવે એ તો ધરશે ન ધ્યાને!
થયું છે શું હુંય તે ન જાણું,
એ તો બસ ગાય નિજ ગાણું;
રાતદિન રહે નિજ તાને!
ફૂલ હો!
ફૂલ હો!
તારાં કેમ કરું રે મૂલ?
કોઈ ધરે પ્રભુચરણે,
તુજને કોઈ ધરે નિજ કરણે;
એમાં કોન ક્હેવી ભૂલ?
સુગંધ કેવી વેરે,
તું તો અંગ ને અંતર ઘેરે;
તારી રંગરંગની ઝૂલ!
કોઈ શું જાણે?
કોઈ શું જાણે?
ફૂલકલિની ફોરમ તો એક મલય માણે!
ભાંગે વજ્જરબંધ,
રે જાગે ફૂલકલિની ગંધ;
મલકે મંદસુમંદ,
રે મલય છલકે ઉરના છંદ;
ઊછળે એમાં ઊર્મિઓ શી ઉભય પ્રાણે?!
કોઈ શું જાણે?
અંધકારે
એકલ આકુલ અંધકારે,
વનમાં વ્યાકુલ રાતની રાણી ગંધભારે!
અંગઅંગે એને ફોરમ ફૂટી,
જાણે મનવ્યથાની વાણી છૂટી :
‘કોઈ લ્યો લૂંટી, રે કોઈ લ્યો લૂંટી!’
એકલ એના એ જ ઉચાટે,
ઘેલી ઘેલી ઘૂમે વિજન વાટે.
ફૂલવને આજ કોઈ ન જાશે,
આજ અમાસે કોઈ ન ગાશે;
કોણ ત્યાં એના નેહમાં ન્હાશે?
જ્યારે અંધાર ઓઢીને દુનિયા પોઢી બંધ દ્વારે!
એકલ આકુલ અંધકારે!
કોને કહું?
કોને કહું? છું એકલો!
રૂપની રંગત બધી જોઈ રહું છું એકલો!
લાલી ઉષાના ઉરથી
ઊઘડે અને લાજી રહું,
સંધ્યા તણા સિંદૂરથી
હું આંખડી આંજી રહું;
સ્નેહની આ સ્વપ્નલીલા હું લહું છું એકલો!
રુદ્રનું લોચન દહે
ક્યારેક તો મધ્યાહ્નમાં,
મુગ્ધ મારું મન રહે
ત્યારે રતિના ગાનમાં;
આભ જેવા આભનો રે ભાર વહું છું એકલો!
કોને કહું છું એકલો?
કોણ રે ચાલી જાય?
એવું કોણ રે ચાલી જાય?
ભર્યું ભર્યું મારું ભીતર ખાલી થાય!
સંધ્યાની સ્મિતસુરખી છાઈ,
નભ ન રહ્યું નીલું;
એ જ રે રંગીન તેજ ગાઈ
રહ્યું વિલયનો લય પીલુ;
અવ હું એકલ અંધાર અંતર ઝીલું!
મુજને મારો જ સંગ, તે સાલી જાય!
હળવું મારું હૈયું થાતાં
પોપચે એનો ભાર;
મનનું મારું માનવી જાતાં
સૂનાં સકલ દ્વાર;
ન્યાળીને મુજ અશ્રુની જલધાર,
નભનું તારકવૃન્દ રે મ્હાલી જાય!
એવું કોણ રે ચાલી જાય?
કોણ રે હસી જાય?
એવું કોણ રે હસી જાય?
જાણે ચાંદમુખીનો વાદળઘેરો ઘૂંઘટ ખસી જાય!
નીંદભૂલી બે નેન રોઈ
ને મનમાં મૌન છવાયું,
પૂનમમાંય મેં અમાસ જોઈ
તે ગીત ન એક ગવાયું;
એવી અંતરસૂની એકલતાની વચમાં વસી જાય!
મેઘલી રાતને પાલવ મેલે
રે કોણ ઉષાની કોર?
ભીતરનાં સૌ દ્વાર ઠેલે
રે બ્હાર કોનો કલશોર?
