અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/આંખો અટવાણી
Revision as of 05:15, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
આંખો અટવાણી
મનસુખલાલ ઝવેરી
આંખો અટવાણી જ્યારે વનની વનરાઈમાં ને
ગિરિવર ઘેરીને ઊભા આભને, હો જી.
શિખરો ખોવાણાં એનાં વાદળના વૃન્દમાં ને,
ખીણો ખોવાણી આછી ધુમ્મસે હો જી.
ઝરમર ઝીલંતી ઝીણી જલની ઝંકોર જ્યારે,
સાચીયે સૃષ્ટિ ભાસી સોણલું, હો જી.
નાનકડું મારું જ્યારે મનડું ખોવાણું એમાં
જગ રે ખોવાણુ જ્યારે સામટું, હો જી.
સાંપડિયો ત્યારે મારા આતમનો સાહ્યબો ને,
થળથળ ઘેરી એ ઊભો આંખડી, હો જી.
ફૂલડાંની ફોરે એ તો ઘંટડે ઘૂંટાણો મારે,
રહ્યું જી પછી તો શું રે શોધવું, હો જી?