દિવ્યચક્ષુ/પ્રારંભિક

From Ekatra Wiki
Revision as of 02:18, 8 December 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

DESAI Ramanlal v.
DIVYACHAKSHU, Novel
R.R.Sheth & Co., Bombay-Ahmedabad

૧૯૯૨

૮૯૧-૪૭૩

ડૉ. અક્ષયકુમાર ર. દેસાઈ

શ્રી ર. વ. દેસાઈ જન્મ શતાબ્દી આવૃત્તિ મે, ૧૯૯૨

મૂલ્ય રૂ. ૬૩-૦૦

પ્રકાશક:
ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની, મુંબઈ ૪૦૦ ૦૦૨, અમદાવાદ ૩૮૦ ૦૦૧

ટાઈપસેટિંગ :
ચંદ્રિકા પ્રિન્ટર, મિરઝાપુર રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧

ઑફસેટ મુદ્રણ :
ચિરાગ પ્રિન્ટર્સ, સિટી મિલ કંપાઉન્ડ, રાયપુર દરવાજા બહાર, અમદાવાદ ૩૮૦ ૦૦૧


અર્પણ

મારી સ્વર્ગસ્થ પત્નીને
કે
તેનાં સ્મરણોને ?

નયનથી કરી પ્રિયને જુદાં,
લઈ જલાવવાં જો સ્મશાનમાં;
દગથી ઢોળવી અશ્રુ અંજલિ,
જીવન એમ આ જાય છે વહી.
નયનથી છબી લુપ્ત શું થતી?
હૃદય સત્ય તે ના સ્વીકારતું;
રડતું, ખોળતું, નેય થાકતું,
સુઈ જતું ફરી અશ્રુ ઢાળવા.
દિવસ વીતશે, વર્ષ યે જશે,
મુખ પરે વળી સ્મિત આવશે;
જગત જણશે દુઃખ તો ગયું,
પણ ન દુઃખના ઘાવ રૂઝતા.
સ્મરણ સ્નેહીનાં અંતરે છૂપ્યાં,
પ્રગટ તે થતાં મધ્ય રાત્રિએ;
ઉશીકું એકલું સાક્ષી અશ્રુની,
જગત જાણશે દુઃખ તો ગયું!
રમણલાલ વ. દેસાઈ.

બીજી આવૃત્તિની પ્રસ્તાવના

‘દિવ્યચક્ષુ’ની બીજી આવૃત્તિ બહાર પડે છે, અને તે આટલી ઝડપથીઃ મને સહજ નવાઈ લાગે છે. કારણો શોધતાં મને ત્રણ બાબતો ધ્યાનમાં આવે છે. એક તો હિંદના અપૂર્વ મંથનકાળનો મારી વાર્તામાં થતા સ્પર્શ તેને વધારે આકર્ષક બનાવતો હોય એમ ધારું છું. બીજું, મુરબ્બી બળવંતરાય ઠાકોર જેવા ગુજરાતી સઘન વિદ્વત્તા અને બલભર્યા સંસ્કારના એક પ્રતિનિધિએ આમુખમાં મારા પુસ્તકનો ઉલ્લેખ કરી જે મહત્ત્વ મને આપવાનું ઔદાર્ય બતાવ્યું છે તે કારણ પણ ‘દિવ્યચક્ષુ’ની બીજી આવૃત્તિ થવામાં રહેલું છે એ હું ભૂલતો નથી.

ઉપરાંત ત્રીજું કારણ તો સ્પષ્ટ છે. ભાઈ મૂળશંકર મારાં પુસ્તકો પકડીને તેમના રૂપરંગમાં એવું સુંદર પરિવર્તન કરી મુકે છે કે તેમનો દેખાવ ગુજરાતના વાચકવર્ગનું પ્રથમ દર્શને જ આકર્ષણ કરે છે. શ્રી રવિશંકર રાવળ, શ્રી કનુ દેસાઈ અને શ્રી સોમાલાલ શાહ જેવા ગૂર્જર ચિત્રકારોનો સહકાર પણ તેઓ મેળવી શક્યા છે; અને પ્રકાશન એ પણ એક કલા અને સાહિત્યસેવાનું અગત્યનું અંગ છે એમ તેઓ પુરવાર કરે છે, ‘દિવ્યચક્ષુ’ની પ્રથમ આવૃત્તિ પણ તેમણે જ બહાર પાડી; અને આ બીજી આવૃત્તિ તેમના સુંદર પ્રકાશનનું ફળ છે એમ કહેતાં મને હર્ષ થાય છે.

નવસારી, 24 માર્ચ 1933

રમણલાલ વસંતલાલ દેસાઈ


પહેલી આવૃત્તિની પ્રસ્તાવના

‘કૌમુદી’ના તંત્રી ભાઈ વિજયરાયે એક લાંબી વાર્તા તેમના સુપ્રસિદ્ધ પત્ર માટે લખવા મને જણાવ્યું અને દર માસે બે-ત્રણ પ્રકરણ લખવાની મને સગવડ મળશે એમ ધારી, મેં વાર્તા લખવાની હા પાડી. એમાંથી થયો ‘દિવ્યચક્ષુ’ વાર્તાનો ઉદ્ભવ.

પ્રથમ તો એકાદા વર્ષ સુધી ચાલે એવડી જ વાર્તા લખવાનો વિચાર હતો; પરંતુ દોઢેક વર્ષ પહોંચી એટલી બધી તે લાંબી થઈ ગઈ છે.

નાનપણમાંનો વાર્તાઓ વાંચવાનો શોખ મને રહ્યો નથી અને તેમાંયે લાંબી વાર્તા વાંચવી શરૂ કરતાં હવે બહુ કઠણ પડે છે. એટલે ‘દિવ્યચક્ષુ’ સરખી પોણાચારસો પાનાંની વાર્તા વાંચવાની ઘણા માણસો ધીરજ રાખશે કે કેમ એની મને તો શંકા જ છે. છતાં ભાઈ મૂળશંકરે ‘દિવ્યચક્ષુ’ને સળંગ પુસ્તકરૂપે બહાર પાડવા ધાર્યું અને તેને સચિત્ર બનાવી તેના બાહ્યાકર્ષણમાં વધારો કરવા પ્રયત્ન કર્યો, એ તેમના મારા પ્રત્યેના સદ્ભાવનું પરિણામ છે અને તે માટે હું તેમનો આભારી છું.

