અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રજારામ રાવળ/નોળવેલ
Revision as of 11:50, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
નોળવેલ
પ્રજારામ રાવળ
તું તો મારી અમૃતમય કૈં વલ્લિ છે નોળવેલ,
છુપાયેલી મુજ હૃદયની ગુપ્ત ઊંડી ગુહામાં
ના, ના, તારી સમય વધતાં શક્તિ કૈં ક્ષીણ થાય :
નિત્યે તાજી; દિવસ દિવસે વર્ધતી શક્તિ, ન્યારી!
આંહીં મારે સતત લડવો ક્રુદ્ધ સંસારસર્પ :
કેવી એની તરલ ગતિ, કેવો વળી ઉગ્ર દર્પ!
એની આંખો ચપલ ચૂકવાયે ન; ડોલે ફણા શી!
ડંખાઈને પુનરપિ પુન : સૂંઘવી નોળવેલ!
જેણે સર્જ્યો પ્રબળ, લડવા ઘોર સંસારસર્પ;
તેણે સર્જી અમૃતમય આ અંતરે નોળવેલ!
ડંખાઈને પુનરપિ પુનઃ, સૂંઘીને નોળવેલ,
પાછું યુદ્ધે સતત મચવું; જીતવું ના જ સ્હેલ!
ઢીલી થાતી સરપ તણી આ શક્તિ, એ ના અખૂટ!
પૂરી થાશે લડત હમણાં; — પીઉં પીયૂષઘूંટ!
(પદ્મા, પૃ. ૧૩૨)