સ્થળ : મુંગીરના દરબારગઢમાં. સમય : અજવાળી રાત.
[પિયારા ટેલતી ટેલતી ગાય છે.]
સુખને કારણ બાંધી મઢૂલી:
બાંધી ત્યાં આગ ક્યાંથી ઊઠી રે!
અમૃત-સાગરે સ્નાન કરંતાં,
વખડાં ક્યાંથી ભેળાણાં રે.
હું રે ચકોરી ગઈ ચંદ્રને ઝીલવા:
સૂરજ-તાપ ક્યાંથી તપિયા રે!
[સૂજા આવે છે.]
સૂજા :
|
તું આંહીં છો, પિયારા! હું તો તને ગોતી ગોતી થાક્યો.
|
[પિયારાનું ગીત ચાલુ રહે છે.]
નીચાણ છોડીને ઊંચે ચડું ત્યાં
ઊંડેરાં નીરમાં બૂડી રે.
સૂજા :
|
પછી તો તારો સૂર સાંભળીને સમજ્યો કે તું આંહીં છો.
|
[પિયારાનું ગીત ચાલુ રહે છે]
ધનની આશા જનમી આંતરે
નિરધન ત્યાં તો બની છું રે.
સૂજા :
|
વાત તો સાંભળ — આહ!
|
[પિયારા ગાય છે.]
જલની પ્યાસે જોયું ગગનમાં:
વાદળથી વજ્ર વરસ્યાં રે
સૂજા :
|
નહિ સાંભળ ને! તો હું તો આ ચાલ્યો!
|
[પિયારાનું ગીત ચાલે છે.]
કાનાની પ્રીતથી તો મૉત ભલેરું,
ભેદ્યા છે પ્રાણ જ્ઞાનદાસના રે.
સૂજા :
|
ઓહોહો! બહુ સતાવ્યો! ભલા થઈને કોઈ બીજી વાર શાદી કરશો મા! ભાયડાઓને તો ગાળી જ નાખે! તું પહેલીવારની હોત તો શું મારી એક વાત સાંભળવા માટે હું તને આટલો કરગત કે?
|
પિયારા :
|
આ હા હા! આવું રૂપાળું કીર્તન ધૂળ મેળવી દીધું! ભલી થઈને કોઈ બીજવરને પરણશો મા. નીકર શું આવીને આવું ભજન ધૂળ મેળવે? આહા! તોબા પોકારી ગઈ! દિવસરાત લડાઈની જ વાતો સાંભળવી! અને વળી ન જાણે વ્યાકરણ. ન સમજે ગીત. તોબા, બાપ!
|
સૂજા :
|
હું ગીત નથી સમજતો શી રીતે?
|
પિયારા :
|
આ હા હા હા, કેવું ભજન!
|
સૂજા :
|
વાહવા! પોતે ગાય અને પોતે જ મોહિત થાય!
|
પિયારા :
|
ત્યારે શું કરું? તમે તો સમજો નહિ. એટલે પછી હું જ ગાનાર અને હું જ સાંભળનાર.
|
સૂજા :
|
હવે સાંભળ. વાત જરા ગંભીર છે. તારી પાસે સલાહ લેવા આવ્યો છું.
|
પિયારા :
|
એમ કે? ત્યારે ખમો. હું તૈયાર નથી થઈ. [ચહેરો અને પોશાક ઠીકઠાક કરી] બળ્યું! આંહીં તો એક ઊંચી બેઠક પણ ન મળે! બહુ સારું, ઊભી રહીને જ સાંભળીશ. ચલાવો, હું તૈયાર છું.
|
સૂજા :
|
મને ખાતરી છે કે બાપુ મરી ગયા છે.
|
પિયારા :
|
મને પણ ખાતરી છે.
|
સૂજા :
|
ને જયસિંહે તે દિવસ મને બાપુના હસ્તાક્ષરનો જે કાગળ બતાવેલો, તે દારાએ બનાવટી કરેલો હતો.
|
પિયારા :
|
કબૂલ-બબૂલ હું કાંઈ જ નહિ કરું. તમે તમારે બોલ્યે જ જાઓ.
|
સૂજા :
|
બીજી લડાઈમાં ઔરંગજેબને હાથે દારાએ હાર ખાધી. સાંભળ્યું છે?
|
સૂજા :
|
કોની પાસેથી સાંભળ્યું?
|
સૂજા :
|
દારા આગ્રાથી પલાયન કરી ગયો છે. ઔરંગજેબે આગ્રામાં દાખલ થઈ બાપુને કેદ કર્યા છે, મુરાદને પણ બંદીખાને પૂરેલ છે.
|
સૂજા :
|
હવે ઔરંગજેબ મારી સાથે લડાઈમાં ઊતરવાનો.
|
સૂજા :
|
અને એ તો ખૂનખાર લડાઈ થવાની.
|
પિયારા :
|
ખૂનખાર — ખરાખરીની ખૂનખાર.
|
સૂજા :
|
મારે અત્યારથી જ સજ્જ થવું પડશે.
|
પિયારા :
|
થાવું તો પડે જ ને!
