દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૯૩. હિન્દ ઉપર ઉપકાર વિષે

From Ekatra Wiki
Revision as of 07:50, 23 April 2023 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૯૩. હિન્દ ઉપર ઉપકાર વિષે

(હરખ હવે તું હિંદુસ્તાન)

સર્વત્રા એકત્રીસા

ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળા કેર ગયા કરનાર,
પર નાતીલા જાતીલાથી, સંપ કરી ચાલે સંસાર;
દેખ બિચારી બકરીનો પણ, કોય ન જાતાં પકડે કાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિંદુસ્તાન.

રાજ્ય અનોપમ આજ થયું છે, લાજ વધારી તારી લેખ,
ઘોર કુકર્મિ ચોર ગયા ને, જોર દગાનું ડુબ્યું દેખ;
મહમુદ સરખા મારણ ન મળે, તૈમુર તુલ્ય નહિ તોફાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન.

જુલમી રાજાની જડ ઊખડી, નાદિર સરખા પામ્યા નાશ
ભારે ભીલ તણો ભય ક્યાં છે, ક્યાં છે કજીઆ ને કંકાશ
વિધવિધના વૈભવ વસ્તીને, પેહેટે પટકૂળ ચાવે પાન
એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન.

હુલકરથી નહીં હોય ખરાબી, કહો મરાઠા કોણ જ માત્ર,
કદી સંહાર ન કરે સિંધિઆ, પીંઢારા પણ ગયા કુપાત્ર;
ઇંગ્લીશના નેજાની નીચે, તારાં તનુજ કરે ગુલતાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન.

બે વળવંતા આશ્રય આગળ, ગાય ધવલ મંગળ ગુણગીત;
જેના ધારા સૌથી સારા, નિરબળ નરને ડર નહીં ચિત્ત;
કોળી નાળીનો ભય ટાળી, સંભાળી રાખે સંસ્થાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન.

ફાંસી ખોરા ફેલ કરીને, વનમાં પાડી ન શકે વાટ,
ધીંગા કાઠી જટનાં ધાડાં, ઘોડાં ઘેરી ન શકે ઘાટ;
ખેતર કે કુવેતરમાં જઈ, લશ્કર લુંટી ન લહે ધાન્ય.
એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન.

લંકાથી હિમાલય લગભગ, કલકત્તાથી કચ્છ પ્રવેશ,
પંજાબી સિંધી સોરઠીઆ, દક્ષિણ માળવ આદિક દેશ;
દિવસ ગયા ડરનાને દુખના, સુખના દિનનું દીધું દાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન.

તે માટે તું તો તનમનથી, માની લે એનો આભાર,
રાજી રાજી રહી નિરંતર, સ્વર્ગ સમો સજ્જે શણગાર;
દિલથી આશીષ દે છે દલપત્ત, મહિમા મોટું મેળવ માન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન.