કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૧૭. આવો!

From Ekatra Wiki
Revision as of 11:11, 10 November 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૭. આવો!


અમે રે સૂકું રૂનું પૂમડું,
                તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યોને તારેતારને,
                  વીંધો અમને વ્હાલા, આરંપાર :
                  આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે સૂના ઘરનું જાળિયું,
                  તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
                  ભરો લખ લખ અદીઠા અંબાર :
                  આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઊધઈ-ખાધું ઈંધણું,
                  તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
                  આપો અમને અગનના શણગાર :
                  આવો, રે આવો હો જીવણ, આમના.

૧૪-૧૨-’૫૫ (ગોરજ, પૃ. ૧૪૮)