બહુવચન/ગુજરાતીમાં મુસ્લિમ ભક્તિમાર્ગી સાહિત્ય

From Ekatra Wiki
Revision as of 12:38, 16 July 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગુજરાતીમાં મુસ્લિમ ભક્તિમાર્ગી સાહિત્ય
ફ્રાન્સવાઁ મેલિસોં

ઇસ્લામના પ્રભાવ હેઠળ ગુજરાતની પ્રાદેશિક ભાષામાં સાહિત્યનો મબલક પાક ઊતર્યો, પરંતુ જે સમુદાયોમાં એનું ખેડાણ થયું તે ઘણી વાર ગુપ્ત રહેવાનું લક્ષણ અને વલણ ધરાવતા હોવાને કારણે અથવા તો આવા સમુદાયો અલ્પ સંખ્યાના હોવાને કારણે અથવા તો કેટલાક કિસ્સાઓમાં તે સમુદાયો સમાજવ્યવસ્થાના નીચલા ગણાતા વરણના હોવાને કારણે આવા ખેડાયેલા સાહિત્યના કૃતિપાઠો ખાસ્સા અજ્ઞાત રહી ગયા છે. જોકે, છેક ઓગણીસમી શતાબ્દીના પ્રારંભ જેટલા વહેલા સમયથી, બિનઇસ્લામી ભાષાશાસ્ત્રીઓનું ધ્યાન આમાંના કેટલાક કૃતિપાઠો તરફ ખેંચાયું. આ અભ્યાસીઓને કૃતિપાઠોના વિષયવસ્તુમાં રસ તો પડ્યો જ સાથોસાથ એમાંના રૂપગત સૌન્દર્યમાં પણ રસ પડ્યો૧ આ પેપરમાં કૃતિપાઠોના ત્રણ જૂથની સમીક્ષા કરવાની નેમ છે.૨ ગિનાનો : તેરમી શતાબ્દીથી અસ્તિત્વમાં આવેલી નિઝારી (ખોજા) શાખાના ઇસ્લામી પીરોની, ત્યારથી તે ઓગણીસમી શતાબ્દી સુધીના સમયગાળા દરમિયાનની રચનાઓ ભજનો : માંગરોળ (સુરત)માં અઢારમી શતાબ્દીમાં થઈ ગયેલા સૂફી પીર કાયમદીન બાવા સાહેબનાં શિષ્યોએ લખેલાં ભજનો. રાજે ભગતની કાવ્યકૃતિઓ : રાજે ભગત ભરૂચ પ્રદેશનો રહેવાસી હતો; મોલેસલામ મુસલમાન (રજપૂત ગરાસીઓ) હતો; એ ૧૭૨૦ પૂર્વે થઈ ગયો.

ગિનાનો ગિનાન શબ્દ મૂળ સંસ્કૃત જ્ઞાન (એટલે કે સમાધિ અવસ્થામાં પ્રાપ્ત થયેલું જ્ઞાન)નું તદ્‌ભવ રૂપ છે. ઇસ્માઈલી નિઝારી મિશનરી (દા’ઈ)ઓ દ્વારા, એમના ધર્માંતરિત થયેલા અનુયાયીઓની ઘરગથ્થુ ભાષામાં અને એમને આધ્યાત્મિક સાહિત્યનો લાભ પમાડવા જે કૃતિઓ રચાઈ તેને ગિનાનો તરીકે ઓળખવામાં આવે છે. ઇસ્માઈલવાદની મુખ્ય શાખાઓમાંની એક તે નિઝારી શાખા. ફાતિમિદના ઈજિપ્તનું પતન થયા પછી ૧૦૯૪માં જે વિભાજનો થયાં તેની જ એક નીપજ તે નિઝારી. ઇમામ અલ મુસ્તાનસીરનો મોટો પુત્ર નિઝાર અને તેના અનુયાયીઓ નિઝારના નાના ભાઈ મુસ્તા’લી અને તેના અનુયાયીઓના વિરોધી હતા. બન્ને જૂથોનો એક લાંબો એવો ઇતિહાસ રચાવાનો હતો,પરંતુ છેવટે ભારત ખાતે તેમનું પુનર્મિલન સધાવાનું હતું. વર્તમાન સમયના નિઝારી, મુખ્યત્વે મુંબઈ ખાતેના, ગુજરાતમાં, કચ્છમાં, અને સિન્ધમાં સત્પંથી અથવા ખોજા તરીકે ઓળખાય છે. નિઝારી ઈસ્માઈલી એ જ એકમાત્ર એવો શીઆ સંપ્રદાય છે જે હયાતી ધરાવતા અને હાજરાહજૂર ઇમામને ઈશ્વરના સંપૂર્ણ અવતાર તરીકે સ્વીકાર કરનારો છે. ઇમામને તેઓ ‘હાજર ઇમામ’ તરીકે જાણે છે. ૧૮૪૦ પર્યંત ઈરાનમાં ક્રમાનુસાર થતા ઇમામોને લલાટે એક જ લેખ કોતરાયેલો હતો-પજવણી, પરાભવ અને વાડાબંધી. ૧૮૪૦માં જે ઈમામને તાજેતરમાં જ આગાખાનના ખિતાબથી નવાજવામાં આવેલા તેને સિંધમાં ભાગવું પડેલું અને ત્યાંથી મુંબઈ તરફ. આ ઈમામના પુરોગામીઓ દ્વારા મોકલાયેલા મિશનરીઓએ ધર્માંતર કરાવીને ખોજા કોમ ઊભી કરેલી. આ કોમ વત્તેઓછે અંશે ઈરાનની ઈમામતથી કપાયેલી જ રહી. આ કોમે આવેલા ઈમામના અધિકારો સત્તાવાર રીતે માન્ય રાખ્યા. આ સમયના ઉત્તરોત્તરથી ઈસ્માઈલીઓના પોતાના અભ્યાસી સંશોધકોને તેમ જ પાશ્ચાત્ય સંશોધકોને ઉત્તેજન મળવું શરૂ થયું. ગિનાનોની હસ્તપ્રતો બહાર આવવા લાગી, તેમની નકલો થવા લાગી અને ખુલ્લેઆમ પ્રકાશિત પણ થવા લાગી. હવે પહેલાંની જેમ સાંકેતિક ખોજકી લિપિની જરૂર રહી નહિ, કેમ કે હવે સનાતની ઈસ્લામ તરફથી પજવણીનો અવકાશ રહ્યો નહોતો. ગુજરાતમાં થયેલા ધર્મપરિવર્તનની તવારીખની આકારણી કરવાનું કામ મુશ્કેલીભર્યું છે, કેમ કે તેનો એકમાત્ર સ્રોત ગિનાનો છે, અને તે પાછા સ્વભાવતઃ ખૂબ વિનમ્ર પ્રકૃતિના છે. પીરના નિઝારી મિશનરી તરીકે ગુજરાતમાં સૌપ્રથમ પગ મૂકનાર દંતકથા બની ચૂકેલા સત્ગુરુ નૂર હતા. કહેવાય છે કે એમણે રાજા સિદ્ધારાજ જયસિંહ (૧૦૯૪-૧૧૪૩)નું ધર્મપરિવર્તન કરાવેલું. દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે એમનો રોજો આજે પણ જોવા મળે છે. ગિનાનોનું જે સંગ્રહિત સાહિત્ય પ્રાપ્ત થયું છે તેમાં પરંપરા પ્રમાણે ઉલ્લેખ પામેલા ત્રણ એલચીઓ (દા’ઇ)છે : ૧. પીર શમ્સ, જે ભારતમાં ચૌદમી શતાબ્દીમાં પહોંચ્યા હોવાનું કહેવાય છે અને એ કચ્છ અને મુલ્તાન ખાતે સક્રિય હતા અને ત્યાં જ એમને દફનાવવામાં આવેલા; ૨. પીર સદ્રુદીન (ઈ. સ. ૧૪૦૦) જેમણે કચ્છમાં જમાતખાના (પ્રાર્થના અને ભક્તિ માટેનું સ્થાનક)ની સ્થાપના કરી અને પોતાના હાથે ધર્માંતરિત થયેલા લોહાણા અનુયાયીઓનું ખ્વાજા નામકરણ કર્યું; ૩. પીર હસન કબીર અલ્‌-દીન, જે પીર સદ્રુદીનના પુત્ર હતા, એમના અવસાન પછી કોઈ વારસદાર નીમવામાં કોમ એકમત સાધી ન શકી. એમના અઢારમા અને સૌથી નાના પુત્રના અનુયાયીઓએ પોતાને સ્વતંત્ર જાહેર કર્યા અને ઇમામશાહના પુત્ર નૂર મુહમ્મદ શાહની સાથે મળીને ઇમામ-શાહીના નવા સંપ્રદાયની સ્થાપના કરી. એ ગાદી અમદાવાદની સમીપ આવેલા પીરાણા ખાતે છે. ગિનાનો સંગ્રહ નિઝારી સંગ્રહ સાથે ઘનિષ્ઠ સામ્ય ધરાવે છે. તેથી કોઈ એક ગિનાન બેઉ પરંપરાઓમાંથી મળી આવતો જણાતો હોય તો તે સોળમી શતાબ્દી પૂર્વેનો હશે એવી ધારણા કરી શકાય. આ એક મૂલ્યવાન નિર્દેશ છે. ઇમામ-શાહી આગવી કહી શકાય એટલી હદે ગુજરાતી રહી, જ્યારે નિઝારી પ્રસ્તાર ભારતના અન્ય પ્રદેશો જેવા કે પંજાબ, પાકિસ્તાનના સિંધ, અને દૂર દૂરના હુન્ઝાના ખીણ પ્રદેશો સુધી, તેમ જ ઈરાન સુધી વિસ્તર્યો. ઇમામશાહીમાં, સુધારા માટેના અનેકવિધ પ્રયાસો છતાં, આગાખાની નિઝારી કરતાં સંમિશ્રણાત્મક વલણો વધુ પ્રવર્તમાન છે. નિઝારી આગાખાનીમાં ઓગણીસમી શતાબ્દીથી જ સમીપવર્તી પૂર્વમાંના ઇસ્લામને લક્ષમાં રાખી પોતાની ફેરતપાસ કરતા રહેવાનું વલણ રહ્યું. એક વાત સાચી, ઈરાનમાંથી ભારતમાં આવતા રહેલા નિઝારીઓની વટાળપ્રવૃત્તિ પર ઇમામશાહીએ પૂર્ણવિરામ મૂકી દીધો. પીરોના ઉપદેશોનું હાર્દ ઇમામતના શાસ્ત્રસંમત સિદ્ધાંત પર અવલંબિત રહ્યું છે. અલામતના ક્રમવાર આવ્યે જતા ઇમામો દ્વારા આ સિદ્ધાંત વ્યાખ્યાયિત થતો રહેલો છે. તેમાં સાધકે એવી આધ્યાત્મિક ખોજ આદરવાની રહે છે જે તેને અભેદાનુભૂતિ સુધી દોરી જવાની હોય; તેના ગૂઢાર્થ માર્ગદર્શક પીરની સહાય વડે જ પ્રકટ થઈ શકે છે. માર્ગદર્શક પીર સાધકને ધ્યાનપદ્ધતિની ચાવી પૂરી પાડી આપે છે. ધ્યાનની આ ચાવી એટલે ધિક્‌ અથવા તો બોલ; રૂઢિગત ધર્મના આભ્યંતર અભ્યાસનો લાભ પ્રાપ્ત કરવા અર્થે સઘળા રૂઢિગત બાહ્યાચાર અને કર્મકાંડોનો પરિહાર કરવાનો રહે છે. પીરોની ઉપદેશરીતિઓ, ગિનાનોમાં આલેખ્યા પ્રમાણે, સ્પષ્ટપણે હિન્દુ-ઇસ્લામી સમન્વય પર આધારિત હોય છે. પીરોએ હિન્દુધર્મમાંથી એક કરતાં પણ વધારે સ્તરોએથી ઊછીનું લીધેલું હોય છે. એક તરફ, નિરક્ષર ને નીચી ગણાતી જાતિઓમાંથી આવનારો શ્રદ્ધાળુ લોકસમુદાય લાભ લઈ શકે તે કારણસર સંખ્યાબંધ અનિવાર્ય એવી છૂટછાટો આપવી પડે છે. સૌથી લોકભોગ્ય એવી રૂઢિઓ અને માન્યતાઓ જેવી કે માતાજીનો મહિમા ગાવા ગવાતા ગરબારાસ અને પુનર્જન્મમાંની આસ્થાઓને અપનાવી લેવામાં આવી છે. મૂળે તો દા’ઇઓના મિશનમાં જ નિહિત હતું કે તેઓ જે પણ પ્રદેશમાં ધર્મ પ્રચારાર્થે જઈ ચડે, તો ત્યાંની પ્રજાના રૂઢિરિવાજો અને ભાષાથી વાકેફ થવું. વત્તેઓછે અંશે આવી છૂટછાટ આપવા ઉપરાંત પણ પીરોએ સંપૂર્ણપણે ઈસ્માઈલી કહી શકાય એવું એક દર્શન નિપજાવી લીધું જેના પાયામાં વિષ્ણુના અવતારોનો સિદ્ધાંત રહેલો છે. પયગંબરના જમાઈ અને વારસદાર એવા હઝરત અલી, જે પાછા હાજર ઇમામ પણ છે, ને જેની વૈષ્ણવોએ પરિત્રાતારૂપે ઉદ્‌ઘોષણા કરી છે તે કલિયુગના કલ્કિ અવતાર તરીકે સ્થાપી શકાય. આવા દર્શનમાં હિન્દુ દેવતાઓ ઇસ્લામી બની રહે છે, જેમાં અલીને વિષ્ણુ લેખાવવામાં આવ્યા, મુહમ્મદ પયગંબરને બ્રહ્મા, એમની પુત્રી ફાતિમાને શક્તિ અથવા તો સરસ્વતી, જ્યારે હસનને શિવની સમકક્ષ લેખાવવામાં આવ્યાં છે. પરંતુ પરિત્રાતાનો ખ્યાલ હિન્દુઓને મતે છેક નગણ્ય છે. દશાવતારના પરમપુરુષ દેવ એવા રામ અને કૃષ્ણની પાસે કલ્કિ તો વિસાતમાં પણ ન આવે. આમ, દશાવતારના પુરાકલ્પનને ઈસ્માઈલી બ્રહ્માંડદર્શનમાં બેસાડવાનો પ્રયત્ન દેખીતી રીતે ભલેને પ્રતીતિજનક લાગતો હોય, પરંતુ આખરે તો એ કૃતક સ્વરૂપનો જ રહી જાય છે. છતાં ગિનાન ઊર્મિગીતોમાં આલેખાયેલો હિન્દુધર્મનો પરિવેશ એક જુદી જ વાત બને