અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/આયુષ્યના અવશેષે: ૫. જીવનવિલય

From Ekatra Wiki
Revision as of 09:33, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


આયુષ્યના અવશેષે: ૫. જીવનવિલય

રાજેન્દ્ર શાહ

અવ હૃદયના શૂન્યે પામી રહ્યો લહું છું લય.
અહીં નહિ હવે સંકલ્પો ને નહીં કંઈ વૃત્તિયે,
તદપિ મુજ કર્મોની પેલી પ્રફુલ્લિત સૃષ્ટિ તે
ચહુ દિશ થકી ગર્જે આદ્યંત જીવનનો જય.

શબદ ઊપન્યો તેવો જોકે શમે, પણ એહના,
અસીમિત જગે વ્યાપી ર્‌હે છે અનંત પ્રતિધ્વનિ.
નહિવત્ બની ર્‌હેતું માટી મહીં, પણ બીજની
તરુવર તણાં પર્ણે કેવી રમે શત એષણા!

જીવનનું જરા આઘે ર્‌હેને કરું અહીં દર્શન,
ઉગમ નહિ વા ન્યાળું કોનાય તે વળી અંતને;
રૂપની રમણા માંહી કોઈ ચિરંતન તત્ત્વને
નીરખું, નિજ આનંદે ર્‌હેતું ધરી પરિવર્તન.

ગહન નિધિ હું, મોજુંયે હું, વળી ઘનવર્ષણ,
અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન.

(સંકલિત કવિતા, પૃ. ૧૨-૧૫)