ખારાં ઝરણ/1
-
પંખીઓ હવામાં છે,
એકદમ મઝામાં છે.
પાંખ કેમ ન વીંઝે?
આભ સરભરામાં છે.
વૃક્ષ યાદ આવે છે?
જીવ પાંદડાંમાં છે?
શોધ શોધ ટહુકાઓ,
ક્યાંક આટલામાં છે.
કૈંક પંખી મારામાં,
એક-બે બધાંમાં છે.
દશ્યો છે, બેશુમાર છે,
આંખો છે કે વખાર છે?
આકાશે ધક્કો માર્યો,
ખરતા તારે સવાર છે.
ગુલામપટ્ટો પહેરાવે,
ઈચ્છાઓનું બજાર છે.
નામ જવા દો ઈશ્વરનું,
ગામ આખાનો ઉતાર છે.
પરપોટામાં ફરે હવા,
જળ મધ્યેનો વિહાર છે.
મેં દીઠી છે સુગંધને,
પતંગિયાનો પ્રકાર છે.
મેં સારેલાં આંસુઓ,
તારે નામે ઉધાર છે.