એક કલાકાર ને નવલકાર હોવાનું ભાન મને હજી થતું નથી. કલાના આદર્શો કેટલા ઊંચા છે તેનો જ્યારે હું ખ્યાલ કરું છું ત્યારે મને લાગે છે કે મારી વાર્તાઓમાં કલા જોવા હું મથું તો તે મિથ્યાભિમાનના જ કારણે હોઈ શકે. મારી વાર્તા વાંચનારને ઠીક ગમી છે એમ સંતોષ લેવા હું કદી પ્રયત્ન કરું તો તુર્ત પશ્ચિમના અને પૂર્વના – ખાસ પશ્ચિમના – સમર્થ નવલકારી મારી દૃષ્ટિ આગળ આવે છે અને મને મારા કદનું ભાન કરાવે છે. વિવેચકોએ મારી વાર્તાઓને આદર આપ્યો છે તેમાં વાર્તાઓની ખૂબીકરતાં વિવેચકોની ઉદારતા જ આગળ તરી આવે છે.

અલબત્ત, ગુજરાતી જીવન મને ઘણું ગમે છે. તેમાં થતા ફેરફારનું અવલોકન કરવામાં મને આનંદ થાય છે અને તેનાં જૂનાંનવાં રસથાળનોનો સ્પર્શ કરવો મને આહ્લાદક થઈ પડે છે. ગૂર્જરજીવનમાં રસ લેવાના મારા આછાપાતળા પ્રયત્નોમાંથી મારી વાર્તાઓનો જન્મ છે.

એ પ્રયત્નો સફળ છે કે ઊંચા પ્રકારના છે એમ પણ માનવાની ભૂલ હું નહિ કરું. ગૂજરાત હાલમાં તો શૂર જીવન જીવે છે અણે તેની શૌર્યકથા-Epic હજી લખાઈ નથી. ગૂજરાત જેવું જીવન જીવશે તેવું સાહિત્ય મળશે એમાં શક નથી; પરંતુદ તેનું મહાકાવ્ય વાણીમાં ઊતરતાં થોડો સમય વીતશે એમ લાગે છે. કારણ, આપણા સાહિત્યને કમનસીબે ‘રણલીલાના કોડ’ ભરી વીરાંગનાનું જીવંત આલેખન કરનાર અને મહાકાવ્ય રચાવાની શક્તિ ધરાવનાર આપણા એક – કે એકના એક ? – કવિએ નવીન જીવનમાં સહુથી પહેલાં ઝંપલાવી તે જીવનને સાથે દેવો મૂકી દીધો છે. નહિ તો આ જ દસકામાં આપણે નવા ગૂજરાતનું મહાભારત વાંચી શક્યા હોત.

તેમ થાય ત્યાં સુધી નવીન ગૂજરાતને નીરખવાના મારા સરખા નિર્બળ પ્રયાસો થયા કરશે. મારા આ પ્રયાસમાં જો કાંઈ પણ ગમે એવું તત્ત્વ હોય તો તે મારી કલાનું નહિ, પરંતુ કલાને ગમતે-અણગમતે ચારે પાસથી જાગૃત કરતાં વીર જીવનનું એ તત્ત્વ છે. જે જે ખામીઓ છે તે તો મારી જ છે.

તેમાંય ગૂજરાતના પ્રખર સાહિત્યકાર શ્રીયુત બળવંતરાય ઠાકોર મારી કૃતિ ઉપર વિવેચન લખી મારું મહત્ત્વ વધારે છે એ તેમની અજાણ્યાઓ પ્રત્યેની ઉદારતાનું જ દૃષ્ટાંત છે. તેમની વિરુદ્ધ ટીકા કોઈ પણ લેખને માનભર્યું સ્થાન અપાવે છે તો તેઓ વખાણના બે બોલ કહે તે બદલ લેખકોમાં હું પણ દાખલ થાઉ છું એ સદ્ભાગ્ય છે.

જેવી છે તેવી વાર્તા રજૂ કરું છું.

નવસારી

ડિસેમ્બર, 1931

રમણલાલ વસંતલાલ દેસાઈ


પ્રવેશક

પ્રિય વાચક,

પોતાની આ કૃતિ વાંચવાનો તું આરમ્ભ કરે તે પહેલાં તને બે પ્રાસંગિક બોલ કહેવાની જવાબદારી કર્તાએ મિત્રભાવે મારા ઉપર નાખી છે અને તે હું રાજીખુશીથી બજાવું છું. પણ એમણે આ માગ્યું અને મેં લખ્યું છે, તથાપિ તારે ના વાંચવું હોય, અગર નવલ જ શરૂ કરવાની તારી અધીરાઈને તું કાબૂમાં રાખી ન શકે, તો તું આ પળે જ તેમ કરી દેવાને પણ પૂરેપૂરો સ્વતંત્ર છે. મારું લખાણ કોઈ ઉભડક ધ્યાને વાંચે તેવું હું ઈચ્છતો પણ નથી.

રા. રા. ભાઈ શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ ગાયકવાડી અમલદાર અને પ્રકૃતિએ શાંત તેમ કુટુમ્બરત હોવાથી એમણે નથી કર્યાં ધાંધળ, નથી કર્યા પ્રકાશ-વર્તુલકેદ્રમાં ઊભી ‘જુવો રે મ્હારી તર્ફ !’ એમ લોકોને પોતા તર્ફ ખેંચવાના કશા જ યત્ન. એમણે પુસ્તક વેચાણ અને ફેલાવના ધંધામાં અનિવાર્ય છે એવી પ્રવૃત્તિઓ શી, તે જાણવાની પણ દરકાર નથી રાખી. પોતાની ચોપડીઓ કેવા કાગળ ઉપર, કેટલી અશુદ્ધ, કેવા અનાકર્ષક લેબાસમાં છપાય છે, શી કિંમતો રખાય છે, જાહેરખબરો અપાય છે કે કેમ, એવું એવું કશું જ એમણે જોયું નથી. એઓ તો મગજ સળવળ્યું અને કલમ ચાલી તેમ લખતા ગયા છે, અને દરેક ચોપડીને પૂરી થતાં પહેલાં પણ એમના સ્નેહી, ‘શ્રી સયાજી વિજય’ના માલેક અને તંત્રી રા. રા. માણેકલાલ દાક્તર તર્ફે જ ફેંકતા ગયા છે. રા. રા. ભાઈશ્રી ‘કૌમુદીકાર’ વિજયરાય વૈદ્ય એમને શોધતા ગયા ત્યારે તેમને પણ એક નવલ આપવા ખુશીથી કબૂલ્યું; અને વાચન, મુશ્કેલીઓ વચ્ચે પણ પાળ્યું. અને આ પ્રકાશક એમને શૌધતા જઈને વળગ્યા. એટલે પોતાની નવલો અને નવલિકાઓની માલા કેટલી મુદત સુધી પ્રગટ કરવાનું ખટપટી કર્તવ્ય તેમને સોંપી દીધું. એ માલાનો આ પહેલો મણકો સુરેખ આકર્ષક રૂપમાં બહાર પાડે છે, તેનો જશ પ્રકાશકને છે; અને ગુજરાત આશા રાખે છે જે હવે પછીનો દરેક મણકો બાહ્ય ટાપટીપમાં આથી ઊતરતો તો નહિ નીકળે.

