ગુજરાતી ગઝલસંપદા/પ્રસ્તાવના

From Ekatra Wiki
Revision as of 15:39, 29 December 2022 by Kamalthobhani (talk | contribs)
Jump to navigation Jump to search


પ્રસ્તાવના

ગુજરાતી સાહિત્યમાં મધ્યકાળ જ્યાં પૂરો થાય છે ત્યારથી જ ગઝલનો આરંભ થાય છે, એવું કહેવામાં જરા અતિશયોક્તિ લાગે પણ ગુજરાતી ગઝલનો ઇતિહાસ તપાસીએ તો એમાં થોડુંક તથ્ય પણ જણાશે. એટલે, અર્વાચીન યુગનો આરંભ થયો ત્યારથી જ ગઝલ ગુજરાતીમાં જોવા મળે છે એમ કહી શકાય. અર્વાચીન કાળના આરંભથી લઈને આજદિન સુધી ગઝલ અનેક સ્થિત્યંતરોમાંથી પસાર થઈ છે અને એ દરેક તબક્કામાં એની વૈવિધ્યપૂર્ણ અભિવ્યક્તિ જોવાં મળે છે. અહીં એ અભિવ્યક્તિની ઝાંખી કરાવવાનો અને એ દ્વારા ગુજરાતી ગઝલની એક વિકાસરેખા આપવાનો ઉપક્રમ છે. મધ્યકાળના અંતિમ કવિ દયારામ ગરબીઓ દ્વારા જાણીતા છે પણ એમની કેટલીક રચનાઓમાં ગઝલના અંશો જોવા મળે છે. અહીં પણ પ્રેમલક્ષણાભક્તિ કેન્દ્રમાં છે: “મિલાઓ કોઈ મહેબૂબ! દુસરી ન હય સલા, દયા કે પ્રીતમ બિના મરુંગી મેં કાટકે ગલા.” – દયારામ
તો અર્વાચીનોમાં આદ્ય નર્મદની કેટલીક રચનાઓમાં પણ ગઝલ દેખાય છે. જો કે સ્વરૂપ ચુસ્તી હજી જોવા મળતી નથી. બાલાશંકર કંથારિયામાં ગઝલ એનાં મૂળ રંગ-રૂપ સાથે અવતરે છે અને એક મિજાજ પણ જોવા મળે છે: “જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે; બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે.” – બાલાશંકર
ઈશ્વર પ્રત્યેની પ્રીતિ અને ઉર્દૂ મિશ્રિત ભાષામાં થતી અભિવ્યક્તિ આ પ્રથમ તબક્કાની ગઝલની લાક્ષણિકતાઓ છે. મણિલાલ દ્વિવેદીના આ જાણીતા શે'રમાં પણ ઉર્દૂ ભાષાનો પ્રભાવ વિશેષ જોવા મળે છે: “કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે; ખફા ખંજર સનમનામાં ૨હમ ઊંડી લપાઈ છે.' – મણિલાલ દ્વિવેદી
કલાપીની ઘણી બધી રચનાઓ ગઝલની નજીકની છે તો કાન્તની એક-બે રચનાઓમાં પણ ગઝલના અંશ જોવા મળે છે. આ સમયની ગુજરાતી રંગભૂમિ પણ ગીતો સભર છે. મંચ પર થતી બેતબાજીમાં ગઝલના છંદોમાં લખાતી રચનાઓનો પ્રભાવ વિશેષ જોવા મળે છે. “હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછાં છે, ન પરવા માનની તોયે બધાં સન્માન ઓછાં છે.” – પ્રભુલાલ દ્વિવેદી
ગુજરાતી ગઝલ ક્ષેત્રે શયદાનો પ્રવેશ થાય છે ને ગઝલને એક વળાંક મળે છે સીધી, સપાટ, સૂત્રાત્મક અભિવ્યક્તિમાં થોડી સૂક્ષ્મતા પ્રવેશે છે અને સાથે સાથે સ્વરૂપ પ્રત્યેની ચુસ્તી પણ વધે છે. ગુજરાતી ગઝલ ગુજરાતી બનવા તરફ ગતિ કરે છે: “તમારા પગ મહીં જ્યારે પડ્યો છું, હું સમજ્યો એમ-આકાશે ચડ્યો છું.” – શયદા
