સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિઠ્ઠલરાવ ઘાટે/એક ઇતિહાસસંશોધક

Revision as of 11:22, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


થોડા દિવસ પહેલાં મારે કંઈક કામ માટે ... ગામે જવું પડ્યું. ઇતિહાસસંશોધનના કામમાં અનેક વર્ષોથી વ્યસ્ત એક વૃદ્ધ કાકા આ ગામમાં રહે છે એ હું જાણતો હતો. મારું કામ પૂરું થયા પછી હું સીધો એ કાકાના ઘર તરફ વળ્યો. બપોરનો સમય હતો. મેં અંદર ડોકાઈને જોયું. કાકા એક જીર્ણ શેતરંજી પર ઉઘાડા ડિલે બેઠા હતા. પાછળ લાલ રંગનો એક તકિયો હતો. સામે પચાસ-પોણોસો પાનનાં બીડાં પડ્યાં હતાં. પાસે પાનસોપારીનો ડબો હતો. કાકા ખરલમાં બીડું ખાંડતા હતા. હાથ ખાંડવાનું કામ કરતા હતા, પણ ધ્યાન બધું સામે લાંબે સુધી ફેલાયેલા જૂના પીળા ઉજ્જૈની કાગળ પર હતું. મેં એમ જ આગળ જઈને નમસ્કાર કર્યા. કાકાએ મારકણી ભેંશની જેમ ઊચું જોયું. તેમને હાંકી કાઢવાનો સમય ન દેતાં મેં કહ્યું, “હું તમને મળવા આવ્યો છું. આપણને એકબીજાનો પરિચય નથી. મને ઇતિહાસમાં થોડોઘણો રસ છે. તમારા કેટલાક ગ્રંથ પણ ઉથલાવ્યા છે. અહીં કામ માટે આવ્યો હતો, થયું મળી આવું.” કાકા બુલંદ અવાજે બોલ્યા, “એમ કે? બહારથી આવ્યા છો? આવો, આવો, બેસો અહીં. પાનબાન ખાઓ છો? ના? ઠીક ભાઈ. અમને આના વગર ચાલે નહીં. આ મારું અફીણ જ થઈ ગયું છે.” બીતો બીતો હું કાકાની સામે શેતરંજીના એક ખૂણે બેઠો અને ઓરડામાં ફરતી નજર નાખી. જ્યાં જુઓ ત્યાં એક પર એક રચેલા કાગળપત્રોનાં પોટલાંના ઢગલા! કાકાની બાજુમાં કેટલાક પીળા પડી ગયેલા કાગળ પડ્યા હતા. પાસે જ થોડાંક અંગ્રેજી-મરાઠી પુસ્તકો હતાં. ત્યાં જ બરુની કલમો, ખડિયા અને કેટલાક હાથીછાપ કોરા કાગળો હતા. બધો જ ભૂતકાળ! તે ત્રણચાર-સો વર્ષના જૂના ઓરડામાં એંશી વર્ષના એ કાકા સેંકડો વર્ષ પહેલાંના કાગળપત્રોનાં પોટલાંના ઢગલા વચ્ચે જૂનો પેશવાઈ ખડિયો પાસે રાખીને જૂની ખરલમાં પાનનું બીડું ખાંડતા હતા. વર્તમાનકાળે—વીસમી સદીએ—તે ઓરડામાં પ્રવેશ કર્યો નહોતો. મેં સામેની ભીંત તરફ જોયું. શિવાજી મહારાજ અને મોટા માધવરાવસાહેબની છબીઓ ભીંત પર ટાંગેલી હતી. મને ભીંત તરફ તાકતો જોઈને ખરલમાંના પાનનો એક ફાકડો ભરીને કાકા બોલ્યા, “બસ, બે જ માણસો. મહારાજ અને મોટા માધવરાવ એટલે જ મરાઠાશાહી. હજી માધવરાવની યોગ્યતા તમને લોકોને સમજાવાની બાકી છે. થોડા દિવસ જીવવા દો, એટલે દેખાશે તમને ગંમત.” મેં કહ્યું, “તમારા હજી કેટલા