અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક અરાલવાળા/કાંકરિયાની શરત્પૂર્ણિમા

From Ekatra Wiki
Revision as of 06:15, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


કાંકરિયાની શરત્પૂર્ણિમા

રમણીક અરાલવાળા

         માથે મેલી શરદશશીની ગોરસી ઘેલી ઘેલી,
         રેલાવંતી સભર ભુવને મસ્ત આનંદહેલી,
         તારાટીકી જડિત ધરીને કાંચળી કૌમુદીની,
         પૂર્ણિમામાં પ્રકૃતિ રમતી ગૌર ગોવાલણી-શી!

મેલીને મુક્ત હૈયું મધુર બજવતો મોરલી મર્મરોની,
ગાયો ને વાછડાં-શાં પળ ઘડી પ્રહરો વાળી લૈ વર્તમાને,
ઓઢીને આભ કેરી ક્ષિતિજ ઝૂલભરી કામળી ક્‌હાન જેવો
સ્થંભ્યો છે સ્તબ્ધ થૈને અનિમિષ નયને કાળ સૌન્દર્યમુગ્ધ.

         આખો દ્હાડો અવિરત શ્રમે યંત્રમાં આથડીને,
         સૂતેલી આ નગરી શિરપે આશિષે ઊંચકેલા
         આબાદીના અભય કરની અંગુલિઓ-શી ઊભી
         સૌમ્ય જ્યોતે સ્વરૂપ પલટી મિલની ચીમનીઓ.

અને છે સ્વસ્થ સૂતેલું
         કાંઠા તણા દીપ-પ્રકાશ વર્તુલે,
સોનાના કાંગરાવાળા,
         ચાંદી તણા થાળ સમું તળાવ આ.

પ્રબલ મદનવેગે ઊંચી નીચી થનારી
હરનિશ દુખિયારી ખંડિતા યૌવના-શી,
વટ તરુવર નીચે તીર પેલે સૂતેલી,
સહચર સ્મરતી ઓ નાવડી નાંગરેલી.

ધોવાતા હેમપાત્રે વિમલ પય મહીં રૂપિયા-શા રૂપાળા
ગાઢ જ્યોત્સ્ના રસેલા સરવર-સલિલે રાજતા રમ્ય તારા;
કાંઠાની દીપમાલા જલ મહીં દીસતી વર્તુલે શું ઊભેલી
પાતાળેથી પધારી શશી સહ રમવા નાગકન્યાની ટોળી!

અંબોડે યૌવનાના અડપલું કરતા છેલ-શો વાયુ વાતો,
વાડીની પુષ્પગૂંથી અલકલટ સમી લ્હેરતી આ લતાઓ,
આરંભે ત્યાં અનેરી સહિયર સરખી રાસ ડોલંતી ચાલે
સોનેરી ઓઢણીઓ ઊડી ઊડી કરતી લાડ ત્યાં ચંદ્રમાને.

         અહો સુધાસિંધુ તણે હિંડોલે
         ઝૂલી રહ્યો છે અવકાશ આખો,
         ને આવતા ચિંતનવાયુઝોલે
         મારો ઝૂલે અંતરનો તરાપો

યુગ યુગ થયાં જન્મું, જીવું, મરું જનમું વળી,
અકલ ઊપન્યાં બ્રહ્માંડોનો કિરીટ હું માનવી;
અયુત ડગલાં આગે કૂચે ભર્યાં ન ભર્યાં સમાં,
પ્રકૃતિવિભવો ન્યાળી મારે કહીં લગી રાચવાં?

(પ્રતીક્ષા, ૧૯૪૧, પૃ. ૧૦૧-૧૦૨)