ભાઈ રમણલાલની કોઈ નવલ હાથમાં આવતાં લગભગ દરેક વાચકને રા.રા. કનૈયાલાલ માણેકલાલ મુનશીની નવલો સાથે તુલના કરવાનું મન થઈ આવે છે અને એમ બનવું કુદરતી પણ છે. ‘સયાજી વિજય’નું ભેટ-પુસ્તક તાજું હોય ત્યારે ભાઈ રમણલાલની એ છેલ્લી નવલ વાંચતા યુવકોને આગગાડીની મુસાફરીમાં પણ રમણલાલ અને કનૈયાલાલની કલાની તુલના વિષે લાંબી ચર્ચાઓ કરતા સાંભળ્યા છે. કનુ મુનશીના અભ્યાસ અને દૃષ્ટિક્ષેત્ર વધારે બહોળાં છે. તો એમની નવલો ઉપર અનુવાદ, અનુકરણ, અપહરણ, થીગડિયાં લખાણ, યુરોપીય પાત્રલેખન આદિ આક્ષેપો વારંવાર મુકાયા કરે છે. તે બધાય છેક વજુદ વગરના કહી શકાય એવા નથી જણાતા. વધારે મોટા તફાવત આ બે કર્તાઓની બુદ્ધિ અને જ્ઞાનસીમા કરતાં બંનેની શૈલી અને પ્રકૃતિ વચ્ચેના છે.

શૈલી અણે પ્રકૃતિ બંનેને સાથે મૂકું છું. કેમ જે કોઈ પણ માણસની શૈલીમાં તેની પ્રકૃતિનું પ્રતિબિમ્બ ઊઠયા વગર નથી રહેતું એ જાણીતું છે; અને આગગાડી ઉપર અને જાહેર સ્થળોમાં બે કર્તાઓ વચ્ચે તુલના કરતા આપણા ભાવિ વિવેચકો, કર્તાઓને જાહેર માણસો અને જાહેર માતા જ ગણે છે. મહત્ત્વેષણા અને સેવાબુદ્ધિને અગર વિનમ્રતા, શરમાળપણું, સજ્જનતા અને નાહિંમતને ભેળવી દેતાં પણ લીલું-સૂકું જોતા નથી. રાજકીય વાતાવરણ અને વિચારણસરણીની અસર જેમ ગાઢ થતી આવશે તેમ આ પ્રમાણે ટીકા અને છૂટવાળી તુલનાઓ વધારે સંભળાશે, તથા એનાં લક્ષ્ય પુરુષ કર્તાઓને પણ ટેવ પાડી, તેમની ચામડીની કુમળાશ ઘટતી જશે, એમાં શક નથી. હા, પણ એ તો ભાવિની વાત. મારો આ પ્રવેશક તો લખાય છે વર્તમાનમાં, અને પુસ્તકના કર્તા જેમની ચોપડી સાથે આ છપાય (એટલે વાંચનાર એમાંના મુદ્દાઓથી કર્તા વિરોધી તો ના હોય એમ કદાચ માની જ લે) તે કર્તા પણ ભાવિના ગુજરાતી નથી, વર્તમાન ગુજરાતી છે, એટલું જ નહિ પણ સજ્જનતા વિનયાવિનય આદિ વિષે એમનાં કેટલાંક વલણ વર્તમાન ગુજરાતીઓ જેવા પણ નથી, પરમ્પરાપ્રાપ્ત ભાવનાઓને વળગી રહેનાર રૂઢિચુસ્ત ગુજરાતી જેવાં છે. એમનાં લખાણો, એમની શૈલી અને એમની પ્રકૃતિની બીજા કોઈનાંની સાથે થતી તુલનાઓ તો એ અટકાવી શકે નહિ; પરંતુ એવી તુલના એમને પોતાની ચોપડીમાં પ્રગટ થાય, એ તેઓને ભાગ્યે રુચે. તાત્પર્ય કે કલાવિવેચનમાં કેટલીક તુલના ગમે તેટલી કુદરતી, બલકે અનિવાર્ય, વળી કેટલેક સમયે કેટલીક તુલના ગમે તેટલી પ્રાસંગિક, તથાપિ તે જતી કરીને જ આ ટેંકે પ્રવેશક લખવાનું પ્રાપ્ત થાય છે.