આતમના મુજ અણુઅણુમાં કોણ રે ધસી જાય?
એવું કોણ રે હસી જાય?
હે મુજ પ્રીતિ
હે મુજ પ્રીતિ,
તવ ઉદયે ઉજ્જ્વલ ઉરની ક્ષિતિ!
જે વિરાટ વ્યોમે વસતું,
લઘુક શી ભોમે લસતું,
ને રોમે રોમે હસતું;
એ સૌની મુજ પ્રાણે,
આજ અજાણે, પ્રગટી રે સ્વરગીતિ!
નયનતેજની તરુણા,
અધરરંગની અરુણા,
એ તવ અંતરકરુણા!
અવ છે તૃપ્તિ, તૃષા ના;
આજ ઉષાના ઉત્સવની શુભ મિતિ!
હે મુજ પ્રીતિ!
કોણ રતિના રાગે?
કોણ રતિના રાગે,
રે મન મન્મથ જેવું જાગે?
જે ભસ્મીભૂત, મૃત, રુદ્રનયનથી;
એ અવ શિશિરશયનથી
જાગે વસંતના વરણાગે!
એના શ્વાસે શ્વાસે
વાગે મલયાનિલની વાંસળીઓ,
એના હાસવિલાસે
જાગે કેસૂડાંની કૈં કળીઓ;
રે વન નન્દનવન શું લાગે!
પ્રથમ મિલનની ભૂમિ
રે આ પ્રથમ મિલનની ભૂમિ,
પલાશપિયુને પ્રથમ અહીં રે મલયલહર ગૈ ચૂમી!
ડાલ ડાલ પર પંચમસ્વરમાં
કોયલ અહીં કૂજેલી,
જ્યારે કોયલ અહીં કૂજેલી,
અબીલ ગુલાલ લઈને કરમાં
વસંત અહીં પૂજેલી,
જ્યારે વસંત અહીં પૂજેલી,
ઝરમર ઝરમર કૈંક પૂનમની રાત અહીં રે ઝૂમી,
જ્યારે કૈંક પૂનમની રાત અહીં રે ઝૂમી;
અહીં અવનિ પર ઊતરી આવી
અમરાપુરી વસેલી,
ત્યારે અમરાપુરી વસેલી,
‘સુધા અવરને અવ ના પાવી’
એવું સ્હેજ હસેલી,
ત્યારે એવું સ્હેજ હસેલી,
આશાઓની કૈંક અપ્સરા નન્દનવનમાં ઘૂમી,
ત્યારે કૈંક અપ્સરા નન્દનવનમાં ઘૂમી!
રે આ પ્રથમ મિલનની ભૂમિ!
પ્રાણપ્રિયાનું આંગણ
રે આ પ્રાણપ્રિયાનું આંગણ,
ફરી ફરીને અહીં ભૂલ્યો રે અહીં ફૂલ્યો રે ફાગણ!
અહીં મંદારે મૃદુલ શયન,
રે મોહક ફૂલનો ફાલ;
મહાકાળ પણ મુગ્ધનયન
અહીં પોઢ્યો છે ચિરકાલ,
સ્નેહસ્વપ્નની સૃષ્ટિ અહીં અવ સોહે અમર સુહાગણ!
મનસિજે અહીં પ્રથમ જ પુષ્પિત
ધનુ પર શર સંધાન
સાધ્યું, ને અહીં પ્રથમ જ સસ્મિત
રતિને લાધ્યું ગાન;
હસી હસી જેનાં ઝેર પીએ એવી અહીં ડસી રે નાગણ!
રે આ પ્રાણપ્રિયાનું આંગણ!
મિલનમોરલી
વૃન્દાવનની વાટે રે, કોઈ મિલનમોરલી વાય,
જમુનાજલને ઘાટે રે કોઈ ગોપી ઘેલી થાય!
મોરલીએ મનડાની વાણી,
સુણ્યા વિણ ર્હેવાય?
કાલિન્દીનાં કાળાં પાણી
અંગે શીદ સ્હેવાય?
