ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૩

From Ekatra Wiki
Revision as of 12:32, 7 March 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કડવું ૧૩

[ચંદ્રહાસના આગમનથી સૂકું વન લીલું થાય છે. નવપલ્લવિત થયેલી વાડીમાં રહેલાં વૃક્ષ-વેલા, ફૂલ છોડનું વિગતપ્રચુર કાવ્યાત્મક વર્ણન. દુર્વાસાનું માળી દ્વારા થયેલું અપમાન અને એમણે આપેલા શાપ અને તેના નિવારણની વિગતો આ કડવામાં આવે છે.]

રાગ : વસંત

સૂકાં કાષ્ટ લીલાં થયાં રે સાધુ તણે દર્શન,
સેવક ચાર ઊઠીને ચાલ્યા જોવા અશોક વન.           -સૂકાં૦ ૧

નારદ કહે, સાંભળ, રે પારથ, વાડી તણો વિસ્તાર;
ગુલ્મ[1] લતા લલિતા અતિ વાંકી સૌગંધિક અપરંપાર.          -સૂકાં૦ ૨

ભાતભાતના વડ ને પીપળા, વનસ્પતિ ભાર અઢાર;
અવલોકનમાં અતિ ઉત્તમ, શોભા તણો નહિ પાર.          -સૂકાં૦ ૩

વેલ વાળો ને વરસડો વારુ, વાયુ સુગંધિક વાય;
સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી સોભાય          -સૂકાં૦ ૪

શ્રીફળ[2] ફોફળ[3] કેવડી રે, કેળ ને કોરંગી;
બીલી બદરી[4] મલિયાગર મરચી લીમડો ને લવિંગી.          -સૂકાં૦ ૫

જાઈ જૂઈ મોગરા ને માલતી ચંદન ચંપાના છોડ;
પુષ્પભારે વનસ્પતિ તે સર્વ વળી છે વંક મરોડ.          -સૂકાં૦ ૬

વાવ કૂપ ને પાવઠ[5] કુંડ ત્યાં તળાવ ભરિયાં તોય[6];
ચાતક હંસ ને મોર કોકિલા શબ્દ કરતાં હોય.          -સૂકાં૦ ૭

જ્યાં જુએ સેવક સાધુના ત્યાંહાં અટકે ચંત[7];
શોભા સુંદર વન તણી, જાણે રત[8] ફૂલી વસંત!          -સૂકાં૦ ૮

એવાં દેવઋષિનાં વચન સુણીને અર્જુનને સંધે[9] પડિયો :
‘ક્યમ, લીલાનું સૂકું થયું?’ એમ સવ્યસાચી ઊચરિયો.          -સૂકાં૦ ૯

નારદ કહે : સાંભળ, રે અર્જુન; થયો પૂર્વ સમાચાર;
તે વાડીમાં ભમતા આવ્યા દુર્વાસા એક વાર.          -સૂકાં૦ ૧૦

ત્યાં છાયા દીઠી શીતળ વૃક્ષની, મુનિ બેઠા આસન વાળી;
એવે સમે મંદિરથી આવ્યો વાડી તણો જે માળી.          -સૂકાં૦ ૧૧

માળી મુનિ ભણી ધાયો, ચોર બેઠો જાણી;
પ્રહાર એક મુષ્ટિનો કીધો, જટા કર ગ્રહી તાણી.          -સૂકાં૦ ૧૨

ત્યારે ક્રોધ કરીને દુર્વાસાએ જોયું નેત્ર ઉઘાડી;
અગ્નિજ્વાલ ઊઠી તેમાંથી, ભસ્મ કીધી સર્વ વાડી.          -સૂકાં૦ ૧૩

ઉઠ્યા ઋષિ થઈને દુઃખી, અન્ય સ્થાનક સંચરવા :
માળી મુનિને પાયે લાગ્યો કાલાવાલા કરવા.          -સૂકાં૦ ૧૪

માળી કહે, ‘મેં નવ ઓળખ્યા, ઈશ્વર, હવે કરુણા કીજે :
‘અપરાધ મૂકી અત્રિનંદન[10] શાપ-અનુગ્રહ[11] દીજે.’          -સૂકાં૦ ૧૫

દુર્વાસા બોલ્યા તવ વાણી આનંદ અંતર પામી :
‘એ વન લીલું થાશે જ્યારે આવશે વિષયાનો સ્વામી’          -સૂકાં૦ ૧૬

નારદ કહે : સાંભળ, રે પારથ, એ સાધુ તણું કારણ,
ચંદ્રહાસદર્શને લીલી થઈ વાડી જેને વહાલા અશરણશરણ.           -સૂકાં૦૧૭

વલણ


વહાલા અશરણશરણ તો સાધુ ભોળપણે ફરે રે,
જ્યાં શાલિગ્રામ કંઠ સાથે, ત્યાં અવળાનું સવળું કરે રે.          -સૂકાં૦ ૧૮




  1. ગુલ્મ – ઝૂંડ/ઝાડી
  2. શીરફળ – શ્રીફળ
  3. ફોફળ – સોપારી
  4. બદરી – બોરડી
  5. પાવઠ – જ્યાં ઊભા રહી કૂવામાંથી પાણી સિંચાય તેવાં ઊભાં બે લાકડાં
  6. તોય – પાણી
  7. ચંત – ચિત્ત
  8. રત – ઋતુ
  9. સંધે – સંદેહ
  10. અત્રિનંદન – અત્રિઋષિના પુત્ર દુર્વાસા
  11. અનુગ્રહ – નિવારણ