ખુદા, સાકી, સનમ, સુરા, જામ, મસ્તી, કેફ, પ્રણયના વિવિધ રંગો વિશે ગઝલમાં અભિવ્યક્તિ વિશેષ થતી રહી. અમીન આઝાદ વગેરે ગઝલકારોએ પણ ગઝલમાં ગુજરાતીપણું આવે એ માટે એ પ્રકારની અભિવ્યક્તિ સાધી છે: “ફૂલોની પાંદડીઓ પર છે તુષાર આજે, છે કોનાં અશ્રુઓથી ભીની સવાર આજે.” – અમીન આઝાદ
શયદા પછી એક એવી મોટી પેઢી આવી કે જેનું ગુજરાતી ગઝલ ક્ષેત્રે બહુ મોટું પ્રદાન છે. અમૃત ‘ઘાયલ’, રતિલાલ ‘અનિલ’, ‘શૂન્ય' પાલનપુરી, સૈફ પાલનપુરી, બરકત વીરાણી ‘બેફામ’, ‘મરીઝ’, ‘ગની' દહીંવાળા’ આ ગઝલકારોએ ઉત્તમોઉત્તમ ગઝલો આપી અને ગુજરાતી ગઝલને એક સ્થિરતા બક્ષવાનું કામ કર્યું. શયદાથી જે ગઝલ ગુજરાતી બનવા તરફ ગતિ કરતી હતી એ ગઝલ આ ગઝલકારો સુધી આવતામાં ગુજરાતી બને છે. ગઝલ વધુ સૂક્ષ્મ બને છે. પ્રણય, જીવન અને મૃત્યુ વિષયક ચિંતનાત્મક અભિવ્યક્તિઓ ગઝલમાં એના મિજાજ સાથે પ્રગટ થાય છે. ઉર્દૂ ભાષા સાથે તળપદી ભાષાનો લહેકો અને ખુમારી પણ ગઝલમાં દાખલ થાય છે. આગળની પેઢીના અમીન આઝાદ ઘણા બધા ગઝલદારોના ‘ઉસ્તાદ’ (ગુરુ) બને છે. ગુજરાતી ગઝલનો આ એક મહત્ત્વપૂર્ણ વળાંક હતો: “નહિ તો સિતારા હોય નહીં આટઆટલા, કોઈ વિરાટ સ્વપ્નના ચૂરા થયા હશે.” – અમૃત ‘ઘાયલ’
સિતારાઓની સરખામણી કોઈ વિરાટ સ્વપ્નના ચૂરા સાથે કરવામાં કલ્પનની તાજગી અનુભવાય છે. “ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે!” – મરીઝ
સરળ પણ વેધક રીતે વાત કહેવાની ખૂબી મરીઝમાં જોવા મળે છે. શબ્દોના આખેઆખા અર્થને એ ઊલટાવી નાખે છે. આ શે'રમાં ‘મિલનસાર'નો અર્થ જુઓ, શીર્ષાસન કરતો દેખાશે. “ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે, ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે.” – ‘ગની' દહીંવાળા
અહીં પણ ‘સહજ’ અને ‘વજન' શબ્દોના અર્થો બદલાયેલા જોવા મળશે. તો ‘બેફામ’ની ગઝલોમાં મૃત્યુ વિષયક ચિંતન સરળ પણ ગહન રીતે અભિવ્યક્તિ પામે છે. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા પ્રવેશે છે અને વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં પરિવર્તન આવે છે એમ ગુજરાતી ગઝલમાં પણ આધુનિકતાના કારણે પરિવર્તન જોવા મળે છે. ગઝલ સંકુલ કાવ્યપ્રકાર બને છે. કલ્પન, પ્રતીકો નવાંનવાં દાખલ થાય છે. ગઝલ કાવ્યપ્રકારમાં વિવિધ પ્રયોગો જોવા મળે છે. ગઝલ હવે સંપૂર્ણપણે ગુજરાતી બને