સોરઠી બહારવટિયા ભાગ-2/ફૂલધારે ઊતર્યા
- પરનારી પેખી નહિ, મીટે માણારા,
- શૃંગી રખ્ય ચળિયા, જુવણ જોગીદાસિયા!
- પરનારી પેખી નહિ, મીટે માણારા,
[હે જુવાન જોગીદાસ! શૃંગી ઋષિ જેવા મહાતપસ્વીઓ પણ પરસ્ત્રીમાં લપટી પડ્યા, પરંતુ હે માણા! તેં પરાયી સ્ત્રી પર મીટ સુધ્ધાંયે નથી માંડી.] બે જણા વાતો કરે છે : “ભાઈ, આનું કારણ શું?” “શેનું, ભાઈ?” “જોગીદાસ ખુમાણ જ્યાં જ્યાં દાયરામાં બેસે ત્યાં ત્યાં ગામની બજાર તરફ પારોઠ દઈને જ કેમ બેસે છે? અને માથે ફાળિયું કેમ ઓઢી રાખે છે?” “ભાઈ, રામને તે દી સીતાજીની ગોત્ય કરતાં કરતાં માર્ગેથી માતાજીનાં ઘરેણાં-લૂગડાં હાથ આવ્યાં, પછી લખમણજીને એ દેખાડીને કોનાં છે એ પૂછેલું, તે ટાણે લખમણજીએ શો જવાબ દીધો’તો, ખબર છે?” “હા. હા, કહ્યું’તું કે મહારાજ, આ હાથનાં કંકણ, કાનનાં કુંડળ કે ગળાના હાર તો કોનાં હશે તેની મને કંઈ ગતાગમ નથી. કેમ કે મેં કોઈ દી માતાજીના અંગ ઉપર નજર કરી નથી; પણ આ પગનાં ઝાંઝરને તો હું ઓળખી શકું છું. રોજ સૂરજ ઊગ્યે હું માતાજીના પગુમાં પડતો ત્યારે ઝાંઝર તો મારી નજરે પડતું’તું!” “ત્યારે આ જ જોગીદાસ પણ એ જ લખમણજતિનો અવતારી પુરુષ જન્મ્યો છે, બાપ! એને બજાર સન્મુખ નજર રાખી ન પાલવે. એમાં હમણાં હમણાં બે અનુભવ એવા મળ્યા કે આ દુનિયાની માયાથી એ તપસી ચેતી ગયો છે.” “શા અનુભવ?” “એક દિવસ જોગીદાસ જૂનીના વીડમાં આંટો દઈને બાબરિયાધાર આવતા’તા. હું ભેળો હતો. બેય ઘોડેસવાર થઈને આવતા’તા. આવતાં આવતાં જેમ અમે નવલખાના નેરડામાં ઘોડીઓ ઉતારી, તેમ તો સૂરજનાં પચરંગી તેજે હીરા મોતીએ મઢી દીધેલા હોય એવા ઝગારા મારતા એ પાણીના પ્રવાહમાં પિંડી પિંડી સુધી પગ બોળીને એક જુવાનડીને ઊભેલી દીઠી. અઢારેક વરસની હશે, પણ શી વાત કરું એના સ્વરૂપની! હમણાં જાણે રૂપ ઓગળીને પાણીના વહેણમાં વહ્યું જાશે! સામે નજર નોંધીએ તો નક્કી પાપે ભરાઈએ એવું એનું રૂપ : પણ આપાને તો એ વાતનું કાંઈ ઓસાણેય ન મળે. નેરાની ભેખડ્યું અને જીવતી અસ્ત્રી, બેય આપાને તો એકસરખાં. આપાએ ઘોડી પાણીમાં નાખી. એમાં પડખે ચડીને એ જુવાનડીએ ઝબ દેતી ઘોડીની વાઘ ઝાલી. ઘોડીએ ઝબકીને મોઢાની ઝોંટ તો ઘણીયે દીધી, જોરાવર આદમીનુંયે કાંડું છૂટી જાય એવા જોરથી સાંકળ ઉલાળી : પણ એ જુવાનડી તો જળો જેવી ચોંટી જ પડી. આપો જોઈ રહ્યા. આપાને તો અચરજનો પાર જ ન રહ્યો, ‘હાં! હાં! હાં! અરે બાઈ! બાપ! મેલ્ય, મેલ્ય, મેલી દે! નીકર ઘોડી વગાડી દેશે.’ એમ આપો વીનવવા લાગ્યો.
