[હાંફળો-ફાંફળો થતો ધૃષ્ટબુદ્ધિ મંદિરે જઈને જુએ છે તો મદનના શરીરના ચાર કટકા પડ્યા છે. ધૃષ્ટબુદ્ધિ આર્ત હૃદયે કલ્પાંત કરે છે અને કાળો કકળાટ કરે છે. પારાવાર પસ્તાવો કરીને પથ્થરથી માથું કૂટીને આપઘાત કરે છે. સાળા સસરાના મૃત્યુના સમાચાર મળતાં જ ચંદ્રહાસને પોતાની જાત પ્રત્યે ઘૃણા થાય છે.]
રાગ : મેવાડો
પુરોહિત પડિયો હો મૂર્ચ્છા ખાઈજી :
‘મદન શું મુઓ રે? હોય ન મુઓ જમાઈજી,’
ચાંડલ ચાર હો રે તેડાવ્યા પાસજી;
પૂછ્યું તેઓને રે હો, ‘શાને ન કીધો નાશજી?’ ૧
અંત્યજ કહે છે : ‘હો અર્થ જ સીધ્યાજી;
શત્રુ મારી હો કટકા કીધાજી.’
અડવણ[1] પાગે હો ધાયો તાતજી :
‘પુત્રને રાખજો હો ભવાની માતજી.’ ૨
વદન વીલે હીંડે હો, ડિલે પ્રસ્વેદજી;
લોચન ભરતો હો, પામ્યો અતિ ખેદજી,
અખડાયે વાટે હો, બેઠો થાતો જી;
પાળે પાયે હો, દેવી ભણી ધાતોજી. ૩
પડિયો દીઠો હો જ્યારે કુમારજી,
જૂજવા પડ્યા છે હો કટકા ચારજી
અગ્નિજ્વાલા હો અંગે લાગીજી;
શૃંગ મેરુનું હો પડે જેમ ભાગીજી. ૪
એમ પુત્રને દેખી હો, પિતા પડિયોજી;
આરત[2] નાદે હો, આરડી રડિયોજી.
કટકા ચાર હો એકઠા કીધાજી,
લોહીએ ખરડ્યા હો ખોળે લીધાજી. ૫
બોલો, દીકરા હો, મદન ગુણવંતાજી;
મુને અતિશે હો થઈ છે ચિંતાજી.
સેજ્યાએ સરખા હો હસતાં રોમજી;
વાંકી વસમી હો ખૂંચશે ભોમજી. ૬
કૃપા કરીને હો કહો કાંઈ કાલાજી;
વાંક તજીને હો, ઊઠો, સુત વહાલાજી.
તમો મુઆ તે રે હો, મારી કમાઈ[3]જી,
મેં મારવા માંડ્યો હો સાધુ જમાઈજી. ૭
ત્રણ વરાં[4] મેં રે ખપુવે[5] કીધાંજી;
દીનાનાથે રે હો, ઉગારી લીધાજી.
કીધી કરણી રે હો, કેઈ પેરે મૂકેજી;
દેવ ને ડાહ્યા રે કંઈ યે નવ ચૂકેજી. ૮
મદન મુઓ રે હો, મન કેમ વાળું જી?
કેમ જાઉં પુરમાંહીં રે, મુખ લેઈ કાળુંજી?’
પછે મસ્તક ફોડ્યું રે, કૂટિયા પહાણજી;
‘હા હા’ કહેતાં રે હો, ગયા તેના પ્રાણજી. ૯
વલણ
પ્રાણ ગયા સસરાના જાણી જે ચંદ્રહાસ જમાઈ રે.
ભડકી ઊઠ્યો આસનેથી, દહેરે આવ્યો ધાઈ રે. ૧૦
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.