અંતિમ કાવ્યો

From Ekatra Wiki
Revision as of 09:18, 9 August 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


Antimkavyo.png


અંતિમકાવ્યો

નિરંજન ભગત


મારું હોવું

મારું હોવું શું હવે તમને નડી રહ્યું ?
તમારું મન હવે સતત એની સાથે લડી રહ્યું ?

સાથે હતા ત્યારે તો એ બહુ બહુ ગમતું’તું,
તમારા મનમાં તો એ ક્ષણે ક્ષણે રમતું’તું;
હવે તમારું એ શૂન્ય મન શા શા ઘાટ ઘડી રહ્યું ?

સાથે નથી ત્યારે મારું હોવું કૈં ટળશે નહિ,
હોવું ન હોવું એમાં તમારું કૈં વળશે નહિ;
તમારી આ દ્વિધા જાણી તમારું મન શું રડી રહ્યું ?

સપ્ટેમ્બર, ૨૦૧૨
 

નિકટ – દૂર

સ્ત્રી: આપણે પરસ્પરથી અત્યંત નિકટ થવું નથી.
પુરુષ: તો આપણે પરસ્પરથી અત્યંત દૂર પણ જવું નથી.
સ્ત્રી: અત્યંત નિકટ થવામાં ક્યારેક મને ભય થાય,
          તમારા વ્યક્તિત્વમાં જ રખે મારા અસ્તિત્વનો લય થાય !
પુરુષ: અત્યંત દૂર જવામાં ક્યારેક મનેય ભય થાય,
          આપણી પરસ્પર જે આત્મીયતા રખે એનો ક્ષય થાય !
સ્ત્રી: અત્યંત નિકટ નહિ થવું ને અત્યંત દૂર નહિ જવું.
પુરુષ: સમુદ્રમાં હોય જેવું બે નૌકાનું સાથે સાથે વહી જવું.

૨૦૧૩
 

હવે

આ મારો હાથ તમારા હાથ સાથે હળ્યો,
હવે શું દૂર ? શું પાસે ? જ્યાં પ્રાણ પ્રાણમાં ઢળ્યો.

હવે આ પ્રેમ તે પ્રેમની પારનો પ્રેમ,
નહિ નામ ને રૂપ, હવે હેમનું હેમ;
હવે શું વાણી ? શું વાદ ? જ્યાં શ્વાસ શ્વાસમાં ભળ્યો.

હવે હું નહિ, તું નહિ, હતું તે સૌ ગયું,
કશું ન્હોતું ત્યારે જેમ હતું તેમ થયું;
હવે શું જન્મ ? શું મૃત્યુ ? જ્યાં અંત આદિમ ફળ્યો.

માર્ચ, ૨૦૧૩
 

સત્યાશીયે

વર્ષોનાં મારાં કર્મોને આજે એકસાથે સ્મરી રહું,
ત્યારે સંકલ્પોની ફૂલીફાલી સૃષ્ટિમાં હું સરી રહું.

હે અગ્નિ ! તમે મારા અણુઅણુમાં વસ્યા,
ક્ષણેક્ષણ તમે મારા શ્વાસેશ્વાસે શ્વસ્યા;
એમાં મારા ચૈતન્ય સ્વરૂપને હું સાક્ષાત્ કરી રહું.

હે અગ્નિ ! તમે બીજપ્રક્ષેપો કર્યાં કર્યાં,
ને સૌ સંકલ્પો ને કર્મો રૂપે ફળ્યાં કર્યાં;
એ નિષ્કામ, નિર્લેપ કર્મોનું ધ્યાન આજે ધરી રહું.

હે અગ્નિ ! મારો દેહ ભસ્મમાં ભળી જાય,
ને મારું ચૈતન્ય ચૈતન્યમાં મળી જાય;
તમારી સહાય પ્રાર્થું કે હું એવું મૃત્યુ વરી રહું.

૧૮ મે ૨૦૧૩
 

ભસ્મ રૂપે

હવે તમે કહો છો, ‘ક્યારેક મળશું !’
વર્ષો લગી પરસ્પરથી દૂર ગયા, હવે પાછા વળશું ?

વર્ષો પૂર્વે મળ્યા ત્યારે કેવું મળ્યા હતા,
તમે સહી શક્યા નહિ એવું હળ્યા હતા;
તમે કહ્યું, ‘હવેથી મળશું નહિ, આમ ક્યાં લગી બળશું ?’

આયુષ્યનો અંત હવે બહુ દૂર નથી,
મૃત્યુ આપણે માનીએ એવું ક્રૂર નથી;
ક્યારેક મળશું, પણ સદેહે નહિ, ભસ્મરૂપે ભળશું.

જુલાઈ, ૨૦૧૩
 

નર્યા ને નર્યા

વર્ષોનાં વર્ષો પછી આપણે પાછા ફર્યા,
વચમાં વર્ષોનાં વર્ષો આપણે સ્વેચ્છાએ વિરહને વર્યા.

વિરહમાંયે આપણું મન ભર્યું ભર્યું હતું,
બારે માસ જાણે વસંત હોય એમ થતું,
પરસ્પરનો સંગ ન’તો તોયે કેટકેટલા રંગ ધર્યા.