વનને કાંટે કાંટે રે, કોઈ બિછાત ફૂલની છાય,
ફૂલમારગને ફાંટે રે, એનો જીવ વીંધાતો જાય!
કુંજગલીને દ્વારે દ્વારે
ઢૂંઢી વળ્યાં બે નેણ,
કદંબવનને ક્યારે ક્યારે
વણઉત્તરનાં વેણ;
શીતલ સૂરની છાંટે રે, કોઈ વરસી રહ્યું છે લાય,
નેહનદીને ઘાટે રે, એનું અંગ અગનમાં ન્હાય!
છલછલ એનાં અસુવન નીરે
વિરહાનલ શીદ ઠારે?
મન્દ્રમદીર ને મંદ સમીરે
ભીતર મરતું ભારે!
મોરલીધરને માટે રે, એ તો નિજમાં આજ ન માય,
હૈયા કેરે હાટે રે, વણમૂલ વેચાવા ચ્હાય!
હરી ગયો
હરિવર મુજને હરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!
અબુધ અંતરની હું નારી,
હું શું જાણું પ્રીતિ!
હું શું જાણું કામણગારી
મુજ હૈયે છે ગીતિ!
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો!
સપનામાંયે જે ના દીઠું
એ જાગીને જોવું!
આ તે સુખ છે કે દુ:ખ મીઠું?
રે હસવું કે રોવું?
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો!
હરિવર મુજને હરી ગયો!
એટલો ર્હેજે દૂર
સાંભળું તારો સૂર,
સાંવરિયા, એટલો ર્હેજે દૂર!
ગોપી ને ગોપની વચ્ચે સજોડલે
ભલે તું રાસ ના ખેલે,
વનને વિજન તું મારે અંબોડલે
ભલે કદંબ ના મેલે;
તારી તે મોરલીને સૂર,
સાંવરિયા, મેં તો મેલ્યું છે મારું ઉર!
સૂરની સંગાથ મારાં સમણાંનો સાર
ને સઘળો સંસાર મેં તો બાંધ્યો,
એમાં તો મુજને આ જગથીયે પાર
રે એવો કો સૂરલોક લાધ્યો;
હવે જાશે મથુરાપુર?
સાંવરિયા, થાશે તું કંસથીયે ક્રૂર?
ક્ષણ હસવું, ક્ષણ રડવું
ક્ષણ હસવું, ક્ષણ રડવું;
પૃથ્વી વિણ ક્યાં જડવું?
સ્વર્ગમહીં નહીં, અહીં સુખદુ:ખે
જનમ જનમ રે જીવું;
પાય જગત જે, હસતે મુખે
સકલ હોંસથી પીવું,
કંઈ મીઠું, કંઈ કડવું!
સ્વર્ગંગાને ક્યાંય નથી રે
જમુનાનો જળઘાટ,
નન્દનવનની માંહ્ય નથી રે
મથુરાપુરની વાટ;
વ્રજ વિણ રે સૌ અડવું!
શીદ કંપે?
‘આવડું તે શીદ કંપે? રે પોયણી, આવડું તે શીદ કંપે?’
‘તારોયે જીવ ના જંપે! રે ચંપા, તારોયે જીવ ના જંપે!’
‘તું તે શું જાણે પ્રીત, રે ચંપા, તું તે શું જાણે પ્રીત!
ભમરો ગુંજે ગીત, રે ચંપા, ભમરો ગુંજે ગીત!
લળી લળીને લજવે રે, મને લળી લળીને લજવે;
મુખથી દેતો ડંખ રે, આછો મુખથી દેતો ડંખ,
વીંજણે ઢાળે પંખ રે, પાછો વીંજણે ઢાળે પંખ;
વળી વળીને પજવે રે, મને વળી વળીને પજવે!
સુખની સોડમાં સૂએ, રે ચંપા, સુખની સોડમાં સૂએ!
તોય તું શીદને રુએ? રે ચંપા, તોય તું શીદને રુએ?!’
‘તું તે શું જાણે પ્રીત, રે પોયણી, તું તે શું જાણે પ્રીત!
ભમરો ભૂલે ભીંત, રે પોયણી, ભમરો ભૂલે ભીંત!
મારે તે રૂપરંગવાસ રે, અંગમાં મારે તે રૂપરંગવાસ,
સૌની કને ભરમાય રે, ભમરો સૌની કને ભરમાય;
મારી કને શરમાય રે, ભમરો મારી કને શરમાય,
ના’વે રે મારી પાસ રે, રંગમાં ના’વે રે મારી પાસ!
તારી તે સોડમાં સંપે, રે પોયણી, તારી તે સોડમાં સંપે,
તોય તું આવડું કંપે, રે પોયણી, તોય તું આવડું કંપે?!’
કૂવાને કાંઠડે
દીઠી કૂવાને કાંઠડે,
રે એને કૂવાને કાંઠડે દીઠી!
ઓઢી આછેરી ઓઢણી રાતી,
એની કાંચળીમાં કાયા ન માતી;
કોણ જાણે કોનીયે લગનીમાં લાવણી ગાતી!
કોઈ કેસરિયા છેલના છોગાને સમણે,
ચડતી જુવાની જાણે રંગતમાં રમણે;
મેંદીની મ્હેક શી મીઠી,
રે એને કૂવાને કાંઠડે દીઠી!
કીકીએ કામણનું કાજળ આંજી,
એની પાંપણ ઢળે છે લાજી લાજી;
એના મુખની મરકથી પૂનમની રાત થાય રાજી!
તાકી તાકીને જુએ કાળ જાણે કહાનજી,
રાધા શી એણે રંગભીને તે વાન જી
ચોળી ચંદનની પીઠી;
રે એને કૂવાને કાંઠડે દીઠી!
મન ભલે ના જાણું
તારું મન ભલે ના જાણું,
અજાણ એવો તોય હું એને મન ભરીને માણું!
દૃગમહીં આતુર ને અનિમિષ રહી જે દીપી,
ઊકલે નહીં ઉરને એવી તેજની તરલ લિપિ,
સ્વરમાં એના ગાઉં છું તોયે નિત હું નવું ગાણું!
પાલવની પછવાડે એવું શું રે તું સંતાડે?
અંતર તો હા પાડે તોયે આવતું કશુંક આડે!
એટલું તો હું તોયે જાણું કે પ્રેમનું છે આ ટાણું!
તારું મન ભલે ના જાણું!
હો રે લજામણી
હો રે હો રે લજામણી, તારો તે ઘૂમટો મેલ,
હો રે હો રે પદમણી, છલકે છો રૂપની હેલ!
રૂપની કો ચન્દની રે તારે તે ઘૂમટે
ને ચિત્તનો ચકોર એને ચ્હાય,
જોને, અંતર મારું આંખોમાં ઊમટે
ત્યાં વચમાં તું વાદળી ન લાય;
હો રે હો રે લજામણી, આઘી અમાસને ઠેલ,
હોરે હોરે પદમણી, પૂનમની ચંદની રેલ!
હેતને હિલ્લોળે શું જોબનનું જોર,
તારી નૈયા છો નાચતી જાય!
હૈયાં ના હાથ રહે એવો છે તોર,
તોય ઝંઝામાં ઝોલાં ખાય;
હો રે હો રે લજામણી, સમદરની સંગાથે ખેલ,
હો રે હો રે પદમણી, માણી લે મોજાની સ્હેલ!
હળવેથી પગલું મેલ
પદમણી, હળવેથી પગલું મેલ!
આજ તારું હૈયું છલકે કે હેલ?
કિયા ડુંગરની આડે ત્યાં દૂરથી
પ્હેલા પરોઢને પ્હોર,
ગમતીલા ગરવા નરવા તે સૂરથી
સુણ્યો મધુરવો મોર?
આજ તારા પગલામાં પ્રગટી ઢેલ!
તારી તે પાનીને જોઈ જોઈને
પોયણી શી શરમાય!
દિલની દાઝેલીની રોઈ રોઈને
કાયા તે શી કરમાય!
આજ તારી રખે રોળાય રંગરેલ!
સૂના સરવરિયે પાણીડે જાતાં
પ્રગટ્યા શું ભવના ભોર?
