નવલકથાપરિચયકોશ/જય સોમનાથ

From Ekatra Wiki
Revision as of 05:44, 25 December 2023 by Meghdhanu (talk | contribs) (added pic)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૬

‘જય સોમનાથ’ : કનૈયાલાલ મુનશી

– સુશીલા વાઘમશી
Jay Somnath.jpg

પંડિત યુગ અને ગાંધી યુગનો સંધિકાળ એટલે કનૈયાલાલ મુનશી. પંડિત યુગ અને ગાંધી યુગના પ્રભાવને આત્મસાત્ કરી પોતાનો આગવો માર્ગ કંડારનાર પ્રભાવી વ્યક્તિત્વ ધરાવનાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ૩૦-૧૨-૧૮૮૭ના રોજ ભરૂચમાં થયો હતો. પિતાના અવસાન બાદ માતાની હૂંફ અને અભ્યાસ દરમ્યાન અરવિંદ ઘોષ અને પ્રા. જગજીવન શાહ જેવા મહાનુભવોનો સંસર્ગ, તેમના દ્વારા પ્રાપ્ત થતી જીવંત પ્રેરણા, વાદમંડળો અને મિત્રમંડળીઓ મુનશીને ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. વડોદરા કૉલેજમાં ગ્રેજ્યુએશન પૂર્ણ થયા બાદ ૧૯૦૭-૮માં મુનશી એલ. એલ. બી.ના અભ્યાસ માટે મુંબઈ આવે છે અને ૧૯૧૩માં ઍડવોકેટ થઈ વ્યવસાયમાં સ્થિર થાય છે. સાહિત્યક્ષેત્રે ‘મારી કમલા’થી માંડી આઠ ભાગમાં લખાયેલી ‘કૃષ્ણાવતાર’ (અપૂર્ણ) સુધી ૫૯ના વિશાળ પટ પર મુનશીનું સર્જન પથરાયેલું છે. મુનશીના નવલકથા સર્જનને ધ્યાનમાં રાખતાં ગુજરાતી નવલકથાના વિકાસમાં મુનશીનું નવલકથા પ્રદાન એક આગવી ભૂમિકા રચે છે, સાથે આવનાર પેઢી પર પોતાનો પ્રભાવ છોડી જાય છે. મુનશીનું નવલકથાલેખન સામાજિક નવલકથા દ્વારા થાય છે, પરંતુ તેમને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે ઐતિહાસિક નવલકથાઓ દ્વારા. ગુજરાતનો સુવર્ણકાળ ગણાતા સોલંકીયુગને નવલકથામાં ઉતારવાનું કાર્ય મુનશી ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’માં કરે છે. આ નવલકથાત્રયી દ્વારા મુનશી નવલકથાકાર તરીકે કીર્તિ મેળવે છે. આ પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથાત્રયી બાદ મુનશી ફરી એક દીર્ઘ વિરામ પછી આ નવલત્રયીના પુનર્સંધાન તરીકે ‘જય સોમનાથ’માં ફરી સોલંકીયુગની કથા માંડે છે. ‘જય સોમનાથ’ની પ્ર.આ. ભારતીય વિદ્યાભવન, મુંબઈ દ્વારા ૧૯૪૦માં પ્રગટ થાય છે. નવલકથાના આમુખમાં મુનશી જણાવે છે : ‘ગઝનીના અપ્રતિહત વિજેતા સુલતાન મહમૂદે સોમનાથ પર ચડાઈ કરી ત્યારે હિંદની અને ખાસ કરીને ગુજરાતની શી દશા હતી તે ચીતરવાનો આમાં કંઈક પ્રયત્ન છે. એક તરફ વ્યવસ્થાશીલ પ્રચંડ વિજેતા અને બીજી તરફ વીરત્વના તણખા જેવા રાજવીઓ, એ બેની પહેલવહેલી અથડામણમાં અનેક મહાકાવ્યોની સમૃદ્ધિ સમાયેલી છે.’ સર્જકે જણાવ્યું તેમ તેમનો ઉદ્દેશ મહમૂદે સોમનાથ પર ચડાઈ કરી તે આલેખવાનો નહિ પરંતુ ગુજરાતના રજપૂતોએ જે વીરતા અને ભક્તિભાવથી એકતા સાધી તેનો પ્રતિરોધ કર્યો તે છે, સાથે આ નવલકથામાં ભીમદેવ અને ચૌલાદેવીના પ્રણયનો સૂક્ષ્મ તાંતણો ગૂંથાયો છે. હવે વિગતે નવલકથાનું વસ્તુ જોઈએ. ‘જય સોમનાથ’ નવલકથામાં કથાનક તરીકે સુલતાન મહમૂદ ગઝનવીએ ૧૦૨૪માં ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરને તોડી, તેની મૂર્તિના ટુકડા કરી, મંદિરની સંપત્તિ લૂંટી પોતાને વતન લઈ ગયો. આ ઇતિહાસ પ્રસિદ્ધ ઘટનાને મુનશીએ કલ્પના વડે ગૂંથી છે. ૧૭ પ્રકરણોમાં વિભાજિત ‘જય સોમનાથ’ નવલકથાનો આરંભ જગતના નાથ એવા સોમનાથ મહાદેવનાં દર્શન માટે ભારતભરમાંથી ઊમટતા હજારો ભક્તોની ભક્તિ અને આસ્થાના કેન્દ્ર તરીકે સોમનાથના ભવ્ય મંદિરના એકેએક ખૂણાના પ્રત્યક્ષ વર્ણનથી થાય છે. સાથે ચૌલાના બાહ્ય સૌંદર્ય વર્ણન અને તેના ભક્તિભાવપૂર્ણ માનસનો પરિચય આરંભમાં જ મળી રહે છે. ગંગ સર્વજ્ઞ અને ગંગાની પુત્રી ચૌલા મનથી ભગવાન સોમનાથને સમર્પિત છે. તેના જીવનની એક માત્ર ઇચ્છા પાર્વતી રૂપે ભગવાન શિવને પામવાની છે. પરિણામે નવલકથાના આરંભમાં ચૌલાનું નૃત્ય જે ઇષ્ટદેવને રીઝવવાનો પ્રયાસ છે, તો અંતિમ નૃત્ય ક્ષમાપ્રાર્થના રૂપે પોતાને સ્વીકારવાની પ્રભુને આજીજી છે. નવલકથાના મધ્યમાં અનેક રાજવીઓએ ધર્મના રક્ષણ માટે મહમૂદને આપેલ અપૂર્વ પ્રતિરોધ છે. ગરજનનો હમ્મીર સોમનાથના મંદિરને તોડવા આવી રહ્યો છે એવા દામોદર મહેતા દ્વારા સમાચાર મળતા ગંગ સર્વજ્ઞ હમ્મીરના પ્રતિરોધ માટે રાજવીઓને એક કરી ભીમદેવને ધર્મના રક્ષણનું નેતૃત્વ સોંપે છે. આ મુખ્ય કથાનક સાથે ત્રીપુરસુંદરીની ઉપાસના કરતા કાપાલીઓ અને અઘોરીઓની સાધનાનો કથાતંતુ પણ વણાતો જાય છે, કારણ કે એના આલેખન વગર સર્જકે કહ્યું તેમ પ્રભાસનું સંપૂર્ણ દર્શન શક્ય નથી. ભીમદેવ દ્વારા ચૌલાનો બચાવ અને કાપાલીની હત્યાની ઘટના, ચૌલા અને ભીમદેવને પરસ્પર નજીક લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તો બીજી તરફ ગંગ સર્વજ્ઞ દ્વારા સજ્જનસિંહ અને સામંતને ઘોઘાગઢ પહોંચી ઘોઘારાણાને સોમનાથની રક્ષા માટે તત્પર રહેવાનો સંદેશો પહોંચાડવાનું કપરું કામ સોંપવામાં આવે છે! આમ, ભીમદેવ બાદ સોમનાથના રક્ષણમાં સજ્જનસિંહ અને તેના પુત્ર સામંતસિંહની મુખ્ય ભૂમિકા છે. નવલકથાના આરંભથી માંડીને અંત સુધી સામંતસિંહનું પાત્ર જાણે નાયક ભીમદેવ કરતાં પણ ચડિયાતું અને યાદગાર બની રહ્યું છે. માત્ર પિતા-પુત્ર જ નહિ પરંતુ ઘોઘારાણાના આખા કુળમાં એક પણ વીર જીવતો હશે ત્યાં સુધી હમ્મીર આગળ નહીં વધી શકે! એવું વચન આપીને મારતી સાંઢણીએ બન્ને અલગ અલગ માર્ગે ઘોઘાગઢ સંદેશો પહોંચાડવા નીકળે છે. પિતા સામંતને રણમાર્ગે ગામોને સ્મશાન બનાવી ચાલી આવતી હમ્મીરની સેનાને નજરે નિહાળતાં તેની વાસ્તવિક શક્તિનો સાચો પરિચય થાય છે! પરિણામે કળથી કામ લઈ યવન સેનાના ભોમિયા બની સાંઢણી પદમડી વહુ સાથે હસતે મુખે સ્વયંને