ભાગ બહાર પડશે? ૧૮૫૮ સુધી લઈ જશો કે?” કાકા બોલ્યા, “કેટલા ભાગ બહાર પડશે? અરે અનંત. તેમને કાંઈ મર્યાદા છે કે? અહીં આવો; આ ઓરડામાં જુઓ.” મેં બાજુના ઓરડામાં ડોકાઈને જોયું. જૂનાં પોટલાંથી ઓરડો ખીચોખીચ ભરેલો હતો. પોટલાં છતને અડતાં હતાં. વૃદ્ધ કાકા બોલ્યા, “જોયાં ને આ પોટલાં? આટલાં હજી વાંચવાનાં છે. તેમની તિથિઓ મેળવવી જોઈએ, નકલો ઉતારવી જોઈએ, વર્ગીકરણ કરવું જોઈએ, ખુલાસાની નોંધો લખવી જોઈએ. કેટલા ભાગ થશે, કહો?” “પણ.... પણ...” મેં બીતાં બીતાં કહ્યું, “આ કેટલા દિવસ ચાલશે?” કાકા ગંભીરતાથી બોલ્યા, “અરે, મરું ત્યાં સુધી! મરી જાઉં એટલે પત્યું, પૂરું થયું. એમ તો મને પુનર્જન્મ પર વિશ્વાસ છે. ફરી પાછો મારા છત્રપતિના મહારાષ્ટ્રમાં જન્મ લઈશ, ફરી પાછો તમને ગંદા દેખાતા કાગળો છાતીએ વળગાડીને કામ કરીશ.” બોલતાં બોલતાં કાકાએ હળવેથી એક જૂના પોટલા પર પ્રેમથી હાથ ફેરવ્યો, જાણે કે એ તેમનો પૌત્ર જ હોય. કાકા આગળ બોલ્યા, “પણ પુનર્જન્મ સુધી ધીરજ ક્યાંથી રહે? આ જન્મમાં જ થાય તે કામ કરવું જોઈએ. હું હજી એમ કાંઈ પંદર વર્ષ સુધી નહીં જાઉં! લખી આપું છું તમને. જુઓ આ કાંડું. જૂનો જમાનો જોયો છે, રાવ! એમ જ નહીં.” મેં કહ્યું, “પણ કાકા, તમે હવે વૃદ્ધ થયા છો. થોડીક બીજાની મદદ લેવાની હવે. નકલ તો કોઈક પાસે કરાવી લો.” “ના, ના, ના! એ વાત જ નહીં. મદદ? કોની મદદ લઉં? તમારા જેવા જુવાનિયાઓની? રામ રામ કરો. અરે, ફક્ત નકલ કરવા આપો તોયે સત્તર ભૂલો કરશે. ‘હંબીરરાય’ને ‘બહીરરાય’ બનાવશે. ‘મંબાજી’નું ‘લાંબાજી’ કરશે. કાંઈ કહેશો જ નહીં. મારું કામ મારે જ કરવું જોઈએ—બધું મારે જ કરવું જોઈએ. સમય ઓછો રહ્યો છે. દશપંદર વર્ષ જોતજોતામાં વીતી જશે. અમારો નાના કહે છે, ‘હવે આરામ કરો. મંદિરમાં દેવદર્શન માટે, પોથીપુરાણ માટે જાઓ.’ તે છોકરાને શી ખબર, આ જ ઓરડામાં (શિવાજી મહારાજની છબી સામે આંગળી ચીંધીને) મારા દેવ બેઠા છે. આ ઓરડામાં આ મારી પોથીઓ પડી છે. આ અમારા મહારાષ્ટ્રવેદ! હાં હાં હાં! બોલ્યા, દેવધર્મ કરો. શાનો દેવ ને શાનો ધર્મ! અરે, એકાદ ગૂંચવણભર્યા હુકમનામા કે સનદની પાછળ પડું તો બબ્બે દિવસ સ્નાન ને જમવાનુંયે રહી જાય. એક હાથે ધાણી ખાવાની ને બીજા હાથમાં કાગળ. બસ. આમ ચાળીસ વર્ષ આ ઓરડામાં વિતાવ્યાં. તમારા જગતમાં શું ચાલી રહ્યું છે એની કોને પડી છે! તમારું એ મહાયુદ્ધ શરૂ થયા પછી બે વર્ષે તો મને ખબર પડી. અને હમણાં થોડા દિવસ પહેલાં સુધી તો હું માનતો હતો કે તે ચાલુ જ છે હજી. અમારે શું કામ છે તમારી આ નવી ભાંજગડોનું? લડો, વ્યાખ્યાનો આપો, મરો! જે કરવું હોય તે કરો! અમારું આખું જીવન પેશવાઈમાં ચાલે છે. પેશવાઈમાં જ અમે મરશું. ૧૭૯૬ સુધી તો આવી પહોંચ્યો. પછીના તબક્કે પહોંચવાનો પ્રયત્ન ચાલુ છે. પણ ૧૮૧૮ સુધી પહોંચવું મુશ્કેલ છે. વચ્ચે જ ઘોડા દગો દેશે. વસઈ સુધી પહોંચાય તોયે ઘણું. પછીનો તો શાનો ઇતિહાસ? વસઈમાં જ મરાઠાશાહી ડૂબી!” કાકાને શ્વાસ ચડ્યો. એમણે ફરી શેતરંજી પર આસન જમાવ્યું, બીડું બનાવ્યું, ખરલમાં કૂટ્યું. ફરીથી બીડાંનો ચૂરો મોઢામાં ગયો. કાકા આગળ બોલ્યા, “જીવવું જોઈએ મારે. અરે, તમારું નામ શું? કહ્યું નથી લાગતું હજી. હું પણ ભૂલી ગયોને. ઠીક, જવા દો. શું કહેતો હતો? હં. હું જૂની પેઢીનો છેવટનો રહ્યો છું. મેં નજરોનજર જે જોયું છે તે તમને સપનામાંયે નહીં દેખાય. અરે, પેશવાઈમાં હરતાફરતા માણસો મેં જોયા છે, તેમના મોઢે અનેક વાતો સાંભળી છે. તમે નવા માણસો શું ઇતિહાસ લખવાના? તમારી ભાષા જુદી; રહેણીકરણી, બોલવું, ચાલવું બધું જ જુદું. રાવ, પેશવાઈનો ઇતિહાસ લખવા પેશવાઈ મન જોઈએ; હા અને (છાતી કાઢીને) પેશવાઈ દેહ જોઈએ. એટલે કહું છું, મારે પાંચદશ વર્ષ જીવવું જોઈએ. મગજમાં જે જે ભર્યું છે તે તે કલમમાંથી ઊતરવું જોઈએ. એક જ વાત કહું છું: ભીમથડી, ગંગથડી ઘોડાઓ ‘દાદા’ને અટકાયતની પાર લઈ ગયા—ક્યાં ગઈ એ ઓલાદ? કહો! નહીં જ કહી શકો. રાવ, પેશવાઈ આટોપાઈ ગઈ પછી એક લાખ ઘોડા થાણામાં મરી ગયા, થાણામાં. દશવીસ કોસની મજલ કાપવાનો તેમનો પેઢીઓથી દેહધર્મ. લડાઈઓ પૂરી થઈ, ‘ખલક ખુદા કા, મુલૂક અંગ્રેજ સરકાર કા’ થયાં. કામ પૂરું થયું. થાણામાં બાંધ્યા પછી ટપોટપ તે મર્યા. જૂના શિલેદાર ગયા, જૂના ઘોડા ગયા. તમારી ઓલાદ જ જુદી. કહો છો, અમે ઇતિહાસ લખશું!” પણ કાકાને શ્વાસ ચડ્યો. ફરીથી એક બીડું ખરલમાં કૂટ્યું. ફરીથી મોઢામાં ચૂરો ગયો. કાકા બોલ્યા, “ઠીક. હવે તમે જાઓ. બહુ સમય લીધો. આટલી વારમાં તો બેત્રણ નકલો થઈ ગઈ હોત. બહારગામથી આવ્યા છો એટલે વાત કરી તમારી સાથે. અહીંના કોઈની અંદર આવવાની હિંમત નથી. આ લાકડી લઈને દોડું. ધૂની કહે છે, કહેવા દો. સારું જ થયું. નકામાં ગપ્પાં મારવાનો સમય આંહીં કોને છે? ઠીક, આવજો!” [પ્રસ્તુત વ્યકિતચિત્રની પ્રેરણા પ્રખ્યાત ઇતિહાસસંશોધક, કવિ, નાટકકાર વાસુદેવશાસ્ત્રી ખરે(૧૮૫૮-૧૯૨૪)ના વ્યકિતત્વમાંથી મળી છે.]
(અનુ. જયા મહેતા)