છે. તેરમી શતાબ્દીથી વીસમી શતાબ્દીના પ્રારંભ સુધીના સમયગાળામાં રચાયેલા ગિનાનોની સંખ્યા ૮૦૦ જેટલી થવા જાય છે. અને તે અનેકવિધ લંબાઈ ધરાવતા રહ્યા છે. એમનાં ઘણાં લક્ષણો, એમનું ઉદ્‌ગમસ્થાન, પ્રસારણની રીતિ, સાહિત્યિક રૂપ, અને પ્રત્યક્ષ વિનિયોગ-ઉત્તર ભારતના મધ્યકાલીન વૈષ્ણવ સંપ્રદાયમાં રચાયેલાં પદો અને ભજનોની યાદ અપાવે તેવાં છે. ગિનાનો પ્રથમ તો કંઠ-પરંપરા દ્વારા પ્રસાર પામ્યા, તેથી જ તો તેમાં કૃતિપાઠોની નિશ્ચિતતાનો અભાવ વરતાય છે. સૌથી પ્રથમ હસ્તપ્રત ઈ. સ. ૧૭૩૬ના વર્ષની લખાયેલી છે, પરંતુ છેક સોળમી સદીમાં પણ અસ્તિત્વમાં હોય એવી હસ્તપ્રતો પણ નોંધાઈ છે. ગિનાનો વાસ્તવમાં તો વિવિધ ભાષાઓમાં લખાયેલા છે : મુલ્તાની, પંજાબી, સિન્ધી, કચ્છી, હિન્દી, પરંતુ મુખ્યત્વે ગુજરાતીમાં લખાયેલા છે, ઉપરાંત સાધુઓને જ ગમ્ય એવી સાધુકડી બોલીમાં લખાયા હોય તે વળી વધારામાં ચોપાઈ અને દોહાના પ્રકારોને અપનાવ્યા હોવાથી ગિનાનો પદ્યમાં રચાયેલા છે. તેમની લંબાઈમાં પુષ્કળ વિવિધતા રહેલી છે. નાનામાં નાનો ગિનાન ચારથી પાંચ કડીનો છે. લાંબા ગિનાનનું સામાન્ય રીતે ટૂંકાવેલું રૂપ પણ પ્રાપ્ત થાય છે. તેને નાનો અથવા નીંઢો ગિનાન કહે છે અને કેટલાક ગિનાનોનું વળી લાંબું સ્વરૂપ પણ જોવા મળતું દેખાય છે. તેને મોટો અથવા તો વડ્ડો ગિનાન કહે છે. પ્રત્યેક ગિનાન પર તેના કર્તા (ભણીતા)ની સહી કરેલી હોય છે; ગિનાન રચનાઓ ગાવા માટે કે પઠન અર્થે રચાયેલી હોય છે; પ્રત્યેકને પોતાનો આગવો રાગ હોય છે અને તે પેઢી દર પેઢી કંઠપરંપરા દ્વારા પ્રસારિત થતો રહે છે. તેમાં રહેલા ધાર્મિક સંદેશને કારણે તેનું સાંગીતિક હોવું અનિવાર્ય લેખાય છે, હિન્દુ ભક્તિકાવ્યોમાં પણ આમ જ હોય છે. એ. નાનજીના મત અનુસાર, સોળમી સદીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે ગિનાન સાહિત્યને લિપિબદ્ધ કરવું અને પ્રત્યેક ગિનાનને સંપ્રદાયમાં જે મહાન પીરો (પીર શમ્સ, પીર સદ્રુદીન, પીર હસન કબીર અલ્‌-દીન)થઈ ગયા તે પ્રત્યેકના નામે અમુક સંખ્યામાં પ્રગટ કરવા અને લિપિબદ્ધ થયેલા કૃતિપાઠો તેમાં જણાવેલા કર્તાના નામે વિભાગવાર વહેંચી નાખવા. ગિનાનોનાં વિષયવસ્તુઓમાં જાતજાતની વિવિધતા રહેલી છે. (પ્રચારાત્મક, પુરા-કલ્પનમૂલક, નીતિમૂલક, વિધિ-વિધાનમૂલક), પરંતુ સૌથી રસપ્રદ ગિનાનસંગ્રહ તો એ છે જેમાં ભારતીય ઈસ્માઈલીઓનો મરમીવાદ આલેખાયો છે. તેમાં એક તરફ સાધક-ભક્તનું આંતરિક વાસ્તવ, સર્વોચ્ચ એવી આધ્યાત્મિક અભેદાનુભૂતિ સાથે તાદાત્મ્ય સાધતું હોય એવી પ્રક્રિયા વર્ણવાયેલી હોય અને બીજી તરફ ઇમામનું આંતરિક વાસ્તવ આલેખાયું હોય એટલે કે ઈશ્વર સાથેની અભેદાનુભૂતિ વર્ણવવાની મથામણ હોય છે. આવા ગિનાનો તેમાંનાં ભાવાત્મક લક્ષણોને કારણે લોકભોગ્ય બની રહ્યા છે. અન્ય પક્ષે, ઉત્તર ભારતના વૈષ્ણવ સંતોને પ્રિય એવા વિષયોનું પણ ગિનાનોમાં યથાતથ પ્રતિબિંબ પડતું રહ્યું છે, જેમાં એક સંપ્રદાય એવો છે જે ‘સત’ શબ્દને અસ્તિત્વના સાગરને પાર કરાવનાર એકમાત્ર સાધન લેખે છે અને ધર્મના બાહ્યાચારને બદલે છેક આભ્યંતર ગુરુ સુધી વિસ્તરતી હોય એવી ભક્તિનો મહિમા ગવાયો છે તે વિરહિણીના પ્રતીકનો વિનિયોગ કરે છે અને એકેશ્વરવાદનો પુરસ્કાર કરે છે : આવા એકેશ્વરવાદને નિર્વૈયક્તિક રૂપે નિરંજન, સામી (સ્વામી) માટે નાથજી, પૂર્ણ પરિબ્રહ્મ, વગેરે નામ હેઠળ ઓળખવામાં આવ્યો છે. સાથોસાથ વૈયક્તિક રૂપે ત્રિભોવન સામ, હરજી, જદુરાય વગેરે વૈષ્ણવ સ્વરૂપે ઓળખાવ્યો છે. ગિનાનોના કર્તાઓ, સન્તોની જેમ, નાથયોગીઓની પ્રતીકરચના તેમ જ તંત્રપ્રણાલીને ઉપાડી લે છે. આમ બોલ કે ધિક્‌ રટણ નવદીક્ષિત માટે એક પ્રકારનો મંત્ર બની રહે અને આગળ જતાં તેને દીદાર માર્ગે કે કદાચ અજય તરફ દોરી જાય અને અમરત્વનું અમી ઈશ્વર સાથેની અભેદાનુભૂતિમાં તેનું સંગાથી બને. ઈસ્માઈલી ખોજાઓના આચારમાં તેમ જ તેમના કૃતિપાઠોમાં ચૌદમી, પંદરમી અને સોળમી શતાબ્દીના હિન્દુ મરમીવાદના લોકપ્રિય પ્રકારોનો પડઘો પડતો હોવાનું જણાઈ આવે છે અને તેમની કાવ્યકૃતિઓ નિઃશંકપણે મધ્યકાલીન નિર્ગુણી સંતોની ભક્તિ-પરંપરા સાથે સંલગ્ન હોવાનું જણાય છે.

