અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/ગલ, વાયસ

Revision as of 09:44, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)


ગલ, વાયસ

રાજેન્દ્ર શાહ

ગલ, વાયસ; શ્વેત, શ્યામ.
અંભોધિને તટપ્રદેશ રમે ’ભિરામ,
આ સંધિને સમય,
અંચલ શર્વરીનું
ઝીણું, વરેણ્ય કિરણે ગ્રહી લીધ સ્હેજ.
રે બે સલજ્જ ઉરનો મધુપર્ક મેળો!
અંકાય પેલી ક્ષિતિજે અરુણાઈ, કેવું
આનંદની લહરશું પ્રસરંત હેત!
આછો ઉઘાડ સમચિત્તની શાંતિવંત,
પાંખો રમે ધવલ કૃષ્ણ હળીમળીને,
આંહીં વ્યતીત-ભવિતવ્ય મહીં વિહાર
ને સ્વપ્ન — જાગૃત-અવસ્થિતિ એકસંગ!

હું અર્ધ પાંપણ ઢળેલ દૃગો ભરીને
છાયા-પ્રકાશમય વિશ્વ લહું લલામ.
છાયા, પ્રકાશ;
ગલ, વાયસ;
શ્વેત, શ્યામ!