એટલે આ નવલનાં સ્ત્રીપાત્રોથી આરમ્ભ કરીએ : સુશીલા અને પુષ્પા એ બહેનો અને સુરભિ અને રંજન એ નણંદભાભીનાં જોડકાં વચ્ચે, તેમ એ ચારે વચ્ચે, કર્તાએ વિશિષ્ટતાની ઝીણી રેખાઓ પૂરતી વાપરીને ચારે યુવતીઓનેદ સજીવન આલેખવામાં – ગુજરાતી નવલોમાં વિરલ એવી ફતેહ મેળવી છે. ચારેને જુદા જુદા ગુણો અને વલણો વડે પૂરતી આકર્ષક પણ બનાવી શક્યા છે. સુશીલા અને સુરભિ જેવી જૂની ગુજરાતણોમાંથી અનુકૂળ સંજોગોમાં પુષ્પ અને રંજન જેવી નવી ગુજરાતણો ધીરે ધીરે કેવી પાકતી આવે છે એ ઐતિહાસિક સમુક્રાંતિનું દર્શન પણ આ નવલમાં થઈ શકે એમ છે. સુરભિ અને સુશીલાનાં ચિત્રો મુકાબલે ઓછી રેખાનાં છે તે યોગ્ય જ છે. પુષ્પાનું ચિત્ર પણ કેટલાક વાંચકોને વિગતો અને રેખાઓમાં ઓછા માપનું લાગે એ સંભવિત છે. રંજનની છાયામાં વિમોચનની હાસ્યાસ્પદ મૂર્તિ મૂકી છે; – ને હાલના ‘સાક્ષર’ ઉપનામ ઉપર વારી જતા લેખકોને બનાવ્યા છે. – તેમ પુષ્પાની આસપાસ ભમતો કોઈ બીજી રીતે હાસ્યાસ્પદ ‘ત્રિલોચન’ ભમરો કર્તાએ ગોઠવ્યો હોત, તો નવલના વૈવિધ્યમાં વધારો થાત; હાસ્યરસનું મિશ્રણ નવલમાં વધત એ પણ લાભ થાત; વૃદ્ધ ‘કાક’ની એક બીજી બાજુ કર્તા આલેખી શકત, એ લાભ પણ નાનો ન થાત, અને વિમોચનને જેમ કેટલાક પ્રસંગો સાથે કર્તા સહેલાઈથી સાંકળી શક્યા છે, તેમ એના ભાઈ ત્રિલોચનને પણ ઉપયોગમાં લઈ લેતાં કર્તાને જરાયે મુશ્કેલી ન પડત, એવી આ નવલની વસ્તુસંકલના છે.

રંજનનો પ્રવેશ થાય છે ત્યારે તે દેખાય છે ‘નૂતનાત્મા સ્ત્રી (The New Woman)’ના જેવી, પરંતુ એ માત્ર બાહ્ય દેખાવ છે. એનો આત્મા માત્ર ફૂલચુસણિયો વિલાસપરાયણ નથી, એને લક્ષ્મી, વૈભવ આદિનો મોહ નથી, સ્ત્રીમદ તો એનામાં છે જ નહિ, મુખે આકર્ષક સ્મિત અણે હૃદયમાં નર્યો સ્વાર્થ એવું કોઈ વર્ણન એને લાગુ જ પડે નહિ, વગેરે નવલમાં પ્રકરણે પ્રકરણે સ્પષ્ટ થતું આવે છે. અને ‘તારા દિલમાં પણ અરુણ ઉપર પ્રેમ જનમ્યો છે, તો ભલે તું એને મેળવી જો, હું તારી ખાતર ખસી જાઉ છું,’ એમ કરીને તો સમજણી કુમારિકા યુવતીના ઊંચામાં ઊંચા સ્વાર્થનો એ સખીધર્મની વેદી ઉપર ભોગ ધરી દે છે, અને માણસને શક્ય સર્વોત્કૃષ્ટ ઉદારતા આચરે છે. પછી રોમેરોમે અને ક્ષણે ક્ષણે એ અરુણ માટે તલસે છે અને રુવે છે, તથાપિ પોતે જે ડગલું ભર્યું તે ભર્યું, તેમાંથી પાછી હઠતી જ નથી; પરંતુ આ પછી પુષ્પા અરુણને જેટલી વાર મળે છે તેટલી વાર તેને રંજનને જ સંભારતો અને ઝંખતો જુએ છે અને ગંભીર માંદગીમાંથી – બેભાનમાંથી પાછો ભાનમાં આવે છે ને તુર્ત પુષ્પા તેને પાછો રંજનને સોંપી દે છે, અને ‘તમારું પહેલું સંતાન મને આપજે’ એટલી જ માગણી સગી બહેન જેવી સખીના હક્કથી કરે છે.

આ પ્રમાણે અવસાનની બાબતમાં પણ આ નવલ ગુજરાતી નવલોની સામાન્ય લઢણમાં ભાત પાડે છે. ભરત મુનિ ક્યારે થઈ ગયા તે હજી શોધકો શોધી શક્યા નથી; એમને નામે ચડેલા ‘નાટયશાસ્ત્ર’ની પણ આદિથી અંત લગી શ્રદ્વેય પ્રત હજી મળી શકી નથી; પરંતુ એ પાણિનિ પછી થયા અને કાલિદાસ પહેલાં થઈ ગયા એટલું ચોક્કસ છે. અને કલાના એ મનુ મહારાજે જે મર્યાદાઓ દોરી, તેમાં રહીને જ આખા હિંદનો એકલો નાટકોનો નહિ પણ કાવ્યો, વાર્તાઓ, કથાનકો આદિ કલાકૃતિના અનેકવિધ સાહિત્યનો પણ પ્રવાહ પછીના સમયમાં સૈકાઓ લગી વહ્યો છે, મંગલમય અવસાન જ હોવું – આણવું – જોઈએ; એ ભરત મુનિની એક જાણીતી મર્યાદા હિન્દના સાહિત્યે સૌથી વધારે ચીવટથી પાળી છે. યુરોપીય કલાનો પરિચય થયા પછી જ પ્રથમ બંગાળી અને પછી બીજી ભાષાના સાહિત્યકારોએ આ મર્યાદાને કલાની ખાતર અવગણવાનો આરંભ કર્યો છે; પરંતુ કરુણ અવસાનની અનન્ય ભાવના હજીયે આપણા સંસ્કૃત સાહિત્યનું ધાવણ ધાવીને ઊછરતા કલાકારો દૂર દૂરથી જ જોયા કરે છે, અને તેની આછી પાતળી છાયાને જ પોતાના પ્રકાશછાયામિશ્રણમાં ભળવા દેવાનું સાહસ કરી શકે છે. વળી લોકની રસેદ્રિયોને ઘડવાની તાકાતવાળું સાહિત્ય પણ જે રસવૃત્તિથી સમજુ વાચકોની સહૃદયતાને જબરો આઘાત થાય, તેને એકદમ ઝાઝી પોષી શકે નહિ, એટલે એવી બાબતમાં પ્રગતિનો કુદરતી વેગ અતિશય ધીમો હોવાનો જ.

