અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/કેવડિયાનો કાંટો (વનવાસીનું ગીત: ૯)
Revision as of 09:47, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
કેવડિયાનો કાંટો (વનવાસીનું ગીત: ૯)
રાજેન્દ્ર શાહ
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.
બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે.
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.
તાવ હોય જો કડો ટાઢિયો
કુવાથ કૂલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ;
રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે.
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.
(સંકલિત કવિતા, પૃ. ૩૧૩)