પીર કાયમદીન બાવાના શિષ્યવૃંદ દ્વારા રચિત ભજનો સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલી ચિસ્તી સૂફી ગાદીના સ્થાપક તરીકે પીર કાયમદીન બાવાની ગણના થાય છે. પરંતુ માંગરોળ ખાતે પ્રતિવર્ષ ભરાતો મેળો તો મોટામિયાં નામના કાયમદીનના વારસનો મહિમા કરતો હોય છે. આ મોટામિયાં વીસમી શતાબ્દીના પ્રારંભ કાળના જ્ઞાની ગણાતા ધાર્મિક આગેવાન હતા. એમણે પાશ્ચાત્ય ઢબનું શિક્ષણ પ્રાપ્ત કરેલું ને સર્વધર્મસમન્વયના પુરસ્કર્તા હતા. વર્તમાન શતાબ્દીના શરૂઆતના ગાળામાં તેમણે હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળાને કાયમદીનના શિષ્યવૃંદે રચેલાં ભજનો અને કલામો સુપરત કર્યાં. કાંટાવાળાએ છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદમાં આપેલા વ્યાખ્યાનમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓ તરીકે તેમના સુંદર નમૂના રજૂ કરીને અભ્યાસીઓનું ધ્યાન ખેંચ્યું. પાછળથી પોતાને હસ્તકના માસિક ‘સાહિત્ય’ (જાન્યુ-ડિસેમ્બર ૧૯૨૨)માં પ્રગટ કર્યાં, ત્યાર પછી તે કૃતિઓ ‘ભક્તિ સાગર’ શીર્ષક હેઠળ ગ્રંથસ્થ પણ થઈ. પીર કાયમદીનની કબર, જોકે, માંગરોળમાં નહિ, પરંતુ ભરૂચ જિલ્લાના પાદરા તાલુકામાંના એકલબરા ખાતે આવેલી છે અને પ્રતિવર્ષ એમની યાદમાં ત્યાં મેળો ભરાતો રહે છે. માંગરોળ તેમ જ એકલબરાના મેળાઓમાં ઇસ્લામી કોમો (ખાસ કરીને ઈસ્માઈલ વહોરા કોમ)ના શ્રદ્ધાળુઓ તેમ જ આસપાસના હિન્દુઓ પણ એકઠા થાય છે. ત્યાંના આવશ્યક કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ હોય છે કાયમદીનના શિષ્યો તેમ જ વારસદારો રચિત ગુજરાતી ભજનોનું ગાન. માંગરોળની સૂફી કોમે ગુજરાતમાં ઇસ્લામના નિષ્ણાત ગણાતા અભ્યાસીઓનું ધ્યાન ખેંચ્યું હોવાનું જણાતું નથી. ગૅઝેટિયર સિવાય કશે પણ એમના નામનો ઉલ્લેખ થયો નથી તેથી એ કોમના કર્તાઓનાં જીવન તેમ જ કવન વિશે નામની જ જાણકારી છે. કાંટાવાળાએ આ પરમ્પરાના કેટલાક હિસ્સાઓ એકઠા કર્યા. એમના મતાનુસાર પીર કાયમદીનના પિતા બદરુદ્દીન મસ્તાના હતા. એઓ પાક પત્તણના બાબા ફરીદના વંશજો હતા અને રાજવંશી લોહીના હતા. એઓ ગુજરાત ખાતે કઈ રીતે આવ્યા તેની કોઈ ચોક્કસ જાણકારી પ્રાપ્ત નથી. કાંટાવાળાના સંગ્રહ ‘ભક્તિ-સાગર’ની પૂર્તિરૂપે હરગોવનદાસ હરકિશનદાસે બહાર પાડેલા ગ્રંથ (પાનાં ૨૫૫-૫૬)માં કેટલાક કલામો ઉર્દૂમાં લખેલા છે, ૧૭૦૩ના વર્ષનું એમનું ‘નૂર રોશન’ પણ એ જ પ્રમાણે છે. એમનું અવસાન ૧૭૨૨માં થયું હોવાનું મનાય છે. એમનું માહાત્મ્ય ગાવા રચાયેલા કૃતિપાઠોમાં એમના ધર્મોના સમન્વયસાધક વલણ પર ભાર મૂકવામાં આવ્યો છે, એથી પણ વિશેષ તો એમના ચુસ્ત શાકાહારી હોવા પર. હવે પછી જેમનો ઉલ્લેખ કરીશું તે એમના શિષ્યો છે. આ શિષ્યોએ પદોની રચનાઓ કરી, એ સૌ સાધારણ સ્થિતિનાં ગુજરાતી કુટુંબોના હતા.

રતનાબાઈ એમના શિષ્યોમાં રતનાબાઈ નામની એક સ્ત્રી હતી, થોકબંધ પદો તો તેનાં રચેલાં છે. જોકે ‘ભક્તિ-સાગર’ના ઊઘડતા પાના પર એનું નામ છેલ્લી લીટીમાં દર્શાવ્યું છે. તેમ છતાં સંપાદકે રતનાબાઈનાં પદોથી જ સંગ્રહનો પ્રારંભ કર્યો છે. જીવન મસ્તાનાની તે પિતરાઈ હોવાનું કહેવાય છે. એના જીવન વિશે આપણી પાસે નહિવત્‌ માહિતી ઉપલબ્ધ છે, એટલી જ કે એનો સમયગાળો અઢારમી શતાબ્દીની આખરનો હતો અને એણે આછુંપાતળું ભણતર મેળવેલું. ભજનો અને કલામોમાં એણે છેડેલા વિષયોનો વ્યાપ અતિ વિસ્તૃત છે – તત્ત્વજ્ઞાન, ભક્તિ, નીતિ અને મરમીવાદ. આવી એની ક્ષમતાનો સઘળો યશ ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનને જતો હોવાનું કહેવાય છે. એનાં પદો લાલિત્યપૂર્ણ હોય છે, એમાં એ કાળમાં ભાગ્યે જ જોવા મળતો વ્યક્તિવિશેષ એવો સ્પર્શ રહેલો છે. એ કઈ કોમમાંથી આવેલી તે આપણને જાણવા મળતું નથી. આ બિના દુઃખદાયક ગણાય. મીરાંબાઈ સાથે એને સરખાવવામાં આવી છે તે અકારણ નથી. એની ફરિયાદ છે કે એના કુટુંબને એના મરમીવેડા તેમ જ પીર કાયમદીનના બોધ પરત્વેની આસક્તિનો ભારે અણગમો હતો. આ કારણસર કુટુંબે એના પર વિતાડવામાં કશું બાકી રાખ્યું નહોતું. રતનાબાઈએ પોતાની રચનાઓ માટે ગરબીનું સ્વરૂપ અપનાવેલું. અઢારમી સદીના ભગતોએ રચેલાં કૃષ્ણભક્તિનાં પદોને નમૂના તરીકે નજર સમક્ષ રાખેલાં. એની રચનાઓ આપણને નાગર સ્ત્રી-કવિઓ કૃષ્ણાબાઈ કે દિવાળીબાઈ, તેમ જ સ્વામિનારાયણી કર્તાઓની યાદ અપાવે છે. જ્યારે પણ એ પરમેશ્વરને સંબોધીને રચના કરે છે ત્યારે ક્યાંક હરિ કે હરિકૃષ્ણ નામનો આશ્રય લેતી હોય છે ખરી, પરંતુ કિરતાર શબ્દનો વિનિયોગ વિશેષ પ્રમાણમાં છે. મૂળે તો કાયમદીન જ એને મનગમતા છે.