અરુણ, રંજન અને પુષ્પા. એમાંથી અરુણ આંધળો બને છે અને પુષ્પા કુમારિકાવસ્થામાં જ જીવન ગાળવાનો નિર્ણય કરે છે, એવું અવસાન આ વાર્તાનું આવે છે તે ભરત મુનિની મંગલાવસાનની મર્યાદામાં છે એમ તો ન જ કહી શકાય. આ અવસાનને કલાદૃષ્ટિએ પણ પૂરેપૂરું ઉચિત ગણાંતાં વાંધો આવે છે, કેમ કે અરુણ દૃષ્ટિ- ‘દેવ’ને ખુએ છે, બે જુદાં જુદાં કારનનો મિશ્રણને લીધે, – અને તેમાંથી જેલમાં આગ લાગે છે એ કારણ કેવલ અકસ્માત્ છે; એ આગમાંથી બને તેટલાંને બચાવવાં, ભલે તેમ કરતાં પોતાનું ગમે તે થઈ જાય, એ અરુણનો નિશ્ચય જ અરુણના ચારિત્રમાંથી ઉદ્ભવતું કારણ છે. એ ગમે તેમ, – કિશોરોની ઉત્સાહભરી વીરતા, પ્રેમ, કરુણ, અને જનાર્દન તેમ ધના ભગતની ભક્તિ, એ ચાર રસનું આ નવલકથામાં આકર્ષક અને ફરીને તપાસવું રુચે એવું મિશ્રણ કર્તા પીરસી શક્યા છે, તથા ઉપર આવી ગયું તેમ એમાં હાસ્યની છાંટ પણ છે, એ એમની કલાનો સૌ સ્વીકારે એવો દેખીતો વિજય છે. બીજી રીતે જુઓ, કે આધુનિક અંત્યજ પ્રશ્ન અને રાજકીય પ્રશ્રને એમણે ચિત્રના મધ્ય ભાગે રાખ્યા છે, તેની સાથે વિધવાપ્રશ્ન એ કેવળ ઉચ્ચ હિંદુ નાતોનો કોયડો, અને ધના ભગત, જનાર્દન અને ધનસુખલાલ જેવા જુદા જુદા પ્રકારના આસ્તિક સામે કૃષ્ણકાંત, અરુણ અને કંદર્પ જેવા જુદા જુદા પ્રકારના નાસ્તિકોનો કે બેપરવાઓનો કોયડો, એ બંને પણ કર્તાએ પોતાના વસ્તુમાં વણી લીધા છે. અને આવા રસ અને વિષયના મિશ્રણમાં કર્તાની હાથોટી બે રૂપમાં ખાસ ભાર દઈને પૃથક્ દેખાડી આપવા જેવી હોવાથી, હવે એ બાબતને અનુક્રમે છેડીશ.

(1) ભરત મુનિનો આદેશ છે નહિ. યુરોપીય કલાફિલસૂફીમાંય શાસન નથી, કે નવલોનું લખાણ (આખું, મોટા ભાગના કેટલેક ભાગે) ‘હળવું વાંચન’ ગણી શકાય એવું હોવું જોઈએ. તથાપિ શાળાકેળવણીની પ્રજાવ્યાપકતાનો યુગ જન્મતાં અને દર દાયકે વાચકોની સંખ્યામાં મોટા ઉછાળાની હકીકત બનતાં, જે જે દેશમાં એમ બનતું ગયું છે, તે તે દેશમાં નવલો અને નવલોપમ લખાણોનો વધતો જતો જથો ‘હળવું વાંચન’ ગણાય એવા જ વધતા જતા ટકાવાળો પેદા થતો ગયો છે, આગળથી ‘શિષ્ટ’નો દરજ્જો મેળવી ચૂકી હોય એવી નવલો શાળાકેળવણીના પ્રજાવ્યાપક યુગની પ્રવૃત્તિઓ શરૂ થઈ ગયા પછી પણ લંબાયા કરે, તો તે ઓછી ઓછી જ વંચાવા પાસે નઃસંશય. હવે વાચકવર્ગની આ ફરી ગયેલી ગ્રહણશક્તિ કે રુચિ-કસોટીને લઈને કર્તાઓ ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે, એક નહિ લગભગ બધા જ દેશમાં. (ક) વિદ્વાન શિષ્ટ વ્યુત્પન્ન લેખકો, જેઓ ‘વિદ્યાપીઠ-ભોગ્ય (academic- ઍકડેમિક)’ સાહિત્ય અને વાઙ્મય પાછળ મચ્યા રહે છે, ફિલસૂફી અને શાસ્ત્રાોને સજીવન રાખે છે અને ખેડે છે, અણે ખીલવી આગળ ધપાવવા બનતું કરે છે, અને નવા પ્રશ્નો ને નવી ગૂંચો ને નવા અનુભવોનું દોહન જ ૈના વિદ્વાનોને અનુરૂપ કરે છે, તો જૂના સિદ્ધાંતો આ નવિ કસોટીએ ચડાવીને નવા કે નવાં જેવાં રૂપ પણ આપે છે. આ વિદ્યાપીઠ-ભોગ્ય સાહિત્ય દેશસાહિત્યવાઙ્મયનો તે ઉચ્ચ ભાગ છે, જેને માટે દેશની આખી પ્રજા આખી દુનિયામાં અભિમાન ધરાવે છે અને જગત્સાહિત્યના પ્રદર્શનમાં છાતી કહાડીને આગળ ધરે છે. (ખ) શિષ્ટ વિદ્વાનો અને એ વર્ગમાંના કલાકારો; જે પોતાના સમયના બધા જ્ઞાન વારસાના વારસ છે તથાપિ પોતાની શક્તિઓ જ્ઞાનક્ષેત્રના આવશ્યક ઉપસાહિત્યો અને શાસ્ત્રાોમાં ગાળવાને બદલે પ્રથમથી જ લાગી ગયેલી સૌંદર્ય અને સર્જનની મોહનીને લીધે તેઓ ખુદ સાહિત્યસર્જનના ક્ષેત્રમાં વિશેષ વિહરે છે. (ગ) અધકચરું ભણેલા, લઈ દોડેલા, વિદ્યા કરતાં શક્તિ વધારે એવા, બંને કરતાં ‘સાક્ષર’ બનવાનો લાભ વધારે એવા, અને બીજી સર્વ જાતના લેખકો, ઉચ્ચાશયી અને વિજયીથી માંડીને યેનકેન પ્રકારે પેટિયું મેળવી લેવાની વૃત્તિ જ પ્રધાન લક્ષણ ને પંક્તિ લગીના લેખકો.

