ચાંદનીના હંસ/૫ તીથલ દરિયે...

From Ekatra Wiki
Revision as of 10:58, 16 February 2023 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


તીથલ દરિયે...

તીથલ દરિયે ઓટ.

દિવસ સરે
ને બધું જ ઓસરે.
કાંઠાતોડ પાણી સાથે ઉજાસનાં ઘોડાપૂર પણ ઓસરે.
કળણ થઈ ઊપસી આવે રાત.

ભાર લઈને આગળ વધતા હું અને અંધકાર
જેમાં આમતેમ અટવાતા આકારો
ઓગળ્યા કરે.
ગાય દોહતા રશ્મિ – ધાર છૂટી હોય એમ
તારો ખરે.

નાળિયેરીનાં તીણાં રુંછાં પંપાળતી
ચંદ્રરેખની ફરતે
પીળું જાંબલી જળકુંડાળું બની
મારું ઘર
મને ઘેરી વળે.

ને એવામાં
કોઈ માછણના વેગવંત પગલાં પ્રવેશતાં
ફરી શરૂ થાય ભરતી... ...
          ઘૂઘવાટ સાથે... ...

૧૨–૨–૭૩