આપણે જ્યાંથી આરંભ કર્યો અંતે ત્યાં જ મળ્યા,
વિરહનાં વર્ષો એવાં તો ફૂલ્યાં, ફાલ્યાં ને ફળ્યાં,
વર્ષોનાં વર્ષો પૂર્વે હતાં એવાં આજે જાણે નર્યાં ને નર્યાં.

જુલાઈ, ૨૦૧૩
 

ઈશાવાસ્ય

કેટકેટલું રુદન ને કેટકેટલું હાસ્ય,
કેટકેટલું તાંડવ ને કેટકેટલું લાસ્ય.

આપણાં એ વર્ષો, જીર્ણ એમનો ન અંત;
કાળ જાણે થંભ્યો અને આપણે અનંત;
એ વર્ષોમાં જાણે ન કોઈ દૈન્ય, ન કોઈ હાસ્ય.

એ સૌ હવે સ્મૃતિમાં છે, ક્યાંય નથી ગયું;
સીમ તે અસીમ, રૂપ તે અરૂપ થયું;
એ જગત્યાં જગત્ તો હવે આપણું ઈશાવાસ્ય.

જાન્યુઆરી, ૨૦૧૩
 

નિર્વેદ

આપણો વિરહ એ વિચ્છેદ નથી,
એથી સ્તો આપણને એનો કોઈ ખેદ નથી.

મિલનમાં તો દેહનું અંતરપટ નડતું,
વિરહના અવકાશમાં કશું નથી અડતું;
મિલન ને વિરહમાં એટલો શું ભેદ નથી ?

છતાં કદાચ ક્યારેક ક્યાંક મિલન જો થશે,
એથી હરખ કે શોક જેવું કશું નહિ હશે;
હવે શું આપણા બેમાં એટલો નિર્વેદ નથી ?

જાન્યુઆરી, ૨૦૧૩
 

આવજો

જ્યારે જ્યારે તમારું મન માને ત્યારે આવજો !
આવો ત્યારે ‘આવું છું’ એવું કશું યે ના ક્હાવજો !

વર્ષો લગી મળતા’તા મળજો એ રીતે,
મારી સાથે હળતા’તા હળજો એ પ્રીતે;
મનમાં જે હોય તે ક્હેજો, મનને ના તાવજો !

હું તો તમને દેહ-મનથી વરી હતી,
વિધાતાની વક્રતા તે પાછી ફરી હતી;
હવે પછી આ વાત મનમાં કદી ના લાવજો !

માર્ચ, ૨૦૧૪
 

અઠ્ઠયાશીમે

આયુષ્યના અઠ્ઠયાશી વર્ષો ગયાં, સૌ હેમખેમ ગયાં,
હે અગ્નિ, તમે મારા અણુઅણુમાં છો, તમે જાણો છો એમ કેમ ગયાં.

હે અગ્નિ, મને મોહ કે લોભ થયો ત્યાં તો તમે મને ટોક્યો,
હજૂ તો હું કુમાર્ગે ગયો ન ગયો ત્યાં તો તમે મને રોક્યો,
એથી સૌ વર્ષો જેમ બિન્દુથી બિન્દુ પ્રતિ સીધી રેખા જાય તેમ ગયાં.

હે અગ્નિ, હવે પછી પદે પદે મારી પરે ધ્યાન ધરજો,
અંતકાળે હું કહી શકું એમ કરુણાનું દાન કરજો
કે મારાં સૌ વર્ષો જેમ આદિથી આદિ પ્રતિ વર્તુલ જાય એમ ગયાં.

૧૮ મે, ૨૦૧૪
 

નામ નથી

આપણી વચ્ચે જે સંબંધ છે એનું કોઈ નામ નથી,
એ તો બાવન બાહેરો છે, વાણીનું કોઈ કામ નથી.

એને કોઈ રૂપ નથી, આંખથી એ ન જોઈ શકાય,
એના ઘાટ ઘડ્યા નથી, એને ક્યાંય ન પ્રોઈ શકાય;
એ તો નિર્ગુણ છે, એને કોઈ અર્થ, કોઈ કામ નથી.

એની સાથે તુલનામાં સુવર્ણનો કોઈ તોલ નથી,
હીરા, મોતી ને માણેક એના જેવા અણમોલ નથી;
એના મૂલ્યાંકન માટે કોઈ તોલા, કોઈ ગ્રામ નથી.

જુલાઈ, ૨૦૧૪
 

હવેથી હું તમને નહિ ચહું

તમે કહો છો, ‘હવેથી હું તમને નહિ ચહું’,
ભલે ! પણ ‘હવેથી હું તમને નહિ ચહું’ એવું હું નહિ કહું.

એથી આપણો આ પરસ્પરનો પ્રેમ કદી મરશે નહિ,
ને તો પછી તમે જે કંઈ ક્હેશો એનો અર્થ સરશે નહિ;
હું તમને ચાહ્યા જ કરીશ એથી હું તો એકલતા નહિ સહું.

જેને કદી ન ચાહ્યું હોય એને પછી ચાહવું સોહ્યલું છે,
જેને સદા ચાહ્યું હોય એને પછી ન ચાહવું દોહ્યલું છે;
ચાહવું કે ન ચાહવું એવી દ્વિધામાં હું તો ક્યારેય નહિ રહું.

જાન્યુઆરી, ૨૦૧૫