શાંત કોલાહલ/ન વાત વ્યતીતની
Jump to navigation
Jump to search
ન વાત વ્યતીતની
(૧)
(૨)
વહ્યું જેહ વ્યતીતની સહ
- પ્રિય, તેની નહિ માંડવી કથા;
ફરીને ધરવી ન દુ:સહ
- સ્મૃતિના સ્પર્શથી મર્મની વ્યથા.
ભર નિંદરમાં ભયાવહ
- લહ્યું જે સ્વપ્ન કરાલ રાતનું,
અહીં જાગૃતિને વિષે અવ
- અનુસંધાન ન કોઈ વાતનું.
ગત જે, લય પૂર્વને ભવ :
- અહીં ઉન્મેષ નવીન જન્મનો.
દ્યુતિ આંહિ વરેણ્ય ને રવ
- ખગનો રમ્ય, પરાગ પદ્મનો.
પરિતર્પણ શાન્ત છે સ્વધા:
- પ્રિય, ગાવી નવ યજ્ઞની ઋચા.
ગતની ભણી નેણ માંડતાં
- અટકંતી ગતિ ખિન્ન આપણી;
પણ સન્મુખ પૂંઠ વાળતાં
- વહી જાતી ક્ષણ વ્યર્થ આજની.
કલમુંજલ ગાનરમ્ય તે
- રતિને ક્રીડન શર્વરી સરી,
અલિગુંજન, પદ્મગંધ ને
- અરુણાની અહીં ઉલ્લસે તરી.
સુખ અસ્ત થયેલ તેહની
- સ્મૃતિનું યે નવ હોય બંધન;
ઊઘડે ભવિતવ્ય જે અહીં
- વિલસંતું સુખને જ સ્પંદન.
રમવું પ્રિય મોકળે મન
- ટહુકી સાંપ્રત સંગ કેવલ.