કાવ્યમંગલા/सत्यं शिवं सुन्दरम्

From Ekatra Wiki
Revision as of 02:36, 22 November 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ)
Jump to navigation Jump to search
सत्यं शिवं सुन्दरम्
(શાર્દૂલવિક્રીડિત)

વિશ્વે વિશ્વ થયાં ખડાં પ્રથમત: આધાર જેનો લઈ,
ને વ્યાપી વિલસી નસેનસ રહ્યો સર્વત્ર જે પ્રાણ શું,
સૃષ્ટિઓ પલટે, મટે, પણ ટકે અંતે બધાને ય જે,
જેનાં બુદબુદ શાં જગત્ વિહરતાં તે સત્યમૂર્તિ પ્રભુ.

વારંવાર સમુદ્ર આ ઉછળતો સંક્ષુબ્ધ, તોફાનના
નાદો ઘોર ચડે નભે. ગડગડાટે વિશ્વ મૂર્છા લહે,
ન્યાળી ચેતનવંત સૌમ્ય નજરે સંઘટ્ટનો વિશ્વનાં,
વા રી વારી મુકે થે શિવતણે કલ્યાણમૂર્તિ પ્રભુ.

ને આ સૃષ્ટિ લસે, હશે પ્રભુતણે સ્પર્શે, કૃપા નીતરે,
ખીલે ત્યાં રસફુલ્લ વાડી ભવની, સ્ત્રોન્દર્યસ્રોતો ઝરી ૧૦
ઠામેઠામ વહે સુકે, કલુષિતે, અંધારઘેરે જઈ,
સ્પર્શી જીવન નવ્ય ભવ્ય પ્રગટે સૌન્દર્યમૂર્તિ પ્રભુ.

સત્યે સ્થાપી, ઉછેરીને શિવ થકી, સૌન્દર્યધારે રસે,
વંદું એ ત્રિવિધે લસંત વિભુને सत्यं शिवं सुन्दरम्

(ઑક્ટોબર,૧૯૩૦)