પ્રજા દર દાયકે સાહિત્યવાઙ્મય પ્રીત્યર્થે જે દ્રવ્ય વેરે છે. તેનો મોટો ભાગ (ગ) વર્ગ ઉપાડી લે છે. (ક) અને (ખ) વર્ગને લક્ષ્મીનું એટલું મૂલ્ય હોતું નથી. અને (ખ) વર્ગમાં પણ દર પેઢીએ કેટલાક લેખકો લોકપ્રિય અને લેખણ પ્રભાવે જ સારું કમાનારા નીકળી આવે ખરા; પરંતુ (ખ) વર્ગના લેખકોની મોટી સંખ્યાની અને (ક) વર્ગના ઘણાખરા લેખકોની કમાણી (મુકાબલે ઘણી) જૂજ જ હોય.

આ પૃથક્કરણ અપ્રસ્તુત લાગશે, પણ તેને આપણા ‘હળવું ગંભીર’ એ કોયડો સાથે સંબંધ છે. (ખ) વર્ગના સારા લેખકો હળવા લખાણની શક્તિ પણ ખીલવી શકે છે અને તે ક્યાં કેટલા માપમાં કઈ રીતે વપરાય, તેનું એમનું રુચિતંત્ર અને એમની ઝીણવટ, (ગ) વર્ગમાંના પામરોના કરતાં ઘણા ઊંચા પ્રકારનાં હોય જ. રા. ભાઈશ્રી રમણલાલ હળવામાંથી ગંભીરમાં અને ગંભીરમાંથી પાછા હળી સપાટીએ યથેચ્છ વિહરે છે, એમની હળવીગંભીર શ્વેતઘેરી ગંગાજમની પાંખજોડીવાળું કલ્પનાપંખી ગંભીર જમીન ઉપર તેમ હળવા પાણીમાં મનમોજે ગતિ કરે છે અને નાચે છે, રમે છે, મજાક કરે છે, પાત્રને અગર વાચકને બનાવી જાય છે.

અમુક સંગીતઝરામાં નવરાવે છે, વારે વારે ચિન્તનની ખટમીઠી માત્રા પાઈ પણ દે છે, ર્ક્યાંય હાંફતું નથી, ક્યાંય એને સંભાળ પણ રાખવી પડતી નથી. પોતાની પાંખજોડની સ્થિતિસ્થાપક સમતોલતામાં પૂરેપૂરી શ્રદ્ધાથી એ હળવીગંભીર બંને દુનિયામાં વાચકને યાત્રા કરાવે છે.

(2) આધુનિક રાજકીય પ્રશ્નનાં જ ચિત્ર અને ચર્ચા, આકર્ષણો અને ખામીઓ, મુશ્કેલીઓ, અને સિદ્ધિસાધનો, આ નવલમાં કઈ રીતે રજૂ કરવામાં આવ્યાં છે, તેનું જ દર્શન – આપણી જૂની આરતીની પદ્ધતિએ, કેમ કે નવી પૃથક્કરણ પદ્ધતિ એથી ભિન્ન નથી – જરા શાંત એકાગ્ર માનસે કરી જુઓ. આ નવલમાં એ પ્રશ્નને કૃષ્ણકાંત એક દૃષ્ટિકોણથી જુએ છે, જનાર્દન બીજા, અરુણ ત્રીજા, કંદર્પ ચોથા, કંદર્પના પિતા નૃસિંહલાલ પાંચમા, રહીમખાન છઠ્ઠા અને ધનો ભગત સાતમા દૃષ્ટિકોણથી જુએ છે. અને વિમોચન, અને ‘કાકા’ ધનસુખલાલ, અને રંજન, અને અંગ્રેજો ? આ છ કે બાર મુદ્દે જ ભિન્ન દૃષ્ટિકોણોમાંથી કર્તાનો પોતાનો કયો વારુ ? રા. રા. રમણલાલ લેખે એમને પોતાના રાજકીય સિદ્ધાંતો અને વલણો હશે જ; પરંતુ તે સાથે અહીં આપણે લેવાદેવા નથી. અહીં નવલમાં કર્તાનો સ્વકીય દૃષ્ટિકોણ અને તજ્જન્ય પક્ષપાત કોઈ ઠેકાણે રજૂ થાય છે ખરો કે નથી જ થતો, એ આપણે તપાસવાનું છે. કર્તા તો એ દરેક પાત્ર કે પાત્રસસૂહના ઈતિહાસમાં તેને માથે જે ગઈગુજરી, તેમાંથી તેના ચારિત્રનું ઘડતર દેખાડે છે, અને તેનો દૃષ્ટિકોણ એ ચારિત્રને અનુરૂપ લાગે એવો જ આદિથી અંત લગી કલાકારની સાવધાનતાએ આલેખે છે. આનું નામ જ કલા : કલાની અહીંસા કહો, તટસ્થતા કહો,, હૃદયહીનતા કહો, સર્વ સહાનુભૂતિ કહો, વર્તમાન કર્તવ્ય છાંડી સ્વપ્નસૃષ્ટિમાં રમવાની પાગલતા કહો, નિરુપયોગીતા કહો જે એને કહેવી હોય તે તમારા દૃષ્ટિકોણ પ્રમાણે કહો, પણ તે આ

‘આરિયાં લ્યો રે, આરિયાં ! લીલાં છમ ! મીઠાં મધ ! કાચાં કરડો, કચુમ્બર કરો, શાક કરો, આથો, છૂંદો કરો, એકલાં ખાવ. ગમે તે સાથે ભેળવીને જમો : બધી જ રીતે મીઠાં આરિયાં લ્યો રે, આરિયાં !’ શાકબજારના આવા લલકાર ગમે તેવા બુલન્દાકર્ષક કંઠે લલકારાય, પણ તેને સંગીત કયો લમ્બકર્ણ કહેશે વારુ ? અને જે કાછિયા-કાછિયણનો કંઠ મોટાની સાથે આકર્ષક, તેમ જે કાછિયો-કાછિયાણ ગપ્પીદાસ લેખે વધુ હાજરજવાબી, તે સવારના ત્રણચાર કલાકમાં વધારે આરિયાં વેચી શકશે. બેશક ! પરંતુ શું એ એનો ઈષ્ટ વિજય સંગીતકલાનો વિજય ? દીવાનો માણસ પણ આ દૃશ્યનો એવો અર્થ નહિ કરે.

