દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૩૩. આખા શિયાળા વિષે

From Ekatra Wiki
Revision as of 10:49, 21 April 2023 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૩. આખા શિયાળા વિષે

ભુજંગી છંદ


સુખી એક બીજી સખીને કહે છે, અરે આવિયો શીતનો કાળ એ છે;
અનંતા જીવોને ભરાવ્યો ઉચાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

શિળા વાયુના સૈન્યને સાથ લાવ્યો, હણી બાણ વર્ષાદને તો હઠાવ્યો;
અરે નાસતો નીરદાતા નિહાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

દિસે જેમ વસ્ત્રે લુંટાઈ ગયાથી, થયું એમ આકાશ અભ્રો જવાથી;
ગયું ઇંદ્રનું ચાપ એ તો સંભાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

તળાવો નદીઓ તણાં પૂર તૂટે, ખજાના તણાં દ્રવ્ય તે જેમ ખૂટે;
હઠાવે કિનારા બધાને હઠાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

લીલી સાડિયો જે ધરાએ ધરેલી, દિસે સર્વ તે કાપી ચૂરા કરેલી;
મટ્યો રાજવી વેષ રૂડો રૂપાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

સહુ ઠામથી નીર સુકાવી દે છે, રિપૂ જેમ લોહી ઘણું ચૂસી લે છે;
શિલાઓ ઉઘાડી દિસે હાડમાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

કંઈ જીવજંતુ ગુફા મધ્ય પેસે, ડરી શત્રુથી જેમ સંતાઈ બેસે;
કરે લોકના મુખનો રંગ કાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

કઈ તો તપસ્વી થઈ તાપ તાપે, કઈ લોક અગ્નિ વિષે હોમ આપે;
કરે યજ્ઞનો ચાહિને એમ ચાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

ધર્યાં બખ્તરો તુલ્યનાં વસ્ત્ર જાડાં, થશે શત્રુના શસ્ત્રને જાણી આડાં;
છબે તોય હોઠે કરીને ઉછાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

થઈ શેલડી તો વડી સુરસાળા, રિપૂ ભૂપના ભાળિયે જેમ ભાલા;
સુખે ભોગ્ય શ્રીમંતને તો રસાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

વધી રાત્રિકા ને થયો દીન છોટો, બુરા રાજમાં જેમ અન્યાય મોટો;
વધે કૈકના કાળજામાં કંટાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

વિના પાનવાળાં કર્યાં ઝાંડવાંને, રિપૂ ભૂપતિ જેમ લૂંટે પ્રજાને;
દિસે પ્રાણિયોનો જથો દુઃખવાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.