આછેરા વાયરા અંગ અંગ વાતાં
સપનોના સરક્યા દોર?
આજ એમાં નીરખી નાવલિયાની વ્હેલ?
ઘડૂલિયો
જોને, તારો ઘડૂલિયો વહી જાય,
દૂર એ તો જમુનાના જળમાં લ્હેરાય!
ઘેલી, તું તો ઘાટે રહી જાય,
દૂર એ તો જમુનાના જળમાં લ્હેરાય!
પાંપણ ઢળી ન, તોય નીંદરની રમણા;
આ તે શી આષાઢે ફાગણની ભ્રમણા,
કાજળમાં જુએ તું કેસરનાં સમણાં!
આષાઢી સાંજ જોને, મેહુલે ઘેરાય!
તારો તે જીવ જડ્યો રૂપાને બેડલે,
માયા મેલીને વહ્યો દૂર એને કેડલે;
નીતરે છો રંગ હવે ચૂંદડીને છેડલે,
વેણીનાં ફૂલ છોને વાટે વેરાય!
ઘેલી તું તો ઘાટે રહી જાય,
દૂર એ તો જમુનાના જળમાં લ્હેરાય!
જોને તારો ઘડૂલિયો વહી જાય,
દૂર એ તો જમુનાના જળમાં લ્હેરાય!
પાંપણ ફરકી જાય
જોને, તારી પાંપણ ફરકી જાય!
જેમ હવાને એક હિલ્લોળે
કંપે તરુ-પાંદ,
આભથી ત્યારે ચંદની ઢોળે
પૂર્ણિમાનો ચાંદ;
એમ જો, તારી કીકીઓમાંથી કિરણ સરકી જાય!
વ્હાલપના તવ વેણમાં ગાઈ
રહી છે જેની માયા,
નીલમનીલી નેણમાં છાઈ
સિન્દૂર જેની છાયા;
એવું રખે તારું અધસૂતેલું સોણલું સરકી જાય!
છોને તારી પાંપણ ફરકી જાય!
લટને લ્હેરવું ગમે
તારી તે લટને લ્હેરવું ગમે,
ઘેલા કો હૈયાને ઘેરવું ગમે!
મંદ મંદ વાયુના મનગમતા છંદમાં,
વેણીનાં ફૂલની વ્હેતી સુગંધમાં,
ઠેર ઠેર વ્હાલને વિખેરવું ગમે,
તારી તે લટને લ્હેરવું ગમે!
એનું તે ઘેન કોઈ નેનમાં છવાય છે,
તો ભોળું રે કોઈનું ભીતર ઘવાય છે;
એ સૌ ઊલટભેર હેરવું ગમે,
તારી તે લટને લ્હેરવું ગમે!
ઘૂમે પવન
આજ ઘેલો ઘેલો તે કંઈ ઘૂમે પવન,
એની લ્હેરમાં લ્હેરાય ગોરી, તારું ગવન!
તારા તે છેડલાને છેડી વહી જાય છે,
ઘૂમરાતો ઘેરમાં તોયે રહી જાય છે;
ધીરેથી કાનમાં આવી કહી જાય છે
તારા તે કાળજાનું શુંયે કવન!
આખુંયે અંગ તારું અદકું હેરાય છે,
મારી આંખોનું અજવાળું એમાં ઘેરાય છે;
ચંદા ને સૂરજનું નૂર જે વેરાય છે,
એમાં અંજાય મારા મનનું ભવન!
વેણ બોલે તો
વેણ બોલે તો –
ભરવસંતે કોયલની જેમ ટહુકો મેલી
તું બોલજે રે!
શીદને પછી જગની કુંજે
ઢૂંઢવી મારે મંજરીમોરતી ડાળે,
છૂપી છૂપી પલ્લવપુંજે
કૂજતી કોઈ કોયલને રસમાળે?
નેણ ખોલે તો –
અમાસરાતે તારલાની જેમ તેજ રેલી
તું ખોલજે રે!
શીદને પછી નભની શેરી
ઢૂંઢવી મારે પ્રાણ પસારી પાંખો,
તારલાને તેજ, અંધારઘેરી
મેઘલી રાતે, આંજવાને મુજ આંખો?