અને મહમૂદની સેનાના એક ભાગને રણની આંધીને હવાલે કરી હમ્મીરને મુગ્ધ કરે છે! તો ઝાલોરના માર્ગે આગળ વધતો પુત્ર સામંત રંડાયેલા ભમ્મરિયાગઢને જોતા ભાંગી પડે છે. પોતાના કુલદેવતા ભમ્મરિયા મહાદેવના મંદિરનો ધ્વંસ અને તેના બાણના કટકા જોઈ બેશુદ્ધ બને છે. શુદ્ધિમાં આવતા આખા ગઢમાં બાકી રહેલ એક માત્ર માનવી રાજગુરુ નન્દિદત્ત પાસે ઘોઘાબાપાની યશગાથા રૂપે તેમની ધર્મના રક્ષણ માટેની ન્યોછાવરી અને પોતાના કુલના એકે એક પુરુષથી માંડીને ૬૦૦ વીરાંગનાઓએ કરેલા જૌહરની ગાથા સાંભળી ભગ્ન, શુષ્ક સામંત નન્દિદત્ત સાથે પોતાના પિતા અને યવનસેનાની શોધમાં નીકળી પડે છે. યવનસેનાના પડાવ પર પહોંચી સુલતાન મહમૂદને મળે છે. સામંત સુલતાનની કસોટી પર ખરો ઊતરી તક મળતાં સુલતાનના ગળા પર ખંજરથી અસફળ વાર કરી પોતાની વીરતા અને અડગતાનો પરચો આપે છે. મહમૂદને તેનો ખરો પરિચય થતાં દુશ્મન હોવા છતાં એક સાચા યોદ્ધા તરીકે ઘોઘારાણા, તેના પિતા સજ્જન અને પુત્ર સામંતની વીરતાની પ્રશંસા સાથે જીવનદાન પામે છે. સોમનાથને બચાવવાનું જીવન કર્તવ્ય લઈ સામંત સોમનાથ ગંગ સર્વજ્ઞ પાસે પહોંચી બધી વિતક જણાવી હમ્મીરની સાચી શક્તિનો પરિચય આપે છે, સાથે પાટણમાં હમ્મીરનો સામનો કરવા તત્પર ભીમદેવ અને અન્ય રાજવીઓને ગર્વ મદ્તામાંથી બહાર કાઢી વાસ્તવિકતાનો પરિચય કરાવી હમ્મીરને પાછળથી હંફાવવામાં અને પાટણ ખાલી કરી પ્રભાસ જવા માટે ભીમદેવને મનાવી શકે છે. પાટણ છોડી પ્રભાસ સોમનાથનું રક્ષણ કરવા આવનાર ભીમદેવને પ્રજાની સાથે ચૌલા પણ ભગવાન રુદ્રનો અવતાર માનવા લાગે છે અને પોતાનું સર્વસ્વ જાણે પોતાના આરાધ્યદેવ શિવને અર્પણ કરતી હોય એમ પાર્વતી રૂપે અર્પે છે! મનોમન ચૌલાને ચાહતો સામંત ચૌલાના સમર્પણથી અભિગ્ન થતાં ભગ્નાશ બની ચૌલાને ધર્મની બહેન માની યુદ્ધની પરિસ્થિતિમાં પણ ભીમદેવ સાથે ચૌલાને પરણાવે છે! હમ્મીરનું સૈન્ય પ્રભાસ આવી પહોંચતાં અપૂર્વ બુદ્ધિ અને બળથી ભીમદેવ અને અન્ય રાજવીઓ હમ્મીરની સેનાને હંફાવે છે પરિણામે હમ્મીરની સેના પીછેહઠ કરે છે. આ તરફ સર્વજ્ઞ પદનો અભિલાષી અને ચૌલાને પ્રાપ્ત કરવા ઇચ્છતો શિવરાશી ચૌલા અને ભીમદેવનાં લગ્ન વિશે જાણતાં, પોતાની વૈરાગ્નિ તૃપ્ત કરવા હમ્મીરને મળી ગુપ્ત માર્ગની બાતમી આપે છે. જેના કારણે જુનાગઢી દરવાજો પડે છે. ભીમદેવ ઘાયલ થાય છે, સામંત ચૌલા અને ભીમદેવને લઈ પાટણ છોડે છે. મંદિર તૂટે છે, ભગવાન સોમનાથના બાણના કટકા થાય છે અને ગંગ સર્વજ્ઞ પણ પોતાના ઇષ્ટ દેવ સાથે પડે છે! ભગવાન સોમનાથને બચાવવામાં અસફળ અને મહમૂદ દ્વારા ભીમદેવની હારથી ચૌલાનો ભ્રમ ભાંગે છે અને પોતે ભગવાનથી નહિ પણ સામન્ય મનુષ્યથી સગર્ભા બની છે એવું જાણતાં તેનો ભ્રષ્ટ થયાનો અપરાધબોધ તીવ્ર બને છે પરિણામે તે ભાવશૂન્યતાની દશાએ પહોંચે છે. સામંતના પ્રયાસોથી ગુજરાત અને ઉજ્જેન, મારવાડ અને પાટણના સૈન્ય સાથે સ્વસ્થ થયેલો ભીમદેવ હમ્મીરને ગુજરાતમાંથી નસાડે છે. સોમનાથના મંદિરને પુનઃ બંધાવવામાં આવે છે. પરંતુ ચૌલા માત્ર પોતાના ઇષ્ટદેવને અંતિમ સમર્પણ કરવા જ જીવી રહે છે અને પ્રાયશ્ચિત્ત રૂપે મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના ઉત્સવમાં નૃત્ય કરતાં કરતાં પોતાના પ્રાણ સમર્પે છે! સર્જકતાની દૃષ્ટિએ જોતાં જય સોમનાથમાં મુનશીની ભાષા, વર્ણનકળા, પાત્રલેખનકળા અને વસ્તુની ચુસ્ત ગૂંથણી નવલકથાનું જમા પાસું છે. સાદ્યંત વાચકને જકડી રાખનાર મુનશીની કથનકળાનો સારો પરિચય આ નવલકથા દ્વારા થાય છે. વર્ણનકળાની દૃષ્ટિએ સોમનાથ મંદિરનું વર્ણન, રણની આંધીનું વર્ણન, ચૌલાનું રૂપ અને નૃત્ય વર્ણન, કાપાલી અને તેની વિધિઓનું વર્ણન, ઘોઘારાણાનાં પરાક્રમોનું વર્ણન, મહમૂદની સેનાનું વર્ણન, ભીમદેવ અને અન્ય રજપૂતોનાં યુદ્ધ વર્ણનો મુનશીની વર્ણનશક્તિનો પરિચય આપે છે. પાત્રની દૃષ્ટિએ ભીમદેવ, ચૌલા, મહમૂદ હમ્મીર, સજ્જન ચૌહાણ, સાંઢણી પદમડી, સામંત, ગંગ સર્વજ્ઞ, શિવરાશી વગેરે નવલકથાનાં જીવંત પાત્રો છે. સમગ્ર નવલકથામાં સામંત અને ચૌલાનું પાત્ર વધારે સ્પર્શી જનારું છે. સામંતની કર્તવ્યનિષ્ઠા અને ભક્તહૃદયી ચૌલાના અંતરનું સૂક્ષ્મ આલેખન મુનશીની પાત્રાલેખનકળાનો સુખદ અનુભવ કરાવે છે. વિનોદ અધ્વર્યુ જણાવે છે તેમ ચૌલાની- “નિર્દોષ મુગ્ધતા, અકલંક ચારુતા, અને ભાવસભર સ્વપ્નદર્શિતા આ અન્યથા ‘યુદ્ધસ્ય કથા’ને માર્દવ, માધુર્ય અને ભાવનામયતાથી ભરી દે છે. એની શિવઘેલછા, પાર્થિવતાની કઠણ ભૂમિમાં અપાર્થિવતાની મનોહર છાયા પ્રસરાવે છે. પણ સૌથી વધુ તો, સોમનાથના ધ્વંસ પછી, ઉત્તરાર્ધમાં નિરૂપિત ભાવનાભગ્ન ભાવશૂન્ય એવી એ નિભ્રાંત નારીની, એના ભગવાનની પુનઃસ્થાપનાના મુહૂર્તની રાહ જોતી, અને એમ આત્મવિલોપનની અંતિમ ક્ષણની પ્રતીક્ષા કરતી કરુણમૂર્તિનું આલેખન આ નવલકથાને અંતે જે ઘેરા વિષાદનો અનુભવ કરાવે છે તે કદાચ આ નવલકથામાં મુનશીની કલાનું સર્વોચ્ચ સર્જન છે.” (પૃ. ૧૬૮, ગુ.સા.ઇ. ગ્રંથ-૪) ચૌલાની ભાવશૂન્યતા અને સામંતની દિશા વિહિનતા એ આ નવલકથાને ઘેરા કરુણ તરફ લઈ જાય છે.

સંદર્ભ :
૧. ‘જય સોમનાથ’, કનૈયાલાલ મુનશી, પ્ર. આ. ૧૯૪૦, પુ.મુ. ૨૦૧૯, ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
૨. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ-૪, પ્ર. આ. ૧૯૭૬, પાં. આ. ૨૦૧૮, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.

ડૉ. સુશીલા વાઘમશી
મદદનીશ પ્રાધ્યાપક,
મહારાવશ્રી લખપતજી સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,
દયાપર, જિ. કચ્છ
મો. ૯૯૧૩૧૪૦૮૮૮
Emailઃ vaghamshisushila૬૨@gmail.com