ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/‘ભરતેશ્વરબાહુબલિ-ઘોર’

From Ekatra Wiki
Revision as of 10:32, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘ભરતેશ્વરબાહુબલિ-ઘોર’ : વજ્રસેનસૂરિની ચોપાઈનાં ૨ ચરણ અને દુહાનું ૧ ચરણ મળી થયેલા ત્રિપદી અને સોરઠાના કાવ્યબંધવાળી ૪૮ કડીની આ રાસકૃતિ(મુ.) ગુજરાતી સાહિત્યની અત્યારે ઉપલબ્ધ કૃતિઓમાં સૌથી પ્રાચીન ગણાય છે. જો કે કૃતિમાં એનો રચનાસમય સ્પષ્ટ રીતે મળતો નથી, પરંતુ કૃતિમાં એક જગ્યાએ કવિ પોતાના ગુરુ દેવસૂરિને પ્રણામ કરે છે. દેવસૂરિનો આયુષ્યકાળ ઈ.સ. ૧૦૮૫થી ઈ.સ.૧૧૭૦ દરમ્યાનનો છે. ગુરુના આયુષ્યકાળ દરમ્યાન કવિએ કૃતિ રચી હોય તો ઈ.સ. ૧૧૭૦ સુધીમાં મોડામાં મોડી તે રચાઈ હશે એમ કહી શકાય. કૃતિની ભાષા ઈ.સ. ૧૧૮૫માં રચાયેલા ‘ભરતેશ્વર બાહુબલિ-રાસ’ની ભાષા કરતાં જૂની છે એ પણ કૃતિની પ્રાચીનતાને સમર્થિત કરે છે. ઋષભદેવના બે પુત્રો ભરત અને બાહુબલિ વચ્ચે થયેલા યુદ્ધનું આલેખન એનો મુખ્ય વિષય હોવાને લીધે કૃતિ વીરરસપ્રધાન છે. જો કે યુદ્ધપ્રસંગને સંક્ષેપમાં આલેખવાને લીધે કૃતિમાં વિશેષ ચમત્કૃતિનો અનુભવ થતો નથી. તો પણ ભરતનું સૈન્ય બાહુબલિના સૈન્ય તરફ આગળ ધસે છે તે વખતનું સૈન્ય વર્ણન કે ભરત અને બાહુબલિના સૈન્યની અથડામણનું જે ચિત્ર કવિ આલેખે છે તેમાં ચમત્કૃતિનો અનુભવ થાય છે.[ભા.વૈ.]