ચંદ્રહાસ આખ્યાન/કડવું ૮
[રાણી સહિત આખું રાજ્ય પાંચ વર્ષના બાળકને લઈ આવેલા કુલિંદ રાજાનું વાજતેગાજતે સ્વાગત કરે છે. બાળકનું કુલકર્મ કરી જ્યોતિષી તેડાવી જન્મોતરી લખાવીને ચંદ્ર સમાન સુંદર મુખવાળા આ બાળકનું નામ ચંદ્રહાસ પાડવામાં આવે છે. પછી તેને ભણવા બેસાડે છે.]
રાગ : રામગ્રી
ઋષિ નારદ બોલ્યા વાણીજી, તું સાંભળ, ગાંડીવપાણિજી;
સુતનો સમાચાર જાણીજી, પ્રેમે સંચરી સામી રાણીજી. ૧
ઢાળ
શ્યામા ચાલી સુતને જોવા, સામગ્રી લીધી ઘણી;
સાથે તેડી સર્વ શ્યામા સાહેલિયો પોતા તણી. ૨
‘સાંભળ્યું મેં સ્વપ્ન સરખું, પુત્ર લાવે છે પતિ,’
મનમાંહે મહાલી, સામી ચાલી, મળવાને મેધાવતી. ૩
વેહેવારિયા સર્વે સંચર્યા વહેલ સુંદર જોતરી;
નગ્રની નારી નિસરી બાહરી થાળ મોતૈયે ભરી. ૪
પાળે પાગે, અતિ અનુરાગે, માતા તે મળવા આવી;
અતિ પ્રેમ કીધો હૃદયાશું લીધો, મોતીડે સુતને વધાવી. ૫
શુભ લગ્ન શુભ નક્ષત્રે, શુભ તિથિ રવિવાર,
ગાજતે વાજતે ઘેર આવ્યો કુલિંદનો કુમાર. ૬
કુળકર્મ કીધું, દાન દીધું, ગીત ગાયે સર્વ સુંદરી,
મહારાજાએ જોશી તેડાવ્યા, લખવા પુત્રની જન્મોતરી. ૭
જન્મોતરી લખી બોલ્યા ઋષિ : ‘મહા મહિમા બાળક તણો;
ભૂમંડળમાં ભૂપતિ ભાગ્યવંત થાશે કુંવર અતિઘણો. ૮
એનું વદન ચારુ સોમ સરખું, જાણે સોળ કળા પ્રકાશ;
હસી રહ્યું માટે નામ એહનું ધર્યું છે ચંદ્રહાસ.’ ૯
વલણ
ચંદ્રાહાસ નામ સુતનું સુણી, રીઝ્યો રાય કુલિંદ રે,
પછે કોણ રીતે ભણ્યો કુંવર, કહે ભટ પ્રેમાનંદ રે. ૧૦