તવ નામ
નિરંતર અંતરમાં તવ નામ,
જાઉં નહીં અવ સ્વર્ગધામ ને ગાઉં નહીં અવ સામ!
એને તાલ તરંગિત ડોલે સ્વર્ગગંગાનાં પાણી,
એને સ્વર પડઘાતી બોલે વેદઋચાની વાણી;
અવર હવે એકે અક્ષરનું મારે તે નહીં કામ!
દૂર થકી તું દૂર હશે વા પાસ થકીયે પાસે,
પણ એનું બસ રટણ થશે મુજ અંતિમ શ્વાસોચ્છ્વાસે;
એ અમૃત પર મૃત્યુ મ્હોશે, રાધાશું ઘનશ્યામ!
આવ, સખી, આવ
આવ, સખી, આવ,
વહી જશું ધીરે ધીરે,
મિલનની નાવ,
વિરહને તીરે તીરે!
હો વેળુથી વેરાન બેઉ તટે
વૈશાખની અગનછટા,
વા પૂરથી પાગલ જલપટે
આષાઢની સઘન ઘટા;
ધૂપ હો વા છાંવ,
સહી જશું નત શિરે;
મિલનની નાવ
વહી જશું ધીરે ધીરે!
સપનતરી
મારી સપનતરી,
તારા સૂરના સાગરજલ પરે શી જાય છે સરી!
તરણી એવી તરલરંગી,
ધરણીના નથી આરા,
ક્યારેક એના થાય છે સંગી
આભના કોઈક તારા;
એમાં ચિરપ્રવાસે પાગલ મારા પ્રાણની પરી!
તારે દીપક બળતી દીઠી
ધૂસર ધૂમ ને લાય,
તારે મલ્હાર ઢળતી દીઠી
ગાઢ આષાઢની છાંય;
તારા રાગવિરાગના દેશવિદેશે રહી છે ફરી,
મારી સપનતરી!
પૂનમને ક્હેજો
પૂનમને ક્હેજો કે પાછી ના જાય,
ઊગી ઊગીને આમ આછી ના થાય!
આંખોનાં અજવાળાં ઘેરીને ઘૂમટે
ઝૂકેલી બીજને ઝરૂખડે,
ઉઘાડે છોગ આજ છલકંતા ઊમટે
રૂપના અંબાર એને મુખડે,
સોળે કળાએ એની પ્રગટી છે કાય!
પૂનમને ક્હેજો કે પાછી ના જાય!
માને ના એક મારી આટલી શી વાતને
તોય ભલે, આજે તો નીતરે!
આવતી અમાસની અંધારી રાતને
ચંદનથી ચારકોર ચીતરે,
આંખડીને એવાં અજવાળિયાં પાય;
ઊગી ઊગીને ભલે આછી તો થાય,
પૂનમને ક્હેજો કે પાછી છો જાય!
પૂનમ રાતની વેળા
તે દી પૂનમ રાતની વેળા,
આપણે ભેળાં, પ્રીતશું બબ્બે પાવા બજાવી,
સારી સીમ ગજાવી!
ચંદન શી મધુચંદની ઝરી
આભને તે ચાર આરે,
જુગ ગયો જાણે પલમાં સરી
આપણા સૂરની ધારે;
તે દી અધરે અધર રસી,
હેતમાં હસી, તેં ચંદાની આંખ શી લજાવી!
આજ અમાસને એકલપથે
ક્યાંય કળાય ન દિશા,
આજ ગાવા મુજ મન મથે,
રે મૌનથી વ્યાકુલ નિશા;
તે દી તો બે મનના મેળા,
આજુની વેળા, મેં તો એના સ્મરણે સજાવી!
કોને કાજ?
સવાર ને સાંજ,
ભૂલી ભૂલી ભમું કોને કાજ?
ઉષાને ઉંબર જેનો ઊડે છે ગુલાલ,
સંધ્યાને સમીર જેનું વહી જતું વ્હાલ,
જાણું નહીં એવું કોઈ –
આવશે કે આવશે ન આજ?
