અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રજારામ રાવળ/શિશિર
Revision as of 11:51, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
શિશિર
પ્રજારામ રાવળ
ખરખર ખરે
પાનખર-પર્ણ
ઝરમર ઝરે.
શિશિરની શીત લહર જરી વાય,
વૃક્ષની કાય,
જીર્ણ અતિ, પત્ર પત્ર થર્થરે!
પીત અતિ શુષ્ક
ખડખડે રુક્ષ
વૃક્ષથી ખરે,
હવામાં તરે,
ધીમેથી ધરતી પર ઊતરે.
એક પછી એક
ઝરંત અનેક
પત્રનો તંત
વહંત અનંત
ઊઘડે તરુવર કેરી કાય
ચીવરે પીત ધરા ઢંકાય,
વૃક્ષ નિજ રૂપ ધરંતું નગ્ન
પીત ચીવરમાં ધરતી મગ્ન
બેઉ તપ તપે
પંખી પંખીની સોડે લપે.
(પદ્મા, પૃ. ૪૧)