છે એ સાથેસાથે વિષયની દૃષ્ટિએ પણ એમાં ઊંડાણ અને વ્યાપ જોવા મળે છે. પ્રેમ કે જામની જ વાત ગઝલમાં થતી હતી એને બદલે હવે વિષયની રીતે કોઈ છોછ જોવા મળતો નથી. લાંબી-ટૂંકી બહેરોમાં ગઝલ, સળંગ મત્લા ગઝલ, સળંગ મક્તા ગઝલ, શે'રની બંને પંક્તિમાં એક જ શબ્દ હોય એવી ગઝલ, તળપદા શબ્દોની સાથેસાથે અંગ્રેજી શબ્દોનો વિનિયોગ, ઍબ્સર્ડ ગઝલ વગેરે પ્રયોગો ગઝલમાં જોવા મળે છે. આદિલ મન્સૂરી, ચિનુ મોદી, મનહર મોદી, રાજેન્દ્ર શુક્લ. મનોજ ખંડેરિયા, ભગવતીકુમાર શર્મા વગેરેની ગઝલોમાં સંકુલ અભિવ્યક્તિ જોવા મળે છે. “મકાનોમાં લોકો પુરાઈ ગયા છે, કે માણસને માણસનો ડર હોય જાણે.” – આદિલ મન્સૂરી
“આ વખત પણ પીઠ પર બેસી ગયો પાછો પવન, આપણો તો આ વખતે પણ વ્હાણનો અવતાર છે.” – ચિનુ મોદી
“પ્રશ્નો થયા'તા એક દિવસ અંધકારને, પાડી શકાય કઈ રીતે ફોટો પ્રકાશનો?” – મનહર મોદી
“સૂરજને ઠેઠ સાંજે એની ખબર પડે કે, કોઈ કિરણની ચાદર વણતું રહે સવારે.” – રાજેન્દ્ર શુક્લ
“ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે.” – મનોજ ખંડેરિયા
“આવી પડ્યું છે હાથમાં પારેવડું સફેદ, જાણે કે જિંદગી છે ને લોહી લુહાણ છે.” – ભગવતીકુમાર શર્મા
આ ગઝલકારો ઉપરાંત શ્યામ સાધુ, અમર પાલનપુરી, મનહરલાલ ચોકસી, હેમંત દેસાઈ, ‘જલન’ માતરી, ખલીલ ધનતેજવી વગેરે ગઝલકારોએ પણ ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર અભિવ્યક્તિ સાધી છે. ગઝલ ક્ષેત્રે કલ્પન-પ્રતીકનો વિનિયોગ વધવા લાગ્યો સાથે પ્રયોગનું વલણ પણ વધવા લાગ્યું. જો કે છંદની બાબતમાં જે ચુસ્તી અગાઉના ગઝલકારોમાં જોવા મળતી હતી એ હવે જોવા મળતી નથી. ગઝલની લોકપ્રિયતા વધવા લાગી, ગઝલકારોની મુશાયરામાં ‘વાહવાહ’ થવા લાગી. આ બધાની અસર છેવટે ગઝલ ઉપર પણ પડવા લાગી. મુશાયરામાં તાળી પડાવતી, દાદ ઊઘરાવતી ગઝલો અને એકાંત ખૂણામાં મનન કરવા યોગ્ય ગઝલો – બે ભાગ પડી ગયા. ગઝલકારો એકની એક જ ગઝલોના પઠનથી મુશાયરા ગજાવવા લાગ્યા. છતાં જવાહર બક્ષી, રવીન્દ્ર પારેખ, નયન હ. દેસાઈ, મુકુલ ચોકસી, હેમેન શાહ, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, હર્ષદ ત્રિવેદી, હરીશ મિનાશ્રુ, રઈશ મનીઆર, ઉદયન ઠક્કર, સંજુવાળા, લલિત ત્રિવેદી વગેરે ગઝલકારોએ નવીન અભિવ્યક્તિઓ દ્વારા સત્ત્વશીલ ગઝલો આપીને ગઝલને જીવંત રાખી છેઃ “મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ, ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો.” – જવાહર બક્ષી
“ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ; કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.” – નયન દેસાઈ
“આંસુની અધિકૃત વિક્રેતા છે થોડી આંખ આ? ખાત્રીપૂર્વકનું ને જથ્થાબંધ ક્યાંથી રોઈએ? – મુકુલ ચોક્સી
કોણ ટહુક્યું ભરબપોરે? રસ્તે રસ્તે ઠંડક થઈ ગઈ.” – હેમેન શાહ
“ઘટના બધીયે તેજની અહીંયા પરોક્ષ છે, દીવાસળી વિષે જ વિચારી જુઓ તમે.” – હરીશ મીનાશ્રુ
ગઝલ સંજ્ઞા વિશે ચર્ચા કરતી વખતે આપણે જોઈ ગયા કે ગઝલ એટલે વાતચીત. બે જણા વાતચીત કરે ત્યારે જે ભાષાનો ઉપયોગ થતો હોય એ ભાષામાં ગઝલ લખાવી જોઈએ. ગુજરાતી ગઝલનો જેમજેમ વિકાસ થતો ગયો તેમતેમ એ બોલચાલના લહેકાની નજીક આવતી ગઈ. કૃત્રિમ ભાષાને બદલે સહજ બોલચાલનો કાકુ ગઝલમાં ભળવા લાગ્યો. અનુઆધુનિક ગુજરાતી ગઝલમાં સાંપ્રત સમય પણ ડોકાવા લાગ્યો. સાંપ્રત ગુજરાતી ગઝલ ક્ષેત્રે ત્રણેક પેઢીઓ કાર્યરત છે. આજે પ્રત્યેક નવો કવિ ગઝલ લઈને આવે છે ને જથ્થાબંધ ગઝલો આવતી જાય છે. ત્યારે સાચી ગઝલને પામવી-ઓળખવી અઘરી છે. છતાં કિરણસિંહ ચૌહાણ, ગૌરાંગ ઠાકર, અનિલ ચાવડા, અંકિત ત્રિવેદી, હિતેન આનંદપરા, અશોક ચાવડા, ભાવેશ ભટ્ટ વગેરે ગઝલકારોની ગઝલો ગુજરાતી ગઝલને હજી લીલીછમ્મ રાખે છે: “તમે ખૂબ દોડ્યા, હવે સ્હેજ થોભો, તપાસો, પડ્યો છે હયાતીમાં ગોબો.” – કિરણસિંહ ચૌહાણ
“હવાને ન ફાવ્યાં હવા-પાણી ઘરનાં જતી શ્વાસ થઈ, નીકળે થઈ નિસાસો.” – ગૌરાંગ ઠાકર
“લાગણીનો કાગડો નાખે હવે ક્યાં કાંકરા? એમની ભીતર ઘડામાં સ્ટેજ પણ પાણી નથી.” – અનિલ ચાવડા
“સમયની ધૂળ ચોંટી બારસાખે તોય આજે પણ તમે દોરી ગયેલા સાથિયાનું ધ્યાન રાખું છું.” – અંકિત ત્રિવેદી
“થઈ ગઈ દીવાલ ઊભી જે જગાએ, કંઈ ન'તું એક રસ્તો મસ્તીમાં પડખું ફર્યો તો શું થયું!” – હિતેન આનંદપરા
ગુજરાતી ગઝલને બોલચાલની ભાષા સુધી લઈ જનારા આજના ગઝલકારોએ સ્વરૂપ બાબતે પણ એટલી જ ચોકસાઈ રાખવાની જરૂર છે. ગઝલ કાવ્યપ્રકાર ચુસ્ત છે. નવોદિત ગઝલકારો ગઝલ સાથે સ્વરૂપની ચોકસાઈ સાથે કામ કરે અને નવી અભિવ્યક્તિ સાથે એ અપેક્ષા અસ્થાને નથી. ગુજરાતી ગઝલની આ સંપદા છે. નામી-અનામી કેટલાયે ગઝલકારોનો એમાં ફાળો છે. શક્ય છે કે કેટલાંક નામો રહી ગયાં હોય પણ હેતુ એક આખી વિકાસરેખા અને એના મહત્ત્વના પડાવોનો પરિચય કરાવવાનો રહ્યો છે. ગઝલ કોઈ પણ કાવ્યપ્રકાર કરતા ઉતરતી કક્ષાનો નથી એ પણ સિદ્ધ કરવું હતું. એકત્ર ફાઉન્ડેશન અને અતુલ રાવલે આ તક આપી એનો આનંદ વ્યક્ત કરું છું.