અભરામ બાવા પીર કાયમદીન પછી એમની ગાદીએ ભરૂચ જિલ્લાના પારિયેજા ગામના રહેવાસી અભરામ બાવા આવ્યા. એઓ અમરાવ અથવા તો ઈબ્રાહીમ ભગત તરીકે પણ જાણીતા છે. રતનાબાઈની જેમ એમણે પણ ખાસ ભણતર મેળવેલું નહિ અને પોતે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું તેના માટે પીર કાયમના ઋણી હોવાનું કહે છે. એમનાં કેટલાંક પદોમાં પોતાને સખી તરીકે લેખાવે છે. ઉદાહરણ તરીકે એક ગરબીમાં પોતે પોતાના સ્વામી (નાથ) માટે આક્રંદ કરતા હોય છે. એમનું ગુજરાતી ઉર્દૂની છાંટવાળું છે; એમનાં કેટલાંક પદો તો આખેઆખાં ઉર્દૂમાં જ છે. પોતાની વંશાવળી પર ભાર મૂકતાં એ કહે છે : સૂફીઓના જે ચાર પંથ છે તેમાં મારું ઘર તે ચિસ્તી ખ્વાજા મોઈનુદ્દીનને હું ઊંચે આસને સ્થાપું છું. શાહ કાયમદીન મારા પીર અને મારા સાચા ગુરુ છે.

પૂંજા બાવા પૂંજા બાવા ખંભાતની ખારવા કોમના એક ખલાસી હતા, પરંતુ એમણે જીવન તો ભરૂચમાં જ ગાળેલું. એ પણ પોતાના શિક્ષણ માટે પીર કાયમદીનનું ઋણ સ્વીકારે છે. ગુજરાતની ખારવા કોમમાં અત્યારે પણ એમના અનેક અનુયાયીઓ છે. એમનાં કાવ્યમાં નિર્ગુણી સ્પર્શ છે, સાથેસાથે પુષ્કળ તાંત્રિક પ્રતીકો જોવા મળે છે. ગગનમાં સહજનો નાદ ગુંજે ત્રિકમ તાલ વગાડે સોઽહમ્‌ સોઽહમ્‌ આ જ છે શબ્દ...

નબી મિયાં ‘ભક્તિ-સાગર’ના સંપાદકે નબી મિયાંના જીવન વિશે કશો જ પ્રકાશ પાડ્યો નથી. ‘સાહિત્ય’ સામયિકમાં છપાયેલા એક પદમાં નબીના ગુરુઓ અને કૃષ્ણનાં નામ આશ્ચર્યજનક રીતે જોડાજોડ મૂકવામાં આવ્યાં છે : ફરીઆદ, અભરામ, શાહ કાયમ અને મોરારી, શ્યામ, વિશ્રામ વગેરે. વળી, એ નોંધવું પણ રસપ્રદ રહેશે કે નબી મિયાંનાં કેટલાંક ભજનોના પ્રારંભમાં ‘ધીરા ભગતનો રાહ’ જેવો શબ્દસમૂહ મૂકવામાં આવ્યો છે. ધીરો એક હિન્દુ ભગત હતો (૧૭૫૩-૧૮૨૪). એનાં પદો માયા અને ભ્રાંતિમૂલક જગત સામે સંગીન ચેતવણીરૂપ છે. લાગે છે તો એવું કે નબી પોતાને આસાનીથી ધીરો તરીકે ખપાવી શકે. ગુજરાતી ભગતો એટલે સંત-કવિઓનો એક સમૂહ. અઢારમી સદીના આ સંત-કવિઓ કબીરની વિચારધારાથી રસાયલા સહજ સંપ્રદાયના પક્ષપાતી હતા. કબીરની વિચારધારા તે જમાનામાં ખાસ્સી ફૅશનમાં હતી. પંદરમી અને સોળમી શતાબ્દીના ઉત્તર ભારતના સંતોના ભગતો વારસદાર હતા. પોતાના સમયમાં પ્રસરી રહેલા અંધકારની તેમ જ વિપુલ સંખ્યામાં ઊભરાતા બનાવટી સાધુઓ ને પોતાને ધાર્મિક તરીકે ખપાવતા લોકોની વિરુદ્ધ આ ભગતો ઉપદેશ આપતા. એઓ કૃષ્ણ કે વિષ્ણુનું નામ જીભે લાવતા તે પણ એટલા ખાતર કે ગુણાતીત બ્રહ્મને આવાં નામ આપવામાં આવેલાં છે. આ સઘળા ભગતો એકબીજાના સંપર્ક વિનાના અને સ્વતંત્ર રહેનાર હતા, એમણે કોઈ પંથની સ્થાપના કરી નહોતી; એઓ સાધારણ કુટુંબમાં જન્મેલા હતા અને ગૃહસ્થીનું જીવન ગાળતા. ક્વચિત્‌ એમનો ઉલ્લેખ જ્ઞાનમાર્ગી-કવિઓ તરીકે કરવામાં આવે છે, કેમ કે એઓ એકેશ્વરવાદના વેદાંતમતના પ્રખર પુરસ્કર્તા હતા. ઉદાહરણ તરીકે એમાંનો એક નિરાંત (૧૭૪૭-૧૮૨૪) એક રજપૂત અથવા તો પાટીદાર હતો. એને એક મુસલમાને નિર્ગુણીમતમાં ધર્મપરિવર્તન કરાવેલું. એ તો દેખીતું છે કે હિન્દુ ભગતો અને એમના સમકાલીન એવા પીર કાયમના શિષ્યો વચ્ચે પરસ્પર પ્રભાવ પડતો રહેલો. પીરના કેટલાક અનુયાયીઓ ભગત નામની અટક પણ ધરાવતા. દા.ત. સુલેમાન ભગત. ગિનાનોએ પંદરમી શતાબ્દી પૂર્વે પ્રચલિત થયેલી નિર્ગુણી ભક્તિનું આલેખન કર્યું છે તે વાત સાચી, પરંતુ આપણે ચોક્કસપણે એ જાણવા પામતા નથી કે તેની પાછળ પીરોના મનમાં કોઈ પૂર્વયોજના હતી કે કેમ. તે જમાનામાં પ્રચલિત એવા પ્રભાવશાળી વલણ સાથે કદમ જાળવીને પ્રચાર કરવાની ગોઠવણની એ ફળશ્રુતિ હતી કે પછી તે વખતના સમાજ સાથે ભળી જઈને એકરૂપ થવાની અસંપ્રજ્ઞાત અને અદમ્ય કામનાનું તે પરિણામ હતું, પરંતુ પીર કાયમના શિષ્યોને સંબંધ છે ત્યાં સુધી એમનું કવન કશી જ વટાળ પ્રવૃત્તિ અર્થે સર્જાયું નહોતું, પરંતુ તે સમયના ભગતો સાથે ભળી જઈ એકરૂપ થઈ જવાની ઇચ્છા નૈસર્ગિક હોવાનું જણાય છે.