આજ અને કાલ મહીં દિન વહી જાય,
હવે તો આ જીવમાંયે જીવ નહીં માય;
ઘેલી ઘેલી રાહ જોઈ –
રહું, મેલી ભય, મેલી લાજ!
સ્મૃતિ
સખી, તવ સ્નેહની રે સ્મૃતિ,
આયુષ્યનાં એકાંતોની એ તો અલંકૃતિ!
વિજનમાં ગુંજતું જ્યાં વિહંગનું ગાન,
સૂર થકી મ્હેકી ઊઠે સારુંયે વેરાન;
સૂરે સૂરે સુણી રહું તવ કલશ્રુતિ!
અંધકારે અઘોર શી અમાસની રેણ,
ટમટમટમ ત્યારે તારલાને નેણ
નિરંતર ન્યાળું તવ અંતરની ધૃતિ!
બે પછીના બપ્પોરે
બે પછીના બપ્પોરે,
‘આવીશ’ કહી, પ્રિય, આવી નહીં
તું જોવનાઈને જોરે!
બે પછીના બપ્પોરે!
બે પછીના બપ્પોરે,
પળપળ જે આ કાળ જતો વહી,
એને કહ્યું મેં : ‘થંભી જા અહીં!’
ના બંધાયો દોરે!
બે પછીના બપ્પોરે!
બે પછીના બપ્પોરે,
પગરવ સુણીને જોયું મેં જહીં,
હવા હલેતી લહરાતી લહી,
કોડભરી કલશોરે!
બે પછીના બપ્પોરે!
બે પછીના બપ્પોરે,
મુજ હૃદયેથી લાલી ગ્રહી ગ્રહી,
રંગ ફૂટ્યા અંતે શું રહી રહી,
ત્યાં સંધ્યાની કોરે!
બે પછીના બપ્પોરે!
બોલો!
બોલો!
સખે, કુંઠિત કંઠ ખોલો!
અરધે અધૂરું
મેલ્યું, હવે શું કરશો ન પૂરું?
શું શબ્દથી મૌન વિશેષ તોલો?
સ્વરહીરદોરે,
હિંડોલિયો સ્હેજ પ્રભાતપ્હોરે
એ સ્તબ્ધ હાવાં હિયનો હિંડોલો!
એ ગીતગોપી
રાસે રમાડો, વ્રજકુંજ લોપી
આ કૃષ્ણશો કાળ જતો અમોલો!
મનમૂગાની પ્રીત
મારી મનમૂગાની પ્રીત,
એને ક્્હેવી તે કઈ રીત?
લાગણીએ લખવાર ઠેલી રે
ભીતરની સૌ ભાંગીતૂટી વાણ,
લજ્જાએ પણ લાજ મેલી રે,
અબોલ તોયે અધર, જાણે પ્હાણ!
ગવાયું એકેય રે ના ગીત!
છવાયું મૌન મારે ચિત્ત!
ઝરણની મેં જોઈ છે લીલા,
કાલાઘેલા બોલથી માગે માગ;
વચમાં આડી જો આવતી શિલા,
તો ઘૂંટાય ઘેરો મધુર એનો રાગ;
જોઈ જોઈને એની જીત,
ફરી ના ફરકે મારું સ્મિત!
સોહાગીરાજ!
મ્હોરી આંબલિયાની ડાળે,
એ મંજરી લાવો, સોહાગીરાજ!
સૂના સરવરિયાની પાળે,
એ મંજરી લાવો, સોહાગીરાજ!
પૂનમની ચંદનીને અજવાળે ચમકે,
વાસંતી વાયરાને તાલેતાલ ઠમકે,
છૂપી છૂપી કોકિલની વાતોમાં મલકે;
ફોરી જે ફાગણની ફાળે,
એ મંજરી લાવો, સોહાગીરાજ!
મોરી આંબલિયાની ડાળે,
એ મંજરી લાવો, સોહાગીરાજ!
