ચાંદનીના હંસ/૪૩ બારી મકાનો ટ્રામ બસ ને
Revision as of 12:03, 16 February 2023 by KhyatiJoshi (talk | contribs)
બારી મકાનો ટ્રામ બસ ને...
બારી મકાનો ટ્રામ બસ ને આગગાડી
સાંજના કોલાહલે તર.
નવરું નફકરું નગર.
ક્યાં હશે ઘર?
સાંજના કોલાહલે
ઊભી બજારે
હોર્ન મારી ચીખતા
ધીમે ધીમે ઉર પીંખતા
આ વાહનોની હાર શા વિચાર.
પરચૂરણ કંકાસથી ખરડાયેલો સરકે દિવસ.
બાઝે ડૂમો
આંખો બળે
બારી મકાનો ટ્રામ બસ ને આગગાડી લઈ વહેતું
લોહી પણ ઠંડુ પડે.
સાંજના કોલાહલે
ઊભી બજારે
ટ્રાફિક આયલેંડ થઈ ખોડાઈ રહું.
...ત્યાં અચાનક
જંપી ગયેલો પંડ પાછો હચમચે
હાંફ્યા કરે એક ગીતપંક્તિ
રહી રહીને જે ફરીથી
લોહીમાં જંગે ચડે.
જોઉં તો અંગાંગને સ્પર્શી ધીમું ગાતી પવનની લ્હેરખી;
આવે જરી.
ઊઘડે ફરીઃ
પવનની પીઠ ઉપર સરકતું આકાશ.
એપ્રિલ, ૭૮