‘નહિ મેલું, આજ તો નહિ મેલું, જોગીદાસ!’ ‘અરે પણ શું કામ છે તારે? કોઈ પાપિયા તારી વાંસે પડ્યા છે? તારો ધણી સંતાપે છે? શું છે? છેટે રહીને વાત કર. હું તારું દુઃખ ટાળ્યા પહેલાં અહીંથી ડગલુંયે નહિ ભરું. તું બી મા. ઘોડીને મેલી દે, અને ઝટ તારી વાત કહી દે.’ ‘આજ તો તમને નહિ છોડું, જોગીદાસ! ઘણા દીથી ગોતતી’તી.’ ‘પણ તું છો કોણ?’ ‘હું સુતારની દીકરી છું. કુંવારી છું.’ ‘કેમ કુંવારી છો, બાપ! પરણાવવાના પૈસા શું તારા બાપ પાસે નથી? તો હું આપું. તુંય મારી કમરીબાઈ —’ ‘જોગીદાસ ખુમાણ! બોલો મા. મારી આશા ભાંગો મા. હું તમારા શૂરાતનને માથે ઓળઘોળ થઈ જાવા મારી જાત્યભાત્ય પણ મેલી દેવા ભટકું છું. આમ જુઓ, જોગીદાસ, આ માથાના મોવાળા કોરા રાખવાનું નીમ લઈને ભમું છું. આજ તું મળ્યે —’ ‘અરે મેલ્ય મેલ્ય, મળવાવાળી! તું તો મારી દીકરી કમરી કે’વા!’ ‘આટલું બોલી, પોતાના ભાલાની બૂડી એ જોબનભરી સુતારણના હાથ ઉપર મારી, ઘોડીની વાઘ ડૉંચી, આપા જોગીદાસે ઘોડી દોટાવી મેલી. પાછું વળી ન જોયું! પછી સાંજરે બેરખાના પારા પડતા મેલતા મેલતા, સૂરજનો જાપ કરતા’તા ત્યારે ભેળા હોઠ ફફડાવીને બોલતા જાતા’તા કે ‘હે બાપ, મારું રૂપ આવડું બધું કૂડું હશે એ મેં નહોતું જાણ્યું. મોઢું તરવારથી કાપીને કદરૂપું કરવાની તો છાતી નથી હાલતી, પણ આજથી તારી સાખે નીમ લઉં છું કે કોઈ પરનારીની સામે અમથી અમથીયે મીટ નહિ માંડું.’ “અને બીજી વાત તો એથીય વસમી બની ગઈ છે. પરનારી સામે નજર ન માંડવાનું નીમ એક દી ઓચિંતું તૂટી પડ્યું. એક ગામને પાદર નદીકાંઠે એ દી સાંજટાણે પનિયારિયું આછા વીરડા કરીને પાણી ભરતી હતી. રૂપાળા ત્રાંબાળુ હાંડા ઊટકાઈને ચકચકાટ કરાતા હતા. આછરતા વીરડા, ઊટકેલાં બેડાં, મોતીની ઈંઢોણિયું, નમણાં મોઢાંવાળી ગામની બેન્યું, દીકરિયું, ને એ સહુને માથે જ્યોતો પ્રગટાવતા સૂરજ મહારાજ : એ રૂડો દેખાવ આપોય જોવા લાગ્યા. ઓલ્યા નીમનું ઓસાણ ચુકાઈ ગયું. પોતાને ઘેરથી આઈ અને દીકરાઓ બધાં આવે, નદીકાંઠે બેસીને કિલ્લોલ કરતાં હોય, એવી ઉમેદ થઈ આવી. પણ એ તો બચાડાં ચોર બનીને ભટકતાં’તાં. “ઘેરે આવીને જોગીદાસને યાદ ચડ્યું કે નીમ ભંગાણું છે. રાતે કોઈને ખબર ન પડે તેમ એણે આંખમાં મરચાંના ભૂકાનું ભરણ ભર્યું. પાટા બાંધીને પોઢી ગયા. પ્રભાતે ઊઠ્યા ત્યાં તો આંખો ફૂલીને દડા થયેલી. ભાઈઓ પૂછવા લાગ્યા કે ‘અરે! અરે! જોગીદાસ! આ શો કોપ થયો?’ “ ‘કાંઈ નહિ, બા! ઈ આંખ્યુંમાં થોડુંક વકારનું ઝેર રહી ગયું’તું તે નિતારી નાખ્યું.’ “આવો નીમધારી પુરુષ. લગરીકે ચૂક ન થાય તે માટે બજાર સામે કે રસ્તા સામે પારોઠ દઈને બેસે છે, ભાઈ!” નાંદુડી ગાળીમાં આ પ્રમાણે બે માણસો વાતો કરી રહ્યા છે. વીરડીથી ગેલા ખુમાણનો દીકરો, સરસાઈથી ભાણ ખુમાણ, આંબરડીથી જોગીદાસ ખુમાણ : એમ હાદા ખુમાણના દીકરા આજ બહારવટું ખેડતાં ખેડતાં થોડોક વિસામો લેવા માટે ભેળા મળીને નાંદુડી ગાળીએ હુતાશણી રમે છે. કોયલોને ટૌકે કોઈ આંબેરણ ગાજતું હોય તેમ શરણાઈઓના ગહેકાટ થાય છે. બરાબર તે સમયે એક અસવારે આવીને નિસ્તેજ મોંએ સમાચાર દીધા કે “બાપુ હાદો ખુમાણ ઘૂઘરાળે દેવ થયા.” “બાપુ દેવ થયા? બાપુને તો નખમાંય રોગ નો’તો ને?” “બાપુને ભાવનગરની ફોજે માર્યા.” “દગાથી? ભાગતાં ભાગતાં કે ધીંગાણે રમતાં?” “ધીંગાણે રમતાં.” “કેવી રીતે?” “ફોજે ઘૂઘરાળાની સીમ ઘેરી લીધી. બાપુથી ભાગી નીકળાય તેવું તો રહ્યું નહોતું. એના મનથી તો ઘણીય એવી ગણતરી હતી કે જીવતો ઝલાઈ જાઉં અને ફોજનો પણ બાપુને મારવાનો મનસૂબો નહોતો, જીવતા જ પકડી લેવાનો હુકમ હતો. પણ આપણા ભૂપતા ચારણે બાપુને ભારે પડકાર્યા. વાડીએ બાપુ હથિયાર છોડીને હાથકડી પહેરી લેવા લલચાઈ ગયા તે વખતે ભૂપતે બાપુને બિરદાવ્યા કે — સો ફેરી શિહોરની, લીધેલ ખૂમે લાજ, (હવે) હાદલ કાં હથિયાર, મેલે આલણરાઉત! [હે આલા ખુમાણના પુત્ર હાદા ખુમાણ! સો વાર તો તું શિહોર ઉપર તૂટી પડી ગોહિલપતિની લાજ લઈ આવેલ છો; અને આજ શું તું તારાં હથિયાર મેલીને શત્રુને કબજે જઈશ?] “આવાં આવાં બિરદ દઈને બાપુનાં રૂવાંડાં બેઠાં કર્યાં. અને બાપુ એક સો બાર વરસની અવસ્થાએ એક જુવાનની જેમ જાગી ઊઠ્યા. એણે હાકલ કરી કે ‘એ ભાઈ ફોજવાળાઓ! આ રહ્યો તમારો બાપ! આવો, ઝાલી લ્યો.’ ફોજને આંગળી ચીંધાડી બાપુ બતાવ્યા. અને એકલે પંડ્યે બાપુ ધીંગાણે ચડી જન્મારો ઉજાળવા મંડ્યા. સામી છાતીએ લડીને ફૂલધારે ઊતર્યા. ” “બસ ત્યારે!” જોગીદાસ બોલી ઊઠ્યો : “પૂરે ગઢપણે આપણો બાપ ફૂલધારે ઊતરી ગયા, એ વાતના તે કાંઈ સોગ હોતા હશે! એનાં તો ઉજવણાં કરાય. માટે હવે તો મોકળે મને આઠ આઠ શરણાઈયું જોડ્યેથી વગડાવો!” “પણ, બાપા!” કાસદિયાએ કહ્યું : “બાપુનું માથું કાપીને ફોજ ભાવનગર લઈ ગઈ.” જોગીદાસના આખા શરીર પર સમસમાટી ચાલી ગઈ. બાપ જેવા બાપના મહામૂલાના માથાના બૂરા હાલ સાંભળતાં એનો કોઠો સળગી ઊઠ્યો. પણ નાહિંમતનું વચન કાઢવાનો એ વખત નહોતો. નાનેરા ભાઈઓની ધીરજ ખૂટવાની ધાસ્તી હતી : એ કારણથી પોતે મનની વેદના મનમાં શમાવીને કહ્યું : “હશે, બાપ! ભાવનગરની આખી કચારી બાપુ જીવતે તો બાપુનું મોઢું શી રીતે જોઈ શકત! ભલે હવે એ સાવજના મોંને નીરખી નીરખીને જોતાં.”