પોપચાની પછવાડે નીંદરતી નેણમાં,
કે ઉરને ઉચાટ કોઈ કરગરતા કે’ણમાં,
મ્હેક મ્હેક મ્હેકી જે વ્હાલપના વેણમાં,
મોરી જે અંતરની ડાળે,
એ મંજરી લાવો, સોહાગીરાજ!
સૂના સરવરિયાની પાળે,
એ મંજરી લાવો, સોહાગીરાજ!
જે કંઈ હસતું
જે કંઈ હસતું આ મુજ મનમાં,
એ જઈ વસતું રે વનવનમાં!
પ્રીતિનો પંચમ જઈ ઝૂલે
કોકિલાને માળે,
લજ્જાની લાલપ જઈ ખૂલે
કેસૂડાંની ડાળે;
ને ર્હેતી સૌરભ મુગ્ધસ્વપનમાં
એ વ્હેતી જઈ મલયપવનમાં!
પ્રિય હે, વિલસો વસંતહાસે,
અશ્રુજલ રે લૂછો!
જાઓ, જરી એ સૌની પાસે,
ક્હેશે જઈને પૂછો
કે જે હસતું રે પ્રિયજનમાં
એ સૌ વસતું શું ન કવનમાં?
વસંતરંગ
વસંતરંગ લાગ્યો!
કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો!
ડાળેડાળ કળીઓ શું જોબનમાં ઝોલતી,
આંબાની મોરેલી મંજરીઓ ડોલતી,
કોયલ શી અંતરની આરતને ખોલતી!
વાયરાની વેણુમાં મત્ત રાગ વાગ્યો!
પગની પાનીએ રંગ મેંદીનો રેલતી,
કાને કેસૂડાંનાં કુંડળ બે મેલતી,
કુંજમાં અકેલ કોણ ફાગનૃત્ય ખેલતી?
મેં કોના તે રાગમાં વિરાગયાગ ત્યાગ્યો?
વસંતરંગ લાગ્યો!
વસંતવેણુ
આજ વસંતવેણુ વાઈ રહી,
મારે ઉર ઉદાસી છાઈ રહી!
પલાશપિયુના નવપરિચયમાં,
મલયલહર શી મંજુલ લયમાં
લલિત રાગિણી ગાઈ રહી;
મારે ઉર ઉદાસી છાઈ રહી!
ગુનગુન ધૂનમાં અલિદલ ગુંજે,
કલિકલિ એને કાનનકુંજે
અમ્રિત રસ જ્યાં પાઈ રહી;
મારે ઉર ઉદાસી છાઈ રહી!
વસંત ગૈ રે વીતી
વસંત ગૈ રે વીતી!
ક્યાં છે કોકિલની કલગીતિ?
હિમાદ્રિને હિમહિંડોલે
મલયપવન જૈ પોઢ્યો;
ડાલડાલ રે અવ નહીં ડોલે,
અગનઅંચળો ઓઢ્યો;
ક્યાં છે પલાશની ફૂલપ્રીતિ?
ઊડે અબીલગુલાલ નહીં,
નહીં રંગરંગની ઝારી;
નભની નીલનિકુંજ મહીં
રે નહીં કેસરની ક્યારી;
રે અવ ધૂળે ધૂસર ક્ષિતિ!
આષાઢ આયો
રે આજ આષાઢ આયો,
મેં નેણનાં નીરમાં મનનો તે માઢ ગાયો!
દૂરને દખ્ખણ મીટ માંડીને
મોરલે નાંખી ટ્હેલ,
વાદળી સાગરસેજ છાંડીને
વરસી હેતની હેલ;
એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો!
મેઘવીણાને કોમલ તારે
મેલ્યાં વીજલ નૂર,
મેહુલાએ ત્યાં જલની ધારે
રેલ્યા મલ્હારસૂર;
એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો!
જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો,
સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો
મને, ન લાગ્યો રંગ;
એ સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો!
આપણે રે પ્રિય, સામસામે તીર,
ક્યારે ય નહીં મિલાપ;
ગાશે જીવનજમુનાનાં નીર
વિરહનો જ વિલાપ?
રે આયો આષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો!
બિરહમાં બાઢ લાયો!
રે આજ આષાઢ આયો!