રાજે ભગતની કાવ્ય-રચનાઓ રાજે એની આગવી કહી શકાય એવી સગુણ કૃષ્ણકવિતા માટે જાણીતો છે. કાલગણનાની દૃષ્ટિએ કાયમના અનુયાયીઓની પૂર્વે એ થઈ ગયો અને હકીકતમાં એનું સ્થાન એકદમ વિશિષ્ટ છે. એની કવિતામાં કશે જ પોતે મુસલમાન છે એવું જાહેર થયું નથી, જ્યારે કાયમદીનના અનુયાયીઓ પોતાની વંશાવળીમાં એનો ઉલ્લેખ કરતા રહ્યા છે. એને વિશે નજીવી જાણકારી પ્રાપ્ત થઈ છે. એ મોલેસલામ હોવા સિવાયની કશી જ માહિતી ઉપલબ્ધ નથી થતી. મહમૂદ બેગડા (૧૪૫૯-૧૫૧૩)ના સમયમાં કેટલાક રજપૂતો ધર્મપરિવર્તન કરીને મોલેસલામ તરીકે ઓળખાવા લાગ્યા, પરંતુ ઇસ્લામ પરત્વે ઉદાસીન રહ્યા અને પોતાની સમાજવ્યવસ્થા અને હિન્દુ સંસ્કારોની દેણગીને વળગેલા રહ્યા. તેઓ ગુજરાતના ભરૂચ, વડોદરા, બનાસકાંઠા અને ખેડા જિલ્લાઓના રહેવાસી હતા. તે કેટલીક રજપૂત જ્ઞાતિઓના હતા. રાજે પોતે ગરાસીઓ હતો. મોલેસલામોમાં આ કોમનું સંખ્યાબળ વિશેષ હતું. ગરાસીઆ મોલેસલામ ગરીબ અને પછાત છે અને મોટે ભાગે અભણ હોય છે. તેઓ હિન્દુ ગોરનો લાભ લેતા રહે છે, પૈસેટકે સુખી થયા પછી જ ધાર્મિક વિધિઓ માટે મુસલમાન મુખી પાસે જાય. રાજે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવડ ગામનો ગરાસીઓ હતો. એના કુટુંબ વિશે આપણી પાસે કશી જ માહિતી નથી; એનું અવસાન ક્યારે થયું અને એની કબર ક્યાં આવેલી છે તે પણ આપણે જાણતા નથી. હસ્તપ્રતોમાંના એકમાત્ર ઉલ્લેખના આધારે આપણે એટલું તારવી શકીએ છીએ કે ૧૭૨૦માં એ હજુ હયાત હતો, એની ‘જ્ઞાની ચુસરા’ નામની રચનામાં એના નામની પાછળ રણછોડ નામ લખેલું હોય છે અને તેના પરથી, પરમ્પરા અનુસાર, એના પિતાનું નામ રણછોડ હતું એમ માની શકાય, પરંતુ કૃષ્ણની પ્રત્યેક વખતે ‘જ્ઞાન ચુસરા’માં આવ્યા કરતી રણછોડ તરીકેની ઓળખનો બેવડો અર્થ ઘટાવવામાં આવે તો આ તારણની પ્રમાણભૂતતા અંગે આપણને શંકા ઊપજવા લાગે. એ ગમે તે હોય, રાજેની કવિતાની મધ્યકાળથી અઢારમા સૈકામાં થઈ ગયેલા એના સમકાલીન એવા મહાન આખ્યાનકાર પ્રેમાનંદની ભાષા સાથે મળતી આવે છે. એના સંજીવન અંગે ફેલાયેલી કિંવદન્તીઓ એની લોકપ્રિયતા પુરવાર કરી આપે છે. એનો પ્રથમ ચમત્કાર એવો હોવાનું કહેવાય છે કે એના પિતાએ એને જુવારની વાવણી કરેલા ખેતરની રખેવાળી કરવાનું સોંપેલું, તેમાં એણે કશું ધ્યાન આપ્યું નહીં છતાં જુવારનો મબલક પાક લણવામાં આવેલો. બીજી એક કહેણી પ્રમાણે એણે માંસને સાકરમાં ફેરવી આપ્યું હોવાનું કહેવાય છે. એણે રચેલી કૃતિઓ વૈવિધ્યસભર છે. વ્રજભક્તિના અન્ય કવિઓની પેઠે એણે પણ રાસલીલા, માન અને દાણલીલા, હિંડોળાનાં પદ, બારમાસી કાવ્ય, ગરબી, વ્રેહગીતા, વસંતનામ પદ, અને બાળલીલાની રચનાઓ કરી. એનાં કેટલાંક પદો જોકે વૈરાગ્ય અને નીતિવિષયક પણ છે. એના થાળ (કૃષ્ણને ધરવામાં આવતા ભોગનાં વર્ણન કાવ્યો) વલ્લભ સંપ્રદાયની સેવાની યાદ અપાવનારા છે. એની સાખીઓમાં રાજેએ પોતાની ગોપી કે રાધા તરીકે કલ્પના કરી છે, કેમ કે આવી ‘વ્રજવાસીઓની રીત’ છે. એની રાશપંચાધ્યાયીમાં એણે ૧૮ કડવાંઓમાં રૂઢિગત ભાષામાં ‘મહારાસ’નું વર્ણન કર્યું છે. એની શૈલી લાલિત્યપૂર્ણ તેમ જ અત્યંત સુરીલી છે. રાધાના છાનાછપના વિવાહનું એનું વર્ણન એની અંતઃપ્રેરણાનું તાદૃશ ઉદાહરણ છે. આ કવિનાં મૂળિયાં ક્યાં રહેલાં છે એનો વિચાર કરીએ છીએ ત્યારે જોકે આ સઘળું મૂંઝવણમાં મૂકનારું બની જાય છે. નવાઈની વાત તો એ છે કે આગલી હરોળના ગુજરાતી કૃષ્ણભક્તિના ઉદ્‌ગાતા તરીકે એને કેમ લેખવામાં આવતો નથી. એની કવિતામાં દયારામના આગમનનાં એંધાણ સાંપડી રહે છે. જે સમયમાં (એટલે કે અઢારમી સદીના પ્રારંભ કાળમાં) રાજેની કૃતિઓ રચાઈ તે સમય, સોળમી સદીના વલ્લભ સંપ્રદાયના પ્રસારકો અને દયારામને જોડનારી કડી સમાણો છે. છેક ૧૯૩૧માં છગનલાલ રાવળે રાજેની નોંધ લીધી. તો પ્રશ્ન એ થાય છે કે ત્યાર પર્યંતના સાહિત્યના ઇતિહાસકારોએ કયા કારણસર રાજેની અવગણના કરી હશે. તે મુસલમાન હતો તે કારણે? રાજેના કિસ્સામાં બે ધર્મોના સમન્વયની વાત ઉખેળવાથી જરાય અર્થ સરે તેમ નથી, કેમ કે હિન્દુધર્મમાં એ એટલો તો ગળાડૂબ હતો, પરંતુ રાજે કંઈ વટલાયલો હિન્દુ તો હતો નહિ અને મોલેસલામો તો આજે પણ એને પોતીકો લેખવામાં ગર્વ લેતા હોય છે. ગુજરાતમાં પ્રેમલક્ષણા ભક્તિ ઉત્કટરૂપે પ્રગટી ઊઠી, આવા અનન્ય એવા માધ્યમ પર રાજેએ પોતાની ધાર્મિક અનુભૂતિને ઢાળવા પસંદગી ઉતારી. ઇસ્લામથી શરૂઆત કરી ભક્તિ સુધી આવી પહોંચ્યા પછી એથીય આગળ વધવું શક્ય ખરું?


સંદર્ભ નોંધ
૧. See e.g. the first edition of padas of Raje by I.S. Desai in his Brhat Kavyadohan, Bombay, Gujarati Printing Press, vol.i, ૧૮૯૦, ૭th edn., ૧૯૨૫, pp. ૮૨૨-૭, and vol. vii, ૧૯૧૧, pp. ૭૭૧-૮૩, and the discovery by H.D. Kamtavala of the poems of the disciples of Pir Kayamadin made known at the ૬th Gujarati Sahitya Parisad and published in the monthly Sahitay of the year ૧૯૨૨.
