અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ જોષી/એક હતી સર્વકાલીન વારતા

Revision as of 10:05, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
એક હતી સર્વકાલીન વારતા

જગદીશ જોષી

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
         પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરી ફરી કેમ કરી વાંચશું?

માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઊઠ્યા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠ્યાં
         પણ બળબળતી રેખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું ને ફૂલોને `કેમ છો?' પૂછી લીધું
         પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
         પણ ઝૂરતા આ ઓરતાનું શું?

ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
         પણ આ માંડેલી વારતાનું શું?

(ધારો કે એક સાંજ આપણે મળ્યાં…, પૃ. ૧૧૯)