અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/માણસ છે!

Revision as of 08:55, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
માણસ છે!

જયન્ત પાઠક

રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે;
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે!

પહાડથી એ કઠ્ઠણ મક્કમ માણસ છે!
દડ દડ દડ દડ દડી પડે ભૈ, માણસ છે!

ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે!
ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે!

સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે!
ભરબપ્પોરે ઢળી પડે ભૈ, માણસ છે!

પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે!
ટાણે ખોટ્યું પડી, પડે ભૈ, માણસ છે!

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૪)