૨. For the texts not covered, see K.M. Jhaveri, ‘Musalaman jeva parasamskar ane Gujarati Sahitya’ in K. M. Munshi, ed., Gujarati Sahitya, Bombay, ૧૯૨૯, pp. ૧૮૯-૯૮. See A. Schimmel, Islam in the Indian Subcontinent, Leiden : E. J. Brill, ૧૯૮૦, p. ૬૭, on the popular devotional poetry called jikri (from dhikr) and the mystical works of Saha ’Ali Muhammad Jiv Jain; p. ૭૦ on the Khub tarang composed by Khub Muhammad Chishti (d. ૧૬૧૪) in a mixture of Gujarati and Urdu. Not only devotional poetry was composed, but a variety of didactic and theological literture, including a translation into Gujarati of the Qur’an. On the works of Pir Mashaikh II (b. ૧૬૫૦), the reformer of the Pirana panth, see S.C. Misra, Muslim Communities in Gujrati, London : Asia Publishing House, ૧૯૬૪, pp. ૬૨-૫.
૩. Ismailism branched off Shia Islam in AD ૭૬૫ when there was disagreement concerning the authority of the ૭th imam, the successor of Jafar al Sadiq, because Jafar’s son and successor Ismail had died before him. At that time, Ismails followers acknowledged his on Muhammad as the ૭th and last imam, thus founding Ismailism, whereas the main Shia branch, which was to acknowledge ૧૨ imams, chose as successor Ismail’s brother, Musa’al-Kazim.
૪. On the history of Ismailism and of its Nizari branch in the Indian subcontinent, see Y. Marquet, Poesie esoterique ismailienne, Paris : Misonneuve et Larose, ૧૯૮૫ introduction : ’L’ Ismailisme pp ૭-૨૫ Schimmel, (p. cit; Misra, op. cit.; K.M. Master, Mahagujuratana musalamano, Baroda M. S. University, ૧૯૬૯; W. Ivanow, ’Satpanth’, in Collectanea, vol. i, Leiden : E. J. Brill, ૧૯૪૮, pp. ૧-૫૪, and ’The Sect of Iman Shah in Gujarat’, JBRAS, NS ૧૨, ૧૯૩૬, pp. ૧૯-૭૦; A. Nanji, The Nizari Ismaili Tradition in the Indo-Pakistan Subcontinent, New York, Caravan Books, ૧૯૭૮; A. Asani, The Ismaili Ginan Literature, its Structure and Love Symbolism, Harvard University B. A. thesis, forthcoming.
૫. From the branch of the Musta’li resulted the Tayyibiya in Yemen, who in ૧૫૩૯ emigrated to Gujarat, where they became the Da’udi Bohra. See F. Mallison, ’Hinduism as Seen by the Nizari Ismaili Missinaries of Western India : The Evidence of the Ginan’, in G. D. Sontheimer and H. Kulke, eds., Hinduism Reconsidered, Heidelberg University Studies, no. ૨૪, New Delhi_South Asia Institute, ૧૯૮૯, p. ૯૩. Although both communities are settled in Gujarat, the Bohra use Arabic and Urdu (in addition to Gujarati), where as the Khoja prefer Persian and Gujarati.
૬. Several alphabets are in use, with a preference for the Gujarati script, as the headquarters of the community are located in Bombay with the majority of the Gujarati faithful not far away. On Khojki see A. S. Asani, ’The Khojki Script A. Legacy of Ismaili Islam to the Indo-Pakistan Subcontinent’, JAOS, ૧૦૭, ૩, pp. ૪૩૯-૪૯.
૭. See Nanji, op. cit., p. ૭, and Ivanow, ’The Sect of Imam Shah in Gujrat’, pp. ૨૧ f.
૮. The following collections of their ginans were made available to me : (૧) Mahan isamaili sant Pir Sams racit ginanono samgrah (૧૦૬ ginans, out of which ૨૮ garabi); neither the place and date of the publication nor the name of the editor are indicated; (૨) Mahan ismaili sant Pira Sadaradin racit ginanono samgrah, I (૨૧૭ ginans), Bombay, ૧૯૬૯; (૩) Mahana isamaili snat Pir Hasan Kabiradin ane bija sattadhari piro racit ginanono samgrah (૭૮ and ૨૩ ginans), without any indication of place, date, or the name of the editor.
૯. See F. Mallison, ’La Secte ismaelienne des Nizari ou Satpanthi en Inde : Heterodoxie hindoue ou musulmane?’, sect. ૨ : ’Hindouisme des Satpanthi in S. Bouez, ed., Le Renoncement en Asie du Sud : Formes populairs et savants, forthcoming. On the Islamic identity of Indo-Pakistan : The Quest for an Islamic Identity’, Journal of the Institute of Muslim Minority Affairs, ૮, ૧, pp. ૩૧-૪૧.
૧૦. Mallison, ’Hinduism as Seen by the Nizari Ismaili Missionaries of Western India’, pp. ૯૬-૮.
૧૧. See Nanji, op. cit., p. ૧૪, and Schimmel, op. cit., p. ૭૩.
૧૨. See Nanji, op., cit., p. ૧૦-૧૩
૧૩. Ibid., p. ૯, and Ivanow, ’The Sect of Imam Shah in Gujrat’, p. ૨૯.
૧૪. These are the most common metres used to express the medieval devotional poetry of the Sants of north India (see K. Schomer, ’The Doha as Vehicle of Sant Teachings’, in K. Schomer and W.H. McLeod, eds., the Sants : Studies in a Devotional Tradition of India, Delhi : Motilal Banarsidass, ૧૯૮૭, pp. ૯૦ ff.). The doha is a verse of two lines, each of ૨૪ instants. Each line is divided into two carana and six feet ૬+૪+૩, ૬+૪+૧; the caupai is a verse of four lines of ૧૬ instants each : ૬+૪+૪+૨.
૧૫. On the importance of the actual performance for the appreciation of this medieval devotional poetry, see J. Bloch, ’Les Mystiques de I’ Inde medievale : Kabir’, in Recueil d’articles de Jules Bloch, ૧૯૦૬-૧૯૫૫, texts collected by C. Caillat, Paris College de France and Institute de Civilsation indienne, ૯૧૮૫, pp. ૨૩૦ f.
૧૬. See of. cit., pp. ૧૨ ff.
૧૭. See Mallison, ’Hinduism as Seen by the Nizari Ismaili Missinaries of Western India’, pp. ૯૬-૮, and ’La Secte ismaelienne des Nizari ou Satpanthi en Inde : Heterodoxie hindoue ur musulmane?’
૧૮. The soul symbolized by the bride awaiting the nuptials expresses its desire of union with God in Special type of ginan called venti (request), such as the venti of Hasan Kabiruddin (ginanono samgrah, pp. ૧૪f.) commented upon by Asani in the Ismaili Ginan Literature, pp. ૩૦-૪૦ and app.
૧૯. On the reciprocal influences of the Sants and the medieval Muslim saints, see Y. Husain, L’Inde mystique au Moyen Age : Hindous et Musulmans, Paris : Adrien Maisonneuve, ૧૯૨૯. For a documented survey of identical themes in Sufi and Sant texts, see B.B. Lawrence, ’The Sant Movement and North Indian Sufis’ in Schomer and McLeod. op. cit., pp. ૩૩૬ ff.