તેમ જ પ્રચારક ભાષણ, ચોપાનિયું; પ્રોટેસ્ટંટ પન્થના વિજયનો ફ્રેન્ચ રૅવોલ્યૂશનનો કે અહીંના કોઈ તાજા બનાવનો વર્ણણવિષયક કેવળ એકતર્ફી ‘ઈતિહાસ’, વાર્તા, નવલિકા કે સમ્વાદ, ‘નાટક કે નિબન્ધિકા’ – ગમે તેવી અસરકારક 5રીતે લખાયાં હોય, લેખનું ભાષાપ્રભુત્વ અને સૂક્ષ્મસ્થૂલ અલંકારપાટવ એમાંથી ચૂઈ પડતું હોય, તથાપિ એ અલંકારિક અને સચોટ સુસમ્બદ્ધ શુદ્ધ લખાણ એકતર્ફી છે, હકીકતોમાંથી અમુક ફાવતો જથો પસંદ કરીને, અરે તેમને પણ ખોટી બનાવી ખોટા ઓપમાં મૂકીને, તેનો અમુક વ્યવહારોપયોગી ક્ષણભોગ્ય ક્ષણજીવી ઘાટ જ ઘડવા ઈચ્છે છે અને તેમાં વિજય મેળવે છે. અર્થાત્ એ પ્રચારક વાઙ્મય ગમે તેટલું ફેલાય, ગમે તેટલું વખાણાય અને ગવાય, તેના કર્તા-કર્તાઓને ગમે તે લક્ષ્મી અને ઉપપદો અપાય, તેમને જ ખેડૂતો અને મૂરોના હૃદય લગી સોંસરા ઊતરવાની શક્તિવાળા સાચા સાહિત્યકાર અને કલાસર્જક ભલે ને કહેવામાં આવતા; પરંતુ નથિ એ કર્તાઓ કલાકારો, નથી એ વાઙ્મય કલાસાહિત્ય. પોતાના પક્ષને ટેકો દેવાની અને વધારાવાની તેની નિર્બલતામાં બળ રેડવાની અગર તેનાં બલ અને પ્રતિષ્ઠા અણે સત્તા વધારવાની એ હોશિયારી માત્ર છે. સદ્યોપયોગી કારીગરી લેખે ઊંચી, પણ કારીગરી તે કલા નથી. એમ તો રસોઈમાં, શીવણકામમાં, કપડાં-ઘરેણાં સજવાની ટાપટીપમાં અણે ઘણી ઘણી ઉપયોગી અને નિત્ય જરૂરી વસ્તુઓમાં ને ક્રિયાઓમાં ‘કલા’ છે, પણ તગે આ સાહિત્ય-સંગીત-કલાની ત્રિપુટીમાંની કલા નહિ.

લોકપ્રિય લખાણ અપક્ષ શાસ્ત્રીયતાથી પણ લખી શકાય છે અને સાચો પ્રજાવ્યાપક જ્ઞાનપ્રચાર આવાં અસરકારક, સંગીન, દીર્ધાયુ પુસ્તકો વડે જ ધીરે ધીરે થઈ શકે છે. સત્યકામી વ્યુત્પન્ન અને ભાષાપ્રભુ લેખકોને હાથે લખાતાં આવાં પુસ્તકો કોઈ પણ દેશના વાઙ્મયનું ઘણું કીમતી ધન છે; પરંતુ એ પણ હોશિયાર, સમર્થ, નીડર સેવાધર્મી જ્ઞાનપ્રચાર માત્ર છે, કલાકૃતિઓના વર્ગનાં નથી.

માનવીને હાથે ઊપજતા અને માનવી ઉપર આવી બનતા બનાવોના પ્રત્યાઘાત રૂપે, કુદરતી લાગણીઓ થઈ આવે અને ચારિત્ર-સ્ફટિક કુદરતી રીતે પરંતુ જુદી જુદી ઉછેરવાળી વ્યક્તિઓ અને વ્યક્તિટોળીઓમાં જુદી જુદી રીતે જામતા આવે તે દેખાડતાં દેખાડતાં તેમના અનેકવિધ સંયોગ તેમ સંઘટ્ટનમાં સૌંદર્ય પણ જુએ અને દેખાડે, અમુક સંઘમાં ચારિત્રભિન્નતા પ્રમાણે અમુક બનાવજૂથ અમુક અવસાન જ આણે એ જેટલું કુદરતી છે તેટલું મનનીય અને સુંદર પણ છે, એ અનેકાનેક વિગતોનું એકીકરણ જે આબાદ જુએ અને દેખાડે તે જ કલા : તે જ માનવપ્રતિભાનું અપ્સરાતીર્થ, ટૂંકામાં શુદ્ધ વાર્તામય સર્જનની કલામયતા – ચરિત્ર અને વસ્તુપ્રવાહના કુદરતી સુશ્લિષ્ટ સુંદર સમન્વયે (અન્યોન્યાશ્રયે) કૃતિની વૈયક્તિક એકતા.

હવે આ વસ્તુસંકલનાના અવસાનને ઉપર કરુણ-મંગલ મંગલકરુણ કહી ગયો તેનું પણ સમાપ્તિમાં જરા વિશેષ પૃથક્કરણ કરી લઈએ. નવલનાયક અરુણ આંખ ખોઈ દયાપાત્ર સ્થિતિમાં આવી પડયો એ સ્થૂલ વિગતે કરુણ છે ખરી, પણ નવલના અવસાનને કરુણ ગણવાનું કારણ આ સ્થૂલક વિગત નથી. અરુણનું ચરિત્ર એ ક્ષણ લગીમાં એવું ઘડાયું હતું કે અગ્નિમાંથી ગમે તેના જાન બચાવવાનો સંભવ જ્યાં લગી જણાય ત્યાં લગી એ જુવાન ત્યાંથી ખસે જ નહિ; પોતે છેલ્લો જ જાતનું સંરક્ષણ શોધે, અને બેભાન થઈ જતાં લગી તેણે એ શોધ્યું જ નહિ, એ જ વર્તન એના ચારિત્રને માટે કુદરતી હતું. હવે જુઓ કે એમાંથી પરિણામ નીપજે છે – તદ્દન કુદરતી રીતે, – અંધાપાનું. અને આ એનું ચારિત્ર, એ જે આ નવી દયાપાત્ર સ્વાશ્રયી જીવન ગાળવાને છેક જ અશક્ત હાલતમાં આવી પડયો, તે હાલત સામે મુખે ભેટો દેવાને, છાતી બહાર અને ગરદન સુદૃઢ રાખી જીવન જીવવાને. એ જ અરુણને બિલકુલ તૈયાર કરી શક્યું નહોતું, એ જીવતો રહ્યો; પણ આ નવી હાલત – આફત – ના પ્રથમ આઘાતમાં એનું દિલ થીજી ગયું, મરી જ ગયું, ‘જિંદગી ઝિંદાદીલીનું નામ છે : જીતવું દિલ જીતવાનું કામ છે :’

