User:Meghdhanu/sandbox
[નારદ પાસેથી અર્જુન જાણે છે કે પોતાના અશ્વમેઘના ઘોડાને ચંદ્રહાસનાં બાળકો લઈ ગયાં છે અને એ પોતને પણ હરાવી દેવાની ક્ષમતા રાખે છે, એવું જાણ્યા પછી અર્જુનને આવા બાળકોના પિતા એવા ચંદ્રહાસની કથા સાંભળવાની ઈચ્છા થાય છે. એટલે નારદ ચંદ્રહાસની કથા અર્જુનને સંભળાવે છે. એમ પહેલા જ કડવામાં પ્રેમાનંદ આપણને વિષયપ્રવેશ કરાવી આપે છે.]
રાગ : કેદારો
પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ;
જે હથી સરે મનોરથ મન તણો રે. ૧
સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી;
સતી શારદા, સેવક છઉં તમ તણો રે. ૨
ઢાળ
સાહે કરો, માતા સરસ્વતી, હું લાગું તમારે પાય;
નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં, ગ્રંથ ચાલતો થાય. ૩
વૈશંપાયન એણી પેરે બોલ્યા, સુણ જનમેજય રાજન;
અશ્વમેધની ઉત્તમ કથા છે, શ્રોતા-વક્તા ધન્ય. ૪
પાંડવે પરાક્રમ કીધું ઘણું, ક્રોધ ધરીને કાય,
શત કૌરવ સંઘારિયા, તે કુરુક્ષેત્રની માંહ્ય. ૫
પછે હસ્તિનાપુરમાં રાજ્યે બેઠા, કુંતીકુંવર જે ધર્મ;
પાંચાલીના મનોરથ પૂરી, પધાર્યા પરબ્રહ્મ. ૬
પણ યુધિષ્ઠિર અતિ દુઃખ પામ્યા, ઉપન્યો અંતર તાપ;
‘એ રાજ્યને માથે ધિક્ પડો, સ્વજન માર્યાનું શિર પાપ.’ ૭
એટલે આવ્યા વ્યાસમુનિ, પૂછ્યો પાપ ગયાનો ભૈદ
પછે મહામુનિએ મહીપતિને મંડાવ્યો અશ્વમેધ. ૮
અશ્વની પૂંઠે રક્ષા કરવા, સંચર્યો અર્જુન;
પૂંઠે વૃષકેતુ[1] પરવર્યો, વળી વીર પ્રદ્યુમન[2]. ૯
વાટમાં જાતાં નીલધ્વજ[3] ને હંસધ્વજ[4] ભૂપાળ;
સુધન્વા ને સુરથ[5] નામે, હણ્યા બંન્યો બાળ. ૧૦
મણિપુર નગ્રે અશ્વ આવ્યો, રાજ્ય કરે બભ્રુવાહન[6];
જેણે મહાબળિયા પારથનું, સામો મળ્યો કર્યું છેદન. ૧૧
પછે તુરી ત્યાં થકી પરવર્યો, સામો મળ્યો તુખાર;
તે તુરી તામ્રધ્વજે બાંધ્યો અર્જુનનો નિર્ધાર. ૧૨
રાય મયૂરધ્વજ મળ્યો આવી, કૃષ્ણને રહ્યો કર જોડ;
પછે વીરવર્માને દેશ આવી, સુભટ ઝૂઝ્યા ક્રોડ. ૧૩
એક હૃદ આવ્યો જળ તણો, તે તરી ઉતર્યો વાજીન;
ત્યાંહાં આગળ રમતા હુતા, બે ચંદ્રહાસના તન. ૧૪
વડો પુત્ર પદ્માક્ષ નામે, એક મકરધ્વજ એહવું નામ;
તે અશ્વ અનુપમ દેખી, લઈ ગયો પોતાને ગામ. ૧૫
ત્યાંહાં પાંડવની સેના વિષે હવો તે હાહાકાર;
શ્રીકૃષ્ણ અર્જુન જ્યાં હુતા, ત્યાંહાં લાવ્યા સમાચાર. ૧૬
વાત સાંભળી સવ્યસાચીને ઊપન્યો અતિ ક્રોધ;
અશ્વની સંભાળ લેવાને, મોકલ્યા મહાજોધ. ૧૭
પણ પાર તે પામ્યા નહિ, કહ્યો કિરીટીને નકાર;
સાંભળીને સવ્યસાચી[7] પામ્યા દુઃખ અપાર. ૧૮
વિચારીને વીનવ્યા અર્જુને ત્યહાં શ્રીકૃષ્ણ;
પારથ પછે પ્રભુજીને : ‘કહો અશ્વ ગયાનું પ્રશ્ન.’ ૧૯
વળતા વિશ્વંભર ઊચર્યા : ‘સાંભળ, પાંડુકુમાર;
તારા તુરીને સંભાળ તાહાં, જો કોણ છે ઝાલણહાર.’ ૨૦
એવું કહીને મૌન લીધું પ્રભુ શ્રીગોપાળ;
એવે સમે અંતરિક્ષ-મારગે અતિ હવું અજુવાળ. ૨૧
હરિગુણ ગાતા વીણા વાત આવ્ય નારદ ભગવાન;
નર-નારાયણ ઊભા થયા, આદરે દીધું માન. ૨૨
ત્યારે દેવર્ષિ એમ બોકિયા, અર્જુન દીઠો દીન :
‘હે સાધુ શા માટે સૂનમૂન છો? મુખ થયું કાં ખિન્ન? ૨૩
પછે ગદ્ગદ કંઠે થઈને બોલિયા તે પારથ :
‘મારા અશ્વ બંન્યો ગયા, તેથી ઉપન્યો અનરથ. ૨૪
સ્વર્ગ મૃત્યુ પાતાળ સઘળે, તમે જાઓ છો મુનિરાય;
જાણતા હો તો કહો મુને, મારા અશ્વ ગયાનો ઉપાય.’ ૨૫
વળતા ઋષિ એમ ઊચરે; ‘સાંભળ અતલિબલ અર્જુન;
‘તારા તુરીને લઈ ગયા છે ચંદ્રહાસના તન. ૨૬
દેવ દાનવ યક્ષ કિન્નર, ત્રૈલોક્ય ટોળે થાય;
સહસ્ર વસા સતવાદી રાજા, કોણ ન જીત્યો જાય.’ ૨૭
ઋષિજીનાં વચન સુણીને, અર્જુન બોલ્યો વાણ :
‘તે ચંદ્રહાસનો મહિમા કહો મુજને, વીણાપાણ.[8] ૨૮
‘કહો વીણાપાણ, વેગે, સાન્નિધ્ય શ્રીગોવિંદ રે.’
ચંદ્રહાસનો મહિમા કહે કર જોડી પ્રેમાનંદ રે. ૨૯
- ↑ વૃષકેતુ – કર્ણનો પુત્ર
- ↑ પ્રદ્યુમન – કૃષ્ણનો પુત્ર
- ↑ નીલધ્વજ – માહિષ્મતીનો રાજા
- ↑ હંસધ્વજ – ચંપકપુરીનો રાજા
- ↑ સુધન્વા અને સુરથ – હંસધ્વજના પુત્રો
- ↑ બભ્રુવાહન – અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર
- ↑ સવ્યસાચી – ડાબા અને જમણા બન્ને હાથે તીર ચલાવી શકે તેવો,અર્જુન
- ↑ વીણાપાણ – વીણાપાણિ; જેના હાથમાં વીણા છે તેવા, નારદ