૨૦. Bhakti-sagar, jeman pir kayamadin bava saheb, abharam bava, umar bava, pumjabava, jivan mastana, ratanabai, bada saheb, nathubava vigerenam bhajano che, Surat : Haragovanadas Harakisanadas ૧૯૨૫. The address of H. D. Kamtavala to the ૬th Gujarati Sahitya Parisad is given in the introduction, pp. ૧-૬. The publisher adds that much more material exists which has not yet become available to him.
૨૧. Gazetteer of India, Gujarat State, Surat District, rev. edn., Ahmedabad, ૧૯૬૨, p. ૯૩૯, and Vadodara District, Ahmadabad, ૧૯૭૯, p. ૮૦૪. Census of India, ૧૯૬૧, vol. v : Gujarat, pt. ૭B : Fairs and Festivals’, ed. R. K. Trivedi, Delhi, ૧૯૬૫, pt. ૨, pp. ૧૪૫ and ૧૬૮.
૨૨. See Bhakti Sagar, introduction.
૨૩. According to A. Schimmel (Mystical Dimensions of Islam, Chapel Hill : North Carolina University Press, ૧૯૭૫, p. ૩૫૮), strict vegetarianism on the part of Sufis in India is not necessarily borrowed from Indian ascetic practice or Hindu customs.
૨૪. See Bhakti-Sagar, introduction, p. ૬.
૨૫. Ibid., Kalam, p. ૧૦, and Munshi, op. cit., p. ૧૯૮, tek : ‘He has come and has taken me by his hand, Our Pir Kayamadin. He has come and has taken me by his hand. Drowned I was in household worries, Yet I obtained the company of Pir Kayamadin; or garabi p. ૧૫, and Munshi, op.cit., p. ૧૯૮, v. ૨ : ’Within me I was cleansed, Within my mind detachment arose. The world’s deceit has disappeared, Why did I have such luck?’
૨૬. The Rajput princess Mirabai, a Hindu Vaisnava Sant, happens to be mentioned in some of the lists of the five Hindu-Muslim saints, the pamca piriya, whose cult is very popular among low Hindu or Muslim castes of north India (see Husain, op. cit., p. ૩૧).
૨૭. However, as happens frequently in the case of the Bhagats, she may reveal a highly nirguni type of bhakti poetry with reminiscences of the Nath form of tantrism. See poems attributed to a Ratanabai in the collection Santavani (Lokapriya Bhajano), atmajnananam bhajano, vol. iii, ed. H. M. Patel, Ahmadabad : Sastum Sahitya Vardhaka Karyalaya, ૧૯૭૨, pp. ૬૭f. : Sahejanum jnana ne sahaja samadhi, surata samave brahmakarramam (pada ૫૫, v.૩); Suranara kon batave sabde lade samsaramam (pada ૫૬, v. ૧).
૨૮. See Bhakti Sagar, Kalam, p. ૨૫, v. ૬ : Bai Ratane Hari rasa pidho.
૨૯. See Santavani padas ૫૫ and ૫૬, pp ૬૭ f. Jnana Ratana Guru Harikrsna Maliya and Jnana Ratana Guru Harikrsna Malatam.
૩૦. Kiratara is certainly more appropriate in an Islamic context. See Bloch, art. cit., p. ૨૫૦.
૩૧. See Bhakti-Sagar, Sakhi, p. ૮, v. ૫ : Kayamadina japana mem japum.
૩૨. Ibid., p. ૩૮.
૩૩. See Bhakti-Sagar (garabi no. ૭), pp. ૪૫ f.
૩૪. Ibid (no. ૯), p. ૪૭, vv. ૩-૪.
૩૫. Bhakti-Sagar, p. ૬૬.
૩૬. Bhakti-Sagar (bhajan no. ૧૦), p. ૭૫, tek and v.૧. The Kharava are famous for thier devotion to the Devi. See also the case of the musicians and servants (named Kamaliya) of the temple of Bahucaraji (Mehsana district), who are at the same time Muslims and Devi-worshippers (see V. T. Padmaja, ’Three Sakti Pithas of Gujarat’, JOIB, ૩૫, ૧૯૮૫, p. ૨૪૫). Conversely, devotees of the Devi may make extensive use of Muslim words and expressions in their compositions in honour of their deity.
૩૭. Seven bhajans of Nabi Miyam are found on pp. ૧૧૨-૧૭ of Bhakti-Sagar, and six more in the suppl., pp. ૧૪૮-૫૩.
૩૮. Munshi, op. cit., p. ૧૯૮.
૩૯. See K. M. Jhaveri, Milestones in Gujarati Literature, Bombay : Gujarati Printing Press ૧૯૧૪, pp. ૧૭૫-૭.
૪૦. See Master, op. cit. pp. ૩૩૫ ff. There have been continuing attempts to islamize this kind of superficial Muslim in Gujarat during the last ૧૫૦ years, according to Schimmel, Islam, pp. ૬૮ f. At present, an opposite movement of reconversion to Hinduism is being attempted.
૪૧. Misra op. cit., p. ૭૦.
૪૨. C. V. Ravala, ed., Pracin Kavya Sudha, pt. ૫ : Kavi Raje Bhai krt kavita samgrah, ૧૯૩૧, introduction, pp. ૧-૧૨.
૪૩. Ibid, (Jnan cusara), pp. ૧-૧૦. On the possible meanings of the name Ranachod, see F. Mallison, Development of Early Krishnaism in Gujarat, Visnu-Ranachod-Krsna’ in BCR, pp. ૨૪૭ f Speaking of Krsna, Raje uses the names of Samaliya, Vitthal, or Trikam; all are typical of Gujarati bhakti, as is Ranachod.
૪૪. Ravala op. cit., introduction, pp. ૧૩ f.
૪૫. Ravala (ibid). compiles a lengthy list of ૪.૯૫૧ padas collected in different MSS, pp. ૧૫-૫૩.
૪૬. Ibid., pp. ૧૪૦-૬. Thala compositions are in use among the Vallabhans but did not originate among them, as an author such as Narasimh Maheta (૧૫th cent.) is known to have composed a thala (see F. Mallison, Au Point du jour : Les Prabhatiyam de Narasimha Maheta, Paris : Ecole Francaise : d’Extreme-Orient, ૧૯૮૬, p. ૪૩).
૪૭. Ravala, op. cit., sakhio, p. ૧૬૭.
૪૮. Ibid (Ras pamcadhyayi), pp. ૧૧-૨૦, and I. S. Desai, ed., Brhat kavyadohan, vol. vii, Bombay; Gujarati Printing Press, ૧૯૧૧, pp. ૭૭૨-૬.
૪૯. Radhakaji svapnamam paranyam te vise, in Ravala, op. cit., pp. ૧૨૪-૬, and Desai, op. cit., ૭th edn., ૧૯૨૫, pp. ૮૨૬ f.
૫૦. Especially in his garabi compositions, for which he is better known (see the sample quoted in D.A. Patel and I.N. Trivedi, Love Poems and Lyrics from Gujarati, Ahmadabad : Gurjar Grantha Ratna Karyalaya, ૧૯૮૭, p. ૯૦ : Gopino Kagal).
૫૧. That was apparentiy also the case (in the ૧૭th cent.) with a famous Oriya devotee of Krsna-Jagannath of Puri who had been born a Muslim : Salabega. Some of this poems are translated in N. Mohanty, ’Salabega : Poet of Immaculate Devotion’, Indian Literature, no. ૧૧૮, Delhi, ૧૯૮૭, pp. ૧૯૩૨.


(ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૮)