બીજાઓનાં દિલને જિતાય પણ વિશેષ તો પોતાનાંને જિતાય અને વશ રખાય તે જિંદગી અને આ આપણા વીર પણ માત્ર નવજુવાનીના પહેલા તરંગ લગીના જ અનુભવવાળા નાયકનું દિલ આ જબરા આઘાતથી એટલું થીજી ગયું, એટલું તો આભું બની ગયું, કે તે લગભગ મરી જ ગયું, અને એ એકાંત મળ્યું છે એવી ખાતરી થતાં અગ્નિએ પણ ન કર્યું તે પૂરું કરવા ફાંસો ખાઈ આપઘાત કરવાની ખટપટમાં પણ પડી ગયો. નવલના અવસાનની કલાઘટના લેખે કરુણતા અહીં છે. ઉપલી સ્થૂલ હકીકતમાં તેને સમાયલી જોનાર દૃષ્ટિ પામર છે. કલાક્ષેત્રમાં હજી ઊઘડેલી નથી.

અવસાનના આ કરુણ તંતુ સાતે કલાકારે એક મંગળ તંતુ વણ્યો છે, તે પણ સૂક્ષ્મ દૃષ્ટિએ પારખવાનો છે. નવલનાયિકા રંજન અરુણને અકસ્માત પહેલાં ચાહતી હતી તેટલી જ અકસ્માત પછીયે ચાહ્યા કરે છે, એ તો સ્થૂલ હકીકત માત્ર છે; પુષ્પા અરુણનો પ્રેમ રંજન ઉપર જ જામી ગયેલો જોતાં પોતાની ઠરેલ પ્રકૃતિ પ્રમાણે તેને પાછો રંજનને સોંપી દે છે, અને અરુણ-રંજન બેનાં એક બને છે, એ હકીકત પણ મુકાબલે સ્થૂલ છે. એ હકીકતની મંગલમયતા રંજનના સદાનંદી સાદલહેરી પતંગ સુંદર અત્પરંગી બહારથી ભભકભરી મોહકતાવાળાં પણ અંદરથી સુદૃઢ સ્ત્રી ત્વના હેતે છલોછલ ભરેલા ચારિત્રમાં છે. કર્તાએ આ નવલમાં જે નાનામોટા વિજયો સર કર્યા છે તેમાં આવા ચારિત્રની યુવતીને તેને છાજે અને ખિલાવે એવી પરિસ્થિતિમાં એઓ ચીતરી શક્યા છે, તે કદાચ એમનો મોટામાં મોટો વિજય છે. અને જેલમાં આગ લાગી એ જેમ એક જાતનો અકસ્માતદ તેમ અરુણની બહેન સુરભિને આવા ચારિત્રવાળી નણંદ હોવી તે બીજી કોટિનો અકસ્માત છે. પણ કર્તાએ રંજનને પહેલી ક્ષણથી આવી ચીતરી છે તે બતાવી આપે છે કે નાયક-નાયિકા અમુક તેમ અવસાને અમુક જ, એવો દૃઢ નિર્ણય કરીને જ કર્તાએ વાર્તા લખવી આરંભેલી; કેમ કે અરુણના થીજી લગભગ મરી ગયેલા દિલને પાછું સજીવન કરવાને માટે આવા ચારિત્રવાળી સ્ત્રીનો અખૂટ પ્રેમ, એ જ ઉત્તમોત્તમ સાધન છે, નઃસંશય. એક બુદ્ધિ, બે હાથ અને બે પગને આંખની ખોટ જેટલી સાલે, તેટલી બે બુદ્ધિ, ચાર હાથ અને ચાર પગને (બે જોડામાંથી એક જોડ) આંખની ખોટ ન જ સાલે, નઃસંશય. તો અરુણના ચારિત્રને થયેલા ભારે મરણતોલ આઘાતનો સાચો ઉતાર એની પત્ની અને સહધર્મચારિણી બનવામાં જ જીવનને સાર્થક માનતી રંજનનું ચારિત્ર છે, એ જ આ અવસાનનો સાચો મંગલમય તન્તુ છે.

આ ક્રાંતિનો અર્થાત્ વધતી જતી આંધીનો યુગ ચાલી રહ્યો છે – હિંદના બીજા ભાગો કરતાં ગુજરાતમાં વિશેષ – તેમાં બીજા વિષયોમાં તેમ કલા સાહિત્ય વિશે અનેકાનેક નાનાંમોટાં ટોળાં, નાનીમોટી વ્યાસપીઠો ઉપરથી અનેસારી નબળી ચોપડીઓ, ચર્ચા આદિ રૂપે યદ્વા તદ્વા ફેંકાફેંકી કરી રહ્યાં છે. અને પોતાના ઈષ્ટ પ્રચારકાર્યમાં કલા અને સાહિત્યને પણ દડો બનાવી લઈ, તેને ટોલ્લા લગાવી રહ્યા છે; એવા આ કોલાહલી સમયમાં એક જ રસિક નવલને વળગીને સ્પષ્ટ દાખલાઓ વડે કલા અને સાહિત્યના સ્વરૂપ વિષે બે મુદ્દા શાંત શાસ્ત્રીય સુશ્લિષ્ટતાએ અહીં ચર્ચ્યા છે, તે કોઈ કોઈ સત્યકામી એકાગ્ર વાચકની બુદ્ધિમાં તો પેસી શકશે ખરા, એવી આશા છે.

વડોદરા

તા. 29-12-193

બળવંતરાય કલ્યાણરાય ઠાકોર