કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૨૦. કેતકીનું ગીત

Revision as of 15:39, 20 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)


૨૦. કેતકીનું ગીત

આવ રે આવ;
દખિણના વાયરા !
ઉત્તરી ઝુલાવ,
દખિણના વાયરા !
વર્ષાએ વાત કરી નમી નમી કાનમાં,
રજનિએ આંખ મીંચી કાળા વિતાનમાં;
ડોલે હૈયાનું નાવઃ
મારે અંગ અંગ કેસરના પુંજ લે સાનમાં,
એનાં પીળાં સજાવ,
દખિણના વાયરા !
ઉત્તરી ઝુલાવ,
દખિણના વાયરાઃ
વન વન વાયરા વાતા સંભળાવઃ
“કેતકીની ફાટ ફાટ કાયઃ
એનું અંતર ઊભરાય !
કોઈ આવો, એ આજ અણમૂલ વેચાય !
કાંઈ ક્‌હેશો ત્યાં કેસરના પુંજ વેરાય !
જેને જોવે તે જાવ !”
દખિણના વાયરા !
ઉત્તરી ઝુલાવ
દખિણના વાયરા !
મને કોઈ લઈ જાવ,
દખિણના વાયરા !
એકલ પરમાણુ વહી ધરતી તળાવ,
‘કોઈ એકલ?’ ઓ વાયરા ! પૂછજે સવાલઃ
એકલતા હોય ત્યાં કેસર વર્ષાવ;
મને સઘળે ફેલાવ,
દખિણના વાયરા !
ઉત્તરી ઝુલાવ,
દખિણના વાયરા !

(કોડિયાં, પૃ. ૧૦૧-૧૦૨)