અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/માણસ

From Ekatra Wiki
Revision as of 10:47, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


માણસ

વેણીભાઈ પુરોહિત

કરવતથી વહેરેલાં
ઝેરણીથી ઝેરેલાં,
કાનસથી છોલેલાં,
તોય અમે લાગણીનાં માણસ.

બોમ બોમ બીડેલાં પંખાળાં સાંબેલાં,
ધણધણ ધુમાડાના
બહેરા ઘોંઘાટ તણી ઘાણીમાં પીલેલાં :
તોય અમે લાવણીનાં માણસ.

ખેતરનાં ડૂંડામાં
લાલ લાલ ગંજેરી,
શ્યામ શ્યામ સોનેરી,
ભડકે ભરખાયલ છે : દાણા દુણાયલ છે :
ઊગવાના ઓરતામાં વણસેલાં કણસેલાં —
તોય અમે વાવણીનાં માણસ.

ભૂખરાં ને જાંબુડિયાં… દૂધિયાં પિરોજાં,
દીઠા ને અણદીઠા દરિયાનાં મોજાં,
માતેલાં મસ્તાનાં ઘૂઘરિયાં સોજાં :
કાંઠેથી મઝધારે
સરગમને સથવારે,
તોય અમે આવણી ને જાવણીનાં માણસ.
ચડતી ને ઊતરતી ભાંજણીનાં માણસ.
કરવતથી…

(આચમન, પૃ. ૩૭)