|
પિયારા :
|
મારો પણ એ જ અભિપ્રાય — પરંતુ...
|
સૂજા :
|
તું શું બોલે છે તે જ હું સમજી શકતો નથી.
|
પિયારા :
|
સાચું કહો તો હું પણ સમજી શકતી નથી.
|
સૂજા :
|
જા, જા, તારી સાથે મસલત કરવી નકામી છે.
|
સૂજા :
|
લડાઈની વાતમાં તું શું સમજે!
|
પિયારા :
|
હા જ તો, હું શું સમજું?
|
સૂજા :
|
પણ બીજી બાજુ વળી મુશ્કેલી છે.
|
સૂજા :
|
મહમ્મદે મને ચોખ્ખું લખ્યું છે કે એ આપણી દીકરી સાથે હવે શાદી નહિ કરે.
|
પિયારા :
|
એ તો શી રીતે કરે?
|
સૂજા :
|
કેમ ન કરે? વેવિશાળ કાંઈ ફોક થાય?
|
પિયારા :
|
એ તે કાંઈ ફોક થાય!
|
સૂજા :
|
પણ હવે એ શાદી કરવા માગતો જ નથી.
|
સૂજા :
|
લખે છે કે મારા બાપના દુશ્મનની દીકરીને હું નહિ પરણું.
|
સૂજા :
|
પણ તો તો મારી દીકરી બહુ દુઃખ પામશે.
|
પિયારા :
|
તે તો પામે જ ને! કેમ ન પામે?
|
સૂજા :
|
મારે હવે શું કરવું તેની ગમ પડતી નથી.
|
સૂજા :
|
તારી પાસે તો સલાહ માગવી જ નકામી!
|
પિયારા :
|
ઓહો! સમજી ગયા ને શું? શી રીતે સમજી ગયા? અરે કહો તો ખરા, સમજી શી રીતે ગયા? વાહ, કાંઈ અક્કલ!
|
સૂજા :
|
હવે હું શું કરું! એક તો ઔરંગજેબ સાથે લડાઈ, ને ઉપરાંત એનો બહાદુર બેટો મહમ્મદ પણ એની સાથે. ભારી વિકટ સમસ્યા. તારી શી સલાહ છે?
|
પિયારા :
|
પ્યારા! મારી સલાહ સાંભળશો? સાંભળો તો કહું.
|
પિયારા :
|
તો સાંભળો. મારી સલાહ છે કે લડાઈની જ જરૂર નથી.
|
પિયારા :
|
સલ્તનતને શું કરવી છે, નાથ? આપણે કઈ કમીના છે? આમ તો જુઓ, આ ધાન્યથી લચકતી, ફૂલોથી શોભતી ને હજારો ઝરણાંના રૂમઝૂમાટથી ગાજતી અમરાપુરી સમી બંગભૂમિ! આની પાસે શી વિસાત છે સલ્તનતની! અને મારા જે હૃદય-સિંહાસન પર મેં તમને બેસારેલા છે, તેની સામે શી વિસાત છે એ મયૂરાસનની? જે વખત આપણ બેઉ આ મહેલની અટારીએ ઊભી, હાથમાં હાથ રાખીને હૈયું દબાવી પંખીઓના કિલકિલાટ સાંભળીએ છીએ, દિગન્ત સુધી પથરાયેલો ગંગાનો પટ દેખીએ છીએ, આ અનંત આસમાની આકાશ ઉપર થઈને આપણી સંયુક્ત નજરની નૌકાને તરાવતાં તરાવતાં જ્યારે આપણે ચાલ્યાં જઈએ છીએ, અને એ આસમાન-સાગરના કોઈ એક ગુપ્ત પ્રદેશમાં કલ્પનાનો એક મનોહર શાંતિમય ટાપુ સરજીને એની વચ્ચે એક સ્વપ્નસુંદર કુંજમાં બેસી સામસામાં નજર મિલાવી પરસ્પરના પ્રાણને પીઈએ છીએ; તે વખતે શું તમને નથી લાગતું, પ્યારા, કે શી વિસાત છે આ સલ્તનતની! પ્યારા! આપણે આ યુદ્ધનું કામ નથી. એમાં તો કદાચ આપણું જે નથી તે પામશું નહિ ને ઊલટું આપણું જે છે તે ગુમાવી બેસશું.
|
સૂજા :
|
વાહ, શું નવીન વિચારો આપ્યા! એક તો વિચાર કરી કરીને મારું માથું ગરમ થઈ ગયું છે, ને એના ઉપર — ના, ના, દારાની તાબેદારી તો કદાચ સ્વીકારી શકત, પણ આ ઔરંગજેબની — મારાથી નાનેરા ભાઈની — તાબેદારી કદી ન કબૂલું, મરી જાઉં તો પણ નહિ.
|
[જાય છે.]
પિયારા :
|
તને ઉપદેશ દેવો વ્યર્થ છે. તું વીર નર છે. સલ્તનતને ખાતર નહિ તો ખુદ લડાઈને ખાતર જ તું તો લડે તેવો છે. હું તને બરાબર પિછાનું છું. લડાઈનું નામ પડતાં જ તું નાચી ઊઠે છે.
|